ઉનાળામાં ગરમીથી દૂર વેકેશનની મજા માણવા માટે બેસ્ટ પ્લેસ હવા હવા હવાઈ...

31 March, 2019 04:14 PM IST  |  | દર્શિની વશી

ઉનાળામાં ગરમીથી દૂર વેકેશનની મજા માણવા માટે બેસ્ટ પ્લેસ હવા હવા હવાઈ...

અહીં જીવંત જ્વાળામુખી આવેલા છે, જેને જોવા માટે લોકો જીવ જોખમે મૂકીને પણ જાય છે, પરંતુ સેફલી રીતે જ્વાળામુખીને જોવા હોય તો હેલિકૉપ્ટર રાઇડ બેસ્ટ વિકલ્પ રહેશે.

ટ્રાવેલ-ગાઇડ

આઇલૅન્ડ પર ફરી ફરીને પણ કેટલું ફરી લઈશું એવો વિચાર સામાન્ય રીતે ઘણાના મગજમાં આવતો હોય છે આઇલૅન્ડ એટલે માત્ર સફેદ રેતીના બીચનો સમૂહ અને નાળિયેરીનાં વૃક્ષોથી ઘેરાયેલું સ્થળ. જોકે વિશ્વના નકશામાં એવો પણ એક આઇલૅન્ડ છે જે આઇલૅન્ડને જોવાની દૃષ્ટિને બદલી નાખશે અને તે છે હવાઈ આઇલૅન્ડ, જેનું નામ આપણે ઘણી હૉલીવુડની ફિલ્મોમાં તેમ જ પેપર અથવા ઇન્ટરનેટ પર સાંભળી અને વાંચી ચૂક્યા છે. યુનાઇટેડ સ્ટેટમાં આવેલો હવાઈ આઇલૅન્ડ કેટલાક ટાપુઓનો સમૂહ છે, પરંતુ કુદરતે જાણે ખોબલે ખોબલે ભરીને સુંદરતા રેલાવી રહી હોય તેવી અહીંની સુંદરતા છે, જેને આજે આપણે માણીશું.

નૉર્થ પૅસિફિક સમુદ્રમાં આવેલા હવાઈ આઇલૅન્ડની ગણના વિશ્વના સૌથી મોટા આઇલૅન્ડ તરીકે થાય છે. હવાઈને કેટલાક હવઈ તો કેટલાક હવાઇન તરીકે પણ સંબોધે છે. ઍક્ચ્યુઅલી હવાઈ એ અમેરિકાનું રાજ્ય છે, જે આઇલૅન્ડ તરીકે પ્રખ્યાત છે, જે મુખ્ય આઠ ટાપુનું બનેલું છે. કુદરતી સૌંદર્યથી છલોછલ એવો આ ટાપુ આજે બીચપ્રેમી, ઍડવેન્ચર પ્રેમી અને વૉટર સ્પોર્ટ્સ ઘેલાઓનું માનીતું ડેસ્ટિનેશન બની ગયું છે. હવાઈની રાજધાની હોનુલુલું છે. એક સમયે અહીં શુગર અને પાઇનેપલ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલતી હતી, પરંતુ જ્યારથી આ સ્થળ ટૂરિસ્ટોના મનમાં વસવા લાગ્યું ત્યારથી અહીં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી જબરી વધી રહી છે અને અર્થતંત્રની કરોડરજ્જુ બની ગઈ છે. હવાઈના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આ રાજ્યમાં ૧૮૯૩ સુધી રાજાશાહી હતી. બાદમાં અમેરિકાએ આ રાજ્યને તેના તાબા હેઠળ લઈ લીધું હતું. કુદરતી સૌંદર્યનું બીજું નામ હવાઈ છે એવું કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી. સરસ મજાનું વાતાવરણ, પહેલી નજરમાં પ્રેમ થઈ જાય તેવા બીચ, અફલાતૂન વૅલી અને જાતજાતની વનસ્પતિઓ અહીંનાં આભૂષણો છે. અહીંના લોકો હવાઇન અને અંગ્રેજી ભાષા બોલે છે અને જનસંખ્યા ૧૪ લાખની આસપાસ છે.

હવાઈ વોલકેનો નૅશનલ પાર્ક

અમેરિકાના હવાઈ ટાપુ પર હવાઈ નામનો એક આઇલૅન્ડ પણ છે, જે અહીંનો સૌથી મોટો આઇલૅન્ડ છે. આ આઇલૅન્ડ મુખ્યત્વે જીવંત જ્વાળામુખીના કારણે વધુ ઓળખાય છે, જેમાં કીલોવે નામક જ્વાળામુખી ૧૯૮૩ની સાલથી જીવંત છે, અને સતત લાવા ઓકી રહ્યો છે. સતત બહાર આવી રહેલો લાવા આસપાસની જગ્યા પર રેલાતાં અમુક હિસ્સામાં થીજી ગયેલો લાવા જોવા મળે છે. લાવા થીજી જવાને લીધે જે પથ્થર બને છે એે દૂરથી ચમકદાર લાગે છે. આ જીવંત અને લાવા ઓકી રહેલા જ્વાળામુખીને જોવા આ ટાપુ પર વર્ષે લગભગ ૨૦ લાખ ટૂરિસ્ટ આવે છે, પરંતુ કેટલીક ગેરજવાબદારી અને અપૂરતા જ્ઞાનને ઘણા ટૂરિસ્ટો અહીં અટવાઈ જાય છે અને મોતને ભેટે છે. આ સિવાય અહીંના બીચની ગ્રીન રેતી, સુંદર અને શાંત દરિયો સ્વિમિંગ માટે વખણાય છે.

ઓહુ

ઓહુ આઇલૅન્ડ હવાઈ પછીનો સૌથી ફેમસ અને ડેવલપ્ડ આઇલૅન્ડ છે, જેની દક્ષિણ બાજુએ હોનુલુલુ આવેલું છે, જે હવાઈની રાજધાની તો છે જ, સાથે મોટું અને મુખ્ય શહેર પણ છે. હવાઈમાં રહેતા પાંચમાંથી ચાર જણનું માનીતું સ્થળ છે. આ સિવાય ફેમસ વાઇકીકી બીચ પણ અહીં જ આવેલો છે. રિસોર્ટ્સ, હોટેલ, રેસ્ટોરાં અને બીચપ્રેમીઓથી ઊભરાતો આઇલૅન્ડ છે વાઇકીકી. અહીંનો બીચ સન બાથ માટે પણ ઘણો પ્રખ્યાત છે. બ્લુ પાણી અને બ્યુટિફુલ સરાઉંડિંગ અહીંની ખાસિયત છે. ટૂરિસ્ટો ખાસ વૉટર સ્પોર્ટ્સનો આનંદ લેવા માટે વાઇકીકી બીચ પર આવે છે. મુખ્ય શહેરની બહારના વિસ્તારમાં પાઇનેપલની વિશાળ માત્રામાં ખેતી કરવામાં આવે છે. અહીં આવેલા હનુમા બીચનો દરિયાકિનારો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ટોપ ફાઇવ બીચમાંનો એક છે. સફેદ રેતીનો આ બીચ અદ્ભુત છે. અહીં લોકો સ્ર્નોકલિગની મજા માણવા આવે છે. પાણી ચોખ્ખું અને પારદર્શક હોવાને લીધે બહારથી દરિયાઈ જીવોને જોઈ શકાય છે, જેમાં માછલીઓની સંખ્યા વધુ છે.

હિસ્ટૉરિક લૅન્ડમાર્ક

બીજા વિશ્વયુદ્ધ સાથે પર્લ હાર્બર અમેરિકા માટે ઇતિહાસનાં પાનાંમાં ઉમેરાયેલું મહત્વનું સ્થળ છે. શાળામાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં આપણે વિશ્વયુદ્ધ વખતે પર્લ હાર્બર પર થયેલા હુમલા વિશે વાંચ્યું છે. ૧૯૪૧ની સાલમાં બીજા વિશ્વયુદ્ધ વખતે જપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો, જેમાં અમેરિકાના ૨૪૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. અને વળતાંમાં અમેરિકાએ જપાનના હિરોશિમા અને નગાસાકીમાં પરમાણુ બોમ્બ ફેંક્યા હતા અને તે પછી જે થયું એ તો ઇતિહાસ બની ગયો છે. ફરી મુદ્દા પર આવીએ તો અમેરિકાએ પર્લ હાર્બર પર થયેલા હુમલાની યાદમાં અહીં એક સુંદર મેમોરિયલ બનાવ્યું છે, જે આજે ટૂરિસ્ટો માટે વન ઓફ ધ બેસ્ટ અટ્રૅકશન બની ગયું છે. આ મેમોરિયલને જોવા માટે દર વર્ષે ૨૦ લાખ મુલાકાતીઓ અહીં આવે છે. મેમોરિયલમાં વૉરને સંબધિત ફિલ્મ પણ બતાવવામાં આવે છે, જેની ટિકિટ લેવી પડે છે. આ મેમોરિયલ બહાર જેટલું સુંદર અને આકર્ષક છે એટલું જ અંદરથી પણ છે.

માઉવી

હવાઈ પછીનો બીજો સૌથી મોટો આઇલૅન્ડ છે માઉવી તેમ જ યુએસનો ૧૭મો સૌથી મોટો આઇલૅન્ડ પણ છે. પૉપ્યુલેશનની દૃષ્ટિએ પણ આ આઇલૅન્ડ બધાથી આગળ છે. બીચ ઉપરાંત અહીં એન્ટરટેઇનમેન્ટ માટે પણ ઘણી જગ્યાઓ છે. જો ચાન્સ મળે તો અહીં હેલિકૉપ્ટર રાઇડ લેવી, જેમાંથી માઉવીના સૌંદર્યને ભરપૂર માણી શકાશે. ઉપરથી જોતાં અંદાજ આવી જશે કે અહીં એક તરફ હરિયાળીથી આચ્છાદિત ડુંગરો છે તો બીજી તરફ વોલકેનોને લીધે કાળા થઈ ગયેલા ડુંગરો અને જમીન છે, તો વળી ઘણી જગ્યાએ પથરાળ અને સૂકી જમીન છે. હાઇકિંગ માટે અહીં આવવા જેવું ખરું. ડિસેમ્બરથી એક મહિનો અહીં વ્હેલ વૉચિગ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. માઉવીની પૂર્વ બાજુ હાના નામનું નાનકડું ટાઉન છે. અહીં સુધી પહોંચવા માટે ચાર કલાક લાગશે, પરંતુ આસપાસની ખૂબસૂરતી જોતાં જોતાં શહેર ક્યાં આવી જશે એનો ખ્યાલ પણ નહીં આવે. વન લેનનો માર્ગ અને તે પણ હેરપિનવાળા વળાંકવાળો તો પછી સાથે ઍડવેન્ચર પણ મળી રહેશે. અહીંના રસ્તા ટૂરિસ્ટોને ભારે ગમતીલા છે. કેટલાક ટૂરિસ્ટો તો આ રસ્તા પર એટલા બધા મોહિત થઈ ગયા છે કે તેને વિશ્વના બેસ્ટ રસ્તા તરીકેનો તાજ પણ આપી દીધો છે. હાના ઐતિહાસિક સેન્ટ સોફિયા ચર્ચને લીધે જાણીતું છે તેમ જ અહીંનો કાળી રેતીનો બીચ એક અલગ સુંદરતા બક્ષે છે. આ સિવાય માઉવીમાં વધુ બે એવાં સ્થળો છે જે જોવા જેવાં છે તેમાંનું એક છે લાહીના. ભારતીયો માટે વિશાળ વડવાઈ ધરાવતું વડનું ઝાડ જોવું કોઈ નવીનતા નથી, પરંતુ અહીં વિદેશીઓ આ વડ ને જોવા માટે આવે છે. કહેવાય છે આ ઝાડ દોઢસો વર્ષ જૂનું છે. એક સમયે આ એક ગામ હતું, પરંતુ બાદમાં એક કલચરલ સેન્ટર બની ગયું છે, જ્યાં મ્યુઝિયમ અને આર્ટ ગૅલેરી ખોલી દેવામાં આવી છે. માઉવીમાં બીજું સ્થળ જે જોવા જેવું છે તે છે નાપીલી, જે માઉવીના હિડન જેમ તરીકે પણ ઓળખાય છે, જેનો રળિયામણો બીચ ટૂરિસ્ટોને અહીં સુધી ખેંચી લાવે છે.

ઇરાઇવન ટેમ્પલ

આપણા ભારતીયો વિશ્વભરમાં વસેલા છે તો પછી હવાઈ ટાપુ તેમાંથી કેમ બાકાત રહી શકે! અહીં પણ ભારતીયોની, જેમાં હિન્દુ લોકોની ઘણી જૂજ વસતિ છે, જેમાં તમિળ લોકોએ અહીં ઇરાઇવન ટેમ્પલ બંધાવ્યું છે, જેનું બાંધકામ દક્ષિણ ભારતીય શૈલીના કરવામાં આવેલું છે. બાંધકામ માટે ગ્રેનાઇટના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ મંદિરના ઇતિહાસ માટે એવું કહેવાય છે કે અહીંની જમીન પર શંકર ભગવાન ચાલ્યા હતા, જે સ્થાને મંદિર બનાવવામાં આવ્યું હતું.

કુવાહી

કુવાહી ટાપુ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કદાચ એટલે જ આ સ્થળને અનેક નૅચરલ વન્ડર ધરાવતો ટાપુ કહેવામાં આવતો હશે. અહીં આવેલી ના પાઈ જગ્યાએ સ્થિત ઊંચી ટેકરીઓ પરથી પડતાં પાણીનાં ઝરણાં અલૌકિક સૌંદર્ય પ્રદાન કરે છે. અહીં આવેલી વૅલીઓ નદી અને વેનિયર ઘાટી ટૂરિસ્ટોની ફેવરિટ જગ્યા ગણાય છે. આ ટાપુ પર આવતા લોકો અહીં સૌથી વધુ સમય પસાર કરે છે. કુવાહી આઇલૅન્ડ ટૂરિસ્ટો માટે એક અલગ દુનિયા જેવો છે. સમુદ્રની વચ્ચે આવેલા આ ટાપુ પર તમામ જરૂરિયાતની વસ્તુઓ અને સુવિધા મળી રહે છે. સમુદ્રને સ્પર્શીને આવેલી હોટેલો અને રિસોર્ટ્સ ખૂબ જ સરસ છે અને તમામ સાધન અને સુવિધાથી સજ્જ છે. જ્યાં આવીને આખા વર્ષનો થાક ઊતરી જાય છે. આરામ કરીને થાકી જાવ તો અહીં હેલિકૉપ્ટર રાઇડ પણ ઉપલબ્ધ છે, જેમાં બેસીને આઇલેન્ડનો આકાશી વ્યૂહ લેવાની મજા આવી જશે.

પ્રાઇવેટ આઇલૅન્ડ

અહીં નિહાઉ કરીને પણ એક આઇલૅન્ડ છે જે ખાનગી માલિકીનો છે, પરંતુ ઘણો જ સરસ મજાનો પણ છે અગાઉ અહીં પરમિટથી ટૂરિસ્ટોને આવવા દેવામાં આવતા હતા, પરંતુ હવે તેના પર બ્રેક લાગી ગઈ છે, જેને લીધે અહીં ટૂરીઝમ મર્યાદિત છે. માત્ર માલિકોના મિત્રવર્ગ, ઓળખીતા અને ફૅમિલી મેમ્બરોના માટે જ આ બીચ ઓપન છે. જોકે અહીં આવવા નહીં મળે તો પણ અફસોસ કરવા જેવો નથી, કેમ કે આખા આઇલૅન્ડ પર માત્ર ને માત્ર બીચ જ બીચ છે.

હવાઈમાં આવીને કઈ ઍક્ટિવિટી કરશો

સ્નોર્કલિંગ : આજની યુવા જનરેશનની ફેવરિટ વૉટર ઍક્ટિવિટી છે, જે અહીં આવીને કરવાની મજા પડશે. સ્ર્નોકલિંગ ઍક્ટિવિટી અહીં પ્રાઇવેટ રીતે અથવા તો હોટેલ કે રિસોર્ટ દ્વારા પણ ઑફર કરવામાં આવે છે, જેનો સમય પાંચ કલાકનો હોય છે. આ ઍક્ટિવિટીના દર વ્યક્તિદીઠ ૨૭૦૦થી શરૂ થાય છે. તેમાં સાથે ગાઇડ અને તમામ ઇક્વિપમેન્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવશે.

બીચ હૉપિંગ : હવાઈ આઇલૅન્ડ ઢગલાબંધ બીચોથી ભરેલો છે. ફૅમિલી, કપલ, ગ્રુપ ટૂરિસ્ટ માટે અહીં અલગ અલગ બીચ અને ઍક્ટિવિટી છે, જેમ કે કિડ્સને ગમે તેવા કાલુમા બીચ અને હેનુમા બીચ છે, જેનાં પાણી શાંત છે અને બાળકોને ગમે તેવાં છે. અહીં ઍડલ્ટ બીચ પણ છે, જેમાં રૉક જમ્પિંગ અને અન્ય ઍક્ટિવિટી સામેલ છે, જે કહાના પાલી બીચ પર ઉપલબ્ધ થઈ રહે છે.

સર્ફિંગ : સર્ફિંગ વિશ્વની સૌથી લોકપ્રિય અને માનીતી વૉટર સ્પોટસ છે. હવાઈ ટાપુ પર સર્ફિંગ કરવા માટે બેસ્ટ પ્લેસ છે. જેને સર્ફિંગ નહીં આવડતું હોય તો પણ વાંધો નથી, અહીં તેને શીખડાવવામાં પણ આવે છે. સર્ફિંગ કરવા માટે બેસ્ટ પ્લેસ છે વાઈકીકી બીચ. અહીં કલાકના ૫૦૦થી ૧૦૦૦ના દરે બોટ ભાડેથી મળી રહે છે, પરંતુ હા, એક વાત ધ્યાનમાં રાખવી, બીચ પર રાત્રે ૮ વાગ્યા પછી વસ્તી લગભગ શૂન્ય થઈ જાય છે, જેથી તે પૂર્વે ફરવાનો પ્લાન કરી લેવો.

સ્પા : હવાઈ આવવા પાછળનું મુખ્ય કારણ આરામ લેવાનો હોય છે અને આ આરામની સાથે થોડો સ્પા પણ મળી જાય તો ભયો ભયો. આ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં સ્પા સુવિધા દરેક હોટેલો, રિસોર્ટ, બીચ પર ઠેરઠેર છે, જેનો દર ૫૦૦૦થી શરૂ થાય છે.

હાઈકિંગ : હવાઈ પર ઍડવેન્ચર કરવાની પૂરેપૂરી તક રહેલી છે. ઍડવેન્ચર એટલે કંઈ જેવું તેવું નહીં, પરંતુ વોલકેનો ટૂર એટલે કે સતત લાવા કાઢી રહેલા જ્વાળામુખીની ટૂર. આ સિવાય ગીચ જંગલ અને પહાડો ચઢવાની ટૂર પણ સામેલ હોય છે.

હેલિકૉપ્ટર રાઇડ : હવાઈ આઇલૅન્ડ કેટલો સુંદર છે તેનો નજારો ઉપરથી માણવો હોય તો હેલિકૉપ્ટર પણ અહીં ઉપલબ્ધ છે. વન્ડરફુલ વૉટરફૉલ, હિડન વૅલી, રંગીન બીચ અને જ્વાળામુખીને ઉપરથી એક પક્ષીની જેમ ઊડતાં ઊડતાં જોવાની કેવી મજા પડશે! આ હેલિકૉપ્ટર રાઇડનો ચાર્જ કલાકના ૨૫,૦૦૦ છે.

સુપ : સુપ એટલે વેજિટેબલ્સ સૂપની વાત નથી, સુપ એટલે સ્ટૅન્ડઅપ પેડલ બોટિંગ, જેને શૉર્ટમાં સુપ કહેવામાં આવે છે. આ ઍક્ટિવિટી છેલ્લા ઘણા સમયથી લોકપ્રિય બની રહી છે. નામની જેમ જ આ બોટને ઊભાં રહીને ચલાવવાની રહે છે, જેમાં તમારા પગનું સંતુલન અત્યંત મહત્વનું બની રહે છે સાથે હવાની દિશા પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે.

ઝિપ્લિંગ : આજની જનરેશનની ફેવરિટ ઍડવેન્ચર ઍક્ટિવિટી એટલે ઝિપ્લિંગ, જે અહીં પુરજોશમાં ચાલે છે. ઝિપ્લિંગ પૂર્વે ભાગ લેનાર તમામ લોકોને પ્રૉપર ટ્રેઇનિંગ આપવામાં આવે છે. આઠ વર્ષથી લઈને ૬૦ વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ઍક્ટિવિટીમાં ભાગ લઈ શકે છે, જેમાં વ્યક્તિદીઠ રૂ. ૧૫,૦૦૦ લેવામાં આવે છે.

વિન્ડ સર્ફિંગ : હવાની ગતિ અને તેની દિશાને આધારે બોટને પાણીમાં ચલાવવી જેને વિન્ડ સર્ફિંગ કહેવામાં આવે છે, જે વિદેશીઓની પ્રિય વૉટર સ્પોટસ છે.

કૅમ્પિંગ : ચારે તરફ સમુદ્ર અને શાંત વિસ્તારમાં બોન ફાયરની સાથે ગ્રુપ કૅમ્પિંગ કરવાની ઇચ્છા પૂર્ણ રીતે અહીં પૂરી થઈ જશે.

પૉઈન્ટ્સ ટુ બી નોટેડ

અહીંની લોકલ કરન્સી યુએસ ડૉલર જ છે. અહીં કેટલાક ગ્રામીણ વિસ્તારને બાદ કરતાં એટીએમની સુવિધા વ્યાપક છે.

અહીંથી કંઈ ખરીદવું હોય તો હવાઈનું પ્રખ્યાત શર્ટ અલોહા ટી-શર્ટ ખરીદી શકાય છે. આ સિવાય અહીં મેડ ઇન હવાઈ બાથ અને બૉડી પ્રોડક્ટ પણ લેવા જેવાં છે તેમ જ કંઈક હટકે ફ્રેગરન્સ ધરાવતી બ્યુટી પ્રોડક્ટ પણ અહીંથી મળી જશે.

અહીં રાંધેલા ભાતની વાની ઘણી મળી રહે છે. વેજિટેરિયન માટે આ ખાવાનો બેસ્ટ ઑપશન રહેશે.

સેફટીની દૃષ્ટિએ હવાઈ સેફ પ્લેસ નથી. ગ્રુપમાં ફરવં અને એકાંતમાં નીકળવું ઘણી વખત જોખમી બની શકે છે.

આ પણ વાંચો : કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

કયારે અને કેવી રીતે જશો?

હવાઈ ટાપુનું વાતાવરણ બારે મહિના ખુશનુમા રહે છે, જેથી વર્ષના કોઈ પણ સમયે અહીં આવવાનો પ્લાન બનાવી શકાય છે, પરંતુ જો બેસ્ટ સમય પૂછશો તો સમર ટાઇમ. ઉનાળામાં અહીં ફરવા માટે ઑફ ટાઈમ પણ છે, જેને લીધે પ્રવાસ પૉકેટ ફ્રેન્ડલી બની રહેશે, સાથે ભીડ પણ ઓછી હોવાથી નિરાંતે પ્રવાસ કરી શકાશે તેમ જ ફરવાની પણ મજા આવે છે. હવાઈનું પૉપ્યુલર ડેસ્ટિનેશન છે ઓહાહુ આઇલૅન્ડ, જ્યાં હોલુલુલુ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવેલું છે. ઇન્ડિયાથી હોલુલુલુ આવવા માટે કોઈ સીધી ફ્લાઇટ અવેલેબલ નથી. દરેક ફ્લાઇટમાં એકથી બે સ્ટૉપ કરવાનાં રહેશે. અહીં પહોંચવા માટે દિલ્હીથી ફ્લાઇટ પકડવી સસ્તી રહેશે, જે માટે લંડન અથવા વોશિંગ્ટનની ફ્લાઇટ લેવી પડે, જ્યાં ઊતરીને હોલુલુલુ માટે ફ્લાઇટ પકડવાની રહે છે. અહીં સુધી પહોંચવાના ઍર ટિકિટના દર અંદાજે ૪૯,૦૦૦ની આસપાસ રહેશે.

travel news columnists weekend guide united states of america