વિશ્વની આઠમી અજાયબી જોવાની ઇચ્છા હોય તો ઇસ્તનબુલ જઈ આવો

10 February, 2019 02:43 PM IST  |  | દર્શિની વશી

વિશ્વની આઠમી અજાયબી જોવાની ઇચ્છા હોય તો ઇસ્તનબુલ જઈ આવો

ઈસ્તનબુલ

ટ્રાવેલ-ગાઇડ

સારા અને માઠા સમાચારો ને લીધે ઇસ્તનબુલ અવારનવાર ચર્ચામાં રહ્યું છે પછી એ ટેરરિઝમનો અટૅક હોય કે પછી ટૂરિઝમનો ફ્લો. ટૂરિઝમની વાત કરીએ તો ઇસ્તનબુલ વર્લ્ડનાં ટૉપ ૧૦ પૉપ્યુલર ડેસ્ટિનેશનના લિસ્ટમાં આવે છે. એક આંકડા પ્રમાણે અહીં દર વર્ષે ૧ કરોડથી વધુ ટૂરિસ્ટ આવે છે. ટૂરિસ્ટોનું જ નહીં, બૉલીવુડ અને હૉલીવુડનું પણ ઇસ્તનબુલ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તુર્કીમાં આવેલું ઇસ્તનબુલ શહેર તુર્કીનું ફાઇનૅન્શિયલ કૅપિટલ ગણાય છે એટલું જ નહીં, અર્થતંત્રની કરોડરજ્જુ પણ છે. વિશ્વમાં જ્યારે પણ જૂનાં અને ઐતિહાસિક સંબંધ ધરાવતાં શહેરોની વાત થાય છે ત્યારે વારાણસી, જેરુસલેમની સાથે ઇસ્તનબુલનું નામ પણ લેવાય છે. આવા ઇસ્તનબુલ વિશે લખવા બેસીએ તો ઘણું લખાઈ જાય એમ છે એથી અહીં એનાં મુખ્ય આકર્ષણો અને પાસાંઓને જ વણી લેવામાં આવ્યાં છે.

સાત નાનકડા ડુંગરોની વચ્ચે આવેલું ઇસ્તનબુલ પãમ યુરોપનું પ્રવેશદ્વાર ગણાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ઇસ્તનબુલ વિશ્વનું કદાચ એકમાત્ર શહેર પણ છે જેનો એક ભાગ એશિયામાં છે, જ્યારે બાકીનો અર્ધભાગ યુરોપમાં છે અને આ બને ખંડને જોડે છે બૉસ્ફરસ બ્રિજ. એટલે ઇસ્તનબુલના બીજા સ્થળે જવા માટે આ બ્રિજનો અથવા બોટ ફેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇસ્તનબુલની ઉત્તરે કાળો સમુદ્ર અને દક્ષિણ બાજુએ મારમારા સાગર અને બન્નેને જોડનારી ૩૧ કિલોમીટર લાંબી પાણીની નહેર, જેને બૉસ્ફરસ સ્ટેટ કહેવાય છે. આ નહેર ઇસ્તનબુલને ડાબી બાજુએ યુરોપ અને જમણી બાજુએ એશિયામાં વિભાજિત કરે છે. બે ખંડમાં વસેલું ઇસ્તનબુલ શહેરનું મુખ્ય આકર્ષણ છે કલાત્મક રીતે જાજરમાન મસ્જિદો તથા અદ્ભુત અને આકાશચુંબી મિનારાઓ. સ્થાપત્યોની વાત કરીએ તો ઇસ્તનબુલ વિવિધ સામ્રાજ્યના ભૂતકાળના વારસાને આધુનિક ઢબે સાચવીને બેઠું છે. અહીંનાં મોટા ભાગનાં સ્થાપત્યો ઑટોમૅન શાસનકાળ દરમ્યાન સ્થપાયેલાં હોવાથી અહીંની સ્થાપત્ય શૈલીમાં ઑટોમૅન છાંટ જોવા મળે છે. અહીંનાં મકાનોના બાંધકામમાં નીઓ ક્લાસિકલ, નીઓ ગોથિક, બેઑક્સ આર્ટની ઝાંખી થાય છે.

હાગિયા-સોફિયા, બ્લુ મોઝેક, ટોપકપી પૅલેસ, ગલતા ટાવર જેવી સુંદર અને ભવ્ય ઐતિહાસિક ઇમારતો, ફાટ-ફાટ થતી બજારો, ફેરીમાં એશિયાથી યુરોપ વચ્ચેનું અંતર કાપતી વખતે ટર્કિશ ચાની લિજ્જત સાથે સુંદર મહેલો, મકાનો અને મ્યુઝિયમની મુલાકાત એક યાદગાર સંભારણું બની રહેશે. અહીંના કલ્ચરની વાત કરીએ તો ઇસ્તનબુલ યુરોપની સાથે જોડાયેલું હોવાથી અહીંના લોકોના પહેરવેશમાં યુરોપિયન કલ્ચર જોવા મળે છે. ઇસ્તનબુલ મુસ્લિમ બહુમતી ધરાવતું શહેર છે તેમ છતાં અન્ય રૂઢિચુસ્ત ગણાતા મુસ્લિમ દેશોમાં જોવા મળતું બંધિયાર વાતાવરણ અહીં નથી. શહેરોમાં મહિલાઓ છૂટથી સ્કર્ટ અને જીન્સમાં ફરે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પૂર્ણ પોશાકમાં માથે ઓઢીને ફરે છે.

૧૦૦૦ વર્ષ જૂની ઇમારત

ઇસ્તનબુલમાં હાગિયા-સોફિયા નામક એક ઇમારત છે. આકર્ષક અને મંત્રમુગ્ધ કરી દેનારી આ ઇમારતને વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન અપાવવા માટે ઘણા સમયથી પ્રયત્નો ચાલી રહ્યા છે. એનું એક કારણ એ છે કે આ ઇમારત ૧૦૦૦ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. જ્યાં પહેલાં ચર્ચ હતું એને બાદમાં મસ્જિદમાં ફેરવવામાં આવ્યું અને હવે આ ઇમારત એક મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે તેમ છતાં એની બાહ્ય રચના અને બાંધકામ શૈલી એના ઇતિહાસની સાક્ષી પુરાવી રહી છે. મસમોટો ગુંબજ અને એની નીચે ઊભા કરવામાં આવેલા મિનારા અહીંનું મુખ્ય આકર્ષણ છે. એવું કહેવાય છે કે રોમન સમયગાળા દરમ્યાન અહીંના કિંગે પ્રભાવશાળી અને વિશાળ ચર્ચનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. એવું ચર્ચ જે ત્રણે કાળમાં જોવા મળે નહીં. કિંગના આદેશ અને સૂચનાને અનુરૂપ ચર્ચ બનાવવાની શરૂઆત કરી હતી, જેના બાંધકામ માટે ૧૦,૦૦૦ કારીગરોને કામે લગાવી દીધા હતા. અહીં સુધી એવી પણ વાત સાંભળવા મળે છે કે આ ચર્ચના નિર્માણ પાછળ ૧૫૦ ટન સોનાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અહીં મુસલમાન શાસકો સત્તા પર આવ્યા અને તેમણે આ ઇમારતને મસ્જિદમાં ફેરવી દીધી હતી. તેમ જ એના આકાર અને ચિહ્નોમાં ફેરફાર કરાવી એને મસ્જિદ બનાવી દીધી હતી. વર્ષો બાદ ઇમારતને લઈને બન્ને ધર્મોના લોકોની વચ્ચે વિવાદ વધતાં આખરે ઇમારતને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઇસ્તનબુલ આવતા ટૂરિસ્ટો આ સ્થળની અચૂક મુલાકાત કરે છે.

બ્લુ મોઝેક

ઇસ્તનબુલમાં આમ તો ઘણી મસ્જિદો છે, પરંતુ અહીં આવેલી બ્લુ મોઝેક તમારું ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. તેના નામ પ્રમાણે જ આ મોઝેકનો રંગ બ્લુ છે જે એના આકર્ષણનું મુખ્ય જમા પાસું છે. મસ્જિદની અંદર લગાવવામાં આવેલા ભૂરા રંગના કાચને લીધે એનું નામ બ્લુ મોઝેક રાખવામાં આવ્યું છે. મસ્જિદના નિર્માણ માટે મોટા ભાગે માર્બલનો ઉપયોગ થાય છે, પરંતુ અહીં પ્રવેશદ્વાર અને બારીની સજાવટ કરવામાં રંગીન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંનાં સ્થાપત્યોમાં યુરોપિયન અને આર્મેનિયમ કલાની છાંટ જોવા મળે છે. અહીંની મસ્જિદમાં પ્રવેશો ત્યારે તમે કોઈ ચર્ચમાં પ્રવેશતા હો એવું લાગે છે, જેનું કારણ અહીંના દરવાજાની બનાવટ છે જે યુરોપિયન શૈલીમાં કરવામાં આવેલી છે. મસ્જિદની બહારના મિનારા પણ અલૌકિક છે. કહેવાય છે કે આ મિનારા ફ્રાન્સ અને જર્મનીથી તૈયાર કરવામાં આવેલા છે.

ટૉપકાપી

ઇસ્તનબુલ શહેરનું નામકરણ અનેક વખત થઈ ચૂક્યું છે, જેનું કારણ છે અનેક સત્તાધીશો. ૨૦૦૦ વર્ષ જૂના ઇસ્તનબુલમાં રોમન બાદ ખ્રિસ્તી અને મુસલમાન શાસન આવી ચૂક્યું છે. દરેક શાસનમાં અનેક રાજાઓ આવ્યા અને દરેકે પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ મહેલો બનાવ્યા. હવે રાજાઓ તો નથી, પરંતુ તેમની સ્મૃતિરૂપે આ ઢગલાબંધ મહેલો હજીયે છે જેમાંના કેટલાકને હોટેલોમાં કાં તો મ્યુઝિયમોમાં ફેરવી દેવામાં આવ્યા છે જેમાંનો એક છે ટૉપકાપી. ખૂબ રૂપકડો અને ભવ્ય એવો ટૉપકાપી પૅલેસ, જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ મળેલું છે. ઑટોમૅન વંશના સુલતાનો આ રાજમહેલમાં બેસીને આખા દેશનું સંચાલન કરતા હતા. એવું કહેવાય છે કે ઑટોમૅન વંશના ૩૬ સુલતાનો થયા, જેમાંના ૨૩ સુલતાનો આ મહેલમાં રહ્યા હતા. આજે આ મહેલ સરકારના હસ્તક છે જેને એક ભવ્ય મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે. સોથી અધિક ખંડ ધરાવનાર આ મહેલમાં ઑટોમૅન સમયનાં કપડાં, હથિયાર, બખ્તર, ચિત્રો વગેરેને પ્રદર્શનમાં મૂકવામાં આવેલાં છે. જોકે એના કેટલાક હિસ્સાને આજે આલીશાન હોટેલમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેનું એક દિવસનું ભાડું બે લાખની આસપાસ છે. પૅલેસના એક ભાગમાં સૈનિકોને શિક્ષણ આપવામાં આવે છે. બીજા ભાગમાં પ્રવેશતાં એક ફાઉન્ટન દેખાશે જે ખૂબ જ સરસ છે, પણ એનો ઇતિહાસ સાંભળીને તેની પાસે જતાં ડર પણ લાગે છે. એવું કહેવાય છે કે ૨૩મા સુલતાનની હત્યા તેમના સૈનિકોએ કરી હતી અને એ લોહીવાળા હથિયારને આ ફાઉન્ટનમાં ધોવામાં આવ્યા હતા. થોડે દૂર એે સમયનાં રસોડાં નજરે પડે છે. કહેવાય છે કે એ સમયે મહેલમાં બસોથી ત્રણસો રસોઇયા કામ કરતા હતા જેના પરથી અહીંનાં રસોડાં કેટલાં મોટાં હશે એ તમે વિચારી શકો છો. થોડા આગળ આવો ત્યાં દીવાનોનાં કાર્યાલય અને ન્યાયાલય જોવા મળશે. મહેલનો ત્રીજો ભાગ સુલતાનનો અંગત છે, જ્યાં તેમનો પરિવાર વસતો હતો. ત્યાં સુલતાનની રાણીઓનો મહેલ છે જેને હરમ કહેવાય છે. કહેવાય છે કે સુલતાનને સેંકડો રાણી હતી. એ સમયે આ સ્થળે સુલતાન, રક્ષકો અને સેવિકા સિવાય કોઈને પણ આવવાની પરવાનગી નહોતી. આ પૅલેસથી ચીન સુધીનો એક માર્ગ પણ બનાવવામાં આવ્યો હતો જેને સિલ્ક રૂટ કહેવામાં આવે છે. એ સમયે આ માર્ગ થકી ચીન સાથે ટર્કી વેપાર કરતો હતો.

બૉસ્ફરસ ક્રૂઝ

બૉસ્ફરસ ક્રૂઝ અહીંનું સૌથી હૉટ ટૂરિસ્ટ અટ્રૅક્શન છે. ઇસ્તનબુલના એક ભાગથી બીજા ભાગમાં જવા માટે અહીં ફેરી ફરતી રહે છે, જેમાં બેસીને ઇસ્તનબુલ શહેરને અફાટ સમુદ્રનાં મોજાંની વચ્ચે નિહાળી શકો છો. એશિયા અને યુરોપની વચ્ચે ફરવાનો લહાવો લેવા જેવો છે. જો તમારી પાસે સમય હોય તો થોડા કલાક કાઢીને ક્રૂઝ ફેરીમાં બેસવાનો લહાવો અચૂક લેવા જેવો છે. એક તો આ ક્રૂઝમાં બેસીને આસપાસ આવેલાં મહેલો, મકાનો અને મસ્જિદની ખૂબસૂરતીને માણી શકવાનો ચાન્સ તો મળશે સાથે અલગ-અલગ ક્રૂઝમાં ઑફર કરવામાં આવતી સર્વિસિસને માણવાની તક મળશે. એમાંની એક ટૂર છે નાઇટ બૉસ્ફરસ ટૂર, જેમાં ટૂરિસ્ટને સનસેટ પૂર્વે લઈ લેવામાં આવે છે અને સફર શરૂ કરવામાં આવે છે. લગભગ ચાર કલાકની આ ટૂરમાં પહેલાં સનસેટ બતાવવામાં આવે છે પછી આલીશાન ડિનર ઑફર કરાય છે. આ રાત્રિની ક્રૂઝ ટૂર માત્ર જુલાઈ અને ઑગસ્ટમાં જ અવેલેબલ રહે છે. આ સિવાય પાર્ટી માટે તેમ જ કપલ માટે પ્રાઇવેટ ક્રૂઝ પણ અહીં ભાડે આપે છે, જેમાં એન્ટરટેઇનમેન્ટ પણ સામેલ કરવામાં આવે છે. જો વધુ સમય ન હોય તો શૉર્ટ બૉસ્ફરસ ટૂર પણ અવેલેબલ છે જે એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન અવેલેબલ રહે છે.

હમામ

ઇસ્તનબુલના હમામ (ગરમ પાણીના ટર્કિશ બાથ) જાણીતા છે. સદીઓ જૂના હમામની મુલાકાત સ્નાનનું મહત્વ અને ભવ્યતાને વર્ણવે છે. ઑટોમૅનના સમયમાં સુલતાનો ભવ્ય અને લૅવિશ કહી શકાય એવા હમામમાં સ્નાન કરતા હતા. આજે આવા મોટા ભાગના હમામ રહ્યા નથી. પરંતુ હજીયે એ સમયની યાદીના સ્વરૂપે આવા હમામ અહીં જોવા મળી શકે છે. સુલતાનો ટર્કિશ સ્નાન ત્રણ સ્ટેપમાં લેતા હતા. સૉના, સ્ટીમ અને ફુલ બૉડી મસાજ બાદમાં સ્નાન. આજે અહીં આ હમામનું સ્થાન સ્પા ટ્રીટમેન્ટે લઈ લીધું છે, જેમાં વિવિધ વેરિએશન અને પ્રોસેસનો ઉમેરો કરવામાં આવ્યો છે. જો તમને સમય મળે તો અહીં એક વાર લટાર મારવા જેવી છે.

શૉપિંગ, શૉપિંગ ઍન્ડ શૉપિંગ

જેમ ચારધામ કર્યા વિના યાત્રા અધૂરી ગણાય એમ શૉપિંગ કર્યા વિનાનો પ્રવાસ પણ અધૂરો જ છે. આમ પણ ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ જ્યાં ફરવા જાય ત્યાંથી કોઈ ને કોઈ વસ્તુ તો બજારમાંથી ઉપાડી જ લાવે છે. ભલે એ વસ્તુ પછી ઘરમાં હોય કે ન હોય, પરંતુ જો એમ કહેવામાં આવે કે અહીં શૉપિંગનું એક નગર જેવું જ વસાવેલું છે તો કેવી મજા પડી જાયને? અહીંની મુખ્ય માર્કેટ ગ્રૅન્ડ માર્કેટ છે જેની એટલીબધી ગલીઓ છે કે જો એમાં ભૂલા પડી ગયા તો પછી ગોતવાનું ભારે પડી શકે છે. દુબઈ અને થાઇલૅન્ડની માર્કેટને પણ ઝાંખી પાડી દે એવી અહીંની બજાર છે. અહીં ઇન્ડિપેન્ડન્સ ઍવન્યુ નામક બજાર છે જે અહીંની શાન ગણાય છે. આ બજારમાં રોજ ૩૦ લાખ લોકો આવે છે. ૧.૪ કિલોમીટર લાંબા આ બજારમાં બુક સ્ટોર, આર્ટ ગૅલરી, થિયેટર, પબ, લાઇબ્રેરી વગેરે છે. અહીં સફર કરતાં ઐતિહાસિક ટ્રામમાં બેસવાનું ભૂલી જતા નહીં. શૉપિંગ શેની કરશો એવી મથામણ થતી હોઈ તો તમને જણાવી દઈએ કે અહીં ટર્કિશ અને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડના ટી-શર્ટથી માંડીને ગાઉન, અફલાતૂન જ્વેલરી, શૂઝ સુધીની તમામ વસ્તુઓ અહીં મળશે. આ સિવાય લેધરની વસ્તુ માટે પણ અહીંની બજાર જાણીતી છે. ઇસ્તનબુલ ઍન્ટિક જ્વેલરી માટે પણ ઘણું જાણીતું છે. ગ્રૅન્ડ બજારની આગળ જ્વેલરીનું બજાર આવે છે જ્યાં હજારો પ્રકારની વિવિધ ડિઝાઇન અને પૅટર્નવાળી જ્વેલરી મળે છે. અન્ય ક્યાંય પણ જોવા નહીં મળે એવી જ્વેલરી અહીંની બજારમાં મળી રહે છે. અહીં આવેલી સ્પાઇસ માર્કેટ પણ ઘણી પ્રચલિત છે જ્યાં દુનિયાભરના મસાલા મળી રહે છે. સૌથી પ્રખ્યાત વસ્તુમાં ટર્કિશ કાર્પેટ અને હાથેથી બનાવેલો હમામ ટૉવેલ છે. આ સિવાય અહીં બ્લુ આઇ પણ બહુ વેચાય છે. અહીં બ્લુ આઇને લઈને બહુ જ માન્યતાઓ છે. મોટા ભાગની કૅબ અને બસમાં ડ્રાઇવર સીટની સામે બ્લુ આઇ લટકાવેલી જોવા મળશે.

શું ખાશો?

શુદ્ધ શાકાહારી હો એટલે વિદેશમાં ખાવાપીવાનાં થોડાં ફાંફાં તો પડે જ. પરંતુ અહીં વધુ ચિંતા કરવાની જરૂર નથી. અહીંનાં સૅલડ અને ટર્કિશ બ્રેડ તમારી ભૂખને દૂર કરશે. ટર્કિશ ચા અને કૉફી અહીંના લોકોની ફેવરિટ છે જે તમને કપમાં નહીં, પરંતુ ગ્લાસમાં સર્વ કરીને અપાશે. ચાના રસિયાઓને તો અહીં બહુ મજા પડી જવાની હોં. જો તમે સ્વીટ ખાવાના શોખીન છો તો પછી અહીં લહેર પડી જશે. અહીં અનેક પ્રકારની વરાઇટીનાં મીઠાઈ, ચૉકલેટ અને આઇસક્રીમ મળે છે, જેમાં બકલાવા નામની મીઠાઈ સૌથી વધુ વખણાય છે.

જાણી-અજાણી વાતો

ઇસ્તનબુલમાં વિશ્વનું સૌથી મોટું ઍરર્પોટ શરૂ કરવામાં આવ્યું છે. થોડા મહિના પૂર્વે જ આ ૧૯ હજાર એકરના વિસ્તારના ઍરર્પોટને વાજતેગાજતે શરૂ કરવામાં આવ્યું હતું.

ઇસ્તનબુલ એકમાત્ર એવું શહેર છે જે બે ખંડમાં ફેલાયેલું છે.

ઇસ્તનબુલના કારીગરો ગુંબજ અને મિનારા બનાવવા માટે એક સમયે નિપુણ ગણાતા હતા. આગરામાં આવેલા તાજમહેલના ગુંબજનું નિર્માણ કરવા માટે ઇસ્તનબુલથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

ઇસ્તનબુલમાં ગ્રૅન્ડ માર્કેટ આવેલી છે જેને દુનિયાની સૌથી મોટી માર્કેટ પણ કહેવાય છે. એક અહેવાલ પ્રમાણે આ માર્કેટમાં ૬૪ ગલી, ૪૦૦૦થી વધુ દુકાનો અને ૨૫,૦૦૦થી વધુ કામ કરનારા છે.

ઇસ્તનબુલનું જૂનું નામ કુસ્તુનતુનિયા હતું.

ભારતીયોની જેમ અહીંના લોકો પણ ચા પીવાના શોખીન છે. એવું કહેવાય છે કે અહીંના લોકો દિવસ દરમ્યાન સરેરાશ ચાર થી પાંચ કપ ચા પીએ છે.

ચાની સાથે અહીંની બોલચાલની ભાષા પણ કેટલાક અંશે હિન્દી ભાષાની સાથે મળતી આવે છે. જેમ કે આઇએ, બાઝાર, ફાયદા, હફતા, મીનાર, આઇના, દિક્કત, ઇન્સાન, ચાઇ વગેરે શબ્દો અહીં કાને પડે તો નવાઈ પામવા જેવું નથી.

જો તમને સસ્તા દરે હોટેલ જોઈતી હોય અને અગાઉથી બુકિંગ ન કરાવ્યું હોય તો ઍરર્પોટ નજીક સુલતાન અહેમત નામનો વિસ્તાર છે ત્યાં પહોંચી જવું, જ્યાં પૉકેટ ફ્રેન્ડ્લી હોટેલ મળી જાય છે.

ઇસ્તનબુલમાં આવવા માટે વીઝા જરૂરી છે, જે ઑનલાઇન મેળવી શકાય છે.

આ પણ વાંચો : એન્ટીલિયા કરતા મોંઘું છે બ્રિટનનું 'બકિંગહમ પેલેસ'

ક્યારે અને કેવી રીતે જશો?

અહીં ફરવા માટેનો બેસ્ટ સમય એપ્રિલ એન્ડથી સપ્ટેમ્બર સુધીનો છે જ્યારે અહીંનું વાતાવરણ સૌમ્ય હોય છે. તેમ જ આ સમયે અહીં ભીડ પણ ઓછી રહે છે એથી ફરવાની છૂટ પણ રહે છે. અહીં આવવા માટે ઍર ઇન્ડિયા, ઇતિહાદ ઍરવેઝ અને કતાર ઍરવેઝની ફ્લાઇટ લેવી પડે છે. મુંબઈથી દર અઠવાડિયે ઍર ઇન્ડિયા અને ટર્કિશ ઍરલાઇન્સની લગભગ ૧૫ જેટલી ડાયરેક્ટ ફ્લાઇટ ઇસ્તનબુલ માટે ઊડે છે. આ સિવાય જેટ ઍરવેઝ, અમીરાત, કતાર ઍરવેઝ, લુફથાન્સાની ફ્લાઇટ પણ મળી રહે છે. ઇસ્તનબુલમાં આવેલા અતાતુર્ક ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર મોટા ભાગની ફ્લાઇટ આવે છે જેની સાથે મેટ્રો સર્વિસ, ટૅક્સી-કૅબ સર્વિસ જોડાયેલી છે.

columnists travel news weekend guide