ત્રણસોપાંસઠ દિવસ મને ખીચડી આપો તો ચાલે

12 August, 2020 05:37 PM IST  |  Mumbai | Rashmin Shah

ત્રણસોપાંસઠ દિવસ મને ખીચડી આપો તો ચાલે

દીક્ષા જોશી

ગુજરાતી ફિલ્મ ‘શુભ આરંભ’થી પોતાની ઍક્ટિંગ કરીઅર શરૂ કરનારી દીક્ષા જોષીએ ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’, ‘ધુણકી’, ‘લવની લવસ્ટોરી’ અને ‘શરતો લાગુ’ જેવી અનેક ફિલ્મો કરી છે તો આવતા દિવસોમાં એ રણવીર સિંહ સાથે ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળવાની છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ઉપરાંત દીક્ષા એક વેબ-સિરીઝ પણ કરે છે. મુંબઈની ફાસ્ટ લાઇફ વચ્ચે તાલ મિલાવતી જતી દીક્ષાને તીખુંતમતમતું ખાવા મળે તો તે બધું ભૂલી જાય, પણ એની સાથોસાથ જો તેને ખીચડી આપી દેવામાં આવે તો-તો તેના માટે જાણે સ્વર્ગ સામે આવીને ઊભું રહી ગયું. દીક્ષા અહીં પોતાના ફૂડ એક્સ્પીરિયન્સ મિડ-ડેના રશ્મિન શાહ સાથે શૅર કરે છે

મારો જન્મ લખનૌમાં અને કહેવાય કે લખનૌ જેવી દાવત દુનિયામાં ક્યાંય થાય નહીં. એ વાત જુદી છે કે હું ચાર વર્ષની હતી ત્યાં અમે અમદાવાદ આવી ગયાં અને પછી મારું સ્કૂલિંગ અને કૉલેજ મેં અમદાવાદમાં કર્યાં પણ લખનૌની દાવત અને લખનવી ફૂડનો સ્વભાવ મારામાં રહી ગયો. હું જબરદસ્ત ફૂડી થઈ. તમે નામ લો એ બધું મને ખાવું હોય અને હું ખાઉં પણ ખરી. પણ બધા ફૂડમાં મારું સૌથી ફેવરિટ ફૂડ એટલે ગુજરાતી અને કાઠિયાવાડી થાળી અને મારી ફેવરિટ વરાઇટી એટલે ખીચડી. ખીચડી મને અનહદ વહાલી. જો મને આખું વર્ષ ખીચડી આપવામાં આવે તો પણ હું એ ખાઉં અને કોઈ જાતની ફરિયાદ પણ ન કરું. ખીચડીની એક ખાસિયત છે. એ દેશના દરેક ખૂણે અને દરેક પ્રાંતમાં તમને મળે. એ બનાવવાની રીત જુદી-જુદી હોય પણ એમ છતાં એ પૌષ્ટિક તો એટલી જ રહે. પ્રાંતની ક્યાં વાત કરીએ, ખીચડી દરેક ઘરમાં બદલાઈ જાય. તમે મારે ત્યાં ખીચડી ખાઓ તો એ જુદી હોય અને હું તમારે ત્યાં ખીચડી ખાઉં તો એ જુદી હોય.
હું રસોઈ બનાવવામાં બહુ ઍક્ટિવ નથી પણ ફૂડ મોડિફિકેશનમાં મારો પહેલો નંબર આવે. હા, તમે મને ફૂડ બનાવીને આપો એટલે એમાં હું એમાં મારા મુજબના ચેન્જ કરીને એ વરાઇટી તમને પાછી આપું તો તમે માનો નહીં કે આ એ જ ફૂડ છે જે તમે બનાવ્યું હતું. હું પૌંઆમાં ચિલી ફ્લેક્સ નાખીને એને નવાં રંગરૂપ આપી દઉં. મૅગીને બનાવતી વખતે એમાં ટમૅટો કેચપ નાખીને ટમૅટો ટેન્ગી મૅગી બનાવું. દહીંમાં બૉઇલ્ડ પટેટો અને ફુદીનાની ચટણી નાખીને પટેટો રાઈતું પણ બનાવું. સીધુંસાદું અને સરળ બનાવવું મને ગમે નહીં. ઘરમાં જ નહીં, બહાર પણ મને દરેક વરાઇટીમાં નવો ટેસ્ટ જોઈએ. તમે માનશો નહીં, પણ મેં અમદાવાદની એક પણ રેસ્ટૉરાં બાકી નથી રાખી, બધેબધી રેસ્ટૉરાંમાં હું ફૂડ ટેસ્ટ કરી આવું છું. અમદાવાદમાં હું વરાઇટીનું નહીં કહું, હું એરિયાનું કહીશ. અમદાવાદમાં મને એસ. જી. રોડ અને માણેક ચોકની બધી વરાઇટી મને ભાવે તો રાજકોટની ગુજરાતી થાળી મારી ફેવરિટ. હા, રાજકોટની જ. રાજકોટની ગુજરાતી થાળીમાં તમને બધા પ્રકારના ટેસ્ટ મળી જાય. વડોદરામાં મને સેવઉસળ બહુ ભાવે તો સુરતમાં લોચો અને મરચી ખાવાની મને બહુ મજા આવે. દાલબાટી ખાવાં હોય તો આખા રાજસ્થાનમાં માત્ર જેસલમેરમાં. જેસલમેરમાં દાલબાટી ચોળી લીધા પછી એના પર ઘી રેડવાની સિસ્ટમ છે. તમે કોઈ પણ રેસ્ટૉરાંમાં જાઓ તો તમને આ જ રીતે ઘી રેડી આપવામાં આવે. તમે ના પાડો એ પછી પણ દસથી પંદર સેકન્ડ સુધી ઘી રેડાતું રહે. તીખીતમતી ચટણી, કાચું લીલું મરચું અને ગરમાગરમ ઘીથી લથબથ દાલબાટી. અહીંની વાત કહું તો ભાઈદાસની સામેની સૅન્ડવિચ, અંધેરી સ્ટેશનની બહાર મળતાં વડાપાંઉ. એ વડાપાંઉનું વડું ટેનિસ બૉલથી પણ મોટું હોય. પાંઉની ત્રણ બાજુએથી એ અડધું બહાર આવી ગયું હોય અને લોઅર પરેલમાં જયહિન્દની કોથમ્બીરવડી. યુપીનું ફૂડ મને બહુ નથી ભાવતું તો દિલ્હીનું પંજાબી ફૂડ પણ મને ખાસ નથી ભાવતું. એનું કારણ છે. આપણે ત્યાં જે પંજાબી ફૂડ બને છે એ ગુજરાતી ટેસ્ટ મુજબ બને છે અને આપણને એ જ ખાવાની આદત પડી ગઈ છે. છોલેની તમને વાત કહું. દિલ્હીમાં છોલે બનાવતી વખતે છોલેને અધકચરા છૂંદી નાખવામાં આવે પણ આપણે ત્યાં છોલે સહેજ કાચા રાખીને એમાં શાકની જેમ ગ્રેવી બનાવવામાં આવે. આપણે આ જ છોલે ખાધા હોય એટલે આપણને દિલ્હી કે પંજાબના છોલે ભાવે જ નહીં. આપણી પંજાબી સબ્ઝી અને રોટીનું પણ એવું જ છે. આપણી સબ્ઝી ગુજરાતી-પંજાબી સબ્ઝી હોય છે અને મને તો એ જ ભાવે છે.
ચાઇનીઝ ફૂડ પણ મારું ફેવરિટ છે. મેં ચાઇનીઝ પ્રોડક્ટ વાપરવાનું છોડી દીધું છે, પણ ચાઇનીઝ આઇટમ ખાવાનું મેં મૂક્યું નથી. હમણાં લેબનીઝ ફૂડ પણ ટ્રાય કરું છું. પીતા બ્રેડ, હમસ, મિક્સ વેજ ઇન રેડ સૉસ જેવી વરાઇટી મને ભાવે છે. 
મને તીખું ખૂબ ભાવે. તમને ખબર છે, તીખાશ એ કોઈ સ્વાદ નથી પણ ઍક્ચ્યુઅલી તીખાશ તમારા ટેસ્ટ બડ્સને ઍક્ટિવ કરે છે. તમને માનવામાં ન આવતું હોય તો તમે અતિશય તીખું ખાધા પછી કંઈ પણ બીજા ટેસ્ટનું ટ્રાય કરજો. સૉલ્ટી કે સ્વીટ ખાશો તો એનો સ્વાદ તમને વધારે સારો લાગશે. પાણીપૂરી મારી ફેવરિટ અને એમાં પણ મને જોઈએ માત્ર તીખું પાણી. મારા હિસાબે વર્લ્ડની બેસ્ટ પાણીપૂરી જો કોઈ બનાવતું હોય તો એ મારી મમ્મી રશ્મિબહેન. પાણીપૂરીમાં મારું મોડિફિકેશન કહું તમને. પાણીપૂરી મને સર્વ થાય એટલે હું એમાં કાં તો ગાર્લિકની ચટણી અને કાં તો બેથી ત્રણ ચમચી લાલ મરચું નાખું. આંખમાંથી પાણી નીકળી જાય એવું સ્પાઇસી પાણી બની જાય અને બધા ટેસ્ટ બડ્સ જાગી જાય.
ફૂડ સાથેની રિલેશનશિપ વન-સાઇડેડ છે. ખાવું મને બધું ગમે, પણ બનાવવા પાછળ હું વધારે સમય ન આપું. હું છેલ્લા થોડા સમયથી મુંબઈમાં છું એટલે મેઇનલી બધું મારે કરવાનું આવે અને મારે એમાં સમય બગાડવો ન હોય એટલે બધું ફિક્સ રાખ્યું છે. બ્રેકફાસ્ટમાં મિલ્ક અને મ્યુઝલી કે પછી બ્રેડ અને પીનટ બટર હોય તો બપોરે આપણાં ગુજરાતી કઢી-ભાત કે પછી રોટલી, દાળ-શાક હોય. ડિનરમાં ફ્રૂટ્સ અને બૉઇલ્ડ વેજિટેબલ્સ હોય. ઘણી વખત હું કાચાં વેજિટેબલ્સ પણ ખાઉં. આ પ્રકારે જ્યારે હું ડિનર લેવાની હોઉં ત્યારે હું તીખાશ માટે વાઇટ કે બ્લૅક પેપરનો ઉપયોગ કરું અને નિમકને બદલે સિંધાલૂણ વાપરું. ખીચડી બનાવવી મને સૌથી વધારે ગમે. કારણ પણ છે, એક તો સૌથી ઈઝી અને બીજું કે એ ખાવા માટેના ઑપ્શન પણ ઘણા છે. તમે એમને એમ પણ ખીચડી ખાઈ શકો, દહીં સાથે પણ ખાઈ શકાય, પિકલ્સ સાથે પણ તમને ખીચડી ભાવે તો છાશ સાથે પણ ખીચડી ખાવાની મજા આવે. જો તમે સાદી ખીચડી બનાવી હોય તો દૂધ ખીચડી ખાવાની પણ મજા આવે. દૂધ, ખીચડી અને ઘી. મસાલા ખીચડીમાં મેં અનેક ઇન્વેન્શન કર્યા છે.
વાત કરું મારા ખીચડીના ઇન્વેન્શનની. મેં ફુદીના ખીચડી બનાવી છે તો મેં મેક્સિકન ખીચડી પણ બનાવી છે. હમણાં મેં શેઝવાન ખીચડી બનાવી હતી. કરવાનું કશું નહીં, ખીચડી તૈયાર થઈ જાય એટલે શેઝવાન ચટણીનો વઘાર તૈયાર કરીને એ ખીચડીમાં ઉમેરી દેવાનો. આ ખીચડી દહીં સાથે બહુ મસ્ત લાગે છે. ડ્રાયફ્રૂટ ખીચડી પણ એક વાર બનાવી હતી, પણ એ ખાવી હોય તો દૂધ સાથે ખાવી જોઈએ. તમને હસવું આવશે, એક વાર મેં ચૉકલેટ ખીચડી બનાવવાની પણ ટ્રાય કરી હતી. નાની વાટકીમાં. ટેસ્ટ નહોતો સારો અને એટલે જ તમને કહું છું, નહીં ટ્રાય કરતા એવી ખીચડી.

મારા કિચનના છબરડા પણ યુનિક છે

એક વાર મારા બધા ફ્રેન્ડ્સ મને કહે કે ખીચડી તારી આટલી ફેવરિટ છે તો આજે તું અમારા માટે ખીચડી બનાવ. નવું-નવું ફરમાન હતું અને એ દિવસોમાં હું ઑનલાઇન રેસિપી બહુ જોતી. મેં તો એક રેસિપી જોઈને તૈયારી શરૂ કરી. મસાલા ખીચડીનો પ્લાન હતો. ખીચડી બની એટલે એમાં ઉપરથી વઘાર ઉમેરવાનો હતો એટલે મેં હિંગ, લસણ, રાઈ, મરચું, હળદર અને તેલ મૂકીને વઘાર રેડી કર્યો. ખીચડી તૈયાર થઈ ગઈ એટલે એમાં વઘાર નાખ્યો, પણ ટેસ્ટ કરવામાં ખબર પડી કે સ્વાદ અફઘાની ખીચડી જેવો છે. બહુ સંશોધન કર્યું કે આવું કેમ થયું એ પછી મોડે-મોડે છેક ખબર પડી કે જે વઘાર તૈયાર કર્યો હતો એને ગરમ જ નહોતો કર્યો. એક વાર એવી જ રીતે ઉતાવળમાં મેં દાળ બનાવી અને એમાં અન્યન નાખવાનું ભૂલી ગઈ. દાળ બની ગયા પછી યાદ આવ્યું એટલે મેં તૈયાર દાળમાં ઉપરથી કાચી અન્યન નાખી દીધી. ટેસ્ટ સાવ વાહિયાત નહોતો, મજા આવતી હતી પણ દાળમાં જાણે કે પાણીપૂરીનું પાણી નાખ્યું હોય એવી ફીલિંગ આવતી હતી.

મને તીખું ખૂબ ભાવે. તમને ખબર છે, તીખાશ એ કોઈ સ્વાદ નથી પણ ઍક્ચ્યુઅલી તીખાશ તમારા ટેસ્ટ બડ્સને ઍક્ટિવ કરે છે. તમને માનવામાં ન આવતું હોય તો તમે અતિશય તીખું ખાધા પછી કંઈ પણ બીજા ટેસ્ટનું ટ્રાય કરજો. સૉલ્ટી કે સ્વીટ ખાશો તો એનો સ્વાદ તમને વધારે સારો લાગશે.

Gujarati food indian food Deeksha Joshi Rashmin Shah columnists