ત્રિપુરા : ધાર્મિક, સાંસ્કૃતિક ને પ્રાકૃતિક સુંદરતાનો શ્રેષ્ઠ સમન્વય છે

10 March, 2019 01:34 PM IST  |  | દર્શિની વશી

ત્રિપુરા : ધાર્મિક, સાંસ્કૃતિક ને પ્રાકૃતિક સુંદરતાનો શ્રેષ્ઠ સમન્વય છે

ઉજયન્તા પૅલેસ : ૮૦૦ એકરના વિસ્તારમાં પથરાયેલો આ મહેલ કેટલો વિશાળ અને ભવ્ય છે જેનો અંદાજ આ ફોટો પરથી મળી શકે છે. રાત્રિના સમયે આ પૅલેસ રંગીન લાઇટના પ્રકાશમાં ખૂબ જ સુંદર લાગે છે.

ટ્રાવેલ-ગાઇડ

કુદરતે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યોને ખોબલે ભરી-ભરીને સુંદરતા રેલાવી છે એની વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. આજે આપણે આ જ સેવન સિસ્ટર્સ સ્ટેટમાંના એક સ્ટેટ ત્રિપુરાની વાત કરવાના છીએ. અહીં ફરવા માટે ઘણીબધી જગ્યાઓ નથી, પરંતુ જેટલી છે એ તમામ સુપર્બ છે. ત્રિપુરામાં અગરતલા અને ત્રિપુર સુંદરીના મંદિર ઉપરાંત બીજાં ઘણાં સ્થળો છે જે આજે નહીં તો કાલે ત્રિપુરાને ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં ટોચના ક્રમાંકે લઈ જશે.

સેવન સિસ્ટર્સ રાજ્યોમાંનું એક રાજ્ય ત્રિપુરા ક્યાં આવ્યું છે એ જોવું હોય તો ગૂગલ મૅપ ઓપન કરો. દેશના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં સૌથી છેવટનું અને કદમાં એકદમ નાનકડું સ્થાન દેખાય તો સમજી જવું કે આ ત્રિપુરા છે. ત્રિપુરા દેશનું ત્રીજા નંબરનું સૌથી નાનું રાજ્ય છે. પરંતુ હા, નાનકડું રાજ્ય સમજીને જો એની અવગણના કરશો તો પસ્તાવાનો વારો આવશે. એનું કારણ છે અહીંનું ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આકર્ષણ. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ત્રિપુરાની સ્થાપના ૧૪મી સદીમાં માણિક્યએ કરી હતી. એને બાદમાં બ્રિટિશ હકુમતે હસ્તગત કરી લીધું. રાજ્યના નામને લઈને અહીં ઘણી લોકવાયકાઓ છે. કેટલાક કહે છે કે આ રાજ્યનું નામ અહીંની આદિવાસી જનજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યારે કેટલાક બીજું કંઈ. જોકે ઇતિહાસવિદોના જણાવ્યા પ્રમાણે આ રાજ્યનું નામ ત્રિપુર સુંદરી માતાના નામ પરથી પડ્યું છે જે એક શક્તિપીઠ છે. ત્રિપુરાને એક પવર્તીડય વિસ્તાર તરીકે જોઈ શકો છો. એની બૉર્ડર બંગલા દેશની સીમાને લાગેલી છે તો બીજી તરફ એ આસામ અને મિઝોરમની સીમાને સ્પર્શે છે. અહીંનો મોટા ભાગનો વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે તેમ જ અહીંથી અનેક નદીઓ પણ પસાર થતી હોવાથી અહીંની આબોહવા ઘણી ચોખ્ખી હોવાની સાથે ઠંડી છે. આઝાદી બાદ આ રાજ્ય કેટલાંક વર્ષો સુધી એક કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યો હતો અને બાદમાં ૧૯૭૨ની સાલમાં એને રાજ્યનો દરજ્જો મYયો હતો. અહીં મોટી સંખ્યામાં ચાના બગીચા આવેલા છે તેમ જ જંગલનો વિસ્તાર વધુ હોવાથી લાકડાં અને વાંસને સંબધિત વ્યવસાય પણ અહીંનો મુખ્ય વ્યવસાય ગણાય છે. અહીંનું વણાટકામ અને હાથસાળ બધા કરતાં અલગ છે. અહીંની મુખ્ય ભાષા બંગાળી અને કોકબોરોક છે. અહીં બધા ધર્મના લોકો વસવાટ કરે છે જેને લીધે અહીં તમામ તહેવારો ઊજવાય છે. રાજ્યને પ્રવાસન ઉદ્યોગ તરફથી હજી નિરાશા જ મળી રહી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં ત્રિપુરા ન્યુ ડેસ્ટિનેશન તરીકે ઊપસી આવે તો નવાઈ પામવા જેવું નથી.

અગરતલા

ત્રિપુરાની રાજધાની હોવાની સાથે અગરતલા ટૂરિસ્ટોનું માનીતું સ્થળ પણ છે. ત્રિપુરામાં આવેલાં અન્ય શહેરોની સરખામણીમાં અગરતલા વધુ મૉડર્નાઇઝ્ડ અને કમર્શિયલી ડેવલપ્ડ છે. એમ છતાં હજી અહીં અનેક વિવિધ પ્રજાતિના આદિવાસીઓ વસે પણ છે જેથી એને સાંસ્કૃતિક રીતે સંપન્ન શહેર પણ કહેવાય છે. સંસ્કૃતિ અને પ્રકૃતિનો શ્રેષ્ઠ સમન્વય અહીં જોવા મળે છે. અહીંના મોટા ભાગના વિસ્તારમાં જંગલ પથરાયેલું છે જેથી હરિયાળીની સાથે જાતજાતનાં પશુ-પક્ષીઓ જોવાનો લહાવો મળી રહે છે. શહેરની સ્થાપના ૧૮૫૦ની સાલમાં મહારાજા રાધાકૃષ્ણ કિશોર માણિક્ય બહાદુરે કરી હતી જેને લીધે એને રાજા-રજવાડાની ધરતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગરતલામાં પુષ્કળ પ્રમાણમાં મંદિરો અને મહેલો આવેલાં છે. એમાં સૌથી મશહૂર છે જગન્નાથ મંદિર અને નીરમહેલ પૅલેસ તથા ઉજ્જયન્તા મહેલ. જગન્નાથ મંદિરની વાત કરીએ તો આ મંદિર ત્રિપુરાનું બેહદ ખૂબસૂરત અને સુંદર મંદિર છે. એની અંદર બનાવવામાં આવેલી મૂર્તિઓના વિવિધ હાવભાવ અને મુદ્રા એ સમયની જાણે ગાથા વર્ણવતાં હોય એવાં દૃશ્યમાન થાય છે. મંદિરની અંદર એક તળાવ છે જેની અંદર ટૂરિસ્ટો માછલીઓને ખાવાનું આપી શકે છે. આ તળાવની ફરતે કૃષ્ણ અને અર્જુનની લાક્ષણિક મુદ્રામાં મૂર્તિ બનાવવામાં આવેલી છે જે મહાભારતના સમયના કોઈ પ્રસંગને જીવિત કરે છે. આગળ કહ્યું એમ આ શહેરમાં પૂર્વે રજવાડું ઘણું ફૂલ્યુફાલ્યું હશે એની સાક્ષી પુરાવતા રાજમહેલો આજે પણ અહીં જોવા મળે છે. એમાંનો એક મહેલ છે નીર પૅલેસ જે અહીંનું મુખ્ય આકર્ષણ પણ છે. અગરતલાથી ૫૩ કિલોમીટરના અંતરે આ મહેલ રુદ્રાસાગર લેકની વચ્ચે આવેલો છે જેથી એને અહીંના લોકો લેક પૅલેસ પણ કહે છે. ભારતમાં માત્ર બે જ એવા પૅલેસ છે જે લેકની વચ્ચે આવેલા છે. એક છે ઉદયપુરમાં જલમહેલ અને બીજો છે આ નીરમહેલ. જોકે લોકપ્રિયતાના અભાવને લીધે આ મહેલ ઉદયપુરના મહેલની જેમ પ્રખ્યાત નથી. એ સમયે આ મહેલમાં રાજાઓ ઉનાળામાં રહેવા માટે આવતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે આ મહેલનું બાંધકામ બ્રિટિશ કંપનીના માણસોને સોંપવામાં આવ્યું હતું. મહેલ કેટલો ભવ્ય અને સુંદર હશે એનો અંદાજ તમે એના બાંધકામ માટે લીધેલા સમય પરથી કરી શકો છો. આ મહેલ નવ વર્ષની મહેનત બાદ બધાંયો હતો. મહેલ સુધી પહોંચવા માટે બોટરાઇડ કરવી પડે છે. આ વિશાળ અને સુંદર મહેલની અંદર ૨૪ રૂમો ઉપરાંત છૂટાંછવાયાં ગાર્ડન આવેલાં છે. ખૂબ જ આગવી છટાથી બનાવવામાં આવેલો આ મહેલ ટૂરિસ્ટો માટે એક યાદગાર સંભારણું બની રહેશે.

હવે વાત કરીએ વધુ એક ભવ્ય અને જાજરમાન મહેલની અને એ છે ઉજ્જયન્તા મહેલ. ત્રિપુરાના રાજા રાધા કિશોરે ૮૦૦ એકરના વિસ્તારમાં બાંધેલો આ મહેલ ખરેખર મંત્રમુગ્ધ કરનારો છે. પહેલાંના સમયમાં મહેલોની અંદર અનેક દેવીદેવતાના મંદિરો બનાવવામાં આવતાં હતાં. એવી રીતે આ મહેલની અંદર પણ કાલી માતા, લક્ષ્મી નારાયણ, ઉમા મહેશ્વરી અને જગન્નાથનાં મંદિરો આવેલાં છે. આઝાદી મYયા બાદ થોડા સમય માટે આ મહેલનો ઉપયોગ વિધાનસભા તરીકે કરવામાં આવતો હતો. આવા ભવ્ય મહેલને ખરીદવા માટે સરકારે આજથી ૫૦ વર્ષ પહેલાં ૨૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આજે આ મહેલ ટૂરિસ્ટો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભવ્ય મહેલની અંદર એક મ્યુઝિયમ પણ છે. કહેવાય છે કે મૂળ પૅલેસનો નાશ ૧૮૯૭ની સાલમાં એક વિનાશક ભૂકંપમાં થઈ ગયો હતો, પરંતુ બાદમાં એને ફરી વખત બાંધવામાં આવ્યો હતો. બે માળના આ મહેલની અંદર લાઇબ્રેરીથી માંડીને તમામ સવલતો છે. મહેલના પ્રાંગણમાં મ્યુઝિકલ ફાઉન્ટન, મુગલ ગાર્ડન, તળાવ સુંદર ફૂલોથી આચ્છાદિત છે. રાતના સમયે આ મહેલ લાઇટિંગને લીધે સોળે કળાએ ખીલી ઊઠે છે.

કૈલાશહાર

અગરતલાની નજીક કૈલાશહાર આવેલું છે. આમ તો આ સ્થળનું નામ મોટા ભાગના લોકો માટે થોડું અજાણ્યું છે. એક સમયના અહીંના ત્રિપુરાન કિંગડમની રાજધાની હતી કૈલાશહાર. જો એનો ઊંડો ઇતિહાસ જાણવો હોય તો એક વખત અહીં આવવું પડે. અહીં આવ્યા બાદ આ સ્થળની અલૌકિક સુંદરતા અને ખાસિયત આર્ય પમાડી દેશે. ત્રિપુરાના કિંગડમનો વૈભવ અને એનો વિસ્તાર કેવો રહ્યો હશે એ અહીં સ્પક્ટ પણે જોવા મળી શકે છે. કૈલાશહાર ટ્રેકિંગ અને મંદિરો માટે ઓળખાય છે. અહીં ચાના ૧૬ બગીચા આવેલા છે. આ સિવાય અહીં અને નજીકમાં આવેલા ડેસ્ટિનેશનમાં ઉનકોટી, રંગુતી, ૧૪ માતાનાં મંદિર વગેરે જોવા જેવાં છે.

ઉનકોટી

અગરતલાથી ૧૭૮ કિલોમીટરના અંતરે ઉનકોટી આવેલું છે જે કૈલાશહારનો હિસ્સો પણ ગણાય છે. ૪૫ મીટર ઊંચા પહાડને તોડીને આ તીર્થ બનાવવામાં આવ્યું છે. એવી લોકવાયકા છે કે શંકર ભગવાન એક યાત્રા દરમ્યાન આ સ્થળે દેવદેવતાઓ સાથે થોડો સમય રોકાયા હતા. એક યાદગીરીના સ્વરૂપે અહીં પહાડ પર શિવજીની મૂર્તિને તેમ જ અન્ય દેવીદેવતીઓની મૂર્તિને કોતરવામાં આવી છે જેથી આ સ્થળ પવિત્ર અને પૂજનીય ગણાય છે. અગરતલાથી બસ દ્વારા ધર્મનગર જઈને ત્યાંથી ઉનકોટી સુધી પહોંચી શકાય છે.

જામપુઈ હિલ્સ

અગરતલાથી ૧૭૦ કિલોમીટર દૂર નૉર્થ ત્રિપુરામાં જામપુઈ હિલ્સ આવેલું છે. નામ મુજબ આ સ્થળ એક હિલ એરિયા છે જે સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફુટ ઊંચે આવેલું છે. હરિયાળીથી આચ્છાદિત આ હિલની ટોચ પર ઠંડીની સીઝનમાં વહેલી સવારે અહીં આવો તો તમને રોચક નજારો જોવા મળી શકે છે. હિલ પર એક તરફ ઊભા રહીને સામેની તરફ જોશો તો તમને એવું લાગશે કે જાણે વાદળોનાં પૂર તમારી સામે ધસમસતાં આવી રહ્યાં છે. આવો નજારો બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. હિલ પર નારંગીનાં પુષ્કળ વૃક્ષો છે જેને લીધે હરિયાળીના લીલા રંગમાં નારંગી રંગ ઉમેરાતો જોવા મળે છે. પહાડની ટોચથી મિઝોરમ અને બંગલા દેશ દેખાય છે.

દુમબુર લેક

અગરતલાથી ૧૨૦ કિલોમીટરના અંતરે દુમબુર લેક આવેલો છે. અહીં બે નદી રાઈમા અને સરમાનો સંગમ થાય છે. આ ઉપરાંત આ સ્થળ બે બહેનોની લોકવાયકાને લીધે પણ જાણીતો છે. લેકની બાજુમાં હાઇડ્રો-પ્રોજેક્ટ પણ નાખવામાં આવેલો છે જ્યાંથી ગુમતી નદી નીકળે છે જેથી સ્થળને તીર્થમુખ પણ કહેવાય છે. થોડી રસપ્રદ માહિતી જાણવી હોય તો તમને જણાવી દઈએ એ અહીં નાના ૪૮ આઇલૅન્ડ આવેલા છે. અહીં કચારી દુમબૂર આવેલું છે જ્યાં વૉટરફૉલ છે. અહીં સ્થાનિક લોકો પૂજા કરવા આવે છે. ઉપર-નીચે અને આજુબાજુ બધી જગ્યાએ ગ્રીનરી અને એની વચ્ચેથી નીકળતો આ વૉટરફૉલનો નજારો શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. ઊંચાઈએથી નીચે પડતા પાણીના ધોધનો અવાજ એકસાથે સેંકડો ઘૂઘરા વાગતા હોય એવો સાંભળવા મળે છે.

ત્રિપુર સુંદરી મંદિર

અગરતલાથી પંચાવન કિલોમીટરના અંતરે ત્રિપુર સુંદરી મંદિર આવેલું છે. આ મંદિરને રાજ્યના સૌથી મહત્વના અને પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે. એટલું જ નહીં, આ મંદિર માતાની ૫૧ શક્તિપીઠમાંની એક પીઠ હોવાનું પણ ગણાય છે. એનું બાંધકામ આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે મંદિરની અંદર બે મૂર્તિ છે : એક પાંચ ફુટની અને બીજી બે ફુટની. કાલી માતાની મૂર્તિ મંદિરમાં સોરોશીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ મંદિરની જગ્યા કાચબાના આકાર જેવી હોવાથી એ કુર્મીપાથા તરીકે પણ ઓળખાય છે. દર દિવાળીએ મંદિર નજીક એક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બે લાખથી અધિક યાત્રાળુઓ ભાગ લે છે.

વાઇલ્ડલાઇફ

ત્રિપુરા જંગલોથી વધુ પ્રમાણમાં આચ્છાદિત હોવાથી સ્વાભાવિક રીતે અહીં વન્યજીવન પણ ઘણું ફૂલ્યુંફાલ્યું હશે એમાં કોઈ શંકા નથી. જાતજાતનાં વૃક્ષો, ફૂલો અને હર્બ્સ અહીં મળી આવે છે જેનો ઉપયોગ અહીંના લોકો ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ કરતા હોય છે. પર્વતીય વિસ્તારની સાથે ગાઢ જંગલ હોવાથી અહીં અનેક પ્રકારના વન્યજીવ અને જંતુઓ જોવા મળી જાય છે. ક્લાઉડેડ લિયોપોડ નૅશનલ પાર્ક અને રાજબરી નૅશનલ પાર્ક અહીંના મુખ્ય નૅશનલ પાર્ક છે. જંગલી ભેંસ, શિકારી કૂતરા, રીંછ, સાબર, જંગલી ગૌર, લિયોપોડ સહિત અનેક પ્રાણીઓ અહીં જોવા મળે છે. રાજ્યમાં ૩૦૦ પ્રજાતિનાં પક્ષીઓ છે. ગુમતી નદીનો વિસ્તાર પક્ષીઓ માટેનો મુખ્ય વિસ્તાર છે.

ત્રિપુરા ફરવા માટે પાંચથી સાત દિવસ પૂરતા છે જેથી તમે એ પ્રમાણે પ્લાન કરી શકો છો. ત્રિપુરા ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આવેલું હોવાથી અહીંનું તાપમાન દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં નીચું રહે છે. જોકે શિયાળામાં અહીંનું વાતાવરણ સૌથી બેસ્ટ હોય છે. આ સમયે અહીંનું કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઊઠે છે. ત્રિપુરાના અગરતલામાં ઍરપોર્ટ આવેલું છે જ્યાં દેશનાં અન્ય શહેરોમાંથી ફ્લાઇટની અવરજવર થતી રહે છે. કલકત્તા અને ગુવાહાટીથી હવાઈ પ્લેનમાં માત્ર ૪૫ મિનિટનો સમય લાગે છે. અગરતલા ઉપરાંત રાજ્યમાં બીજાં ત્રણ ઍરપોર્ટ પણ છે, પરંતુ અહીં ફ્લાઇટની અવરજવર ઓછી છે. રેલવે દ્વારા આવવું પણ હવે સરળ બની ગયું છે. ૨૦૦૮ની સાલથી ત્રિપુરાનાં મુખ્ય શહેરોને અન્ય શહેરોની રેલવેલાઇનોથી જોડવામાં આવ્યાં છે. રેલવે દ્વારા આવવું હોય તો અગરતલા, ધર્મનગર, કુમારઘાટ અને કૈલાશહાર સ્ટેશન પર ઊતરી શકાય છે. ભારતનાં અન્ય શહેરોની સાથે ત્રિપુરાને માત્ર નૅશનલ હાઇવે આઠ જોડે છે.

નીરમહેલ : લેકની વચ્ચે નિર્માણ કરવામાં આવેલો નીરમહેલ અહીંનું નોખું નજરાણું છે. ઉદયપુર બાદ ત્રિપુરામાં જ એક નીરમહેલ છે જે લેકની વચ્ચે બનાવવામાં આવેલો છે. 

 

પારંપરિક ડ્રેસ : આ અહીંનો પારંપરિક ડ્રેસ છે. આ પોશાકને રિસા અને રિકુટુ કહેવાય છે.

વૉટરફૉલ : દુમબુર લેક ખાતે આવેલો આ વૉટરફૉલ ખરેખર ખૂબ જ સુંદર નજારો રેલાવે છે. હરિયાળીની વચ્ચે આવેલો આ ફૉલ એક અલૌકિક દુનિયામાં હોવાનો ભાસ કરાવે છે.

ત્રિપુરા સુંદરી મંદિર : માતા પાવર્તીાના ગણાતા ૫૧ શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ અહીં આવેલું છે. આ મંદિરનું નર્મિાણ આશરે ૫૦૦ વર્ષ પૂર્વે કર્યું હોવાનું અનુમાન છે.

ચાના બગીચા : અહીં મોટી સંખ્યામાં ચાના બગીચા આવેલા છે જેની ઘણાને જાણ નથી.

જામપુઈ હિલ્સ : ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતું સ્થળ એટલે જામપુઈ હિલ્સ. હિલ્સ પર જાણે વાદળો ગેલ કરી રહ્યાં હોય એવો નજારો જોવા માટે અહીં આવવું જ પડે.

વિશેષ પ્રકારના વાંદરા : ત્રિપુરામાં જંગલનો વિસ્તાર વધુ હોવાથી અહીં વન્યજીવન પણ ઘણું ફૂલ્યુંફાલ્યું છે. અહીંનાં જંગલોમાં આવા વિશેષ પ્રકારના વાંદરા જોવા મળે છે.


આ પણ વાંચો : પર્વતોના ખોળામાં વસેલું શહેર ધરમશાલા


જાણી-અજાણી વાતો....

આજની તારીખે પણ અહીં કેટલાંક ઠેકાણે પશુ બલિ આપવામાં આવે છે.

ત્રિપુરામાં ૮૦૦થી અધિક ચાના બગીચા હોવાનું કહેવાય છે.

અહીંની કાષ્ઠ અને વાંસની વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે.

ત્રિપુરામાં રોડ અને રેલમાર્ગ અન્ય રાજ્યો જેટલો ડેવલપ નથી એટલે ટ્રાવેલિંગ વખતે સમસ્યા આવી શકે છે.

ત્રિપુરામાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી ઊંચું હોવાનું કહેવાય છે. કદાચ કેરળ પછી ત્રિપુરા સાક્ષરતાની બાબતમાં અવ્વલ નંબરે આવે છે.

અહીંના ૫૦ ટકાથી વધુ લોકો ખેતી અને એને સંલગ્ન વ્યવસાયની સાથે સંકળાયેલા છે. એમ છતાં આર્યની વાત એ છે કે અહીંનો માત્ર ૨૭ ટકા વિસ્તાર જ ખેતી કરવાને લાયક છે.

ત્રિપુરા બંગલા દેશની સાથે ૮૫૭ કિલોમીટર લાંબી ઇન્ટરનૅશનલ બૉર્ડર ધરાવે છે.

૨૦૧૪ સુધી અહીં વીજળીની અછત હતી, પરંતુ ત્યાર બાદ અહીં કુદરતી ગૅસના સ્રોત શોધાયા બાદ આજે અહીં જરૂરિયાત કરતાં વધારે ઇલેક્ટ્રિસિટીનું નિર્માણ થઈ રહ્યું છે.

શું ખાશો અને શું ખરીદશો?

અહીંની સૌથી પ્રખ્યાત વાનગી છે ’મુઈ બોરોક’. એ ઑર્ગેનિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. અહીંના ખાદ્ય પદાર્થોમાં અને સ્વાદમાં મુસ્લિમ, બંગાળી અને લોકલ આદિવાસીઓની પસંદની છાંટ જોવા મળશે. વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન બન્ને માટે અહીં વિકલ્પ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અહીં ઘણાખરા ખાદ્ય પદાર્થોની બનાવટમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહીં ખરીદવા માટે વાંસ અને લાકડાની વસ્તુ જ બેસ્ટ રહેશે. આ સિવાય અહીંથી ખાસ બીજું કશું લેવા જેવું નથી.

travel news weekend guide columnists