ડિયર લેડીઝ, ઇટ્સ ઓકે

14 May, 2022 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે સ્થિતિ છે એમાં બેસ્ટ શું કરી શકાય એ દિશામાં વિચારો અને યાદ રાખો કે ફૅમિલીની સાથોસાથ તમારા પ્રત્યે પણ જવાબદારી છે

ડિયર લેડીઝ, ઇટ્સ ઓકે

વર્કિંગ વુમન તરીકે અનેક ફ્રન્ટ પર સંઘર્ષ કરનારી મહિલાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સતત ગિલ્ટમાં જીવતી મહિલાઓએ જાતને સમજાવવાની જરૂર છે કે દરેક કામ તમે નથી કરી શકવાના. દરેક વખતે ફૅમિલીની જરૂરિયાત સમયે તમે ઊભા ન રહી શકો તો એ પણ સહજ છે અને એનો ભાર રાખવાની જરૂર નથી. જે સ્થિતિ છે એમાં બેસ્ટ શું કરી શકાય એ દિશામાં વિચારો અને યાદ રાખો કે ફૅમિલીની સાથોસાથ તમારા પ્રત્યે પણ જવાબદારી છે

લાસ્ટ વીક મધર્સ ડે ગયો. એ દિવસે એક બહુ સરસ વિડિયો મેસેજ આવ્યો. મલ્ટિટાસ્કર મહિલાઓ ક્યારેક કોઈ કામ ન કરી શકે, મા તરીકે ક્યારેક તે પોતાના બાળકને સમય ન આપી શકે અથવા કોઈક કામ તે ભૂલી જાય તો ઇટ્સ ઓકે. આ વાતને સરસ રીતે એમાં આવરી લીધી હતી. મારે એ જ વાતને આગળ વધારવી છે. 
દેશમાં તથા સમાજમાં મહિલાઓનું સ્થાન અને તેમનો પ્રભાવ બદલાઈ રહ્યાં છે. તેમના પ્રત્યેનું સમાજનું વલણ બદલાયું છે અને તેમનું પોતાની જાત માટેનું વલણ પણ બદલાયું છે. અફકોર્સ, એ બદલાવ ધીમો છે અને હજી ઘણા સ્તરે બદલાવનો અવકાશ છે, પરંતુ ચેન્જ આવ્યો છે એ પણ સ્વીકારવું રહ્યું. એ વાત આપણે કોઈએ ન જ ભૂલવી જોઈએ કે આજે પણ મોટા પ્રમાણમાં મહિલાઓ ગામડાંમાં અને ટાઉનમાં છે જેઓ ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બને છે. ઘણા મોટા પ્રમાણમાં આજે પણ એવી મહિલાઓ છે જેમને બહાર નીકળીને કામ કરવું છે, પોતાની ઓળખ બનાવવી છે; પણ તેમને સમાજનાં બંધનોએ બાંધી રાખી છે. આજે પણ અઢળક એવી મહિલાઓ છે જેમની સાથે થતા અન્યાય બદલ તેમને અવાજ મોટો કરવો છે, વિરોધ નોંધાવવો છે; પણ તેઓ બોલી નથી શકતી. આજે પણ અઢળક મહિલાઓ છે જેમને પોતાની અવતરી રહેલી દીકરીને બચાવવા માટે ભરપૂર સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકોને મહિલા સશક્તીકરણની વાતો હવે જૂનીપુરાણી લાગવા માંડી છે. તેમણે તો આ બધી વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બહુ જ દૃઢતા સાથે કહું છું કે મહિલાઓની સ્થિતિમાં બદલાવ હજી પૂરેપૂરો નથી આવ્યો અને એટલે જ જ્યાં સુધી સમાજની સંપૂર્ણ ધારા ન બદલાય ત્યાં સુધી આવી વાતો થતી રહેવી જોઈએ. આજે પણ આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓની સંખ્યા હોમમેકર મહિલાઓની તુલનાએ ઓછી જ છે. આજે પણ પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય એવી મહિલાઓની સંખ્યા ઓછી જ છે. ઓવરઑલ એટલું જ કહીશ કે ભલે અમુક લોકો આ પ્રકારની વાતોથી બોર થયા એવું માનતા હોય તો પણ તેમની જરૂરિયાત જરા પણ ઓછી નથી થઈ.
બે પ્રકારની મોટી બીમારીથી અત્યારે મોટા ભાગની મહિલાઓ પીડાય છે. એક તો છે ગિલ્ટ અને બીજી છે ઇન્ફિરિયરિટી. હું પોતે એક પોલીસ ઑફિસરની સાથે-સાથે મા પણ છું એટલે તેમની સ્થિતિને બહુ જ સારી રીતે સમજી શકું છું કે બહુબધી જગ્યાએ જ્યારે તમારે લડવાનું હોય ત્યારે બની શકે કોઈક વાર ક્યાંક તમે સો ટકા ન આપી શકો. કબૂલ કે મહિલા તરીકે તમારામાં અમુક વિશેષતાઓ તો છે જ. જાતઅનુભવ પરથી કહું છું કે મહિલાઓની મલ્ટિ-ટાસ્કિંગ એબિલિટીને તો કોઈ અલ્ટ્રા-ઍડ્વાન્સ મશીન પણ આંબી ન શકે. દરેક સિચુએશનને પોતાની એક્સપર્ટાઇઝથી હૅન્ડલ કરવાની આવડતનાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. હું હંમેશાં કહેતી આવી છું કે પોલીસ ફોર્સમાં વધુ ને વધુ મહિલાઓ આવે એવા પ્રયાસો કરવા જોઈએ. જો પોલીસ તરીકે મહિલાઓની લાક્ષણિકતા ઉપયોગી સાબિત થતી હોય તો પછી બીજું તો એવું કયું ક્ષેત્ર બાકી રહે જ્યાં તેમના હોવાથી વધુ ફાયદો ન થતો હોય. મૅનેજરિયલ સ્કિલ તેનામાં જન્મજાત છે. 
જો એવું ન હોત તો સ્ત્રી આવવાથી મકાન ઘર બની જાય છે એવું કહેવાતું ન હોત. સહજ રીતે તેને ખબર છે કે ક્યાં અગ્રેસિવ થવું અને ક્યાં સૉફ્ટ્લી પરિસ્થિતિને હૅન્ડલ કરવી. મહિલાઓને ગૉડ-ગિફ્ટ તરીકે જે ક્વૉલિટી મળી છે એનો જો તે પોતાના પ્રોફેશનલ અને સોશ્યલ ફ્રન્ટ પર ઉપયોગ કરી શકે તો એનો કોઈ ઑપ્શન નથી. પોલીસ તરીકે અમારે દર વખતે પાવરનો ઉપયોગ નથી કરવાનો હોતો. કમ્યુનિટી સાથે પણ એક રિલેશનશિપ બિલ્ટ-અપ કરવાની હોય છે. તમને તમારામાં રહેલી વિશેષતાઓ ઓળખતાં, જરૂર પડ્યે એને નિખારતાં અને એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. જોકે આ બધાં વખાણ પછી પણ એ વાસ્તવિકતા બદલાતી નથી કે તમે પણ માણસ છો. 
તમારી એબિલિટી વચ્ચે પણ તમે થાકી શકો, ભૂલી શકો, કંટાળી શકો. આ બધું સહજ છે અને આવું જો ક્યારેક થાય તો જાતને કોસવાની જરૂર નથી કે એના ગિલ્ટમાં રહેવાની જરૂર નથી. ડેલિગેશન એક ક્વૉલિટી છે જે આજની મૉડર્ન વર્કિંગ વુમને શીખવાની બહુ જરૂર છે. બધું જ પોતાના માથે રાખવું નહીં. બધી જવાબદારી પોતાની છે એ વાતનો ભાર રાખવો નહીં. વર્ક અને લાઇફ વચ્ચે બૅલૅન્સ બનાવવું હશે તો ક્યારેક કંઈક જતું પણ કરવું પડશે. ક્યારેક નહીં, ઘણી વાર એવું બની શકે કે તમે તમારું બાળક બીમાર છે અને તે તમને ઘરે રહેવા માટે કહે અને છતાં તમારે ડ્યુટી પર જવું પડે. બની શકે કે એ વખતે પરિવારના લોકો તમને કોસે કે જાત સાથે જ તમારે લડવું પડે, પણ એ સિચુએશનને હૅન્ડલ કરતાં તમારે શીખવું જોઈએ. તમારે જાતને ‘ઇટ્સ ઓકે’ કહેતાં શીખવું પડશે. ઠીક છે, તમે તેને જોઈતો હતો એટલો સમય ન આપી શક્યા. ઠીક છે, ઘરનાં ચાર કામ તમારા બદલે તમારા હસબન્ડે કે ફૅમિલીએ કરી લીધાં. ઠીક છે, બચ્ચાની સ્કૂલમાં શું ચાલે છે એની તમને ખબર નથી. ઠીક છે, તમારા ઘરમાં હાઉસહેલ્પે તમારા બાળકને જમાડ્યું. આ બધી વાતથી તમે ખરાબ મધર કે સિસ્ટર નથી બની જતા. એનાથી તમે બેજવાબદાર સ્ત્રી પણ નથી બનતા. આવા ગિલ્ટને મનમાં આવવા ન દેવું જોઈએ. 
તમને તમારી સપોર્ટ સિસ્ટમને સ્ટ્રૉન્ગ બનાવતાં અને તેમને કામ સોંપતાં આવડવું જોઈએ અને એ સોંપ્યા પછી તેમના કામ પર ભરોસો કરતાં પણ આવડવો જોઈએ. હેલ્પ લેવી જરૂરી છે એ વાત તમારા મગજમાં ઠસાવી દો. જોકે એની સાથે એ પણ મહત્ત્વપૂર્ણ છે કે જ્યારે તમે ફૅમિલી સાથે હો ત્યારે સંપૂર્ણ તેમની સાથે હો. એક વાર ઘરે આવ્યા પછી ઇમર્જન્સીના સંજોગો ન હોય ત્યારે માત્ર પરિવારને અને બાળકોને ક્વૉલિટી ટાઇમ આપવાનો. મારી દીકરી એકવીસ વર્ષની છે અત્યારે અને અમારી વચ્ચે બહુ જ જોરદાર બૉન્ડિંગ છે. એક ફ્રેન્ડની જેમ અમે બધી વાતોનું શૅરિંગ કરીએ છીએ. આ બૉન્ડિંગ રાતોરાત નથી બન્યું. વર્કિંગ વુમન હોવા છતાં બાળપણથી તેની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો છે, જેનું આ રિઝલ્ટ છે. વર્કિંગ હતી છતાં પણ કુકિંગનો મારો શોખ મેં પૂરો કર્યો છે. જ્યારે ઘરે હોઉં ત્યારે હું જ ખાવાનું બનાવું છું. વર્કિંગ હતી છતાં પેઇન્ટિંગનો શોખ મેં પૂરો કર્યો છે. કહેવાનો મતલબ એટલો જ કે ઘર અને ઑફિસ બન્ને હોવા છતાં પણ સ્માર્ટ રીતે સંતુલન બનાવી શકાય અને જરૂરી હોય ત્યાં તમે હાજરી પણ આપી શકો. 
ધારો કે ક્યારેક ન આપી શકો તો એને ગિલ્ટને બદલે સંજોગો સમજીને સ્વીકારીને આગળ વધવાનું. વર્કિંગ વુમન માટે પોતાની મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ હેલ્થને પ્રાયોરિટીમાં રાખવાનું બહુ જરૂરી છે. ફરી-ફરીને એક જ વાત કહીશ કે સો ટકા તમે મલ્ટિટાસ્કર છો, તમારી ક્ષમતાઓ અદ્ભુત છે અને એ પછી પણ કંઈક એવું છે જે તમે નહીં કરી શકો. એ સહજ છે અને એને સ્વીકારવાનું જ હોય. ગિલ્ટમાં ટાઇમ નહીં વેડફવાનો અને એ ગિલ્ટ માટે ખોટી રીતે બાળકોને કૉમ્પનસેટ પણ નહીં કરવાનાં. આવું પણ આજના ઘણા પેરન્ટ્સ કરતા હોય છે. પોતે સમય નથી આપ્યો એની ગિલ્ટને કારણે તેઓ બાળકની મનફાવે એવી ડિમાન્ડ પૂરી કરતા હોય છે. એની જરૂર જ નથી. એમ કરવાથી બાળક તમારાથી ખુશ રહેશે એવી ભ્રમણામાં રહેવું નહીં. 
અત્યારે ટ્રાન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહેલી વર્કિંગ ઇન્ડિયન વુમને આવી નાની-નાની બાબતમાં જાતને બદલવાની જરૂર છે. પોતે સ્ત્રી તરીકે બાળક અને ફૅમિલી પ્રત્યે હૅપીલી રિસ્પૉન્સિબલ રહે એ જરૂરી છે તો સાથે એ પણ જરૂરી છે કે બધું એકસાથે માથા પર ન લે અને ગિલ્ટ કે ઇન્ફિરિયરિટીમાંથી બહાર આવે.

 તમારી એબિલિટી વચ્ચે પણ તમે થાકી શકો, ભૂલી શકો અને કંટાળી પણ શકો. આ બધું સહજ છે અને આવું જો ક્યારેક થાય તો જાતને કોસવાની જરૂર નથી. એના ગિલ્ટમાં રહેવાની જરૂર નથી. ડેલિગેશન એક ક્વૉલિટી છે જે આજની મૉડર્ન વર્કિંગ વુમને શીખવાની બહુ જરૂર છે.

columnists saturday special