ડિયર સ્ટુડન્ટ્સ, યોગ પ્રૅક્ટિસ કરો છો તમે?

15 October, 2020 02:54 PM IST  |  Mumbai | Ruchita Shah

ડિયર સ્ટુડન્ટ્સ, યોગ પ્રૅક્ટિસ કરો છો તમે?

જો તેમના શરીરનું પૉશ્ચર યોગ્ય હશે તો એની પણ તેમના બિહેવિયર અને મેન્ટલ સ્ટેટ પર જોરદાર અસર પડે છે

જો ન કરતા હો તો શરૂ કરી દો. તમારા ઍકૅડેમિક પર્ફોર્મન્સથી લઈને મેમરી શાર્પ કરવા, એનર્જી-લેવલ વધારવા, એક્ઝામ ફિયરથી દૂર રહેવા, કૉન્સન્ટ્રેશન વધારવા, હૉર્મોન્સને સંતુલિત રાખવા અને સાચા નિર્ણયો લેવાની ક્ષમતા સુધારવા સુધીના અઢળક ફાયદાઓ વિદ્યાર્થી-જીવનમાં યોગને સામેલ કરવાથી મળી શકે છે. આજે વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે છે ત્યારે એ વિશે વિસ્તારથી જાણીએ..

આ દુનિયામાં જેટલા પણ સફળ લોકો થયા છે બધાએ એક વાત પર હંમેશાં ભાર મૂક્યો છે. ‘ઑલ્વેઝ બી અ સ્ટુડન્ટ’. હંમેશાં વિદ્યાર્થી બનીને શીખતા રહો, જે દિવસે તમે શીખવાનું બંધ કર્યું એ દિવસથી તમે કોહવાઈ જવાના, સડી જવાના શરૂ થયા સમજજો. નિતનવા રહેવું હોય, તાજગીથી ભરેલા રહેવું અને સતત ઉત્સાહથી તરબતર રહેવું હોય તો વિદ્યાર્થી બનીને શીખતા રહેવામાં સાર છે. આજે અચાનક વિદ્યાર્થીનો વિષય નીકળ્યો છે એ પણ યોગની કૉલમમાં તો એનું કારણ છે કે આજે ‘વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે’ છે અને યોગશાસ્ત્રમાં ઉત્તમ વિદ્યાર્થી બનવામાં મદદ મળે એવી ઘણી ટિપ્સ આપવામાં આવી છે. સારામાં સારા વિદ્યાર્થી બનવું હોય અને કોઈ પણ લક્ષ્યને સાધવું હોય તો શું કરવું એ વિશે મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં અભ્યાસની વાત કરે છે. વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે અને જ્યારે જીવનરૂપી સ્કૂલમાં સતત શીખવાની આશ સાથે વિદ્યાર્થી બની રહ્યા હોઈએ ત્યારે આ અભ્યાસનું મહત્ત્વ કલ્પનાતીત છે. મહર્ષિ પતંજલિ અભ્યાસ વિશે પહેલા અધ્યાયના ૧૩મા સૂત્રમાં કહે છે, ‘તત્ર સ્થિતૌ યત્નોભ્યાસ’ એટલે કે સતત મહેનત કરીને એ માટેનો અભ્યાસ કરતા રહેવું એ અભ્યાસ છે. અહીં એ માટે એટલે કે યોગના લક્ષ્યને સાધવાની વાત છે, પરંતુ જીવનના કોઈ પણ લક્ષ્ય માટે પ્રયત્નપૂર્વક અને સાતત્યતા સાથે અભ્યાસ કરતા રહેવું જરૂરી જ છે. માણસનું મન સતત દોડતું-ભાગતું રહે છે, એની વચ્ચે એને સ્ટેબલ કરીને એક બાબતમાં સ્થિર કરવું એ અભ્યાસ જરૂરી જ છે. હવે એના પછીના સૂત્રમાં અભ્યાસ કેવો હોવો જોઈએ એ વિશે તેઓ કહે છે, ‘સ તુ દીર્ઘકાલ નૈરન્તર્ય સત્કારસેવિતો દૃઢભૂમિઃ’ એટલે કે લાંબા સમય સુધી નિરંતર, આદર અને ઉત્સાહ સાથેનો અભ્યાસ હોવો જોઈએ કે એ આપણામાં દૃઢ થઈ જાય. એક શ્રેષ્ઠ સ્ટુડન્ટ બનવા માટે મહર્ષિ પતંજલિએ આપેલી થિયરીઓ અને યોગની પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ એમ બન્ને મહત્ત્વનું પરિણામ આપી શકે એવાં છે. આજે વિદ્યાર્થીઓના જીવનમાં યોગની ઉપયોગિતા કેટલી મુઠ્ઠીઊંચેરી છે અને કેવી પ્રૅક્ટિસ આજના સ્ટુડન્ટ્સે પોતાના જીવનમાં અપનાવવી જોઈએ એના પર થોડી વાતો કરીએ...
સાબિત થયું છે
૨૦૧૫માં અયોધ્યાની એક કૉલેજના સાઇકોલૉજી વિભાગના રિસર્ચરે યોગાસનો-પ્રાણાયામની વિદ્યાર્થીઓની મેમરી અને એકાગ્રતા પર શું અસર થાય છે એનો ૨૦૦ વિદ્યાર્થીઓ પર એક અભ્યાસ કર્યો, જેમાં તેમને યોગ-પ્રૅક્ટિસ પછી સ્કૂલ-લેવલ પર મહત્ત્વપૂર્ણ ગણાતાં આ બન્ને પરિબળોમાં નોંધનીય સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય અત્યાર સુધી સ્ટુડન્ટ્સના અગ્રેશન લેવલ, ઍન્ગ્ઝાયટી-લેવલ, એક્ઝામ-સ્ટ્રેસ, કૉમ્પિટિશન સામે ટકી રહેવાનું મનોબળ, ટીનેજમાં થતા હૉર્મોનલ ચેન્જ પર યોગની અસર જેવી ઘણી બાબતો પર દુનિયાભરના રિસર્ચરોએ અવારનવાર અભ્યાસ કર્યો છે, જેમાં ઇમ્પ્રૂવમેન્ટ સાથેનું જ પરિણામ મળ્યું છે અને એના જ બેઝ પર મોટા ભાગની સ્કૂલોમાં હવે યોગપ્રશિક્ષણ કમ્પલ્સરી કરવામાં આવી રહ્યું છે.
દરેક પાસાઓ પર કામ
આજના વિદ્યાર્થીઓ પર ટેન્શન અને ડિસ્ટ્રેક્શન બન્નેમાંથી એકેયની કમી નથી. ફિંગરટિપ પર મળતી થયેલી ઇન્ફર્મેશને તેમની વિવેકબુદ્ધિ સામે પડકારો ઊભા કર્યા છે. ખોટી દિશામાં ભરમાઈ જવાના, ટીનેજ સ્ટુડન્ટ્સ મિત્રની સંગતમાં ખોટા નશામાં ભરમાઈ જવા જેવા કિસ્સા ખૂબ વધી શું કામ રહ્યા છે? ઓવર ઇન્ફર્મેશન અને ઓવર લક્ઝરીને કારણે સાચો નિર્ણય લેવામાં થાપ ખાઈ જાય છે. ધીરજ ખૂટી છે અને પરિસ્થિતિને પહોંચી વળવાની સહનશક્તિનો હ્રાસ થતો દેખાય છે. આ બધા જ સંજોગોમાં સાઇકોલૉજિકલ અને બિહેવિયર લેવલ પર યોગ ભરપૂર કામ કરે છે. આસન તમારા શરીરમાં સ્થિરતા લાવે. એક-એક આસનમાં જ્યારે તમે હોલ્ડ કરો એટલે તમારો ટૉલરન્સ વધે અને સાથે સ્થિરતા પણ વધે. નાછૂટકે સહન કરવું પડે ત્યારે તમે સહન તો કરો, પણ મનથી અસ્થિર થઈ ચૂક્યા હો. યોગ એક જ એવું વિજ્ઞાન છે જે તમને સ્થિરતા સાથેની સહનશક્તિ કેળવવાની ટ્રેઇનિંગ આપે છે. પ્રાણાયામ વિચારોની સ્પષ્ટતા લાવે, મનને સ્થિર કરે. જેની બાયપ્રોડક્ટ એટલે યોગ્ય નિર્ણયો લેવાની ટ્રેઇનિંગ આપમેળે શરૂ થઈ જાય.
વિદ્યાર્થી-જીવન પર યોગના ફિઝિકલ બેનિફિટ્સ વિશે સ્ટુડન્ટ્સને યોગ શીખવનારા યોગનિષ્ણાત ઉપેન મલિક પોતાના વ્યક્તિગત અનુભવોના આધારે કહે છે, ‘આજના મોટા ભાગના સ્ટુડન્ટ્સ રેસ્ટલેસ છે. રેસ્ટલેસનેસ સ્ટ્રેસ લાવે. યોગ એ સ્ટ્રેસને દૂર કરે છે. મેમરી શાર્પ થયાનું તો મેં અનેક પેરન્ટ્સના મોઢે સાંભળ્યું છે. ઘણાં બાળકો ટેક્નોલૉજીના અતિવપરાશને કારણે મેન્ટલી થાકી જાય છે. યોગાસનો અને પ્રાણાયામ પ્રૅક્ટિસ એ થાકને હટાવીને ફ્રેશનેસ લાવે છે. સૌથી મહત્ત્વની બાબત જેના પર હું ખૂબ ફોકસ કરું છું એ છે પૉશ્ચર. નાની ઉંમરમાં પૉશ્ચરની ભૂલોને દૂર કરી શકાય. જો તેમના શરીરનું પૉશ્ચર યોગ્ય હશે તો એની પણ તેમના બિહેવિયર અને મેન્ટલ સ્ટેટ પર જોરદાર અસર પડે છે. સીધા ઊભા રહેવું, કરોડરજ્જુ સીધી રાખવી, શરીરનું વેઇટ બરાબર ઇક્વલી ડિસ્ટ્રિબ્યુટેડ હોવું જોઈએ. આ બધી જ બાબતો યોગાસનો દ્વારા કરેક્ટ કરી શકાય છે. આંખોનું તેજ યોગિક ક્રિયાથી વધે, સ્પાઇન અલાઇનમેન્ટ સુધરવાથી મસ્ક્યુલર સ્ટ્રેસ ઘટે. અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ માટે આ શ્રેષ્ઠ મેડિસિન છે, જેની અસર હમણાં જ નહીં, પરંતુ તેમના આખા જીવન પર્યંત રહેવાની છે.’


એક કેસ સ્ટડી
પોતાની પાસે આવતા લગભગ પાંચમા ધોરણમાં ભણતા સ્ટુડન્ટની વાત કરતાં ઉપેન મલિક કહે છે, ‘ચર્ની રોડ રહેતો લગભગ દસેક વર્ષનો એક છોકરો અમારા ક્લાસમાં આવતો. સ્કૂલમાંથી, સોસાયટીમાંથી, તેના ફ્રેન્ડ્સમાંથી એમ દરેક જગ્યાએથી તેની કમ્પ્લેઇન આવતી હતી. સતત તોફાન કરે, ન ભણવામાં ધ્યાન આપે કે ન બીજી કોઈ પણ ઍક્ટિવિટી કરી શકે. બિલકુલ જપે નહીં. અમારે ત્યાં યોગ ક્લાસમાં જોડાયા પછી પણ લગભગ ૧૫ દિવસ તે એક જગ્યાએ શાંતિથી રહ્યો નહોતો. જોકે પછી શું હોય કે તેમની સાથે તેમની જ ભાષામાં તેમને ગમે એવી ઍક્ટિવિટીથી શરૂઆત કરાવવી પડે. પંદરેક દિવસ પછી ધીમે-ધીમે તેનો ઇન્ટરેસ્ટ ડેવલપ થતો ગયો. દોઢ મહિનામાં તેના પેરન્ટ્સ ખુશ-ખુશ હતા. માત્ર દોડાદોડમાં એનર્જીનો વ્યય કરનાર આ બાળક હવે ઘણી બધી ઍક્ટિવિટી કરવા માંડ્યો હતો. જાતે ભણવા બેસી જતો, સ્કૂલની કમ્પ્લેઇન ઓછી થઈ. તેના ઓવરઑલ બિહેવિયરમાં બદલાવ અમે જોયો છે. પછી તો તે યુએસમાં કોઈ કૉમ્પિટિશન જીત્યા પછી ત્યાં ભણવા જતો રહ્યો. આવા ઘણા કિસ્સા અમે જોયા છે. બાળકને સમજીને જો યોગમાં તેનો રસ જગાડાય તો અદ્ભુત પરિણામ મળે છે.’

કઈ પ્રૅક્ટિસ કરશો?

આસન- શોલ્ડર રોટેશન, નેક રોટેશન જેવા સૂક્ષ્મ વ્યાયામ સાથે સૂર્યનમસ્કાર, શલભાસન, ઉષ્ટ્રાસન, ધનુરાસન, નૌકાસન, ભુજંગાસન જેવાં આસનો વિદ્યાર્થીઓ પાસે કરાવડાવવાં. આ આસનોમાં છાતીનો હિસ્સો ખૂલે છે એથી તેમનું શ્વસન સુધરે, પૂરતા પ્રમાણમાં શરીરને જોઈતો ઑક્સિજન મળી રહે, તેમની કરોડરજ્જુની હેલ્થ માટે આ આસનો ખૂબ જરૂરી છે. બાળકોમાં ખૂંધ સાથે બેસવાની આદત હોય છે, આવા ખોટા પૉશ્ચર સુધરશે. આજ્ઞાચક્ર આમાંથી કેટલાંક આસનોથી પ્રભાવિત થાય છે, જે વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ સારુ રિઝલ્ટ આપી શકે. ગ્રોથ હૉર્મોન્સ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી થાઇરૉઇડ અને પેરાથાઇરૉઇડ ગ્રંથિઓ પર આસનો વધુ પ્રભાવશાળી છે. તમે જોશો કે માત્ર ૧૦થી ૧૫ સેકન્ડ એક આસન હોલ્ડ કરશે એટલે બાળકોને જલસો પડવા માંડશે. તેમને ખાવાપીવાની મજા આવશે, દરેક ઍક્ટિવિટીમાં તેઓ એન્જૉય કરવા માંડશે. આ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થતો બદલાવ છે, પણ એની લાંબા ગાળાની અસર હોય છે. આ ઉપરાંત વૃક્ષાસન, તાડાસન, તિર્યંક તાડાસન, સાઇડ પ્લેન્ક જેવાં આસનો તેમનામાં સંતુલન લાવશે. હાઇટ વધારશે, તેમના ચંચળતાના ગુણને થોડો કાબૂમાં રાખશે.

યોગનિષ્ણાત ઉપેન મલિક

પ્રાણાયામ- લાંબા, ઊંડા શ્વાસ લેવા અને છોડવા આ એક બ્રિધિંગ એક્સરસાઇઝ તેમને માટે ઉપયોગી છે. પછી ધીમે-ધીમે પાંચ સેકન્ડ શ્વાસ લેવો, પાંચ સેકન્ડ રોકવો, પાંચ સેકન્ડમાં છોડવો અને ફરી પાંચ સેકન્ડ રોકવો. આ પ્રૅક્ટિસ પણ તેમને માટે ઉપયોગી છે. એ પછી પાંચ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ તેમને માટે જરૂરી છે અને છેલ્લે સૂતાં-સૂતાં ૨૧ રાઉન્ડ ભ્રામરીના કરાવડાવો. આ બધી જ પ્રૅક્ટિસ તેમની મેમરી માટે, એકાગ્રતા માટે અને સારા મોટર રિસ્પૉન્સ માટે જરૂરી છે.
ત્રાટક-બાળકો માટે ખૂબ જ ઉપયોગી ક્રિયા છે આ. પાંચથી સાત મિનિટ પ્રાણાયામ પછી તેમની પાસે ત્રાટકની ક્રિયા કરાવશો તો તેમની મેમરી સોએ સો ટકા શાર્પ થશે, આંખોનું તેજ વધશે અને એકાગ્રતા આવશે. વિદ્યાર્થી-જીવનમાં તો ત્રાટક અવશ્ય કરવું જ જોઈએ.

ruchita shah columnists yoga