છો આજે પતંગ ન કપાય ભાઈ, આજે ઘમંડ કાપીને સંબંધોને નવેસરથી જોડો

14 January, 2020 05:40 PM IST  |  Mumbai Desk | manoj joshi

છો આજે પતંગ ન કપાય ભાઈ, આજે ઘમંડ કાપીને સંબંધોને નવેસરથી જોડો

ઉત્તરાયણ એ દિવાળી પછીનો પહેલો તહેવાર છે. આ ઉત્તરાયણમાં બીજું કંઈ ધ્યાન આપી ન શકાય તો વાંધો નહીં, પણ બસ, એટલું ધ્યાન રાખજો કે ચાઇનીઝ દોરી કે પછી પેલા સળગતા ફાનસનો ઉપયોગ ન થાય. આમ પણ મેક ઇન ઇન્ડિયાની શરૂઆત થયા પછી ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવાના હિમાયતી દેશમાં વધ્યા છે, પણ આજે એ હ‌િમાયતીઓને આગળ ધરીને નહીં પણ હું માત્ર ને માત્ર જીવરક્ષાને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરી અને ફાનસની વાત કરી રહ્યો છું. જો તમને એવું લાગતું હોય કે આ બન્ને પ્રોડક્ટ પર તો બૅન છે એટલે એ ક્યાંથી અને કેવી રીતે મળવાની તો એનો જવાબ પણ તમને આપી દઉં. ખુલ્લી બજારમાં જે પ્રોડક્ટ નથી મળી રહી એ પ્રોડક્ટ આજ સુધી ઑનલાઇન મળતી હતી અને લોકો ખરીદતા પણ હતા. ઘણા હોલસેલ વેપારીઓએ ખાનગીમાં અને છાના ખૂણે પણ એનો વેપાર કર્યો છે. આ વેપાર કઈ રીતે શક્ય બન્યો એની ચર્ચા હવે અસ્થાને છે અને એટલે જ કહું છું કે આજે, માત્ર કૉલર ટાઇટ કરવા અને માત્ર આડોશીપાડોશીઓને દેખાડી દેવા માટે ચાઇનીઝ દોરીનો આશરો ન લેતા.

આકાશમાં દરરોજ ઊડતાં પક્ષીઓ પતંગના સૌંદર્યથી જરા પણ ઊતરતાં નથી. આકાશનું એ રોજબરોજનું આકર્ષણ છે, રોજબરોજની ખૂબસૂરતી છે. આ સૌંદર્ય અકબંધ રહે એ બહુ જરૂરી છે. જીવ છે એમાં અને હવે તો અભણ પણ જાણે છે કે ચાઇનીઝ દોરી પક્ષીઓનો જ નહીં, માણસના ગળામાં આવી જાય તો તેનો જીવ પણ લઈ લે એવી જોખમી છે, ખતરનાક છે. પતંગની મજા એ જ તો છે જેમાં તમારી પતંગ ઊંચાઈએ પહોંચે અને લહેરાતી હોય ત્યારે જ કોઈ કાપી જાય કે પછી તમે કોઈની એવી, ઊંચે પહોંચેલી પતંગને કાપી આવો, પણ ધારો કે એવું ન થયું અને કોઈ આવીને તમારો પતંગ કાપી ગયું તો પણ એનો હરખશોક કરવાની જરૂર નથી. જે દોરી આજે તમારા હાથમાં છે એ દોરી આવતી કાલ પછી કોઈ અડકવાનું પણ નથી. આવતા વર્ષે પણ એનો કોઈ ઉપયોગ કરવાનું નથી. એ દોરી એમ જ સડવાની છે અને કાં તો માળિયે પડી રહેવાની છે તો એ પડી રહે એના કરતાં છો કપાઈને કોઈના હાથમાં આવતી, કોઈ ગરીબની ખુશીનો સામાન બનતી પણ ચાઇનીઝ દોરીના નામે જંગ જીત્યાનો આનંદ લેવાની ભૂલ ન કરતા.
જો કાપાકાપીમાં રસ હોય, કાપાકાપીમાં જ દિલચસ્પી હોય તો આજના આ શુભ દિવસે મનમાં ઘર કરી ગયેલા અહમ્, અભિમાન અને ઘમંડને કાપી નાખજો. તમે, તમારો પરિવાર, તમારા વહાલાઓ સૌકોઈ લાભમાં રહેશે. જો કાપવો જ છે તો અહમ્ કાપો. જો ઊજવવો જ છે તહેવાર તો મનમાં રહેલા અભિમાનને વેતરી નાખો. ઊજવો આ તહેવારને એવી રીતે જાણે આવતી કાલ તમારા નસીબમાં નથી. સૌને એક કરો અને ખાસ એ સૌને બોલાવો જેમની સાથે મનદુ:ખ પેટમાં ભરી રાખ્યાં હતાં. ઉત્તરાયણનો અર્થ ન ખબર હોય તો એક વખત ઘરમાં વડીલોને પૂછજો. એનો શાસ્ત્રોક્ત અર્થ તો ગહન છે, પણ ખગોળીય રીતે સમજાવું તો, આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે. સૂર્યની આ ગતિને શુભ માનવામાં આવે છે અને એટલે જ ઉત્તરાયણ પછી કમુરતાં ઊતરી ગયાં એમ માનીને શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. શુભ દિવસે શુભ કાર્યની શરૂઆત થાય એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે?
રાગ, દ્વેષ ભૂલીને આજથી તમામ સંબંધોને નવી તક આપીને સંબંધો પર પ્રસરી ગયેલા કમુરતાંને વળાવો. આ જ તહેવારની સાચી ઉજવણી છે.

manoj joshi columnists uttaran makar sankranti