દુલ્હનના આઉટફિટ પ્રમાણે સજાવવામાં આવે છે નારિયેળ અને સોપારી

14 March, 2020 01:57 PM IST  |  Mumbai | Arpana Shirish

દુલ્હનના આઉટફિટ પ્રમાણે સજાવવામાં આવે છે નારિયેળ અને સોપારી

પર્લ કોકોનટ, ડેકોરેટેડ કોકોનટ, ડેકોરેટેડ સોપારી

લગ્ન એટલે દરેક ચીજમાં ડેકોરેશનની ડિમાન્ડ પછી એ સાદી સોપારી જ કેમ ન હોય. વર-વધૂના હાથમાં મૂકવામાં આવતાં શ્રીફળ, દુલ્હાની તલવાર, આરતીની થાળી વગેરેનું ડેકોરેશન તો પહેલાં પણ થતું જ પણ એ ઘરની સ્ત્રીઓ જાતે જ કરી લેતી. હવે એ કરવા માટે એક્સપર્ટ આણા-ડેકોરેશન આર્ટિસ્ટો પોતાની ક્રીએટિવિટી દેખાડે છે.  શ્રીફળ સિવાય સપ્તપદી માટેની સાત સોપારી, પોંખવા માટે વપરાતી ચીજો, વરમાળા, રામણદીવડો, સૂપડી જેવી બધી જ વિધિ દરમિયાન વપરાતી ચીજોને થીમ નક્કી કરીને સજાવવામાં આવે છે. મુંબઈમાં મલાડ અને ભુલેશ્વર માર્કેટમાં આવી ચીજો રેડી મળી જાય છે. અને હવે કેટલીક વેબસાઇટ લગ્નસામગ્રીની આવી આખી ડેકોરેટેડ કિટ ઑનલાઇન પણ વેચે છે. ચાલો જાણીએ ડેકોરેશનમાં આ વખતે શું નવું છે.

ફ્લોરલ થીમ

લગ્નના બાકીના ડેકોરેશનમાં જો ફૂલોનો વપરાશ હોય તો વિધિમંડપમાં જરૂરી ચીજોને પણ ફ્લોરલ થીમથી જ શણગારવામાં આવે છે. આ વિશે જણાવતાં મલાડની એકતા ટ્રૂસો પૅકિંગની એકતા શાહ કહે છે, ‘વર અને વધૂના હાથમાં જે શ્રીફળ રાખવામાં આવે છે એમાં ડેકોરેશનની અનેક થીમ છે. બજેટ પ્રમાણે જોઈએ એવું ડેકોરેશન કરી શકાય. ટિશ્યુ, બાંધણી, જામેવાર, સિલ્ક જેવાં રિચ ફૅબ્રિકમાં નારિયેળ વીંટી એના પર નકલી ફ્લાવર્સનું ડેકોરેશન કરવામાં આવે છે. પિન્ક, વાઇટ, ગોલ્ડ જેવા કલર્સ ખાસ છે. જોવામાં તો આ નારિયેળ સારાં લાગે જ છે અને ફોટોગ્રાફ્સમાં પણ થીમને અનુરૂપ હોવાથી સુંદર લુક આપે છે.’

નારિયેળ સિવાય સપ્તપદીમાં તેમ જ લગ્નની બાકીની વિધિઓમાં વપરાતી સોપારીને પણ ફૅબ્રિક અને ફૂલોથી સજાવામાં આવે છે.

પર્સનલાઇઝ્ડ ડેકોરેશન

વર અને વધૂ આ બન્નેનું નારિયેળ જુદું દેખાય એ માટે એને પર્સનાલાઇઝ્ડ થીમ સાથે સજાવવાનો ટ્રેન્ડ છે. નારિયેળ પર ડેકોરેશન સાથે વર-વધૂનાં નામ અથવા ફોટાગ્રાફ્સ પણ ફિક્સ કરવામાં આવે છે. એ સિવાય મુગલ થીમના કે રાજસ્થાની રાજા-રાણીની થીમના કટઆઉટવાળાં નારિયેળ પણ આજકાલ ઇનટ્રેન્ડ છે. આ વિષે એકતા કહે છે, ‘રાજારાણી અને મુગલ-એ-આઝમ થીમવાળાં નારિયેળ પર્સનાલાઇઝ્ડ લુક આપે છે. દુલ્હા અને દુલ્હનના ડ્રેસ અનુરૂપ રંગોનું બેઝિક ડેકોરેશન કરી એના પર મોતી, ડાયમન્ડ વગેરેથી સજાવટ કરવામાં આવે છે.’

શુકનની સોપારી

લગ્નમાં ગણેશ પૂજન તેમ જ સપ્તપદી સમયે પૂજામાં સોપારી મૂકવામાં આવતી હોય છે. આ સોપારી એમ જ મૂકવાને બદલે હવે એને ડેકોરેશન કરી મૂકવામાં આવે છે. સોપારી પર સ્ટોન અને ડાયમન્ડ સિવાય નેટ, ટિશ્યુ ફૅબ્રિક, ગોટાનાં ફૂલ વગેરેનું ડેકોરેશન ટ્રેન્ડમાં છે.

મીંઢળ, રૂમાલ, હસ્તમેળાપ રૂમાલ, અંતરપટ...

રાખડી જેટલાં જ ડેકોરેશન હવે મીંઢળમાં પણ થવા લાગ્યાં છે. મોતી અને જરીથી ડેકોરેટ કરેલાં મીંઢળ ટ્રેન્ડમાં છે સાથે એના પર બાંધવામાં આવતા રૂમાલમાં પણ વરાઇટી જોવા મળી રહી છે. સફેદ રૂમાલ પર એમ્બ્રૉઇડરી કરી ગણેશજી, સ્વસ્તિક, ફૂલ, કળશ જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે. એ સિવાય હસ્તમેળાપ સમયે વપરાતા રૂમાલમાં પણ ડેકોરેટેડ ઑપ્શન મળવા લાગ્યા છે. અંતરપટ માટેના રૂમાલમાં જેમનાં લગ્ન હોય તેમનાં નામવાળી એમ્બ્રૉઇડરીનો ટ્રેન્ડ છે.

મામાટલું

ગુજરાતી લગ્નમાં ખાસ એવા મામાટલું અને ડબ્બા પર ડેકોરેશનનો સ્કોપ ખૂબ સારો હોય છે એવું જણાવતાં એકતા કહે છે, ‘સ્ટીલના માટલા પર કાપડ અને બીજી ડેકોરેટિવ આઇટમ્સથી સજાવટ કરી શકાય એ સિવાય એના પર મામાટ શા માટે આપવામાં આવે છે એનું મહત્ત્વ સમજાવતી લાઇન્સ લખવા પર પણ લોકો હવે ધ્યાન આપી રહ્યા છે. માટલા સિવાય સ્ટીલના ડબ્બા પર પણ સ્ટોન વર્ક, પેઇન્ટિંગ તેમ જ ગોટા વર્ક કરી શકાય. આ ચીજો સાઇઝમાં મોટી હોવાથી એના પર ડેકોરેશનનો સ્કોપ સારો હોય છે. બજેટ હોય એ પ્રમાણેની ક્વૉલિટીનું અને એટલા પ્રમાણમાં ડેકોરેશન અહીં શક્ય છે.’

મામાટલા અને ડબ્બા સિવાય સામૈયા માટેનાં ઈંઢોણી અને કળશ પર પણ મોતીથી હટકે કંઈક નવું જોવા મળી રહ્યું છે. સ્ટીલનાં કળશ, ઈંઢોણી અને નારિયેળ પર સામૈયા માટે સ્ટોન અને ગોટાવાળું ડેકોરેશન વધુ ચાલી રહ્યું છે.

વરમાળા

ગુજરાતી લગ્નમાં વર અને વધૂના ગળામાંથી પાસ કરવામાં આવતી આશરે સાત ફીટની કુબેર વરમાળામાં મોટા ભાગે નાડાછડી અથવા સફેદ દોરા સાથે ગોલ્ડન તૂઈવાળું વેરિએશન જોવા મળતું. જોકે હવે આ વરમાળામાં મોતી અને લેસના ઑપ્શન આવી ગયા છે. લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો લેસનાં ફૂલો વચ્ચે મોતીની માળાવાળી કસ્ટમાઇઝ્ડ વરમાળા અને એના પર મોતીના લટકણની ડિઝાઇન ખૂબ ચાલી રહી છે. આવી વરમાળાઓ કોઈ આર્ટિસ્ટ પાસે બનાવડાવી શકાય. માર્કેટમાં પણ હવે જોઈએ એવી વરાઇટી રેડી મળી રહે છે.

રામણદીવડો

રામણદીવડા

પહેલાંના જમાનામાં લગ્ન મોટા ભાગે રાતના સમયે જ લેવાતાં. ત્યારે દુલ્હાની મમ્મી હાથમાં રામણદીવો લઈ જાનમાં સામેલ થતી. આ રામણદીવડા પર સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમા હોય છે અને પકડવા માટે એમાં હૅન્ડલ હોય છે. લગ્ન કરીને જાન પાછી આવે ત્યારે પણ નવી વહુનું સ્વાગત સાસુ રામણદીવડો લઈને કરે છે. પહેલાં રામણદીવડો પિત્તળનો બનતો જે ફૅમિલીમાં પેઢીઓ સુધી વપરાતો. જોકે હવે આ દીવામાં ડેકોરેટેડ ઑક્સિડાઇઝ‍્ડ મેટલ, ચાંદી, મીનાકારી, ઘૂઘરીનાં લટકણ, કલરફુલ સ્ટોન વર્ક જેવી અનેક વરાઇટી જોવા મળે છે.

રિયલ ફ્લાવરનું નારિયેળ

જો નકલી ડેકોરેશનની બોલબાલા હોય તો અસલી ફૂલોનું ડેકોરેશન કરી ફ્રેશ ફીલ અનુભવવા માગતા લોકો પણ છે. મોગરા કે ટગરની કળીઓની જાળીમાં લપેટાયેલું નારિયેળ જોવામાં ખૂબ સુંદર લાગે છે. એ સિવાય ફ્લાવર જ્વેલરી બનાવતા વેન્ડર્સ પાસે ગુલાબ, ઑર્કિડ વગેરે ફૂલોનાં ડેકોરેટેડ નારિયેળ પણ મળી જાય છે.

જાતે જ કરો ડેકોરેશન

જો પોતાનાં લગ્નની દરેક આઇટમને પર્સનલ ટચ આપવાનો વિચાર હોય તો આજકાલ ઑનલાઇન અનેક પ્રકારનું ડેકોરેશન માટેનું મટીરિયલ આસાનીથી મળી રહે છે. એ સિવાય આઇડિયા માટે અનેક ઑનલાઇન વિડિયો ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ હોય છે. એટલે થોડી પોતાની ક્રીએટિવ સાઇડને બહાર કાઢવાનો પ્રયત્ન કરશો તો પોતાનાં લગ્નમાં જાતે જ બનાવેલી ડેકોરેટિવ ચીજો મૂકી શકાય અને કોઈ પણ ચીજ જ્યારે જાતે બનાવવામાં આવે ત્યારે એની ફીલિંગ જુદી જ હોય છે. બેઝિક ચીજો ખરીદી એના પર કાપડ, સ્ટોન, ડાયમન્ડ વગેરેથી ડેકોરેશન કરી શકાય. એ સિવાય હવે નકલી ફૂલો પણ બજારમાં મળે છે; જેનો ઉપયોગ કરી શકાય.

fashion fashion news arpana shirish weekend guide columnists