હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ

14 November, 2020 03:53 PM IST  |  Mumbai | Deepak Mehta

હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ

ઓગણીસમી સદીના મુંબઈમાં દિવાળી

દિવાળીના દિવસોમાં મુંબઈમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે એટલો આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતો નહીં હોય. આ ઉત્સવ સતત પાંચ દિવસ ચાલે છે અને એ જોવા લોકો દૂર-દૂરથી મુંબઈ આવે છે. જાતજાતનાં ચિત્રો, અરીસા, હાંડીઓ, ઝુમ્મર વગેરેથી ઘરોનાં દીવાનખાનાં, પેઢીઓ વગેરે એટલાં તો શણગારાય છે કે એની સામે શ્રીમંતોના આરસમહેલ તો પાણી ભરે. કિલ્લામાં, બજારોમાં, રસ્તાઓ અને ગલ્લીઓ પર, ઘરોમાં અને ઘરોની બહાર, હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવા ઝગમગતા જોવા મળે છે. એ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે અને ઠેર-ઠેર ઘોડાગાડીઓની લાંબી હાર જોવા મળે છે. ચોપડાપૂજનની સાંજે તો પેઢીઓમાં જે ઉજવણી થાય છે એનું વર્ણન કરવું અશક્ય છે.

નવા આણેલા ચોપડાઓનું પૂજન દરેક પેઢીમાં થાય છે. એ સાંજે તો કોટ અને બજાર વિસ્તારમાં એટલા લોકો હોય છે કે તેમની ગાડીઓની લાંબી-લાંબી કતાર જાણે નદીમાં પૂર આવ્યું હોય એમ આગળ ને આગળ ધપતી જોવા મળે.

એ દિવસે ગુજરાતી ઘોડાવાળાઓ એકસરખો પોશાક પહેરી એકઠા થાય છે અને પગે ઘૂઘરા અને કમ્મરે કમરબંધ બાંધી, હાથમાં બે-બે લાકડી લઈને ઘરે-ઘરે જઈ નાચતા હોય છે અને ગાતા હોય છે. તેમને આઠ આના-રૂપિયાની બક્ષિસ આપીને લોકો રાજી કરતા હોય છે. બલિપ્રતિપદા એ ગોવાળિયાઓ માટે બહુ મોટો તહેવાર હોય છે.

એ દિવસે પોતાનાં ગાય-ભેંસને શણગારીને તેઓ પંચવાદ્ય વગાડતાં ઘરે-ઘરે ફરે છે. લોકો પંચારતી (પાંચ દીવાવાળી આરતી) કરીને તેમને વધાવે છે.

દિવાળીના દિવસોમાં આડોશપાડોશનાં બૈરાંઓ સાંજે ભેગાં મળીને કેવળ મોજ ખાતર જાતજાતનાં ગીતો ગાય છે, જેમ કે,

મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં
રસ્તાનો નહીં પાર.
બન્ને બાજુ ઘર છે મોટાં,
શોભે નકશીદાર.
ઘરને રંગ્યાં અનેક રંગે,
રંગોનો શણગાર.
મુંબઈ તો છે ભપકાદાર,
મુંબઈ તો છે ઠસ્સાદાર.
મુંબઈ શે’રની મોજ માણવા...
મુંબઈમાં તો અલી!
જુઓને શોભે તૈણ બજાર,
ભાયખળામાં શાક સવારે,
ફૂલ-ફળોની હાર,
માર્કેટની બજાર,
તહીં કીડિયારું અપરંપાર.
માળી ઘરે ન આવતાં,
મુંબઈ શે’ર મોઝાર.
ફૂલ લાવવા જવું પડે બઈ
ઠેઠ ચીરાબઝાર.
ગુલાબ દેશી, વેલાતી ચંપો,
આસોપાલવનાં તોરણની
ઠેર-ઠેર છે હાર.
મુંબઈ શે’રની મોજ માણવા...
મુંબઈમાં તો એક નહીં,
પણ બબ્બે છે દરબાર,
ટંકશાળમાં સિક્કા ને
નોટોની છે લંગાર,
ટાઉન હૉલમાં જહાં જુઓ ત્યાં
ચોપડીઓની હાર.
મુંબઈના દરિયાને કાંઠે બંદર
તો છે સાત,
બોરીબંદર, ચિંચબંદર, કોયલાબંદર,
ઉરણબંદર ચાર,
માહિમનું ને ભાયખળાંનું બંદર,
અને સાતમું ભાઉચા ધક્કાનું બંદર
છે મુંબઈ મોઝાર.
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં
રસ્તાનો નહીં પાર.
(૧૮૬૩માં પ્રગટ થયેલા ગો. ના. માડગાંવકરના મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’માંથી મુક્ત અનુવાદ)

મુંબઈની દિવાળી ગાંધીજીની નજરે

હવે દિવાળી આવી પહોંચી. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાહળા થઈ રહી છે. અલબત્ત, જેણે લંડનની રિજન્ટ સ્ટ્રીટ અથવા ઑક્સફર્ડ સ્ટ્રીટ જોઈ જ નથી તેને જ એ આંજી નાખનારી લાગે, અને એની સરખામણી ક્રિસ્ટલ પૅલેસ પર જે પ્રમાણે રોશની કરવામાં આવે છે એની સાથે કરવાની હોય નહીં. મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો-સ્ત્રીઓ, અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરીને ફરવા નીકળે છે. એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી. એથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે અને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃશ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવાં ચોપડડાં શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોક બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે અને આ પૂજાનું મુહૂર્ત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાના ફૂટવાના ફટફટ ને સૂ સૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોમાં દર્શને જાય છે, પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.
ગાંધીજી

(લંડનના સામયિક ‘ધ વેજિટેરિયન’ના ૧૮૯૧ની ૪ એપ્રિલના અંકમાં લખેલા લેખના અનુવાદના સંકલિત અંશો)

રાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરા

આજે તો મરાઠીમાં દર વર્ષે લગભગ ૧૫૦ જેટલા દિવાળી અંક પ્રગટ થાય છે એમાં માસિક-સાપ્તાહિકના વિશેષાંકો તો ખરા જ, પણ વરસમાં એક જ વાર પ્રગટ થતા હોય એવા દિવાળી અંકોની સંખ્યા ઘણી મોટી. મરાઠી દિવાળી અંકોની પરંપરાને આ વરસે ૧૧૧ વરસ પૂરાં થયાં. ૧૯૦૯ની દિવાળી વખતે ‘મનોરંજન’ માસિકનો દિવાળી અંક પ્રગટ થયો એ મરાઠીનો પહેલો દિવાળી અંક. કાશિનાથ રઘુનાથ આજગાંવકર (મિત્ર) નામના ૨૩ વરસના છોકરડાએ ૧૮૯૫ના જાન્યુઆરીમાં ૧૨ પાનાંનો ‘મનોરંજન’ માસિકનો પહેલો અંક મુંબઈથી બહાર પાડ્યો, પણ આવો વિચાર તેને સૂઝ્‍યો કઈ રીતે? આપણી ગુજરાતી ભાષામાં મુંબઈથી પ્રગટ થતું ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક જોઈને. બીજી ઘણી બાબતોની જેમ હળવું (હલકું નહીં) મનોરંજન આપતાં સામયિકોની બાબતમાં પણ પારસીઓએ પહેલ કરી હતી. છેક ૧૮૮૫ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જીજીભાઈ ખરશેદજી કાપડિયાએ ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક મુંબઈથી શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વરસ તેમણે એ ચલાવ્યું અને પછી એ વખતના ખૂબ જાણીતા પ્રકાશક જહાંગીરજી બેજનજી કરાણીની કંપનીને વેચી દીધું. મરાઠી માસિક શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો આજગાંવકરે એનું નામ ‘માસિક મૌજ’ રાખવાનું નક્કી કર્યું હતું. એ નામવાળાં જાહેરાતનાં હૅન્ડબિલ પણ વહેંચ્યાં હતાં, પણ આ નામ પોતાના સામયિકને ઘણું મળતું આવે છે એમ જણાવી જહાંગીર કરાણીએ મરાઠી સામયિકનું નામ બદલવા જણાવ્યું. એટલે પછી નામ રાખ્યું ‘મનોરંજન.’ પોતાનું પાક્ષિક વેચી દીધા પછી જીજીભાઈએ ૧૮૯૦માં ‘ગમ-ગોસાર’ નામનું માસિક કાઢેલું. એ ઉપરાંત ‘એ તે બૈરી કે...’ ‘વેલાતી મલાઉન’ નામનાં કથાત્મક પુસ્તકો પણ તેમણે લખેલાં.

ત્યારથી શરૂ થયેલી મરાઠી દિવાળી અંકોની પરંપરા આજે તો ઘણી સમૃદ્ધ થઈ છે. છેલ્લાં કેટલાંક વરસથી છાપેલા અંકની સાથોસાથ એની ડિજિટલ આવૃત્તિ પણ ઘણા દિવાળી અંકોએ શરૂ કરી છે, તો કેટલાક હવે માત્ર ડિજિટલ આવૃત્તિ જ પ્રગટ કરે છે. બીજો એક નવતર પ્રયોગ પણ શરૂ થયો છે, ઑડિયો દિવાળી અંકોનો. આનો લાભ એક બાજુથી ઘડપણને લીધે વાંચવાની તકલીફ હોય એવા લોકો લઈ શકે છે, તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમને કારણે મરાઠી ભાષા લખી-વાંચી શકતા નથી, પણ સમજી અને બોલી શકે છે એવાં યુવક-યુવતી લે છે અને મરાઠી દિવાળી અંકોમાં માત્ર કવિતા, વાર્તા, લેખ વગેરે જ હોય છે એવુંય નથી. કુટુંબજીવન, લગ્નજીવન, કમ્પ્યુટર શિક્ષણ, સમતોલ આહાર, સ્ત્રીઓના પ્રશ્નો, ઇતિહાસ અને વિજ્ઞાન જેવા કોઈ એક વિષય પરના લેખો અને માહિતી આપ્યાં હોય એવા દિવાળી અંકો પણ દર વરસે પ્રગટ થાય છે અને સારાંએવાં વેચાય છે પણ ખરાં. ગિરગામ, દાદર, પાર્લા-ઈસ્ટ જેવા વિસ્તારોમાં આવેલી સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાંથી પાંચ-છ મહિના સુધી લાવીને દિવાળી અંકો વાંચનારો પણ મોટો વર્ગ છે. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોની સ્પર્ધા પણ થાય છે અને ઇનામો અપાય છે, પણ આં સમૃદ્ધ પરંપરાના મૂળમાં એક પારસી નબીરાએ શરૂ કરેલું ગુજરાતી સાપ્તાહિક રહેલું છે એ હકીકત આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

ચીનાબાગની લાઇટો જોવા આખું મુંબઈ ઊમટે 

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઇટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઊમટે. ચીનાબાગમાં જમણ હોય. ગિરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારાં પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાગમટે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓના હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓને નવાજેશો થાય. બંગલાના કીમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હૉલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયાં પર કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂરા દમામથી બેસે ને અમારા મહેતા-કારકુન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચડાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશોમાં મળેલા પાઘડી, અંગરખા, ઉપરણા ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારના નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.

પછી એકેક કુટુંબનો વડીલ ઊઠીને એકેક છોકરાને આગળ કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે એ ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગ્યાએ જઈને કેમ બેસવું એવી એકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારા ઘરોમાં તાલીમ અપાઈ હોય ને રિહર્સલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ એ મુજબ જ બધું કરવાનું.

પછી ભરજરીના તોરાવાળી નવીનક્કોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથના ચૂડીદાર ટૂંકા અંગરખા પહેરેલા સાતારા મામલેસરના ધિપાડધિંગા ઘાટીઓના હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘા અત્તરના મઘમઘાટથી હૉલ મહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓના હાથે સપરમા દિવસની નવાજેશ થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયા, ને વડીલ વર્ગને મિલનાં કે નાગપુરી હાથવણાટનાં કીમતી ધોતીજોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા, એવું એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપુરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

(નોંધ: સ્વામી આનંદની પોતીકી જોડણી વ્યવસ્થા હતી અને એના તેઓ આગ્રહી હતા. એટલે ઉપરના લખાણમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે)
(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)

deepak mehta columnists weekend guide