સિન્ડ્રેલા જેવા સાત ટાપુ, પુરુષાર્થની જાદુઈ લાકડીથી એ સાત ટાપુઓ બની ગયા

13 July, 2019 04:45 PM IST  |  મુંબઈ | દીપક મહેતા - ચલ મન મુંબઈ નગરી

સિન્ડ્રેલા જેવા સાત ટાપુ, પુરુષાર્થની જાદુઈ લાકડીથી એ સાત ટાપુઓ બની ગયા

મુંબઇ

ચલ મન મુંબઈ નગરી

નાનપણમાં આપણામાંથી ઘણાએ સિન્ડ્રેલાની વાર્તા વાંચેલી કે સાંભળેલી. તેનાં ચિત્રો પણ ચોપડીમાં જોયેલાં. ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરીને આખો દિવસ ઘરકામનો ઢસરડો કર્યા કરતી નોકરડીની જેમ. પણ પરીની જાદુઈ લાકડી અડી અને તે તો બની ગઈ રાજકુમારી! પછી આપણે મોટા થયા. પરીકથા એટલે તો ઠાલી કલ્પના, ગપગોળા એવું માનતા થયા. પણ ના. પરીકથાની વાત ક્યારેક સાચી પણ પડે છે. આપણા દેશના પશ્ચિમ કાંઠા પર સાત ટાપુનું એક નાનકડું ઝુંડ. સાતે ટાપુ સિન્ડ્રેલા જેવા જ ભૂંડાભખ. પણ પુરુષાર્થની જાદુઈ લાકડી અડી અને એ સાત ટાપુઓ બની ગયા એક સોનેરી શહેર. પુરુષાર્થની એ જાદુઈ લાકડી કોઈ એક હાથમાં નહોતી. અનેક હાથમાં હતી એ લાકડી. મરાઠીઓ અને ગુજરાતીઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓ, મારવાડીઓ અને કોંકણીઓ. ખાલી તળાવને દૂધથી છલકાવી દેવા માટે કોઈ ચાંગળું દૂધ લાવ્યા, કોઈ ઘડો ભરીને. જેની જેવી ત્રેવડ. રાતોરાત તો નહીં, પણ અઢીસો-ત્રણસો વરસમાં તળાવ તો ઊભરાઈ ગયું. ન સાંધો મળે ન રેણ, એવી રીતે એ સાત ટાપુ એકબીજા સાથે જોડાઈ ગયા.

ત્રણસો–સાડાત્રણસો વરસ પહેલાં આ સાત ટાપુ પર ઠેર-ઠેર શું જોવા મળતું? કોળી લોકોનાં ઝૂંપડાં, તેમના મછવા.. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે આ કોળીઓની વસ્તી. મૂળ વતની ક્યાંના? મહારાષ્ટ્રના કે ગુજરાતના? કે બન્નેના? દરિયા દેવ જાણે. કારણ કોળીઓની નાળ ક્યાં ભૂમિ સાથે બંધાયેલી છે? એ તો બંધાયેલી છે દરિયાલાલ સાથે. કોઈ પણ સ્થળનો વિકાસ થાય ત્યારે તેના મૂળ વતનીઓ હાંસિયામાં ધકેલાઈ જાય. મુંબઈમાં પણ એવું જ થયું. આજે મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા ‘કોળીવાડા’ઓમાં કોળી જોવા મળે. બીજા વિસ્તારોમાં કોળી સ્ત્રીઓ માછલી વેચતી જોવા મળે, પણ એ સિવાય કોળીઓની હાજરી નહીં જેવી. કોળીઓનાં ઝૂંપડાંની જગ્યાએ આજે ઊભી છે બહુમાળી ઇમારતો. તેમનાં શઢવાળાં વહાણ પણ ભાગ્યે જ જોવા મળે.

આ સાત ટાપુઓ પર કોંકણથી આવીને વસ્યા ભંડારીઓ. મુખ્ય કામ નાળિયેરી અને તાડનાં ઝાડની વાડીઓ બનાવવાનું. આવ્યા ત્યારે સાથે કોંકણનાં કેટલાંક ઝાડ સાથે લાવેલા. મુંબઈ આવીને પણ તેમણે ખેતીનું કામ કર્યું. નાળિયેર ને તાડની વાડીઓ કરી, સોપારી ને આંબલીની વાડીઓ પણ. ડાંગર (ભાત)નાં ખેતરો કર્યાં. ફણસ અને કાંદા ઉગાડ્યાં. આજે એમાંનું કશું ન જોવા મળે મુંબઈમાં. પણ હા, સાપ ગયા ને લિસોટા રહ્યા એ ન્યાયે કેટલાંક નામો હજી લોકજીભે વસ્યાં છે. (ભલે ભૂરા પાટિયા પર મહાનગરપાલિકાએ લખેલું કોઈ મામૂલી રાજકારણીનું નામ ઝૂલતું હોય.) ફણસવાડી, કાંદાવાડી, તાડવાડી, મુગ-ભાત લેન, ફોફળવાડી, ચિંચપોકલી વગેરે, વગેરે. તો ભંડારીઓની યાદ સાચવતા ભંડારવાડા અને ભંડારી સ્ટ્રીટ જેવાં નામો પણ જોવા મળે. અરે, મુંબઈમાં જ ડુક્કરવાડી અને ગાયવાડી પણ હતી! આજે દુનિયાની મોંઘામાં મોંઘી ઇમારતોમાંની કેટલીક આ વાડીઓ અને ખેતરોની જગ્યાએ ઊભી છે.

સાત ટાપુઓ વચ્ચે ઘણી જગ્યાએ છીછરી ખાડી હતી. ઓટ હોય ત્યારે તો લોકો એવી ખાડી પગપાળા પાર કરીને એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતા. પણ એ રીતે જતાં પગ કાદવથી ખરડાય. એટલે બીજા ટાપુ પર પહોંચ્યા પછી પગ ધોવા પડે. આ રીતે પગ ધોવાની જ્યાં સગવડ એ જગ્યા એ પાયધુની. એ નામ પણ હજી લોકજીભે સચવાઈ રહ્યું છે ભલે ત્યાં પગ ધોવાની આજે કોઈ વ્યવસ્થા નથી, કારણ કે હવે પગ કાદવથી ખરડાતા જ નથી.

એક જમાનો એવો હતો કે મુંબઈના ધૂળિયા રસ્તાઓ પર ચાલતું એકમાત્ર વાહન હતું બળદગાડી. હા, અંગ્રેજ અમલદારો અને મુઠ્ઠીભર તવંગરો પાલખીનો ઉપયોગ કરતા. આ પાલખી ઉપાડનારાઓ જે વિસ્તારમાં રહેતા એ ભોઈવાડો કહેવાયો. એ વિસ્તાર ઝવેરી બજારની નજીક કદાચ એટલે હતો કે ઘણા ઝવેરીઓ આવનજાવન માટે પાલખીનો ઉપયોગ કરતા હશે. આજે તો એ ભોઈવાડાનો વિસ્તાર આર્ટિફિશ્યલ જ્વેલરીનું મોટું કેન્દ્ર બની ગયો છે. તો આવનજાવન માટે પાલખીનો ઉપયોગ કરનાર એક ધનાઢ્ય પારસી કુટુંબની અટક જ પાલખીવાલા પડી ગઈ. બળદગાડી પછી આવી ઘોડાગાડી. પણ પછીથી મુંબઈના રસ્તાઓ પર જોવા મળતી એવી ‘વિક્ટોરિયા’ નહીં, પણ નાનકડી સિગરામ જેવી ગાડી. જેમને પોસાય તે પાઈ-પૈસો આપીને એનો ઉપયોગ કરતા. પણ ખરેખર ‘લોકો’ માટેનું વાહન મુંબઈમાં આવ્યું એ તો ઘોડાથી ચાલતી ટ્રામ. આજે તો હવે મુંબઈના રસ્તાઓ પરથી બળદ કે ઘોડા ખેંચતા હોય એવાં વાહનો લગભગ અદૃશ્ય થઈ ગયાં છે. હા, મેટ્રોનું જાળું આખા શહેરમાં ફેલાઈ રહ્યું છે.

આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં પણ આ સ્થળ સાત ટાપુના સમૂહ તરીકે ઓળખાતું હતું એવું જાણવા મળે છે. ઈ. સ. પૂર્વે ૩૦૦ની આસપાસ આ સાત ટાપુઓ સમ્રાટ અશોકના તાબા હેઠળ હતા અને ગ્રીસનો ભૂગોળશાસ્ત્રી ટોલોમી એનો ઉલ્લેખ ‘હેપ્ટેસિનિયા’ તરીકે કરે છે. ગ્રીક ભાષામાં ‘હેપ્ટે’ એટલે સાત. આ ‘હેપ્ટે’નો સીધો સંબંધ છે સંસ્કૃતના ‘સપ્ત’ સાથે. આજના મુંબઈ નજીકનાં કેટલાંક સ્થળો જેમ કે કાન્હેરી ગુફાઓ અને મહાકાળી ગુફાઓ બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં કેન્દ્રો હતાં. પણ આ સાત ટાપુ એ કિયા? એનાં નામ હતાં: કોલાબા, અલઓમેનિસ, મુંબઈ, મઝગાંવ, વરલી, પરેલ અને માહિમ. આ સાતે ટાપુઓ દરિયા કે ખાડીના પાણીથી ઘેરાયેલા હતા.

તેરમી સદીના પાછલા ભાગમાં મુંબઈ સાથે એક રાજાનું નામ સંકળાય છે, રાજા બિમ્બ અથવા ભીમ. પણ આ રાજા કયાંનો હતો એ વિશે જાણકારોમાં મતભેદ છે. કોઈ કહે છે કે આ બિમ્બ તે ગુજરાતનો ચૌલુક્ય રાજા ભીમદેવ. તો કોઈ કહે છે કે એ તો આવ્યો હતો દક્ષિણ ભારતથી. પણ એ બિમ્બ કે ભીમ રાજાએ અહીં એક શહેર વસાવેલું જેનું નામ હતું મહિકાવતી, આજનું માહિમ. એ શહેરની અદાલત જ્યાં હતી તેનું નામ હતું ન્યાયગ્રામ, જે પાછળથી બન્યું નાયગાંવ. રાજા પાસે મોટી સંખ્યામાં હાથીઓ હતા જેને રાખવા માટે માતંગાલય ઊભું કર્યું હતું જે આજે માટુંગા તરીકે ઓળખાય છે. એ વખતે નજીકમાં વડના ઝાડનું મોટું વન હતું જે આજે વડાળા તરીકે ઓળખાય છે. આજે પણ અમુક વર્ગના લોકો માહિમમાં આવેલા એક કાળા ખરબચડા પથ્થરની વારતહેવારે પૂજા કરે છે. એ પથ્થર રાજા બિમ્બની મૂર્તિ હોવાનું કહેવાય છે. આ બિમ્બ રાજા પોતાની સાથે રૈયતના કેટલાક લોકોને સાથે લાવ્યો હતો. એ લોકો પછી કાયમ માટે અહીં જ વસી ગયા અને વખત જતાં પાઠારે પ્રભુ તરીકે ઓળખાયા. તેમની વસ્તી મુખ્યત્વે મુંબઈમાં અને મુંબઈની આસપાસ જ જોવા મળે છે. કેટલાક કહે છે કે તેમનું મૂળ નામ ‘પાટાણે પ્રભુ’ હતું, કારણ કે તેઓ પાટણથી બિમ્બદેવ સાથે અહીં આવ્યા હતા. એ વાત સાચી છે કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ, પણ એક વાત તો ખરી: આજે પણ પાઠારે પ્રભુઓની રહેણીકરણી, રીતરિવાજ, બોલી, પહેરવેશ વગેરે પર થોડી છાંટ ગુજરાતની જોવા મળે છે. તેઓ પહેલાં જે બોલી બોલતા એમાં પણ મરાઠી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ હતું. પણ પછીથી તેઓ પૂરેપૂરા મરાઠીભાષી બન્યા. પણ આ પાઠારે પ્રભુ રાજા બિમ્બદેવની સાથે પાટણથી મુંબઈ આવેલા એ માન્યતા જો સાચી હોય તો તેઓ હતા મુંબઈમાં વસનારા પહેલવહેલા ગુજરાતીઓ.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

કવિ નિરંજન ભગતના એક કાવ્યની પહેલી બે પંક્તિઓ છે:

ચલ મન મુંબઈ નગરી
જોવા પુચ્છ વિનાની મગરી

હવે પછી આપણે દર અઠવાડિયે આ મુંબઈ નગરીની – એની ગઈ કાલ, આજ અને આવતી કાલની કેટલીક વાતો કરીશું અને સાથે-સાથે જોઈશું કે મુંબઈને મુંબઈ બનાવવામાં ગુજરાતીઓએ કેવો અને કેટલો ફાળો આપ્યો છે.

mumbai columnists weekend guide