અમારે તો એક દીકરી બસ

27 September, 2020 05:12 PM IST  |  Mumbai | Alpa Nirmal

અમારે તો એક દીકરી બસ

પ્રતીકાત્મક તસવીર

‘અમે બે અમારું એક’ એવો કન્સેપ્ટ તો છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં આવ્યો, પણ બે દાયકા પહેલાં જ્યારે ‘અમે બે અમારાં બે’નું ચલણ હતું અને એમાંય એક દીકરો તો હોવો જ જોઈએ એવી માનસિકતા પ્રવતર્તી હતી એ સમયે કેટલાંક પેરન્ટ્સે પહેલી પુત્રી પામીને તેની પર જ સઘળું વહાલ ઢોળી દેવાનો નવો ચીલો ચાતરેલો. અત્યારે એ વાત ભલે થોડીક સામાન્ય લાગે, પણ નવાઈની વાત એ છે કે કેટલાંક મા-બાપે એ સમયે પણ વંશને આગળ વધારનારા દીકરાનો તસુભાર પણ મોહ નથી રાખ્યો. સમાજ શું કહેશે એની પરવા કર્યા વિના દીકરીને પૂરા દિલથી ચાહીને તેને લાડકોડ આપનારાં કેટલાંક માતા-પિતાને આજે ડૉટર્સ ડેના દિવસે યાદ કરીએ...

અમારી દીકરી અમારો ધબકાર છે: કાશ્મીરા અને નીતિન શ્રોફ

મીરા રોડ-ઈસ્ટમાં રહેતા શ્રોફ દંપતીએ લગ્ન બાદ નક્કી કરી જ લીધું હતું કે એક જ સંતાનને જન્મ આપીશું. ચાહે તે દીકરો હોય કે દીકરી અને તેમને ત્યાં જન્મી હેમાંશી. કાશ્મીરાબહેન કહે છે, ‘આજે ૨૭ વર્ષ થયાં. અમને બેઉમાંથી એકેયને કદી એવું નથી લાગ્યું કે દીકરો હોવો જોઈએ. હેમાંગી એકદમ અમેઝિંગ છે. તે હોય એટલી વખત ઘર ચહેકતું હોય.’

નીતિનભાઈ કહે છે, ‘પહેલાં અમે બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં, હવે તે અમારી યંગ બેસ્ટ ફ્રેન્ડ છે. ખૂબ જ કૅર કરે અમારી. અમારી દરેક જરૂરિયાતોની તેને જાણ હોય. હા, ભારતીય સમાજમાં હજી પણ પુત્રને વધુ પ્રાધાન્ય મળે છે, પરંતુ આજની દીકરીઓ ઘર અને બહાર બધાં જ ક્ષેત્રે સવાઈ સાબિત થાય છે. હિમાંશી અમારી સાથે ઇમોશનલી એટલીબધી અટૅચ્ડ છે કે એટલો કદાચ અમારો દીકરો અમારી સાથે ન હોત. ૫૦ વર્ષનાં કાશ્મીરાબહેન ઉમેરે છે, ‘તે સિંગલ ચાઇલ્ડ હોવા છતાં બહુ પેમ્પર્ડ નથી. અમે તેને બહારની દુનિયામાં ટકી રહે એવી સક્ષમ બનાવી છે. આજે તે એમ.કૉમ. થયા બાદ જૉબ કરે છે અને બહુ મૅચ્યોર્ડ છે. હા, લગ્નની વય થઈ ગઈ છે. તેનાં લગ્ન પછી અમારે એકલા રહેવાનું છે એ વિચાર ક્યારેક ગમગીન કરી દે, પરંતુ અમને એ ખાતરી છે કે લગ્ન પછી પણ તે અમારી એટલી જ કાળજી લેશે અને આટલું જ ધ્યાન રાખશે.’

અમને એક જ સંતાન જોઈતું હતું અને એ પણ દીકરી જ: દીપ્તિ અને મિતેશ દલાલ

૨૯ વર્ષ પહેલાં દીપ્તિબહેનને સારા દિવસો રહ્યા ત્યારથી તેમને અને મિતેશભાઈને દીકરીના ઓરતા હતા. ઇરલામાં રહેતા દીપ્તિબહેન કહે છે, ‘પહેલેથી સિંગલ ચાઇલ્ડ જ કરીશું એવું ડિસાઇડ કર્યું હતું અને ત્યારથી જ બેઉંને એમ હતું કે એ સિંગલ ચાઇલ્ડ જો દીકરી હશે તો અમને વધુ ગમશે અને ખરેખર ભગવાને અમારી ઇચ્છા પૂર્ણ કરી અને અમારે ત્યાં હાર્દિ આવી અને અમને અને તેમનાં દાદા-દાદીને જાણે ઢીંગલી મળી ગઈ. અમે તેના ઉછેરમાં કોઈ જેન્ડર બાયસ નથી રાખ્યું કે છોકરી છે તો આમ ન થાય, ત્યાં ન જવાય. ઇન ફૅક્ટ, તે નાનપણથી ઍડવેન્ચર્સ છે. તે ૧૧ વર્ષની હતી ત્યારે ૧૩ દિવસ મનાલી ટ્રૅકિંગ કૅમ્પમાં ગઈ હતી. તેને ટ્રૅકિંગનો ખૂબ શોખ છે અને અમે તેના એ શોખને સીમિત નથી કર્યો.’

મિતેશભાઈ કહે છે, ‘હાર્દિનો નેચર થોડોક છોકરા જેવો એકદમ બિન્દાસ અને સાહસિક તો ખરો જ, પણ સાથે સ્ત્રીસહજ કૅરિંગ પણ ખરી. અમે તેને આગળ ભણવા ફૉરેન યુનિવર્સિટીમાં જવાનો બહુ આગ્રહ કર્યો, કેમ કે તે ભણવામાં ખૂબ તેજસ્વી હતી, પણ તેણે જ ના પાડી. તે કહે, મારે તમારી ક્લૉઝ રહેવું છે જેથી કંઈ પણ થાય તો હું તમારી પાસે તરત આવી શકું. હાર્દિએ આઇટી એન્જિનિયરિંગ કર્યું છે અને મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરે છે.’

દીપ્તિબહેન કહે છે, ‘આમ જોઈએ તો તે મારી સાથે વધુ ક્લૉઝ, પણ મારી કોઈ ખોટી વાત ચલાવી ન લે. મિતેશ અને મારી વચ્ચે કોઈ દલીલ થાય તો જજ બનીને યોગ્ય ચુકાદો આપે.’

દીકરી અમારી ઇમોશનલ અને ઇન્વેસ્ટમેન્ટ કોચ છે: કલ્પના અને હિરેન છેડા

૨૬ વર્ષની ઝીલ છેડા એક કૉર્પોરેટ કંપનીમાં ફાઇનૅન્શિયલ ઍનૅલિસ્ટ છે. કંપનીમાં જેમ ફાઇનૅન્સ સંભાળે છે એમ ઘરમાં પણ મમ્મી-પપ્પા, દાદા-દાદીનું ધ્યાન રાખે છે. સાંતાક્રુઝ-વેસ્ટમાં રહેતાં ૫૦ વર્ષનાં કલ્પનાબહેન કહે છે, ‘મને લગ્નનાં છ વર્ષ બાદ સંતાન આવ્યું. પહેલાં અમે નક્કી નહોતું કર્યું કે એક જ બાળક જોઈએ છે, પણ પહેલું ચાઇલ્ડ આવ્યું એટલે જવાબદારી આવી. કર્તવ્યનું ભાન થયું કે તેને સારા સંસ્કાર અને ભણતર આપીને તેનો વ્યવસ્થિત ઉછેર કરવો છે. આવું ડિસાઇડ કર્યા પછી સેકન્ડ ચાઇલ્ડનો વિચાર ન જ આવે. ઘણા વર્ષે ઘરમાં બાળક આવ્યું હતું એટલે દીકરી આવવાની ખુશી પણ બહુ જ હતી. ઝીલ બાળપણથી જ તેનાં દાદા-દાદીની પણ બહુ લાડકી હતી અને આજે પણ છે. તે દાદીને મમ્મા કહે છે અને બીઝી શેડ્યુઅલ હોવા છતાં મમ્મા સાથે ટાઇમ સ્પેન્ડ કરવો તેની માટે મસ્ટ છે.’

હિરેનભાઈ કહે છે, ‘ઍક્ચ્યુઅલી, તે ખૂબ શાંત અને શરમાળ. મારાં મમ્મી અને તેની મમ્મી તેના બેસ્ટ ફ્રેન્ડ. આમ તો સ્કૂલ પછી એન્જિનિયરિંગ કૉલેજમાં ભણવામાં તે સતત બીઝી રહેતી, પરંતુ ફાઇનૅન્સમાં એમબીએ કર્યા પછી અમે ફાઇનૅન્સ, વર્લ્ડ ઇકૉનૉમી અને શૅરબજારની ખૂબ વાતો કરીએ. બાપ-દીકરો જેમ ધંધાની વાતો કરે એમ મને દીકરી સાથે એ વાતો કરવાની બહુ મજા આવે, ગૌરવ થાય. બે વર્ષ સુધી તેણે કંપનીનું આખું ગોવા ડિવિઝન સંભાળ્યું. હવે આ જ કંપનીના ઑલ ઓવર ઇન્ડિયાના ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટની હેડ છે. એને કારણે તેને ખૂબ નૉલેજ છે. હવે મને પણ ઇન્વેન્ટમેન્ટ ક્યાં કરવું, શું કરવું અને શું નહીં એનું કોચિંગ આપે છે.’

પિતા સાથે ઇકૉનૉમિક્સ અને આંકડાની અટપટી વાતો કરતી દીકરી મમ્મીની લાગણીઓનાં સમીકરણ સમજવામાં પણ માહેર છે, એમ જણાવતાં કલ્પનાબહેન કહે છે, ‘તે મારા માટે ઇમોશનલ કોચ પણ છે અને મને સ્ટ્રૉન્ગ બનાવવામાં તેનો ખૂબ મોટો ફાળો છે.’

મેં મારી કૂખે તેને જન્મ નથી આપ્યો, પણ અમારું બૉન્ડિંગ ફેવિકૉલથી મજબૂત છેઃ હર્ષા ચંદ્રકાન્ત શાહ

ગોરેગામમાં રહેતાં ૬૦ વર્ષનાં હર્ષાબહેનની સ્ટોરી અન્ય દીકરીઓનાં પેરન્ટ્સ કરતાં થોડીક હટકે છે. તેમણે ૧૬ વર્ષ પહેલાં ૪ વર્ષની દીકરીને અડૉપ્ટ કરી છે. કેવી રીતે દત્તક લેવાની પ્રક્રિયાએ આકાર લીધો એ વિશે હર્ષાબહેન કહે છે, ‘લગ્ન પછી અમને ૧૧ વર્ષ સુધી કોઈ સંતાન નહોતું. એટલે અમે નક્કી કર્યું કે દીકરી દત્તક લઈએ. એનો સારો ઉછેર કરી, સંસ્કાર આપીને તેને સરસ લાઇફ આપીએ.’

સામાન્ય રીતે બાળક દત્તક લેનાર યુગલ એમ વિચારે કે હવે જ્યારે છોકરો કે છોકરીની ચૉઇસ કરવાની છે તો છોકરો જ લઈએ જેથી ઘડપણમાં સહારો મળે. તો તમે દીકરી લેવાનું કેમ વિચાર્યું? એના જવાબમાં હર્ષાબહેન કહે છે, ‘છોકરાઓ પોતાની રીતે પોતાની લાઇફ બનાવી શકે, પરંતુ છોકરી માટે એ થોડુંક અઘરું બની રહે. આથી એક દીકરીના જીવનને સુંદર બનાવીએ એવો વિચાર આવેલો. ત્યાં જ જાણીતા સર્કલમાંથી અમને આ દીકરીની જાણ થઈ. તેના પપ્પા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને મમ્મી બીજી વખત પ્રેગ્નન્ટ હતાં. તેનાં મમ્મીની ઉંમર પણ એ વખતે ખૂબ નાની હતી એટલે તેનાં દાદીએ નક્કી કર્યું કે દીકરીને કોઈ સારા ઘરમાં આપીએ. સાચું કહું છું ચાર વર્ષની મોક્ષા અમારે ઘરે આવી એ દિવસથી અમારો એવો લાગણીનો તંતુ બંધાઈ ગયો કે એક ક્ષણ માટે પણ અમને એવું નથી લાગ્યું કે તે અમારી દીકરી નથી. તેના પપ્પાની તો એ જાન હતી. એ જેટલી વાર ઘરમાં હોય એટલી વાર તેના પપ્પાની આજુબાજુમાં જ ફરતી રહે. જોકે પાંચ વર્ષ પહેલાં તેમનું અવસાન થયું. એ વખતે મોક્ષા ૧૫ વર્ષની હતી. અમે બેઉં હચમચી ગયાં હતાં, પણ એ વખતે પણ મોક્ષાએ જ મૅચ્યોરિટી દાખવી અને મને સાચવી લીધી. ’

ઇન્ટીરિયર ડિઝાઇનિંગના છેલ્લા વર્ષમાં ભણતી ૨૦ વર્ષની મોક્ષા ખુશીનો ખજાનો છે. હર્ષાબહેન કહે છે, ‘તે જ્યાં જાય ત્યાંના માહોલને જીવંત બનાવી દે છે. આજે પણ તેનાં દાદી, કાકા-કાકી, બહેન બધાં સાથે સંબંધો છે અને વારતહેવારે મળીએ. એ ઉપરાંત તેને મારાં નણંદનાં છોકરા-છોકરીઓ સાથે પણ સરસ જામે છે. હું નહીં, ઘરના કોઈને હવે યાદ નથી કે મોક્ષા અડૉપ્ટેડ છે. અમે ખૂબ સમરસ થઈ ગયાં છીએ અને આવી એકરૂપતા કદાચ દીકરી સાથે જ સહજતાથી કેળવાઈ શકે. આજે મને ગર્વ થાય છે કે મોક્ષાને દીકરી બનાવવાનો અમારો નિર્ણય સો ટચના સોના જેવો સાચો હતો.’

columnists alpa nirmal