દૈનિક અખબારઃ ગઈ કાલ અને આજ

11 April, 2021 03:14 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

નાહીને વસ્ત્ર બદલવા જેવી જ સહજતા ઊઠતાવેંત ચાના કપ સાથે અખબાર યાદ આવી જાય. ઘણી વાર તો ચાનો કપ મોડો પડ્યો હોય તો ચાલે, પણ અખબારનો ફેરિયો સમયસર ન હોય તો તેને ઠપકો અપાય, ‘અલ્યા આજે કેમ મોડું થયું?

પ્રતીકાત્મક તસવીર

દૈનિક અખબાર કયું અને ક્યારે એક ટેવ તરીકે ઘરના ઉંબરામાં દાખલ થઈ ગયું એ આજે યાદ નથી, પણ આ ઘટનાને ઓછામાં ઓછાં ૭૫ વર્ષ થયાં હશે એ વાત નક્કી. ૭૫ વર્ષ એટલે પોણી શતાબ્દી અને આ પોણી શતાબ્દી એટલે માણસના જીવનનો નાનો ગાળો કહેવાય નહીં. એ અખબાર કદાચ રણછોડલાલ લોટવાળાનું ‘હિન્દુસ્તાન’ હોઈ શકે, કદાચ ‘નૂતન ગુજરાત’ પણ હોઈ શકે. પિતાજી મુંબઈ વસતા અને અમે કેટલાક સમય ભાવનગર રહ્યા હતા ત્યારે રોજેરોજનું અખબાર ટપાલ મારફત પિતાજી મને મોકલતા. ઉંમર ત્યારે ૧૦ વર્ષની હશે અને રોજ ટપાલના સમયે છાપું આવશે એની રાહ જોવાની ટેવ પડી ગઈ હતી. છાપામાં છપાયેલું બધું સમજાય એ જરૂરી નહોતું. આઝાદી હજી આંગણે આવીને ઊભી નહોતી. આવા સમયે અખબાર વાંચીને કોણ જાણે કેમ સમજાયા વિના પણ પ્રસન્નતા થતી.

છાપામાં છપાયું છે!

છપાયું ત્યારે એટલું બધું શ્રદ્ધેય લાગતું કે એમાં કોઈ ખોટા સમાચાર છપાયા હોય એવી ક્યારેય કલ્પના જ નહોતી આવી. ઊલટું, વાતમાં કોઈ ખાતરીપૂર્વક એવું કહી દેતું કે આ સમાચાર ખોટા હોઈ શકે ખરા? આ તો છાપામાં છપાઈ ગયું છે! આ શ્રદ્ધા અખબારને કોણે આપી એ તો કોણ જાણે, પણ અખબાર ટપાલમાં બીજે કે ત્રીજે દિવસે મળે તો પણ એનું વાંચન આસપાસના બે-ત્રણ જણ સાથે મળીને કરતા. ૧૦ વર્ષની ઉંમરે આ અખબાર વાંચવાની ટેવ પડી. એ પછી આ ટેવ એટલી સહજ થઈ ગઈ કે નાહીને વસ્ત્ર બદલવા જેવી જ સહજતા ઊઠતાવેંત ચાના કપ સાથે અખબાર યાદ આવી જાય. ઘણી વાર તો ચાનો કપ મોડો પડ્યો હોય તો ચાલે, પણ અખબારનો ફેરિયો સમયસર ન હોય તો તેને ઠપકો અપાય, ‘અલ્યા આજે કેમ મોડું થયું?’ ખરેખર મોડું થયું ન હોય, પણ તમે જ વહેલા ઊઠ્યા હો.

સમાચાર પ્રમોદ તન્ના આપે છે

થોડાં વર્ષો પછી એક સમય એવો આવ્યો કે રોજ રાતે ૧૦ વાગ્યે સૂતાં પહેલાં આકાશવાણી પરથી આફ્રિકાના ગુજરાતી શ્રોતાઓ માટે જે સમાચાર-બુલેટિન રજૂ થતાં એ સાંભળવાની ભારે ઉત્સુકતા રહેતી. આ સમાચાર-બુલેટિન સાંભળવા માટે ૧૦ વાગ્યા અગાઉ પાંચેક મિનિટ રેડિયો પાસે ઊભા રહી જતા. રેડિયો ત્યારે હજી ઘર-ઘરનું એક સાધન બન્યો નહોતો. ચાલી કે મકાનમાં જ્યાં રહેતા હોઈએ ત્યાં આખા માળ પર એકાદ રેડિયો હોય, આ રેડિયો પર ૧૦ વાગ્યે સૌ ઊભા રહી જતા અને બરાબર ૧૦ વાગ્યે બુલેટિનનો પહેલો રણકો સંભળાય : ‘આ સમાચાર આપને પ્રમોદ તન્ના વાંચી સંભળાવે છે.’ અથવા તો પ્રમોદ તન્નાની જેમ જ નાનાલાલ વસા આ બુલેટિન વાંચત, ‘આ સમાચાર આપને નાનાલાલ વસા વાંચી સંભળાવે છે.’ પછી સૌકોઈ કાન સરવા કરી દેતા.

શિક્ષણમાં બોર્ડની પરીક્ષાઓનાં પરિણામ પણ નંબર પ્રમાણે અખબારમાં છપાતા. એસએસસીનું પરિણામ અહીં ટાંકવાનું મન થાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટથી પ્રગટ થતું ‘ફૂલછાબ’ એક જ દૈનિક અખબાર હતું. સવારે રેલવે મારફત ૭ વાગ્યે ભાવનગર પહોંચતું. અમે પરીક્ષાર્થીઓ અને એના લાગતાવળગતા મિત્રો કે વડીલો સવારે ૬.૩૦ વાગ્યે સ્ટેશન પહોંચી જતા. ૭ વાગ્યે ગાડીના ડબ્બામાંથી અખબારનાં પૅકેટ્સ જેવાં બહાર ફેંકાય કે તરત જ ટોળાબંધ સંખ્યામાં અમે તૂટી પડીએ. એક અખબાર જે લાંબા કે બળૂકા માણસના હાથમાં આવી જતું તેની પાસેથી પોતાનો નંબર જાણવા વિદ્યાર્થીઓ ભારે ધસારો કરતા.

મહિને ૧૦ આના

૧૯૫૭-’૫૮માં વચ્ચે બેએક વર્ષ ચોટીલા રહેવાનું થયું. ચોટીલામાં ગુજરાતી અખબાર સવારે મેળવી શકાય ખરું, પણ કોણ જાણે કેમ એ દિવસોમાં અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચવાની ટેવ પડી ગઈ હતી. એમાંય ખાસ કરીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એ વખતના તંત્રી ફ્રૅન્ક મોરાઇસના તંત્રીલેખો વાંચવા ભારે ગમતા. આ અંગ્રેજી અખબાર ચોટીલામાં મેળવી શકાય એવી એક વ્યવસ્થા હતી. બપોરે બે વાગ્યે સુરેન્દ્રનગરથી જે રેલગાડી ચોટીલા આવે એમાં આ અખબારની ચાર-પાંચ નકલ આવતી. છાપાના ફે‌રિયા સાથે ગોઠવણ કરીને મેં એક નકલ મારા માટે બંધાવેલી. આ નકલનું અર્થશાસ્ત્ર એવું હતું કે બીજા દિવસે આ ફેરિયો મારી પાસેથી એની એ અકબંધ નકલ પાછી લઈ જાય અને નવી નકલ મને આપી જાય. આ અદલાબદલી રોજ ચાલતી અને બદલામાં મારે એ ફેરિયાને વળતરરૂપે ૧૦ આના ચૂકવવાના રહેતા (આ ૧૦ આના એટલે શું એ કદાચ આજની પેઢીને નહીં સમજાય. આજે જેને હિસાબ-કિતાબમાં પાયાના યુનિટ તરીકે ગણીએ છીએ છતાં જે પૈસો તો ક્યાંય નજરે પણ નથી પડતો. એ ૬૨ પૈસા એટલે ૧૦ આના) આમ કોઈ પણ રીતે અખબાર સાથેની ભાઈબંધી જાળવી રાખી હતી. ત્યારે ૧૦ આનાનું માસિક બિલ પણ ચુકવણી વખતે વધારે લાગતું.

અખબાર અસ્પૃશ્ય છે?

કોરોનાકાળના આગમન પછી એક નવતર માન્યતા પ્રજામાં અમુક હદે પ્રસરેલી છે. દૈનિક અખબાર પ્રેસમાંથી નીકળીને વાચકના હાથ સુધી પહોંચે એ દરમ્યાન અનેક વ્યક્તિઓ વચ્ચેથી પસાર થાય છે. કોણ જાણે એક માન્યતા વિજ્ઞાનના નામે એવી ઘૂસી ગઈ છે કે આ રીતે કોરોનાના જંતુઓ અખબારનાં પાનાં મારફત પણ પ્રસારિત થાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે હજી આજે અને ભણેલા-ગણેલા અને સંસ્કારી લોકો ઘર-બારને હાથ અડાડતાં ડરે છે. આ ડર સાચો નથી, વૈજ્ઞાનિક નથી એવી સ્પષ્ટતા અખબારો મારફત વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે છતાં આ ભય હજી દૂર થયો નથી.

છાપામાં છપાય એ સાચું જ હોય!

ગઈ કાલે દૈનિક અખબાર ધંધો નહોતો. ગાંઠનું ગોપીચંદન કરીને જેઓ ખુવાર થવા માગતા હોય અને એ સાથે જ અમુક કક્ષાએ માનસિકતા વિકસિત થઈ હોય એને જ અખબારનો પાલવ પકડવાની શક્તિ રહેતી. ગઈ કાલે દૈનિક અખબારનો કોઈ પણ વાચક સમાચાર વાંચીને એની સચ્ચાઈ વિશે સહજપણે શક કર્યા વિના એમ કહેતો, ‘આ વાતમાં ખોટું શું છે? છાપામાં છપાઈ ચૂક્યું છે.’ એટલે કે દૈનિક અખબારોમાં જે છપાયેલું હોય એ સચ્ચાઈ સિવાય બીજું કંઈ હોઈ શકે જ નહીં‍. આજે વપરાતા પેઇડ ન્યુઝ અને ફેક ન્યુઝ જેવા શબ્દો ત્યારે સાંભળ્યા હતા? આજે એ અખબારોનો

પાયો બની ગયા છે. આજે કોઈ પણ સામયિક માટે કોઈ પણ વ્યક્તિ આંખ મીંચીને એમ કહી શકે એમ છે ખરું કે ‘અરે, એમાં શું આખું પાનું ભરીને તમે કહો એમ છપાવી દઈએ.’ હા, એ માટે તમારે આમતેમ થોડી ગોઠવણ કરવી પડે. આમ હોવા છતાં વહેલી સવારે જો દૈનિક અખબાર હાથમાં આવતું નથી એ સવાર થોડી ખાલી-ખાલી થઈ જાય છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

columnists dinkar joshi