મા, પેટ ઉતારીશ, પ્રૉમિસ; આવી જાઓને પાછાં...

18 October, 2020 08:09 PM IST  |  Mumbai | Rashmin Shah

મા, પેટ ઉતારીશ, પ્રૉમિસ; આવી જાઓને પાછાં...

કૌમુદી મુનશી, દર્શન જરીવાલા

ગુજરાતનાં કોયલ તરીકે પ્રસિદ્ધિ પામેલાં કૌમુદી મુનશી માત્ર ઉદય મઝુમદારનાં જ મમ્મી નહીં, પણ ઉદયભાઈના જે કઈ ફ્રેન્ડ્સ હતા એ બધા માટે પણ મા જેવાં જ  હતાં. ખાસ કરીને નૅશનલ અવૉર્ડ વિનર ઍક્ટર દર્શન જરીવાલા માટે. તેઓ કહે છે, ‘૯૨ વર્ષની ઉંમર એટલે આમ તો પાક્કું પાન કહેવાય, પણ છતાં હું કહીશ કે અમારી માની જવાની આ ઉંમર નહોતી. હજી તો તેમણે રહેવાનું હતું.’ દર્શનભાઈએ રશ્મિન શાહ સાથે કૌમુદી મુનશી વિશેની જે વાતો વાગોળી એ  તેમના જ શબ્દોમાં  જોઈએ

હું તેમને પહેલી વાર મળ્યો બે વાર. હા, સાચું જ છે આ. હું બે વાર તેમને પહેલી વાર મળ્યો. પહેલી વાર પરોક્ષ રીતે, તેમના અવાજ દ્વારા અને પછી બીજી વાર તેમને પ્રત્યક્ષ, નરી આંખે. પહેલી વાર કેવી રીતે મળવાનું થયું એ કહું. વાત ૧૯૭૪ની છે. લાલુભાઈએ એક નાટક બનાવ્યું હતું ‘અભિમાન’. એ નાટકનું મ્યુઝિક અજિત મર્ચન્ટનું હતું અને એમાં કૌમુદીબહેને સેમી ક્લાસિકલ ઠૂમરી ગાઈ હતી. એ રેકૉર્ડેડ હતી અને નાટકના એક સીનમાં એ વાગતી. આ જ અરસામાં મારી પ્રોફેશનલ રંગભૂમિ પર શરૂઆત થઈ હતી. લાલુભાઈ પાસેથી મેં એ કૅસેટ લઈ લીધી હતી, હું એ બહુ સાંભળતો. મને બહુ મજા આવતી. ખબર નહીં, પણ હું એ સ્વર, એ લયની સાથે રીતસર તણાતો જતો. કહો કે મેં એ કૅસેટ ઘસી નાખી હતી. આ મારી તેમની સાથેની પહેલી મુલાકાત. એ પછી હું તેમને ૧૯૭૬માં રૂબરૂ મળ્યો. રૂબરૂ મળવાનું બન્યું નીનુભાઈ મઝુમદારને લીધે.

હતું એમાં એવું કે એ સમયે નૃત્યનાટિકાઓ થતી, જે ટીવી પર દેખાડવામાં આવતી. એ પ્રોડ્યુસ થાય મુંબઈમાં અને ગુજરાતના નાના સેન્ટર પર એને દેખાડવામાં આવે. આ નૃત્યનાટિકાને કારણે મારે નીનુભાઈને મળવાનું થયું. તેઓ રહે પાર્લા-વેસ્ટમાં, મારું રહેવાનું ચોપાટી. હું તેમને ત્યાં ગયો, ત્યાં જઈને મારું કામ પતાવ્યું અને પાછો આવી ગયો, પણ એ પ્રત્યક્ષ કૌમુદીબહેનને મળવાનો પહેલો અનુભવ. એ પછી તો તેમના દીકરા ઉદય સાથે ભાઈબંધી થઈ અને અકસ્માતે ૧૯૭૭માં હું પણ ચોપાટીથી શિફ્ટ થઈ સાંતાક્રુઝ-ઈસ્ટમાં આવ્યો. અંતર ઘટી ગયું એટલે ઉદયને મળવાનું પણ વધવા લાગ્યું. મારે કહેવું છે કે કૌમુદીબહેન ઉદયના બધા ફ્રેન્ડ્સ સાથે એવી જ રીતે રહે, એવો જ વ્યવહાર રાખે જેવો વ્યવહાર દીકરા ઉદય સાથે રાખે. બધા માટે એટલો જ પ્રેમ અને મમતા તેઓ રાખે. હું, મ્યુઝિક-કમ્પોઝર રજત ધોળકિયા, આપણા કવિ શોભિત દેસાઈ અને અમારા જેવા બીજા બે-ત્રણ ફ્રેન્ડ્સ તેમને ત્યાં નિયમિત જઈએ અને ઉદય સાથે મજા કરીએ. કહો કે અમારા ચાર-પાંચ જણનો અડ્ડો હતો તેમનું ઘર. એ સમયે તો કૌમુદીબહેનના શોઝ ને બધું ચાલતું અને તેઓ મોટા ભાગે બિઝી રહેતાં. એ પછી પણ જો તેઓ ઘરે હોય તો બધા સાથે વાતો કરે, સમય હોય તો બેસે. તેમના ઘરે મોહન હતો. હતો નહીં, આજે પણ છે. આ મોહન તેમના ઘરનો હાઉસ-મૅનેજર કહીએ તો પણ ચાલે. સબ બંદર કા વેપારી કહીએ તો પણ ખોટું ન કહેવાય. આ મોહન તેમનો મહારાજ પણ હતો. મોહન માટે તેમને એટલો પ્રેમ કે મોહનને મોટો પણ તેમણે કર્યો, મૅરેજ પણ તેમણે કરાવ્યાં અને આમ તેનો સંસાર પણ તેમણે શરૂ કરાવડાવ્યો. મારી જો ભૂલ ન થતી હોય તો મોહને કામની શરૂઆત તેમને ત્યાંથી કરી જે છેક અત્યાર સુધી તે તેમને ત્યાં જ રહ્યો છે.

અમે બધા તેમને ત્યાં જઈએ અને પોતે જો બહાર જતાં હોય તો મોહનને તાકીદ કરતાં જાય કે બધાને ચા-નાસ્તો કરાવજે. આવી તાકીદની જરૂર નહીં અને છતાં આ રીતે તેમની લાગણી અને પ્રેમ દેખાયા કરે. મને આજે પણ યાદ છે કે લાઇફમાં પહેલી વાર મેં ફણસનું અથાણું તેમના ઘરે ખાધું હતું. ટિપિકલ બનારસી અથાણું, તમે ક્યાંય ખાધું ન હોય એવું અને ક્યારેય ખાવા ન મળે એવું. આ અથાણું બનાવતો મોહન, પણ એના પર બધી નજર કૌમુદીબહેનની. કયો મસાલો કેટલો નાખવાનો, કેટલો તડકો દેવાનો અને કેટલા સમય પછી એને બરણીમાં ભરવાનું. બધી વાતનો હિસાબ તેમની પાસે હોય અને એમ જ કરવાનું. આજે તેમની ગેરહાજરીમાં આ ફણસનું અથાણું યાદ આવે છે અને સાથોસાથ તેમના હાથની નવરત્ન ચટણી યાદ આવે છે. આ નવરત્ન ચટણીમાં કુલ ૯ આઇટમ પડતી, પણ એ ૯ આઇટમની તમને ખબર ન પડે કે એમાં શું-શું નાખવામાં આવ્યું છે. તમે માનશો નહીં, પણ આજ સુધી મને એની ખબર નથી પડી. મેં તેમને બહુ પૂછ્યું, પણ દર વખતે એક જ જવાબ મળે, ખાવી હોય ત્યારે કહેવાનું, બનાવી દઈશ. આ નવરત્ન ચટણીની રેસિપી મા સાથે જ ગઈ. તેમણે કહી નહીં અને એક તબક્કા પછી તો મને પણ લાગ્યું કે મારે એ પૂછવી પણ નથી. મા જિંદગીભર સાથે જ રહેવાનાં છે તો પછી શું કામ હું એ રેસિપીની ચિંતા કરું. જ્યારે મન થાય ત્યારે તેમને ફોન કરીને કહી દઉં, તેઓ બનાવીને તૈયાર રાખે. કાં મારે કલેક્ટ કરી લેવાની અને કાં તો તેઓ મોકલાવી દે.

ઉદય તેમને ‘મા’ કહે એટલે જ કદાચ મને પણ મા કહેવાની આદત પડી હશે. સાવ જ નૈસર્ગિક રીતે જ આ સંબોધન મોઢે આવી ગયું હતું અને તેમને પણ ક્યારેય એમાં અજુગતું લાગ્યું નહોતું. હા, ક્યારેક તેમને ‘બહેન’ પણ કહેતો, પણ એ સંબોધન ભૂલથી આવતું. એમાં હતું એવું કે રજત ધોળકિયાનાં મમ્મીને બધા બહેન કહેતા એટલે રજતને ત્યાંથી ગયા હોઈએ ત્યારે આવી ભૂલ થતી અને મા પણ એ બાબત તરફ ધ્યાન ખેંચે. ઉદય સાથેની આત્મીયતાને લીધે આપોઆપ તેને ત્યાં જવાનું વધ્યું. એ પછી તો ઘણી વાર એવું પણ બને કે ઉદય ઘરે ન હોય અને એના ભાઈબંધો એટલે કે અમે તેના ઘરે પહોંચી ગયા હોઈએ. મા હોય તો તેમની સાથે વાતો થાય અને એ વાતોમાં તે ખુલ્લા મને અમને બધી વાત કહે. મા અને મારાં મમ્મી વચ્ચે ઉંમરમાં કદાચ એકાદ-બે વર્ષનો જ ફરક તો ચહેરા-મહોરા પણ લગભગ સમાન જેવા જ. મને લાગે કે એ પણ એક કારણ હતું કે મને તેમને માટે વિશેષ લાગણી રહી હોય. લાડ કરવા પણ ગમે અને લાડ કરે તો એને પાળવા પણ ગમે.

મા પાસેથી તેમની જે જૂની વાતો સાંભળી છે એ વાતો અકલ્પનીય કહેવાય એવી વાતો હતી. કૌમુદીબહેનના દાદાની જે જાહોજલાલી હતી એ અવર્ણનીય હતી. અમે તો એ બધી વાતો માના મોઢે જ તેમની પાસેથી સાંભળી છે. કહો કે તેઓ બનારસના રાજા જ હતા. મૂળ આખું ફૅમિલી ગુજરાતના વડનગરનું, પણ માના દાદાની પણ ત્રણ-ચાર પેઢી પહેલાં જ બધા બનારસ સેટલ થઈ ગયા અને પછી તો તેમણે જે વિકાસ કર્યો, રાજકીય મહત્ત્વ હાંસલ કર્યું એ ન ભૂતો ન ભવિષ્યતી જેવી હતી. બ્રિટિશરોએ માના દાદા માધવલાલ મુનશીને બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોની ઍડ્વાઇઝરી કાઉન્સિલમાં લીધા હતા. દાદાના કાર્યને જોઈને બ્રિટિશ વાઇસરૉયે તેમને રાજમહારાજનો ખિતાબ આપ્યો હતો. મારી જાણમાં છે ત્યાં સુધીમાં એકમાત્ર માધવલાલ મુનશી એવા હતા જેમને આ રાજમહારાજનો ખિતાબ મળ્યો હતો. હું મજાકમાં કહેતો પણ ખરો કે યુદ્ધ કરીને જ રાજમહારાજ નથી બનાતું, બૌદ્ધિકતા પણ તમને રાજા-મહારાજા બનાવી જાય છે. અમે મા પાસેથી તેમની જાહોજલાલીની, તેમના દાદા અને વડદાદાની વાતો સાંભળીએ, માના ફાધર કુંવર નંદલાલ મુનશી અને તેમનાં મધર અનુબહેન મુનશીની વાતો સાંભળીએ. એ વાતો સાંભળીને હું તો હતપ્રભ થઈ જતો. આવી જાહોજલાલી પછી પણ માના વાણી અને વતર્નમાં જે આમન્યા હતી, જે સૌમ્યતા હતી એ આજના લખપતિના સંતાનમાં પણ નથી હોતી.

અવર્ણનીય, અવિસ્મરણીય, અકલ્પનીય.

તેમની વાતોમાં નીનુભાઈ સાથેનાં લગ્નની વાતો પણ આવે. કેવી રીતે તેમણે ત્રણ સંતાનના પિતા એવા નીનુભાઈ સાથે લગ્ન કર્યાં એ પણ આવે તો કેવો-કેવો એ મૅરેજનો વિરોધ થયો હતો એની વાતો પણ આવે. સાથોસાથ કેવી રીતે તેમણે પહેલાં ઘરનાં કહેવાય એવાં રાજુલબહેન, મીનળબહેન અને સોનલબહેનને પોતાના હૃદયસ્થાને બેસાડીને સંસારી દૃષ્ટિએ ઓરમાયા માતા હોવા છતાં સગાં દીકરીથી વિશેષ તેમને સાચવ્યાં, સંસ્કાર આપ્યા અને શિક્ષણનું સિંચન કર્યું. ત્રણ બહેનોમાં રાજુલબહેન પ્રત્યે તેમને વિશેષ લાગણી. મને લાગે છે કે એનું કારણ પણ સંગીત જ હશે. રાજુલબહેને સંગીત ક્ષેત્રમાં ખાસ્સું ખેડાણ કર્યું છે. રાજુલબહેનને સંગીતમાં રુચિ એટલે મા સાથે તેમના સંબંધોમાં સંગીતનું વિશેષો બૉન્ડિંગ ઉમેરાયું તો સોનલબહેન માટે પણ તેમને અથાક પ્રેમ. સોનલની વાત કરું તો સોનલે સ્ત્રીસ્વતંત્રતાના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત કરી છે. નારી વિશેષાધિકારની વાતો વચ્ચે તેમણે નારીને મળવા પાત્ર જે અધિકારો હોવા જોઈએ એને માટે ખૂબ મહેનત કરી, જે માને ખૂબ ગમતી.

નીનુભાઈ તો ફક્કડ ગિરધારી. એય મસ્તમૌલા અને પોતાની ફકીરી માણે. આ પ્રકારના ફકીરી સ્વભાવના માલિકોએ અમુક પ્રકારના જીવનવ્યવહારમાં બહુ રસ લેતા ન હોય, રોજબરોજની વાતો કે પછી રોજબરોજના મુદ્દાઓ તેમને બહુ કનડતા નથી હોતા. મને એક કિસ્સો યાદ આવે છે આ બધી વાતોના સરવાળા જેવો. બન્યું એમાં એવું કે રાજુલબહેનને ઝાંખું દેખાય. સ્કૂલમાંથી પણ આ જ સંદર્ભની ફરિયાદ આવી અને નીનુભાઈએ પણ વાતને હળવાશથી જ લીધી. હશે, એવું તો ચાલ્યા કરે કાઇન્ડ-ઑફ. મા એવી વ્યક્તિ હતાં જેમણે સૌથી પહેલાં કહ્યું કે રાજુલને આંખમાં નંબર હશે, ચેક કરાવો અને તેને ચશ્માં પહેરાવો.

માને વાંચનનો શોખ એવું કહું એના કરતાં એવું કહીશ કે વાંચન તેમનો સ્વભાવ હતો. આ સ્વભાવ તેમને મોસાળ પક્ષમાંથી મળ્યો હશે એવું ધારવામાં કંઈ ખોટું નથી. માના સગા મામા એટલે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત ર. વ. દેસાઈ તરીકે પૉપ્યુલર થયેલા રમણલાલ વસંતલાલ દેસાઈ. સાહિત્ય મોસાળ પક્ષનું અને સંગીત દાદાના ઘરનું. માને સંગીતના પ્રાથમિક પાઠ પોતાને ત્યાંથી મળ્યા હતા. તેમને તો સંગીત શીખવું હતું, પણ એ સમય અને એ સમયની મર્યાદાઓ તેમને માટે નડતર બની, પણ તેમને મામા અને મામાના દીકરાનો સપોર્ટ મળ્યો એટલે તેઓ મુંબઈ આવીને સંગીતના ક્ષેત્રમાં કામ કરી શક્યાં. ઑલ ઇન્ડિયા રેડિયોમાં સિલેક્ટ થયા પછી જ મા નીનુભાઈથી માંડીને અવિનાશ વ્યાસ, દિલીપ ધોળકિયા, અજિત મર્ચન્ટ જેવા દિગ્ગજ સંગીતકારોના સંપર્કમાં આવ્યાં.

માના સંગીતના ક્ષેત્રના શરૂઆતના દિવસોમાં મા કોરસમાં ગાતાં. આ કોરસમાંથી તેમને શોધવાનું કામ નીનુભાઈએ કર્યું અને નીનુભાઈએ સૌથી પહેલાં તેમની પાસે સોલો ગવડાવવાનું શરૂ કર્યું. સંગીત પ્રત્યેનો બન્નેનો પ્રેમ નજીક લાવવાનું કામ કરી ગયો અને નીનુભાઈ સાથે તેમણે ૧૯પ૪માં મૅરેજ કર્યાં. આગળ કહ્યું એમ, તેમનાં મૅરેજનો બન્ને ફૅમિલીએ વિરોધ કર્યો હતો, પણ નીનુભાઈ અને મા બન્ને મક્કમ હતાં એટલે મજલના અંતિમ પડાવ સુધી તેઓ પહોંચી શક્યાં. હું કહીશ કે તેમનાં મૅરેજ એ સંગીત અને સાહિત્યનો અદ્ભુત સમન્વય સમાન હતાં.

લગ્ન પછી તો માને સંગીતના ક્ષેત્રમાં કોઈ અડચણ આવવાની નહોતી. એ દિવસો કેવા હતા જેમાં દીકરી પિયરમાં હોય તો તેના પર તમામ પ્રકારના નીતિનિયમો મૂકવામાં આવે, પણ પરણી ગયા પછી જો પતિની ઇચ્છા હોય તો કોઈ એનો વિરોધ ન કરે. પતિને ગમે છેને, કરવા દો એવી મેન્ટાલિટી કામ કરતી. જોકે એ પછી પણ થયેલા ‍ઊહાપોહની વાત કહું તમને.

એ સમયે ઠૂમરી ખૂબ સંભળાય, લોકો ખૂબ માણે અને ઠૂમરી માત્ર નર્તન થતું હોય ત્યાં એટલે કે કોઠા પર જ ગવાતી હોય. માને ઇચ્છા કે એ ઠૂમરી શીખે અને બેસ્ટ ઠૂમરી શીખવનારાં સિદ્ધેશ્વરીદેવી કોઠા પર ઠૂમરી ગાય. આમાં જો મા તેમને ત્યાં જાય તો તો દેકારો મચી જાય. સિદ્ધેશ્વરીદેવી અવ્વલ દરજ્જાની ઠૂમરી ગાતાં. રાજામહારાજાથી માંડીને અમીર-ઉમરાવ પણ તેમને સાંભળવા આવે. નીનુભાઈ જેમનું નામ, માની ઇચ્છા પછી તેમણે સામેથી કહ્યું કે હું તને લઈ જઈશ સિદ્ધેશ્વરીદેવી પાસે ઠૂમરી શીખવા. નીનુભાઈ લઈ ગયા સિદ્ધેશ્વરીદેવી પાસે ઠૂમરી શીખવવા. શીખવાનું સિદ્ધેશ્વરીદેવીના ઘરે હતું, પણ તેમના ઘરે જવા માટે વચ્ચેથી આ વિસ્તારમાંથી પસાર થવાનું હતું. નીનુભાઈએ હિંમતભેર એ કામ કર્યું અને સિદ્ધેશ્વરીદેવી પાસેથી મા ઠૂમરી શીખ્યાં. આ કામ બીજું કોઈ ન કરી શકે. આ છપ્પનની છાતીનું કામ છે અને આ કામ કરવા માટે તમારે નીનુભાઈ જ બનવું પડે. આ કામ શીખવા માટે તમારે કૌમુદી મુનશી જ બનવું પડે. તમે માનશો નહીં, પણ નીનુભાઈએ જ માને કહ્યું હતું કે મુનશી અટકને અકબંધ રાખ, શું કામ તારી આ ઓળખ ગુમાવવી છે. આ વાત બીજા કોઈએ નહીં, પણ ખુદ માએ કહેલી છે. આ વાત બે-ચાર વર્ષની નથી ભાઈ, આ વાત ૫૦ના દસકાની છે અને ૫૦ના દસકામાં આ કામ નીનુભાઈએ કર્યું અને માએ એ પાળ્યું પણ ખરું. જે સમયે ઘૂંઘટ અડધો સેન્ટિમીટર પણ ઊંચો થઈ જાય તો દેકારો મચી જતો એ સમયે આવું કાર્ય કરવું એ પણ ગજબનાક હિંમતનું કામ છે.

૫૦થી પણ વધારે વર્ષો સુધી તેમણે સંગીતના ક્ષેત્રને આપ્યાં. ઘણી વાર અમે બેસીએ અને સંગીતની વાતો નીકળે તો તેઓ કહે પણ ખરાં કે તને જો ઠૂમરી સંભળાવું. કજરી સાંભળ આ. ભોજપુરી લોકગીત બહુ સરસ છે સાંભળ. દાદરા, ચૈતી, ગઝલ સાંભળ તું. સંભળાવ્યા પછી કહે પણ ખરાં કે ગળું હવે થાક્યું છે, પણ મજા હજી પણ એવી જ આવે છે. ઠૂમરી નૉર્થ ઇન્ડિયન ઉપશાસ્ત્રીય લોકસંગીતનો એક પ્રકાર છે. માને જેટલી એ ગાયકીની જાણકારી એટલી જ તેમને શાસ્ત્રોક્ત પણ જાણકારી. મા કહે પણ ખરાં, જો ઠૂમરી તમે દિલથી ન ગાઈ શકો તો એ ઠૂમરી બને જ નહીં. શબ્દોમાં આવતી ભાવના અને એકેક શબ્દના અર્થને અનુભવીને ગાવામાં આવે તો જ ઠૂમરી અસર કરે અને સામેવાળાના મનમાં ઊતરે. મા થકી ઠૂમરી કહેવાતા એ સો-કોલ્ડ બદનામ એરિયામાંથી બહાર આવી અને પછી એ લાઇવ પર્ફોર્મન્સના ભાગરૂપે સૌકોઈની સામે આવી. હું કહીશ કે મા ધન્ય છે જેણે આ કાર્ય કરીને સંગીતના એક પ્રકારને લાખો-કરોડો લોકો સુધી પહોંચાડ્યું. મેં આ જ વાત માને પણ કહી હતી, કહ્યું હતું કે કદાચ તમે ઠૂમરીને બધા વચ્ચે ન લાવ્યા હોત તો ઠૂમરી વધી-વધીને ફિલ્મો દ્વારા લોકો સુધી પહોંચી હોત.

માને ગઝલમાં પણ ઊંડાં ઊતરવાનું બહુ ગમતું. તમે માનશો, ગઝલની તમામ હરકતો સમજવા તેઓ જાણીતા મ્યુઝિશ્યન તાજ અહમદ ખાન પાસે પાંચ વર્ષ શીખ્યાં અને તેમણે તાલીમ લીધી. શીખવાની-સમજવાની તેમનામાં જે ધગશ હતી એ અદ્ભુત હતી.

ભૂતકાળ વાપરવો પડે એવી કોઈ અવસ્થા જ નહોતી માની. ના, ભલે તેઓ ૯૨ વર્ષનાં થઈ ગયાં છતાં એવું લાગતું કે માએ તો હજી દસ-પાંચ વર્ષ રહેવાનું છે. એવું જ લાગતું અને એમાં કશું ખોટું પણ નહોતું. આ ઉંમરે પણ મા સાંજે એકદમ તૈયાર થઈને બહાર જાય. તેમને મળવા આવે તેમની સાથે વાતો કરે, શિષ્યોના ઘરે જાય, ખરીદી કરવા જાય. તમે જુઓ તો પણ માનો નહીં કે માએ આઠ દસકા પૂરા કરી નાખ્યા.

લૉકડાઉન દરમ્યાન અમારી વાતો થતી રહે. બપોર પહેલાં તો ઉદયનો મોબાઇલ ચાલુ જ ન થાય એટલે લૅન્ડલાઇન પર ફોન કરો એટલે મા જ ફોન ઉપાડે. થોડી ઘણી વાતો થાય અને પછી ઘરે આવવાનું કહીને ફોન મૂકે. ઘરે જવાનું તો નૅચરલી શક્ય નહોતું, લૉકડાઉન હતું. ઑગસ્ટમાં કિશોર મનરાજાના દીકરાના અવસાન પછી ઉદય રીતસર ભયભીત થયો હતો. તેણે માને સ્ટ્રિક્ટલી ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી હતી. તેને ડર હતો કે આ કોવિડ ગમે ત્યાંથી આવે છે અને ખોટા હેરાન કરી મૂકે છે. ઑગસ્ટની જ વાત છે, હું ફોન કરીને ઉદયને મળવા ગયો. ફોન પર મેં તેને કહ્યું કે ચા પીવી છે આપણે. પહોંચ્યો એટલે ઉદય થર્મોસમાં ચા અને ડિસ્પોઝેબલ કપ લઈને નીચે આવ્યો અને અમે બન્નેએ નીચે જ ચા પીધી હતી.

હમણાં જ્યારે ખબર પડી કે માને કોવિડ આવ્યો અને તેમને સોમૈયા વિદ્યાવિહારમાં દાખલ કર્યાં છે ત્યારે જ મનમાં સંદેહની લાગણી જન્મી ગઈ હતી. બહુ ડર લાગવા માંડ્યો હતો. સમજાતું હતું કે કોઈ સારો સંદેશો નથી આવી રહ્યો અને એ પછી સીધી ખબર પડી કે મા નથી. હું હજી પણ કહું છું, આ માની જવાની ઉંમર નહોતી જ નહોતી. કબૂલ કે ૯૨ વર્ષની ઉંમરે કોઈ જાય એટલે આપણે માનીએ કે તેમણે ઘણું જોઈ લીધું, પણ ના, માને એ લાગુ નથી પડતું. માને આ ૯૨ વર્ષ સ્પર્શી જ નહોતાં શક્યાં. તેમણે પેસમેકર મુકાવ્યું હતું, એક વાર એ ચેન્જ પણ કર્યું હતું, પણ અમે બધા કહેતા કે પેસમેકર માનું હૃદય નહીં, માનું હૃદય પેસમેકર ચલાવે છે. ૯૦ વર્ષ પસાર કરનારો ખખડી ગયો હોય, પણ માને એ વાત પણ લાગુ નથી પડતી. મા આજે પણ રોનકમય હતાં. તેમના ચહેરાની ચમક, રોનક જ જુદાં હતાં.

છેલ્લે જ્યારે તેમના ઘરે ગયો ત્યારે મેં તેમને જોયાં. પહેલા માળની બારીમાં તે મને મળવા, મારી સાથે વાતો કરવા આવ્યાં હતાં. હું નીચે અને તેઓ પહેલા માળની બારીમાં. તેમને જોઈને મને પહેલો વિચાર એ આવ્યો કે હમણાં કહેશે, મોહન, આ પેટ હવે ક્યારે ઉતારવાનું છે?

હા, મા મને છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી મોહન કહેતાં લાડથી. ‘ગાંધી માય ફાધર’માં ગાંધી તરીકે જોયા પછી તેઓ પ્રેમથી આમ કહીને બોલાવે. આ જ ફિલ્મ પછી મારા વધી ગયેલા શરીરની પણ ચિંતા કરે અને કોઈ જાતનો ખેદ રાખ્યા વિના વધેલા વજન માટે થોડું ખિજાઈ પણ લે. એ દિવસે તેઓ મને પેટ માટે કશું કહે એ પહેલાં મેં જ તેમને રાડ પાડીને કહી દીધું, ‘ઉતારવાનું છે પેટ, ખબર છે.’

મા હસ્યાં, પણ તેમના હાસ્યમાં ઉમળકો નહોતો. તેમના ચહેરા પર ચમક નહોતી, ઘરમાં ગોંધાઈને રહેવાની તેમની આદત નહોતી અને તેઓ સાવ ઘરમાં બંધાઈ ગયાં હતાં, કેદ થઈ ગયાં હતાં. તેમને બહાર જવું હતું, પણ બહાર નીકળવું શક્ય નહોતું અને તેમનો ફ્રી-સ્પિરિટ કદાચ મથતો હતો. મથતો હોય તો પણ, માની આ જવાની ઉંમર નહોતી. ના, જરા પણ નહીં. હજી તો તેમણે ખૂબ બધી વાતો કરવાની હતી, અમારે ખૂબ બધી વાતો તેમની પાસેથી સાંભળવાની હતી અને મારા ઊતરતા પેટને તેમણે જોવાનું હતું. મા, પેટ ઉતારીશ, પ્રૉમિસ. પ્લીઝ, આવી જાઓને પાછાં...

columnists Rashmin Shah