જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં, પણ આપઘાત માટે હંમેશાં શંકા રહી છે

03 July, 2020 10:24 PM IST  |  Mumbai

જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં, પણ આપઘાત માટે હંમેશાં શંકા રહી છે

સુશાંત સિંહ રાજપૂત - જગેશ મુકાતી

મૃત્યુ, એક સનાતન સત્ય. સરળ શબ્દમાં મૂકવું હોય તો પોતાના સ્વજનોની દુનિયામાંથી એક્ઝિટ. હમણાં થોડા દિવસમાં ઘણાબધા નજીકના લોકોએ આપણી વચ્ચેથી એક્ઝિટ લીધી છે. એક્ઝિટ કહેવું એટલા માટે સારું છે કે કલાકારને ખબર છે, કલાકારો જાણે છે કે કોઈ પણ નાટકમાંથી એક્ઝિટ લીધા બાદ પણ એ ડ્રામા આગળ ચાલતો રહેશે અને લોકો તેમને ક્યાંક ને ક્યાંય યાદ કર્યે રાખશે. યાદ કરનારાઓમાં તેમના પરિવારજનો હોય, મિત્રો હોય, સ્વજનો હોય, પ્રેક્ષકો હોય, ચાહકો હોય. કોઈ ઑર્ડરમાં નથી લખતો, પણ જેમને હું જેવી રીતે જાણતો હતો એવી રીતે લખ્યું છે. સુશાંત સિંહ રાજપૂતની એક્ઝિટ બહુ શૉકિંગ, અકલ્પનીય અને માનવામાં ન આવે એવી. ટીવીથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સુધીની જર્ની કરનારા આ કલાકારો વિશે ખૂબ લખાયું, ખૂબ દેખાડાયું એટલે એ વિશે વધારે કશું કહેવું યોગ્ય નહીં લાગે, પણ તેના મૃત્યુના પ્રકાર વિશે જરૂર કંઈક કહેવું છે.
આપણે હંમેશાં જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે એમ માનીને ચાલીએ છીએ અને હું આજે પણ દૃઢપણે માનું છું કે દરેક પ્રકારનાં મૃત્યુ, કરુણ કે પછી સોનાની સીડીવાળા (અમુક ઉંમર પછીના મૃત્યુને આપવામાં આવતી ઉપમા) એ ઉપરવાળાની મરજી વિના ક્યારેય ન થાય, પણ મને આપઘાત માટે શંકા રહે છે અને એટલે જ હું કહું છું કે આવું કંઈ બને ત્યારે ઈશ્વરને બહુ તકલીફ થાય છે, પીડા થાય છે. તમારા જીવનમાં આવતાં દુઃખ અને સુખ આ જન્મે અહીં ને અહીં જ ભોગવીને એક્ઝિટ લેવાનું નિધાર્યું છે અને એવું જ થવું જોઈએ. આપણા પર આવતી દરેક મુશ્કેલી અને એને સહન કરવાની શક્તિ ઈશ્વર જ આપશે એવી માન્યતા અને અનુભવો સાથે જ તો જીવન અહીં સુધી પહોંચ્યું છે તો અચાનક તેમના પરનો ભરોસો ઉઠાવી લઈને આવું પગલું લઈને જીવન ટૂંકાવી દેવું એ યોગ્ય તો નથી જ અને આપણે એટલું જ શીખવું રહ્યું કે કોઈ પણ સંજોગોમાં આપઘાત એ કાંઈ સૉલ્યુશન નથી. બસ, આનાથી કશું વધારે કહ્યા વિના ખરેખર સુશાંતને રેસ્ટ ઇન પીસ રહેવા દઈને પ્રાર્થના કરીએ કે તેના પરિવારજનોને આ શોક અને દુઃખમાંથી વહેલી તકે બહાર આવવાની ક્ષમતા અને શક્તિ આપે ઈશ્વર અને તેમને જલદી સ્વસ્થતા બક્ષે.
જગેશ મુકાતી. ગુજરાતી રંગભૂમિ અને હિન્દી સિરિયલમાં એક આગવી ઓળખ તેની ઊભી થઈ હતી. સારો ઍક્ટર અને ખાસ કરીને કૉમેડી. કોઈ જાડો કલાકાર જોઈતો હોય તો ટૉપના કલાકારોમાં તેનું નામ પહેલું યાદ આવે. ક્યારેય કોઈએ વિચાર નહીં કર્યો હોય કે ધીમે-ધીમે જગેશના આ વજનની સ્ટ્રેન્ગ્થ વધતી જશે અને એક દિવસ કદાચ એ જ એને માટે ઘાતક બની જશે. કલાકારો એક ઇમેજમાં બંધાઈ જતા હોય છે અને ઘણી વાર વજનમાં વધારે હોય એવા કલાકારોને લોકો ક્યુટ અને એડોરેબલ ગણવા માંડે છે એટલે કલાકારોને પણ જરૂરથી વધારે વજન ઉતારવામાં ચિંતા રહેતી હોય છે. જગેશના વજનથી વધારે તેની કલાની વાતો થવી જોઈએ એટલે તેણે કરેલાં નાટકો અને સિરિયલ પર આવીએ.
‘આ ફૅમિલી કૉમેડી છે’ અને ‘બૈરાંઓનો બાહુબલી’ તથા બીજાં ઘણાં ગુજરાતી નાટકોમાં તેણે ગુજરાતી ઑડિયન્સને ખૂબ મનોરંજન પીરસ્યું છે, ખૂબ હસાવ્યા છે. ટીવી-સિરિયલની વાત કરીએ તો ‘અમિતા અમિત’ અને ખૂબ ફેમસ ‘શ્રી ગણેશ’માં ગણેશજીના પાત્રમાં બહુ પૉપ્યુલર થયો હતો. એ પાત્ર કરવું બહુ અઘરું પડતું હતું, કારણ કે એક વાર ગણેશજી બનવા માટે સૂંઢ લાગી એ જાય પછી રાત સુધી શૂટિંગ પતે નહીં ત્યાં સુધી ખાવાનું કશું ખાઈ શકાય નહીં એટલે જૂસ અને સ્ટ્રૉથી લઈ શકાય એવાં લિક્વિડ પર જ રહેવું પડે. આટલું બધું મૅનેજ કર્યા છતાં તેનું વજન કન્ટ્રોલમાં ન રહી શક્યું અને એક દિવસ એને માટે ક્યાંક એ જ નિમિત બન્યું. મેં કહ્યું એમ, જગેશ તેના ગણેશજીના પાત્ર માટે બહુ પૉપ્યુલર થયો હતો અને આમ તો સૂંઢ તથા લગાવવામાં આવેલા કાન તેમ જ બીજાં ઑર્નામેન્ટ્સ વચ્ચે પણ ગણેશની કલાકારી, અવાજ અને આંખોને લીધે તે ઓળખાઈ જતો. પુણેના દગડુશેઠના ગણેશદર્શન માટે ખૂબ માનથી ગણેશોત્સવ દરમ્યાન ગાડી મોકલીને તેને બોલાવવામાં આવતો. આ જ ઈશ્વર તેના આત્માને શાંતિ આપે અને તેના પરિવારજનોને શક્તિ આપે, કારણ કે આ ઉંમર એક્ઝિટ લેવાની નહોતી અને ઓચિંતી એક્ઝિટ હંમેશાં શૉકિંગ જ હોય છે.
આવું જ શૉકિંગ દીપક દવે વિશે સાંભળ્યું ત્યારે લાગ્યું.
દીપક સાથે તમે ઇન્ટરઍક્શન કર્યું હોય તો એ તમને ઘણા લાંબા સમય સુધી સંભળાતું રહે. યાદ તો રહે જ, સંભળાયા પણ કરે. દીપકના અવાજમાં એ જાદુ હતો, તેનો અવાજ તમારો કાન છોડી ન શકે. ઘેઘુર અને ઘટ્ટ અવાજ. આ અવાજની આગવી ઓળખ પણ હતી. કલાકાર માટે સારો અને અનોખો અવાજ ખૂબ જરૂરી હોય છે. દીપક અમારો સિનિયર હતો. ખૂબ સારો માણસ. હું તેનો ફૅન હતો. સાહિત્યકાર અને પ્રસિદ્ધ લેખક હરીન્દ્ર દવેનો પુત્ર એટલે ગુજરાતી રંગભૂમિ પર દરેક વ્યક્તિ તેને મળ્યા પહેલેથી જ ઓળખતી હોય, પણ મળ્યા પછી તમે એનાથી એટલા પ્રભાવિત થાઓ, થાઓ અને થાઓ જ. મળ્યા પછી તમે દીપકને, એ દીપકને લીધે જ યાદ રાખો એવી તેની પર્સનાલિટી હતી. ગુડ લુકિંગ, ટોલ, હૅન્ડસમ, ગુડ હ્યુમનબીઇંગ. આવું કૉમ્બિનેશન અઘરું હોય છે. છેલ્લા ઘણાં વર્ષોથી તે અમેરિકા સેટલ થયો હતો, ભારતીય વિદ્યા ભવનની ત્યાંની શાખાના પ્રમુખ તરીકે. કલાના ક્ષેત્રમાં બહુ સારું કામ કરતો હતો. દીપકે ગુજરાતી રંગભૂમિ પર ઘણાં નાટકો કર્યાં, પણ છેલ્લાં વર્ષોમાં તે અહીં નહોતો એટલે રંગભૂમિ પર સક્રિય નહોતો. તેનું સૌથી યાદગાર નાટક એટલે ‘ચિત્કાર’. ‘ચિત્કાર’માં દીપક મોડો આવ્યો, પણ આવ્યા પછી તેણે નાટક પર પોતાનો પ્રભાવ છોડી દીધો એ તો સૌકોઈ સ્વીકારશે જ.


અમે બન્નેએ એક ગુજરાતી ફિલ્મ સાથે કરી હતી. એનું નામ હતું ‘પિયરિયું લાખનું, સાસરિયું સવા લાખનું.’ હું જ્યારે રંગભૂમિ પર આવ્યો ત્યારે દીપક બહુ પૉપ્યુલર અને સ્ટાર. હું તેનો ફૅન, જુનિયર તેનાથી. મારું પદાર્પણ સારું રહ્યું અને મારાં બે-ચાર નાટકો સફળ રહ્યાં. મેં ગુજરાતી પિક્ચર ‘દરિયાછોરુ’ કરી, જે લૅન્ડમાર્ક બની. ફિલ્મ અને નાટકોની સાથોસાથ હું નામના કમાયો, મારી ઓળખાણ ઊભી થઈ. એવા સમયે દીપક અને હું જે ફિલ્મમાં હતા એમાં મારો રોલ ઘણો સારો અને દમદાર હતો. આવું જ્યારે થાય, જ્યારે તમારાથી જુનિયર કલાકાર હોય તે તમારાથી વધારે પાવરફુલ રોલ કરતો હોય અને બધા તેને થોડું વધારે મહત્ત્વ આપતા હોય ત્યારે તમને મનમાં જરા ખટકી શકે, વાતાવરણ તંગ થઈ શકે. થાય જ, આ માનવસહજ છે, પણ આ માનવસહજ વાતની બાબતમાં જ દીપક જુદો હતો. એટલા પ્રેમથી, એટલો સારી રીતે રાખે કે તમને જાણ ન થવા દે. તેને જાણ હતી, ખબર હતી બધી, સમજાતું હતું બધું તેને, પણ એમ છતાં તે બહુ સારી રીતે એ આખા શૂટિંગ વચ્ચે રહ્યો અને તેણે ક્યારેય ફીલ ન થવા દીધું કે તે મારો સિનિયર છે અને અમારી દોસ્તી બિલકુલ અકબંધ રહી. કોઈ જાતનો ભાર અમારી અંગત દોસ્તીમાં તેણે આવવા ન દીધો. લેશમાત્ર એવું લાગ્યું નહીં કે તેના કરતાં મને વધારે મહત્ત્વ આપે છે અને તેને એ વાત દેખાઈ રહી છે. આવી ક્વૉલિટી જ્વલ્લે, ભાગ્યે જ તમને કોઈ કલાકારમાં જોવા મળશે. અમે એ સરસ સમય સાથે ગાળ્યો હતો. એ વાતચીત, એ હસીમજાક, એ આનંદપ્રમોદની ક્ષણો. મને બહુ યાદ આવે છે એ દિવસો. આવું તમને સામાન્ય રીતે બધા કલાકારો માટે ન થાય અને બધા કલાકારોમાં આવું જોવા પણ ન મળે. વેરી નાઇસ મૅન. ટૅલન્ટન્ડ પર્સન. ગુડ હ્યુમન બીઇંગ. બહુ જલદી ગયો તું પણ. વી મિસ યુ દીપક. રિયલી.

JD Majethia columnists