મિલાન : જાણો કેમ અહીંની ચર્ચ છે ઐતિહાસિક?

26 May, 2019 01:47 PM IST  |  | દર્શિની વશી - ટ્રાવેલ-ગાઇડ

મિલાન : જાણો કેમ અહીંની ચર્ચ છે ઐતિહાસિક?

મિલાન માત્ર ઐતિહાસિક સંપત્તિનો વારસો નથી ધરાવતો, પરંતુ સાથે આધુનિક દુનિયાનું પણ પ્રતિનિધિત્વ કરે છે જેની સાબિતી લેવી હોય તો આ ફોટો જોઈ લેવો. અદ્ભુત આર્કિટેક્ચર અને આભ એવાં મકાનો મિલાનને વિશ્વનાં ટોચનાંશહેરોની યાદીમાં મૂકે છે.

ટ્રાવેલ-ગાઇડ

રોમ બાદ મિલાન ઇટલીનું બીજું સૌથી પૉપ્યુલર અને લાર્જેસ્ટ સિટી છે. શૉપિંગ, ફુટબૉલ, ઑપેરા અને નાઇટલાઇફનું જન્નત ગણાતું મિલાન બીજા વિશ્વયુદ્ધમાં લગભગ ધરાશાયી થઈ ગયેલું, પણ ટૂંકા સમયની અંદર ખૂબ જ મજબૂત બનીને ઊભરી આવ્યું છે

મિલાન નામ કાને પડતાંની સાથે સૌપ્રથમ નજર સમક્ષ ડિઝાઇનર અને ટ્રેન્ડી કપડાંની ભરમાર ધરાવતી શૉપ્સ અને ફૅશન શોનો કોઈ સીન આવી જાય છે, પરંતુ મિલાનની પ્રખ્યાતિ માત્ર ફૅશન સુધી જ સીમિત નથી, ફૅશન ઉપરાંત અહીંનો ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક સ્થાપત્યો, ઇમારતો, ચર્ચ અને મહેલો આ સ્થળને વિશ્વસ્તરે આગવી ઓળખ અપાવે છે. ટૂંકમાં કહીએ તો મિલાન ઇટલીનું સૌથી આધુનિક સિટી હોવા છતાં તેણે તેના ઐતિહાસિક વારસાનો હાથ ઝાલી રાખ્યો છે, જેને લીધે મિલાન ટુરિસ્ટોના ટૉપ ડેસ્ટિનેશનની યાદીમાં અગ્રતા ક્રમે આવે છે.

ઇટલીમાં આવેલું મિલાન ઇટલીની રાજધાની તો નથી, પરંતુ રાજધાની કરતાં ઓછું પણ નથી. રોમ બાદ મિલાન ઇટલીનું બીજું સૌથી પૉપ્યુલર અને લાર્જેસ્ટ સિટી છે. કહેવાય છે કે જો રોમ ઓલ્ડ ઇટલીનો આયનો છે તો મિલાન નવા ઇટલીનો આયનો છે. વિશ્વનું ૫૪માં ક્રમાંકનું મોટું શહેર છે. બીજા વિશ્વયુદ્ધ વખતે મિલાનને ઘણું નુકસાન થયું હતું અથવા તો એમ કહીએ કે તે લગભગ બરબાદ થઈ ગયું હતું, પરંતુ બાદમાં થોડા સમયની અંદર જ તે ફરી બેઠું થઈ ગયું હતું અને અગાઉ કરતાં વધુ સશક્ત રીતે ઊભરીને બહાર આવ્યું હતું. તેમ છતાં, જેમ ભૂતકાળ કોઈને કોઈ નિશાની છોડીને જાય છે તેમ અહીંયાં પણ વિશ્વયુદ્ધમાં થયેલા નુકસાનના અંશો જોવા મળી શકે છે. સીઝર, નેપોલિયન, ઑસ્ટ્રો-હંગેરિયન અને મુસોલિની જેવા શાસકો અહીં આવી ચૂક્યા છે, જેની છાપ અહીંનાં સ્થાપત્યો અને ઇમારતોમાં જોવા મળે છે, જે ખરેખર જોવા જેવી છે. હા, અન્ય ઐતિહાસિક સ્થળો જેટલાં અહીં બાંધકામો અને સ્થાપત્યો તો નથી, પરંતુ જેટલાં પણ છે તે તમામ કોઈ ને કોઈ પ્રખ્યાત ઇતિહાસ ધરાવે છે. ૧૮૬૧ની સાલમાં મિલાન શહેર ઇટલીમાં જોડાયું હતું. ત્યાર બાદ ધીરે ધીરે તે મહત્વનું ઇન્ડસ્રિી યલ અને કલ્ચરલ સેન્ટર બની ગયું. અને પછી આ ફૅશનેબલ શહેરની વિશ્વફલક પર નોંધ લેવાવાની શરૂઆત થઈ ગઈ. ત્યાર બાદ આજસુધી મિલાનને પાછળ ફરીને જોવાનો વારો આવ્યો નથી. અહીંની મુખ્ય ભાષા ઇટાલિયન છે. આ સિવાય લોમબાર્ડ ભાષા પણ ઘણી પ્રચલિત છે. લોમબાર્ડ અહીંની રાજધાની છે. અહીં મુખ્ય અને વખણાતાં જોવાલાયક સ્થળોમાં ડુઓમો ધ મિલાન, ધ લા સ્કાલા, ધ ગેલેરિયા વિટ્ટોરિયો ઇમાનુએલ, બ્રેરા આર્ટ ગૅલેરી, પિરેલી ટાવર, સેન સિરો સ્ટેડિયમ, કેસ્ટેલ્લો સ્ફઝેસ્કો અને ધ ફેમસ પેઇન્ટિંગ ઑફ લિયોનાર્ડો ધ વિન્ચી - ધ લાસ્ટ સપરનો સમાવેશનો થાય છે.

ડુઓમો ધ મિલાનો

કૅથેડ્રલને ઇટાલિયન ભાષામાં ડુઓમો કહે છે. મિલાનમાં ડુઓમો ધ મિલાનો આવેલું છે અને વિશ્વનું પાંચમું મોટું ચર્ચ છે. અહીં પ્રાર્થના કરવા માટે એકસાથે ૪૦,૦૦૦ લોકો આવી શકે એટલું વિશાળ છે. સોનેરી રંગના આ ચર્ચને બનતાં અનેક વર્ષો લાગ્યાં હતાં. કહેવાય છે કે સૌથી વધુ લાંબા સમય સુધી ચાલેલા બાંધકામમાં આ ચર્ચનું નામ આવે છે. એટલે જ આ ચર્ચના બાંધકામમાં અનેક વિવિધતા જોવા મળે છે, જેમ કે જ્યારે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ઇટલીમાં ગોથિક પ્રકારના સ્થાપત્યનું ચલણ હતું. ત્યાર બાદ અનુગોથિક સ્થાપત્ય શૈલી જન્મી. જેમ વર્ષો વીતતાં ગયાં તેમ સ્થાપત્ય શૈલી બદલાતી ગઈ. ચર્ચનું બાંધકામ વધુ આગળ વધ્યું ત્યાં બોરોક સ્થાપત્ય શૈલી આવી. આમ ચર્ચનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે અનેક સ્થાપત્ય શૈલી આવી અને જતી રહી હતી, પરંતુ તેની નિશાની આ ચર્ચમાં મુકાતી ગઈ. ચર્ચનું જ્યારે પૂર્ણ રૂપે નિર્માણ થઈ ગયું ત્યારે તેમાં મલ્ટિપલ શૈલી નીખરી આવી હતી. એટલું જ નહીં, પરંતુ એકસૂત્રતા પણ જળવાઈ રહી હતી. ચર્ચ ૩૪૦૦ જેટલી મૂર્તિઓથી સુશોભિત છે, જેથી આ ચર્ચનો સમાવેશ સૌથી સુશોભિત ચર્ચમાં પણ કરવામાં આવે છે. આ ચર્ચ લગભગ ૪૦ માળ જેટલું ઊંચું છે, એટલો જ ઊંચો અને વિશાળ પ્રાર્થનાખંડ છે. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જે ખીલાથી ઠોકવામાં આવ્યા હતા તેમાંનો એક ખીલો અહીં મૂકવામાં આવેલો છે.

ધ લા સ્કાલા

ધ લા સ્કાલા એક થિયેટર છે, પરંતુ જેવું તેવું થિયેટર નથી, મહાકાય અને બેસ્ટ થિયેટરમાંનું એક છે. આ થિયેટરનું બાંધકામ ૧૭મી સદીમાં કરવામાં આવ્યું હતું, જેમાં એકસાથે બે હજારથી વધુ લોકો બેસીને અહીં થતા કાર્યક્રમોને માણી શકે છે. આ થિયેટરમાં માત્ર કાર્યક્રમો જ નહીં, પરંતુ નાટu અને સંગીતની તાલીમ પણ આપવામાં આવે છે. પહેલાંના સમયમાં વીજળી હતી નહીં, તેથી આ થિયેટરને ફાનસથી શણગારવામાં આવ્યું હતું, પરંતુ ફાનસને લીધે વારંવાર દુર્ઘટના થવાથી તેને દૂર કરવામાં આવ્યાં હતાં અને ૧૯મી સદીમાં વીજળીના આગમન બાદ ફાનસના સ્થાને લાઇટો મૂકવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ થિયેટર ઘણું અસરગ્રસ્ત થયું હતું, જેથી થોડા સમય માટે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું અને બાદ તેને સંપૂર્ણ રિનોવેટ કરીને દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યું હતું.

સ્ટાઇલિશ મિલાન

વિશ્વભરમાં ફૅશન કૅપિટલ તરીકે મિલાનની ઓળખાણ આપવામાં આવે છે, જેમાં અહીં વર્ષમાં બે વખત યોજાતા ‘મિલાન ફૅશન વીક’નું મહત્વનું યોગદાન છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના ફૅશન ડિઝાઇનરોનો મેળો ભરાય છે. જાત જાતની ડિઝાઇન, પૅટર્ન, રંગ અને સમથિંગ હટકે હોય એવાં વસ્ત્રોથી ભરમાર જોવા મળે છે. સો, જો મિલાન આવવાનું થાય તો મિલાન ફૅશન વીક માણવાનું ચૂકવા જેવું નથી. વસ્ત્રો ઉપરાંત અહીં અનેક હટકે અને સ્ટાઇલિશ વસ્તુઓ બજારમાં વેચાતી દેખાય છે. દર વર્ષે અહીં માર્ચથી જૂન દરમ્યાન ફૅશન શોથી લઈને ફર્નિચર ફેરનું આયોજન કરવામાં આવે છે.

ગૅલેરિયા વિત્તોરિયો ઇમાનુએલ

મિલાન શૉપિંગ ડેસ્ટિનેશનમાંનું એક છે તો ગેલેરિયા વિત્તોરિયો ઇમાનુએલ એ મિલાનનું ટૉપ શૉપિંગ ડેસ્ટિનેશન છે એટલે કે તે દુનિયાનો સૌથી જૂનામાં જૂનો એક અને પ્રતિષ્ઠિત શૉપિંગ મૉલ છે. ઇટલીના પ્રથમ કિંગ વિત્તોરિયો ઇમાનુએલ બીજાના નામ પરથી આ મૉલનું નામ રાખવામાં આવ્યું હતું. આ મૉલ અત્યંત વિશાળ તો છે જ, સાથે તેનું આર્કિટેક્ચર પણ એટલું જ લાજવાબ છે. ચાર માળની હાઇટ જેટલો આ મોલ બે માળમાં બનાવવામાં આવેલો છે. આ મૉલનું બાંધકામ ૧૮મી સદીમાં હાથ ધરવામાં આવ્યું હતું. મૉલની છત ડોમના આકારમાં બનેલી છે અને કાચ કવર કરાયેલી છે. મૉલની અંદર મિલાનની સૌથી જૂની શૉપ પણ છે તો લક્ઝ્યુરિસ કહી શકાય તેવી બ્રૅન્ડની શૉપ્સ પણ આવેલી છે.

બ્રેરા આર્ટ ગૅલેરી

સદીઓથી મિલાન કળાના એક કેન્દ્રસમાન છે. અહીં અનેક પ્રકારની કળા રજૂ કરતી ગેલેરી આવેલી છે. ઇટાલિયન પેઇન્ટિગના શોખીનો માટે બ્રેરા આર્ટ ગૅલેરી પરફેક્ટ સ્ટૉપ છે, જેમાં ૪૦૦ જેટલી અદ્ભુત પેઇન્ટિંગ મૂકવામાં આવેલી છે. આ સાથે આ ગૅલેરી ઇટલીની શ્રેષ્ઠ ગૅલેરીની યાદીમાં ટોચના ક્રમે આવે છે. ગૅલેરીની સ્થાપના ૧૮૦૬ની સાલમાં કરવામાં આવી હતી. ઑસ્ટ્રિયાના મૅરી થેરેસાએ આ ગૅલેરીનો ઉપયોગ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કરવા જણાવ્યું હતું, પરંતુ મિલાનમાં નેપોલિયનના આગમન બાદ આ સ્થળ આર્ટ ગૅલેરીના મ્યુઝિયમ તરીકે ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે પેઇન્ટિગનું કલેક્શન પણ વધવા લાગ્યું હતું. જો પીક સીઝનમાં આવવાનું થાય તો ગૅલેરીમાં પ્રવેશવા માટેની ટિકિટ ઍડવાન્સમાં લઈ લેવી સારી રહેશે. ટિકિટ ઑનલાઇન પણ ઉપલબ્ધ થઈ રહે છે.

અત્યાધુનિક મકાનો

અત્યાધુનિક મકાનો આજે વિશ્વનાં ઘણાં શહેરોમાં છે, પરંતુ મિલાનનાં મકાનો બધાંથી ઘણાં અલગ છે એમ કહીએ તો ચાલે, જેનો સૌથી ઉત્તમ દાખલો લેવો હોય તો તે છે મિલાનમાં આવેલું બોસ્કો વર્ટિકલ, જે એક રેસિડેન્શ્યલ ટાવર કૉમ્પ્લેક્સ છે. ૧૧૧ મીટરની હાઇટ ધરાવતું આ ટાવર છે કૉમ્પ્લેક્સમાં આવેલાં બે ટાવર પર દરેક ફ્લોર પર આવેલા તમામ ફ્લૅટની ટેરેસ પર વૃક્ષ ઉગાડવામાં આવેલાં છે. એટલે કે ટોટલ ૯૦૦ વૃક્ષો અહીં ઉગાડેલાં છે. આ ટાવરને અત્યાર સુધીમાં અનેક ટોચના અવૉર્ડ મળી ચૂક્યા છે. આવું જ વધુ એક ટાવર છે, જેનું નામ યુનિક્રેડિટ ટાવર છે. ૨૩૧ મીટરની હાઇટ ધરાવતું આ ટાવર ઇટલીનું સૌથી ઊંચું ટાવર છે. આ સંપૂર્ણ ટાવરને વિવિધ રંગોની એલઈડીની લાઇટોથી સજાવવામાં આવેલું છે.

જાણીઅજાણી વાતો...

જીડીપીમાં વૃદ્ધિની દૃષ્ટિએ મિલાન યુરોપનું ત્રીજું મોટું અર્થતંત્ર ધરાવે છે.

મિલાનમાં દર વર્ષે ૮૦ લાખ જેટલા ફોરેનર્સ આવે છે.

મિલાન વર્તમાનમાં કાપડ અને વસ્ત્ર ઉત્પાદનમાં, ઑટોમોબાઇલ, રાસાયણિક પદાર્થો, ઔદ્યોગિક ઉપકરણ અને મશીનરી અને પુસ્તકો તથા સંગીત પ્રકાશનનું મુખ્ય કેન્દ્ર છે.

અહીં આયોજિત કરવામાં આવતો મિલાન ફૅશન વીક શો અને મિલાન ફર્નિચર ફેર આવક, વિઝિટર અને ગ્રોથની બાબતે વિશ્વમાં સૌથી ટોચના ક્રમાંકે બિરાજે છે.

મિલાનમાં ૧૪ ટકા લોકો બહારના છે એટલે કે વિદેશી છે, જેઓ કામકાજ, ભણતર, વ્યવસાય અથવા અન્ય કારણોસર અહીં આવીને વસેલા છે.

મિલાનમાં દુનિયાનું સૌથી મોટું કૅથોલિક વિશ્વવિદ્યાલય આવેલું છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ઇટાલિયન ફૅશનની મોટા ભાગની બ્રૅન્ડ, જેવી કે ગુચ્ચી, પ્રાડા, અરમાની, ડોલ્ચે ઍ ગબ્બાનાની હેડ ઑફિસ અહીં આવેલી છે.

મિલાનમાં આવેલું સેન સિરો સ્ટેડિયમ યુરોપનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાય છે. આજ સુધીમાં અહીં અનેક વિશ્વકક્ષાની ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે.

બે જગપ્રસિદ્ધ ફૂટબૉલ ટીમ એ સી મિલાન અને એફ સી ઇન્ટરનૅશનલ મિલાનો અહીંની છે.

મિલાનમાં કામ કરતા લોકો ઇટલીમાં સૌથી ઊંચો પગાર મેળવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનના કબજામાંથી મિલાનને મુક્તિ મળી હતી.

એક ડિસેમ્બરથી લઈને ૭ જાન્યુઆરી સુધી અહીં આવેલા ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી થાય છે, જેમાં ડુઓમો ધ મિલાન ખાતે થતી ઉજવણી અને શણગાર જોવા જેવાં હોય છે.

ક્યારે અને કેવી રીતે જશો?

મિલાનમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ છે. અહીં આવેલું માલ્પેનસા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઇટલીનું સૌથી મોટું ઍરપોર્ટ ગણાય છે, જે મિલાનના મુખ્ય સેન્ટરથી ૫૦ કિલોમીટરના અંતરે છે અને મુખ્ય રેલવે-સ્ટેશનસાથે પણ જોડાયેલું હોવાથી આ ઍરપોર્ટ પર અવરજવર વધુ રહે છે. આ સિવાય શહેરની નજીક લીનાટે ઍરપોર્ટ પણ આવેલું છે અહીં ટૂંકા અંતરની ફ્લાઇટની અવરજવર વધુ રહે છે. અહીં આવવા માટે બારે મહિનાનો સમય શ્રેષ્ઠ છે. જુલાઈ-ઑગસ્ટ દરમ્યાન અહીં ભીડ ઓછી રહે છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

મિલાનમાં એક જગ્યાથી બીજી જગ્યા સુધી જવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. અંડરગ્રાઉન્ડ બસ, ટ્રામ તેમ જ અંડર ગ્રાઉન્ડ રેલવે, ટૅક્સી વગેરે સરળતાથી મળી રહે છે.

મિલાનમાં ફરવા માટે ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઘણી ડેવલપ છે. સૌથી ફાસ્ટેસ્ટ રૂટ મેટ્રો છે. બસ, ટ્રામ અને મેટ્રોમાં ફરવા માટે સિંગલ ફેરથી લઈને ૨૪ કલાક અને ૪૮ કલાક માટેની ટિકિટ પણ મળે છે.

રેસ્ટોરાંમાં બિલ ચૂકવતી વખતે ટીપ આપવી અહીં એક ગુડ હૅબિટ ગણાય છે.

જો તમે કપલ જવાના હો તો શૉર્ટ ડિસ્ટન્સમાં મુસાફરી કરતી વખતે કાર હાયર કરવા કરતાં બાઇક હાયર કરવી સસ્તી પડશે તેમ જ ટાઇમ પણ સેવ થશે.

જો ચાન્સ મળે તો મિલાનોકાર્ડ મેળવી લેવું, જે અહીં ઘણી બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે તેમ જ કેટલાંક સ્થાને ફ્રી એન્ટ્રી પણ મેળવી શકાય છે. આ કાર્ડ ઑનલાઇન મળી રહેશે.

અહીં ટૅક્સીનો કલર સફેદ રંગનો હોય છે. મુંબઈની જેમ અહીં પણ ટૅક્સી પીક અવર્સ દરમ્યાન સરળતાથી મળતી નથી.

આ પણ વાંચો : વીક-એન્ડમાં ક્યાં ફરવા જવું એની મૂંઝવણ છે? તો હાજર છે પાંચ હટકે અને હોટ ઑપ્શન્સ

શું ખાશો અને શું ખરીદશો?

ખાવા માટે અહીં ઘણા વિકલ્પો છે અને દરેકના બજેટમાં બેસે એવી રેસ્ટોરાં અને હોટેલ છે. અહીં પારંપરિક મિલાનીસી અને ઇટાલિયન વાનગી માણી શકાય છે. પીત્ઝાના રસિયાઓને તો અહીં મજા પડી જશે. મિલાન પીત્ઝાનું જન્મસ્થાન નથી, પરંતુ અહીં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સુપર્બ પીત્ઝા મળે છે. પેનેટોન ક્રિસમસ કેક અને રિસોટો અલા મિલાનીઝ અહીંની લોકપ્રિય વાનગી છે. અહીં ડુઓમો સ્ક્વેર, કેવોઉર સ્ક્વેર, સાન બાબિલા સ્ક્વેર, મોન્ટેનાપોલિવન સ્ટ્રીટનો વગેરે શૉપિંગ માટે બેસ્ટ પ્લેસ ગણાય છે. જો તમે થોડું લક્ઝ્યુરિસ શૉપિંગ કરવા માગો છો તો તમારે ગેલેરિયા વિટ્ટોરિયો ઇમાનુએલે જવું જોઈએ. અહીં ફન્કી ટૉપ, ગ્લાસ, ટ્રેન્ડી શૂઝ, ગ્લૅમરસ કલોથ, લક્ઝ્યુરિસ કૅન્ડલનું ગ્લાસવાળું ઝુમ્મર ખરીદવા જેવાં છે.

travel news columnists weekend guide