વેબ-સિરીઝ બનાવવી સહેલી, ‘સિમ્બા’ બનાવવી અઘરી છે

21 March, 2021 12:08 PM IST  |  Mumbai | Bhavya Gandhi

સારું કન્ટેન્ટ બનાવવું એ પ્રોડ્યુસરની અને સારા કન્ટેન્ટને વધાવવું એ ઑડિયન્સની જવાબદારી છે

સિમ્બા

જો તમે ૫૦ વર્ષથી વધુ મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને મળો કે પછી ફિલ્મ રિલેટેડ વાતો સાંભળો તો તમને એકસરખી વાત સાંભળવા મળે. આ ફિલ્મોએ અને સિરિયલોએ તો દાટ વાળ્યો છે. આવી તે કઈ ફિલ્મો હોતી હશે? આવી તે કંઈ સિરિયલ હોય? અમારા સમયમાં તો કેવી સરસ ફિલ્મો બનતી, કેવાં સરસ ગીતો ને કેવી સરસ વાર્તા, બધા સાથે બેસીને એ જોઈ શકો અને આજે, આજે એક પણ ફિલ્મ એવી નથી જે ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય. દ્વિઅર્થી ગીતો ને એના ડાયલૉગ. બાપરે બાપ... કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો હોય છે એમાં.
આપણા એલ્ડર્સની આ ફરિયાદ એવી રીતે શરૂ થાય જાણે અટકવાનું નામ જ ન લે. હું તો બહુ સાંભળું છું આવી ફરિયાદો, તમે પણ તમારી આસપાસ આવી ફરિયાદો સાંભળતા જ હશો અને જો તમે પોતે વડીલની કૅટેગરીમાં હશો તો કદાચ આ તમારી પોતાની ફીલિંગ્સ પણ હોઈ શકે.
આપણી ફિલ્મો સારી જ છે અને એટલે તો લૉકડાઉન પહેલાં આ ફિલ્મો ૧૦૦-૨૦૦ અને છેક ૩૦૦ કરોડનો બિઝનેસ કરતી. આટલો મોટો બિઝનેસ કરનારી ફિલ્મો માટે શું કામ આવી ફરિયાદો થતી હશે, શું ખરેખર આજે ફિલ્મની ક્વૉલિટી બગડી છે? શું ખરેખર ફિલ્મ જોવાથી માનસ પર ખરાબ અસર થઈ શકે છે? શું આજની ફિલ્મોથી બાળકો બગડે એવી શક્યતા સાચે છે?
આ પ્રશ્નો વિશે આપણે આજે વાત કરવી છે અને આ વાતનો મુખ્ય પૉઇન્ટ એ છે કે આ બધા માટે ખરેખર ફિલ્મોને દોષ આપવો કે નહીં?
જો કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના કહેવાનું હોય તો કહેવું પડે કે હા, ફિલ્મોનું સ્તર નીચું આવ્યું છે અને આ ફરિયાદ સાચી છે. એમાં સેન્ટિમેન્ટ્સના મુદ્દાઓ પણ છે અને વલ્ગૅરિટી પણ અનહદ છે. બિનજરૂરી મારધાડ છે જે ગ્રેવિટીના નિયમોનો ભાંગીને ભુક્કો કરી નાખે છે. બૅડ વર્ડ્સ તો હવે વેબ-સિરીઝને કારણે એવા પૉપ્યુલર થઈ ગયા છે કે હું કહીશ કે ઘરના ફીમેલ મેમ્બર્સને પણ એ આવડી ગયા હશે. .
જ્યારે તમે કોઈ ફિલ્મ જુઓ ત્યારે એની અસર તમારા મનમાં ક્યાંક ને ક્યાંક રહેવાની જ છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે રિયલ લાઇફમાં નથી કરી શકતા કે એની પોતાની ઇમ‌ે‌િજનેશનની બહાર છે એ બધું ફિલ્મોમાં જુએ ત્યારે તેમને એવું લાગે કે જે થઈ રહ્યું છે એ બરાબર છે, આવું જ થવું જોઈએ.
આ અસર વચ્ચે એ વાતને લોકો ધીમે-ધીમે રિયલ લાઇફમાં અમલ કરવાનું કે કરાવવાનું શરૂ કરી દે છે. એ બધું કાલ્પનિક છે, પણ એમ છતાં જ્યારે એવું કરવાનું મન થાય ત્યારે જાતને જસ્ટિફિકેશન પણ મળવા માંડે છે અને પોતાની જાતને સમજાવવા માંડે છે કે આ બધું કરનારા પણ માણસ જ છેને, જો એને એવું લાગતું હોય કે આવું કરાય તો કરી શકાય. કંઈ ખોટું નથી એમાં.
સાથે એક હકીકત એવી પણ છે કે આજે જે વડીલો ફિલ્મોને ગાળો ભાંડે છે તેમની પાસે તેમના વડીલો ફિલ્મોને ભાંડતા હતા. ૯૦ના દસકાના લોકોને ૭૦ની ફિલ્મ સારી લાગતી અને ૭૦ના દસકાના લોકોને ૫૦ અને ૬૦ના દસકાની ફિલ્મો ગમતી હતી કે એ ફિલ્મોમાં તથ્ય લાગતું હતું. બન્ને વડીલો પોતપોતાના સ્તરે સાચા જ છે. હમણાંની વાત કહું તમને. એક રિયલિટી શોમાં વહિદા રહેમાને એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે અમારા સમયમાં તો ઝાડ પાછળ હીરો-હિરોઇન જાય એને પણ ખરાબ ગણવામાં આવતું અને એ સીન સેન્સર બોર્ડ કપાવી નાખતો હતો. નાઇન્ટીઝમાં આવેલી ફિલ્મ ‘ખલનાયક’ના ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ...’ માટે સેન્સર બોર્ડે વિરોધ કર્યો હતો અને એ વિરોધ સામે બહુ વિવાદ થયો હતો તો ‘ઉડતા પંજાબ’ આખેઆખી ફિલ્મ સેન્સર બોર્ડે અટકાવી હતી અને એને રિલીઝ કરવાનો ઑર્ડર હાઈ કોર્ટમાંથી લેવામાં આવ્યો હતો.
વીતેલી પેઢીને ક્યારેય એવું લાગવાનું જ નથી કે ફિલ્મો સારી બને છે. આનું કારણ છે. ફિલ્મ‍ જોનારો વર્ગ હંમેશાં બે એજ-ગ્રુપમાં વેચાયેલો રહ્યો છે. એક ગ્રુપને એમ લાગે છે કે ફિલ્મો બગડી રહી છે, એની ક્વૉલિટી ઊતરતી થઈ રહી છે તો બીજા વર્ગને લાગે છે કે આજે જે ફિલ્મો બને છે એવી ફિલ્મો અગાઉ ક્યારેય બની જ નહોતી. ફિલ્મો હવે ખૂબ સરસ બને છે અને આવી ફિલ્મો અગાઉના મેકર્સ કલ્પી પણ નહોતા શકતા.
એક વાત સાથે હું પણ વડીલો સાથે ઍગ્રી થઈશ કે ફિલ્મોમાં વાત-વાતમાં ગંદી ગાળો અને મારામારી આવે છે એનો અતિરેક થઈ રહ્યો છે. ખરેખર એ જોતી વખતે એક વિચાર આવી જાય કે શું ખરેખર આ લોકોના ઘરમાં આટલી છૂટથી ગાળો બોલાતી હશે ખરી? હું તો માનું છું કે ગુંડાઓ કે અન્ડરવર્લ્ડના ડૉન પણ એક શબ્દ અને બે ગાળના રેશિયો પર વાતચીત નહીં કરતા હોય. આપણે વાત ફિલ્મોની કરીએ છીએ પણ મને અત્યારે બે વેબ-સિરીઝ યાદ આવે છે. વુટ સિલેક્ટની આપણા ગુજરાતી પ્રોડ્યુસર અપૂર્વ લાખિયાએ બનાવેલી ‘ક્રૅકડાઉન’ અને નેટફ્લિક્સની ‘બાર્ડ ઑફ બ્લડ’.
‘ક્રૅકડાઉન’માં એટલી ગાળો છે કે તમને થાક લાગે. દેશની સર્વોચ્ચ સિક્યૉરિટી એજન્સીનો હેડ દરેક વાતની શરૂઆત ગાળથી કરે એ તમે કેવી રીતે વિચારી પણ શકો. વાત કરીએ ‘બાર્ડ ઑફ બ્લડ’ની, શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસની આ વેબ-સિરીઝ જોવા જેવી નથી, પણ એની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એમાં માંડ એક કે બે ગાળ છે. કહેવાનો અર્થ એ કે ગાળોની કોઈ બિનજરૂરી આવશ્યકતા નથી હોતી અને મોટા ભાગનાં ઘરોમાં પૉપકૉર્નની જેમ ગાળો બોલાતી નથી.
ક્યારેય કોઈએ ભૂલવું નહીં કે પૈસા તો ચોર પણ કમાઈ લે છે એટલે પૈસાને મહત્ત્વ નહીં, નીતિને મહત્ત્વ આપવું જોઈએ. સમજવું જોઈએ કે આવું કરવાથી કોઈ ઑડિયન્સ ખુશ નથી થતું. તમે જુઓ રોહિત શેટ્ટીની ફિલ્મોને, બૉક્સ-ઑફિસ કલેક્શન કેવું તોતિંગ હોય છે. ફૅમિલીને ગમે એવી સાફસૂથરી ફિલ્મ અને કન્ટેન્ટ પણ તમને ખુશ કરે એવું. હું કહીશ કે સારું બનાવવું એ પ્રોડ્યુસરની ફરજ છે તો સારું કન્ટેન્ટ જોવા જવું એ ઑડિયન્સની રિસ્પૉન્સિબિલિટી છે. આ બન્ને ફરજમાં ક્યાંક કોઈ ખોટ રહી જશે તો ચોક્કસ આ બૅલૅન્સ બગડશે અને એ બૅલૅન્સ ન બગડે એ માટે બન્ને પક્ષે સજાગ રહેવાનું છે. જો સાફસૂથરી ફિલ્મોને તમે નકારી કાઢશો તો એવી ફિલ્મ બનાવવાની હિંમત પ્રોડ્યુસર બીજી વખત નહીં કરે. બધા રોહિત શેટ્ટી નથી હોતા કે એ જે બનાવવા માગે એ બનાવી શકે. રોહિત શેટ્ટી બનવું અઘરું પણ નથી. એને માટે તમારે તમારા કામને નિષ્ઠાપૂર્વક વળગી રહેવું પડશે અને કામને પૂરા મનથી કરવું પડશે.
હું કહીશ કે આજના સમયમાં જો કંઈ બનાવવું સહેલું હોય તો એ અત્યારની વેબ-સિરીઝ છે અને જો કંઈ બનાવવું અઘરું હોય તો એ ‘ગોલમાલ’, ‘સિંઘમ’ કે ‘સિમ્બા’ છે. ‘ગોલમાલ’ને અવૉર્ડ નહીં મળે, પણ એ સોસાયટીને બગાડવાનો અપજશ નહીં કમાય એ પણ નક્કી છે.

columnists weekend guide Bhavya Gandhi