Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પર્વતોના ખોળામાં વસેલું શહેર ધરમશાલા

પર્વતોના ખોળામાં વસેલું શહેર ધરમશાલા

24 February, 2019 01:02 PM IST |
દર્શિની વશી

પર્વતોના ખોળામાં વસેલું શહેર ધરમશાલા

મૅક્લોડગંજ : આજની તારીખમાં મૅક્લોડગંજ ટૂરિસ્ટોનું હૉટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે. અહીંનું વાતાવરણ કોઈ વિદેશી ડેસ્ટિનેશનને પણ ઝાંખું પાડી દે એવું છે. મૅક્લોડગંજની મુલાકાત વિના ધરમશાલાની યાત્રા અધૂરી સમજવી.

મૅક્લોડગંજ : આજની તારીખમાં મૅક્લોડગંજ ટૂરિસ્ટોનું હૉટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે. અહીંનું વાતાવરણ કોઈ વિદેશી ડેસ્ટિનેશનને પણ ઝાંખું પાડી દે એવું છે. મૅક્લોડગંજની મુલાકાત વિના ધરમશાલાની યાત્રા અધૂરી સમજવી.


ટ્રાવેલ-ગાઇડ 

જૂનું અને જાણીતું છતાં ગમતીલું અને વારંવાર આવવાનું મન થઈ જાય એવું ડેસ્ટિનેશન એટલે ધરમશાલા. કેટલાક લોકો એને ધરમસાલા પણ કહે છે તો કેટલાક ધરમશાલા. પરંતુ નામ મેં ક્યા રખ્ખા હૈ? આપણને તો ફરવા સાથે મતલબ. હિમાચલની ધૌલાધરની પહાડીઓની વચ્ચે વસેલા ધરમશાલાનું નામ કોઈના માટે નવું નથી અને એમાં પણ આજથી અંદાજે પાંચ-સાત વર્ષ પૂર્વે લગ્નગ્રંથિએ જોડનારાં યુગલોને તો તેમનું યાદગાર હનીમૂન ડેસ્ટિનેશન યાદ જ હશે, બરાબરને! ધરમશાલા ‘અંગ્રેજો કે ઝમાને કા શહર હૈ.’ એટલે કે એવું કહેવાય છે કે આ રૂપાળા શહેરની સ્થાપના અંગ્રેજોએ ૧૮૫૫ની સાલમાં કરી હતી. અંગ્રેજોએ ગરમીમાં રાહત મેળવવા માટે અહીં એક રિસૉર્ટ બનાવ્યો હતો અને આમ ધીરે-ધીરે અહીંની લોકપ્રિયતા વધતી ચાલી હતી. નૈસર્ગિક સૌંદર્યની ભરમાર, મનોહર મૉનેસ્ટરી, ટ્રેકર્સ માટેનું જન્નત, ભરપૂર ગ્રીનરી, ખુશનુમા વાતાવરણ, નાનાં છતાં રળિયામણાં ઝરણાં, ઍડ્વેન્ચર કરાવતી હિલ્સ અને રસ્તા... બીજું શું જોઈએ આપણને પ્રવાસ યાદગાર બનાવવા માટે?



આમ તો ધરમશાલામાં તમામ પ્રકારના ટૂરિસ્ટોને આવવાનું ગમે છે; પરંતુ આ સ્થળ મેડિટેશન, ટ્રેકર અને હનીમૂન કપલો માટેનું હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. ઢગલાબંધ મૉનેસ્ટરી અને મેડિટેશન સેન્ટરના લીધે અહીં શાંતિ માટે આવતા ટૂરિસ્ટોનો પણ એક વર્ગ છે ત્યારે ઍડ્વેન્ચર પ્રિય અને ટ્રેકિંગ માટે તલપાપડ યુવા વર્ગ માટે જન્નત મનાતા ટૂરિસ્ટ વર્ગને પણ આ સ્થળ અત્યંત પ્રિય છે. જોકે હવે મોટા ભાગનાં હનીમૂન કપલો વિદેશ તરફ પ્રયાણ કરતાં હોઈ અહીં પ્રેમી જોડાંઓ ઓછાં દેખાય છે, પરંતુ હજીયે પૉકેટ-ફ્રેન્ડ્લી હનીમૂન પર આવવા માગતાં યુગલોની પહેલી પસંદ કુલુ, મનાલી અને ધરમશાલા જ છે. તો ચાલો આપણે પણ આ ઑલવેઝ રોમૅન્ટિક અને ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ગણાતા ધરમશાલાનો પ્રવાસ શરૂ કરીએ.


હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ધરમશાલા સ્થિત છે જે એક હિલ-સ્ટેશન છે. અહીંની આબોહવા અને ખૂબસૂરતીથી અંજાઈને એક સમયે બ્રિટિશ સરકાર ધરમશાલાને સમર કૅપિટલ બનાવવા માગતી હતી. પરંતુ કુદરતી આફતના લીધે આ શક્ય બની શક્યું નહોતું. બ્રિટિશ પ્રેમ આટલેથી પૂરો થતો નથી. એવું કહેવાય છે કે એ સમયના બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ એલિગન ધરમશાલાની સુંદરતાને સ્કૉટલૅન્ડ સાથે પણ સરખાવી ચૂક્યા છે. આ તો થઈ એની ખૂબસૂરતીની વાત, પરંતુ મેડિટેશન માટે પણ અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે. આ સિવાય તિબેટન ધર્મગુરુ દલાઈ લામા પણ વર્ષોથી અહીં રહેતા હોઈ તેમના અનુયાયીઓનો પણ અહીં જમાવડો રહે છે. તિબેટન લોકોની વસ્તી પણ અહીં ઘણી છે. એથી તિબેટન કલ્ચરને પણ નજીકથી નિહાળી શકાય છે. આ જ કારણથી ધરમશાલાને લિટલ લ્હાસા પણ કહેવામાં આવે છે. આટલું ઓછું હોય એમ અહીં આવેલી જૂની અને વિશાળ મૉનેસ્ટરી, ચર્ચ, ચાના બગીચા અને ક્રિકેટનું મેદાન ધરમશાલાને દેશના ટૂરિસ્ટના નકશામાં અલગ તારીને મૂકે છે. ધરમશાલા બે ભાગમાં વહેંચાયેલું છે, અપર અને લોઅર. એમાં અપર ભાગને મૅક્લોડગંજ કહેવાય છે, જ્યારે લોઅર ભાગને કોતવાલી બજાર કહેવાય છે. પરંતુ નૈસર્ગિક સૌંદર્યની બાબત બન્ને ભાગ સમાનતા ધરાવે છે.

મૅક્લોડગંજ


એક સમય એવો હતો જ્યારે ધરમશાલામાં આવેલું મૅક્લોડગંજ શહેરમાં ફરવા આવતા ટૂરિસ્ટોને ઘણું ગમતું હતું, પરંતુ આજે એવો સમય આવ્યો છે જ્યારે ટૂરિસ્ટો ખાસ મૅક્લોડંગજ ફરવા માટે લોકો ધરમશાલામાં આવતા થયા છે. એથી મૅક્લોડગંજ નહીં જાઓ તો તમારી યાત્રા અધૂરી ગણાશે. મૅક્લોડગંજ આમ તો છે નાનકડું, પરંતુ અહીંથી જોવા મળતાં દૃશ્યો અને અફાટ કુદરતી સૌંદર્યનો નજારો ખરેખર મંત્રમુગ્ધ કરનારો છે. ફૅમિલી અથવા ફ્રેન્ડ્સની સાથે અહીંનો પ્રવાસ જીવનભરનું એક યાદગાર સંભારણું બની રહેશે જેમાં સોલો ટ્રાવેલર્સને તો જબરી મજા પડી જવાની છે, કેમ કે અહીં ટ્રેકિંગ કરવા માટેની સુપર્બ જગ્યા છે. એમાં ત્રિઉંડ ટ્રેક તો એકદમ સરસ મજાનો છે. આમ તો અહીંનો રસ્તો સારો નથી એટલે કે ટ્રેકિંગ કરવું થોડું મુશ્કેલ જણાય છે, પરંતુ ટ્રેકિંગ પતાવીને ઉપર પહોંચ્યા બાદ એક અલગ આનંદ મળશે જે ટ્રેકિંગ દરમ્યાન લાગેલા થાકને દૂર કરશે. મૅક્લોડગંજમાં ૮મી સદીમાં બંધાયેલું મસરુર ટેમ્પલ છે જે એક શિવમંદિર છે અને ઓછું જાણીતું ડેસ્ટિનેશન છે. કહેવાય છે કે મંદિર પથ્થરને કાપીને બનાવેલું છે. જો તમને થોડોઘણો ઇતિહાસમાં રસ હોય તો અહીં ગમશે અથવા તો જો સીનસીનેરી જોઈને થોડા બોર થઈ ગયા હો તો અહીં એક લટાર મારી જવી. બાકી મુંબઈની અજન્ટાની ગુફા જોઈ હોય તો અહીં ખાસ મજા નહીં આવે. આટલા સુંદર સ્થળની અંદર ધસમસતો ધોધ કેવી લાલી પાથરતો હશે એ જરા વિચારીને જુઓ. ડેસ્કટૉપ પર મૂકેલા વૉલપેપર પર જોવા મળતું આવા પ્રકારનું દૃશ્ય અહીં હકીકતમાં જોવા મળે છે. એ સ્થળ છે ભાગસુ વૉટરફૉલ. અહીં વૉટરફૉલની બાજુમાં સીડી બનાવેલી છે અને ટોચ પર બેસવાની વ્યવસ્થા પણ છે જ્યાંથી ઉપરથી પડતા ધોધની અસીમ સુંદરતાને માણી શકાય છે. તન અને મનને રિલૅક્સ કરવા માટે આ બેસ્ટ સ્થળ છે. જેટલું સુંદર મૅક્લોડગંજ છે એટલી જ સુંદર અહીંની મૉનેસ્ટરી છે. અહીંની નેચુંગ મૉનેસ્ટરી બૌદ્ધ કલ્ચરને જોવા, સમજવા અને જાણવા માટેની સરસ જગ્યા છે. ફરી-ફરીને થાકી ગયા છો? વાંધો નહીં, અહીં એક સનસેટ પૉઇન્ટ પણ છે. સાંજે ત્યાં ફરી આવો. પણ સનસેટ સમયનો અહીંનો અલૌકિક નજારો કેદ કરી લેવા માટે સાથે કૅમેરો લઈ જવાનું ચુકાય નહીં.

કાંગડા

ધરમશાલા આવ્યા હો તો સાથે-સાથે કાંગડાનાં અન્ય સ્થળોએ પણ ફરી શકો છો. એવું કહેવાય છે કે એનું જૂનું નામ નગરકોટ અને ભીમનગર પણ હતું. એવી લોકવાયકા પણ છે ક એની સ્થાપના ભીમે કરી હતી. હિમાચલમાં હોવાથી અહીંની સુંદરતાનું તો પૂછવું જ શું? એમાં અહીંની મુખ્ય નદી બિઆસ અને બરફથી આચ્છાદિત ખીણ એની સુંદરતાને વધુ નિખારે છે. અહીં પુષ્કળ મંદિરો આવેલાં છે, જેમાં જ્વાલાજી મંદિર, બ્રિજેશ્વરી મંદિરનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં એક મ્યુઝિયમ પણ છે.

દલાઈ લામાનું મંદિર

ધરમશાલાની સૌથી જાણીતી અને લોકપ્રિય જગ્યા એટલે દલાઈ લામાનું મંદિર છે, જે મૅક્લોડગંજમાં સ્થિત છે. જેની અંદર નાનકડું મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે જે ટૂરિસ્ટો માટે સાંજના સમયે ખુલ્લુ મૂકવામાં આવે છે. દલાઈલામા ટેમ્પલ કોમ્પલેક્ષ દરરોજ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ખુલ્લું રહે છે. જ્યાં આવીને ટૂરિસ્ટોને તેમ જ અનુયાયીઓ ને ઘણી શાંતિ અનુભવે છે. મંદિરના પ્રવેશદ્વાર નજીક કાળા પિલર જોવા મળશે, જે તિબેટની આઝાદી માટે લડેલા અને એમાં પોતાના પ્રાણ આપનારા લડવૈયાના માનમાં બનાવવામાં આવેલો છે. મંદિરની અંદર જતાં પૂર્વે તમામ ટૂરિસ્ટોઓએ ચુસ્ત ચેકિંગની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહે છે, જેનું કારણ એ છે કે આ મંદિરની અંદર ૧૪મા દલાઈ લામા રહે પણ છે. મંદિરની અંદર વિશાળ ચોગાન છે જેમાં નાનાથી લઈને મોટી વયના બૌદ્ધ ભિક્ષુકો ધ્યાનમાં બેસેલા જોવા મળે છે. એવી જ રીતે મંદિરની અંદર પણ મોટી સંખ્યામાં બૌદ્ધ ભિક્ષુકો નીચે બેસીને એકીસાથે મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે, જેનો નાદ ખૂબ જ કર્ણપ્રિય લાગે છે. જેમની સાથે ટૂરિસ્ટો પણ બેસીને પ્રાર્થનામાં સહભાગી થઈ શકે છે. આવા વાતાવરણથી પ્રસન્ન થઈને તમને આ નજારો કૅમેરામાં કેદ કરવાનંે મન થઈ ઊઠશે, પરંતુ સંભાળજો અહીં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. મુખ્ય પ્રાર્થનાનું વ્હીલ મંદિરના મધ્ય ભાગમાં છે જે ગોલ્ડ પ્લેટેડ છે. આ મંદિરનું બાંધકામ ૧૯૮૯ની સાલમાં કરવામાં આવ્યું હતું, જેની અંદર આવેલા મ્યુઝિયમની મુલાકાત અચૂક લેવા જેવી છે. ચીન દ્વારા તિબેટ અને તિબેટન પર કરવામાં આવેલા હુમલાની માહિતીની સાથે તિબેટન લોકો પર કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવતા હતા એવી સચિત્ર જાણકારી અને એનાં પૂતળાં મૂકવામાં આવેલાં છે. તેમ જ તિબેટન કેદીને મારવા માટે અને પીડા પહોંચાડવા માટે વાપરવામાં આવતાં સાધનો પણ મૂકવામાં આવેલાં છે.

ટ્રેકિંગ : એક તરફ હિમાલય અને એક તરફ ગ્રીનરીથી ઢંકાયેલી હિલ્સ પર ફૂંકાતા ઠંડા પવનની વચ્ચે કુદરતી સૌંદર્યના સાંનિધ્યમાં ટ્રેકિંગ કરવાની મજા કેવી આવતી હશે એનો આ ફોટો પરથી અંદાજ મેળવી શકાય છે.

મૉનેસ્ટરી ટુ મ્યુઝિયમ

સ્વાભાવિક છે કે તિબેટન કલ્ચરના લીધે અહીં મૉનેસ્ટરી મોટા પ્રમાણમાં હશે જ, પરંતુ રસપ્રદ વાત એ છે કે અહીં આવેલી દરેક મૉનેસ્ટરી એક વિશેષ આકર્ષણ અને લોકચાહના ધરાવે છે, જેમાંની એક છે તુશિતા મૉનેસ્ટરી. જો તમને મેડિટેશનમાં રસ છે અને ઠંડા તથા શાંત વાતાવરણમાં મેડિટેશન કરવાનો લાભ લેવા માગો છો તો આ સ્થળ તમારા માટે પર્ફેક્ટ છે. અહીં મેડિટેશનના ક્લાસ પણ ચાલે છે. તેમ જ અહીં રહેવાની વ્યવસ્થા પણ છે જેથી ટૂરિસ્ટો એનો નિરાંતે લાભ લઈ શકે છે. એવી જ રીતે નોબરલિંગામાં અહીંના પ્રખ્યાત થંગકા પેઇન્ટિંગ બનાવતા જોઈ શકો છો. નીચલી ધરમશાલામાં બનેલું કાંગડા આર્ટ મ્યુઝિયમ અહીંના વર્ષો જૂના ઇતિહાસની ઝાંકી કરાવે છે.

ધરમશાલા ક્રિકેટ સ્ટેડિયમ

ધરમશાલાનું ક્રિકેટ સ્ટેડિયમ અહીંનું હૉટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કહી શકો છો. એનું એક કારણ એ છે કે આ સ્ટેડિયમ અફાટ કુદરતી સૌંદર્યના ખોળામાં આવેલું છે અને બીજું એ કે આ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી ઊંચે આવેલાં સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમ સમુદ્રની સપાટીથી ૧૪૫૭ મીટરની ઊંચાઈએ આવેલું છે. આમ તો આ સ્ટેડિયમ કદમાં થોડું નાનું છે, પરંતુ અહીં ઘણી ક્રિકેટ મૅચ પણ થાય છે જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. આ સ્ટેડિયમમાં એકસાથે ૨૩,૦૦૦ લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. સ્ટેડિયમની ફરતે સુંદર પહાડો છે, જે સ્ટેડિયમને લખલૂટ સુંદરતા બક્ષે છે. આ સિવાય આ સ્ટેડિયમની બીજી વિશેષતા એ છે કે અહીં સિટિંગ એરિયાની આગળ ફેન્સિંગ કરવામાં નથી આવી, જેને લીધે પ્રેક્ષકો કોઈ પણ અવરોધ વિના મૅચનો આનંદ લઈ શકે છે. જો તમારે પણ સ્ટેડિયમ જોવું હોય તો મૅચની રાહ જોવાની જરૂર નથી. મૅચ નહીં હોય ત્યારે પણ ટૂરિસ્ટો આ સ્ટેડિયમને જોઈ શકે છે.

પ્રેઇંગ વ્હીલ્સ : મૅનેસ્ટરીની બહાર મૂકવામાં આવેલાં પ્રેઇંગ વ્હીલ્સ. તમામ મૉનેસ્ટરીની બહાર મૂકવામાં આવેલાં પ્રેઇંગ વ્હીલ્સની સાથે ટૂરિસ્ટો સેલ્ફી લે છે તેમ જ વ્હીલ્સને ફેરવતા જોવા મળે છે. આવાં વ્હીલ્સ અહીં અનેક સ્વરૂપે બજારમાં વેચાતાં મળે છે.

ચાના બગીચા

આસામ, દાર્જીલિંગ અને કેરળમાં આવેલા ચાના બગીચા વિશે તો બધા જાણે છે અને ત્યાંની ચા વિશે પણ બધા જાણે જ છે, પરંતુ અહીં પણ ચાના બગીચા આવેલા છે એ તમને ખબર છે? ધરમશાલામાં પણ ચાના બગીચા આવેલા છે, પરંતુ નાના છે. પણ રાઈના દાણા તો નથી જ. અહીં થતી ચા કાંગડા ચા તરીકે ઓળખાય છે. આ ચાની ગુણવત્તા ઉચ્ચ ગણાય છે જે અહીં આવેલી દુકાનોમાંથી ખરીદી શકાય છે.

ત્રિઉન્ડ

મૅક્લોડગંજથી માત્ર નવ કિલોમીટરના અંતરે ત્રિઉન્ડ આવેલું છે જે એક ટ્રેક પૉઇન્ટ છે અને ઘણી ઊંચાઈ પર સ્થિત છે જ્યાંથી મૂન પિક જોઈ શકાય છે. પિકનિક માટે પણ આઇડિયલ સ્થળ છે. અહીંનું સ્વચ્છ અને ચોખ્ખું ક્લાયમેન્ટ અને જગ્યા ટૂરિસ્ટોને ખેંચી લાવે છે.

ડલ લેક

હા, દલ લેક તો જમ્મુ-કાશ્મીરમાં છે એ ખબર છે, પણ અહીં ડલ લેક છે જેની ઘણાને ખબર નથી. મૅક્લોડગંજની નજીક ડલ લેક આવેલું છે. શાંત અને સુંદર એવા ડલ લેકનું પાણી થોડું લીલાશ પડતું છે. એની ચારે તરફ આવેલા પહાડો અને દેવદારનાં વૃક્ષો લેકની સુંદરતામાં અનેકગણો ઉમેરો કરે છે. લેકને કિનારે શિવનું એક મંદિર પણ સ્થિત છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિના દરમ્યાન અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો અને સ્થાનિક લોકો ભેગા થાય છે અને ઉત્સવ મનાવે છે. એથી જો તમે સપ્ટેમ્બર મહિનામાં ધરમશાલા આવવાનો પ્લાન કરી રહ્યા હો તો અહીં આવવાનું ચુકતા નહિ. લેકની ફરતે ઘણા પિકનિક માટે પણ આવે છે તો કેટલાક ટેન્ટ લગાવીને પણ રહે છે. લેકના પાણીનો અનુભવ કરવો હોય તો અહીં બોટિંગની અને અન્ય ફૅસિલિટી પણ ઉપલબ્ધ છે.

જાણી-અજાણી વાતો

હિમાચલ પ્રદેશની બીજી રાજધાની ધરમશાલા છે. હિમાચલ પ્રદેશે બે વર્ષ અગાઉ જ ધરમશાલાને એની બીજી રાજધાની જાહેર કરી હતી.

ધરમશાલા વિશ્વભરની તિબેટન શરણાગતિઓનું મુખ્ય કેન્દ્ર ગણાય છે.

૧૯૬૦ની સાલથી લઈને આજ સુધી ધરમશાલા દલાઈ લામાનું બીજું ઘર બનીને રહ્યું છે.

ધરમશાલામાં આવેલા ચાના બગીચા અને અહીંની કાંગડા ચા દેશ-વિદેશમાં ઘણી જાણીતી છે.

અહીં દર વર્ષે તિબેટન લોસાર ફેસ્ટિવલનું ભારે ઉમળકાથી આયોજન કરવામાં આવે છે.

શું ખાશો અને શું ખરીદશો?

અહીં તિબેટન ભોજન ઘણું પ્રખ્યાત છે. આ સિવાય અહીંના મોમોઝ અને થુકપા પણ ઘણા સ્વાદિક્ટ હોય છે. આ સિવાયમાં ઠંડીમાં ગરમાગરમ નૂડલ્સ અને પૅનકેક અહીંનું ફેવરિટ ફૂડ છે. ખરીદવા માટે અહીંની તિબેટન હૅન્ડિક્રાફ્ટની વસ્તુઓ અને કાર્પેટ લેવા જેવાં ખરાં. થોડું હટકે ખરીદવું હોય તો તિબેટન ડ્રેસ, પ્રેયર વ્હીલ્સ, ટ્રેડિશનલ ઍક્સેસરીઝ ટ્રાય કરી શકાય, જે મૅક્લોડગંજમાં સારી પડશે.

આ પણ વાંચો : વિશ્વની આઠમી અજાયબી જોવાની ઇચ્છા હોય તો ઇસ્તનબુલ જઈ આવો

ક્યારે અને કેવી રીતે જશો?

આમ તો બારે મહિના ધરમશાલા ફરવાનું ગમે એવું છે, પરંતુ ઠંડી દરમ્યાન અહીંનું તાપમાન ઘટીને ૬ ડિગ્રી સુધી જતું રહે છે. અહીં ઘાટવાળા રસ્તા હોવાથી ચોમાસામાં અહીં આવવાનું જોખમી રહે છે. ઉનાળામાં અહીંનું તાપમાન ૩૧ ડિગ્રીથી ઉપર જતું નથી. એથી સપ્ટેમ્બરથી માર્ચ દરમ્યાન અહીં આવવા માટેનો બેસ્ટ સમય છે. અહીંથી નજીકનું ઍરપોર્ટ ગગ્ગલ છે, જે ધરમશાલાથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલું છે. પરંતુ અહીં ફ્લાઇટની ફ્રીક્વન્સી ઓછી છે. જો તમે ટ્રેનમાં આવવા માગતા હો તો પઠાણકોટ રેલવે-સ્ટેશન નજીક છે, જે ૮૫ કિલોમીટરના અંતરે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 01:02 PM IST | | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK