શું લાઠી હાથમાં લઈને વીંઝવામાં આવે તો જ આપણે સમજણ દાખવીએ?

20 February, 2021 09:46 AM IST  |  Mumbai | Manoj Joshi

શું લાઠી હાથમાં લઈને વીંઝવામાં આવે તો જ આપણે સમજણ દાખવીએ?

પ્રતીકાત્મક તસવીર

લાગે તો એવું જ છે. પેલી કહેવત જેવું, ‘લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે.’

જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ ઊમટેલો છે. કારણ વિના, કામ વિના, અર્થહીન રીતે લોકો બહાર નીકળે છે અને ફર્યા કરે છે. જાણે કોરોનાકાળ પૂરો થયાને ૧૦-૧૨ વર્ષ પસાર થઈ ગયાં છે. જરૂરી હોય અને માણસ બહાર આવે એ સમજી શકાય અને એ વાત તો લૉકડાઉન દરમ્યાન પણ સમજી શકાતી હતી, પણ અત્યારે, અત્યારે તો કોઈ જાતના મતલબ વિના લોકો ફરી રહ્યા છે. સૉરી, ફરી નહીં ભટકી રહ્યા છે. જુઓ, બે-ચાર દિવસના આંકડા તમે. આંકડા તમને સમજાવશે કે આપણે કોરોના નામની મહામારીને આંગળાં ભોંકી-ભોંકીને કેવી જગાડી રહ્યા છીએ. ફરી એક વાર કોવિડના કેસ વધવા માંડ્યા છે. ફરી એક વાર મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોવિડે ગતિ પકડી છે અને આ વખતે એને માટે કોઈ ત્રાહિત જવાબદાર છે જ નહીં. આ વખતે જો એને માટે કોઈ એકમાત્ર જવાબદાર હોય તો એ મુંબઈકર અને મુંબઈકરની બેદરકારી જવાબદાર છે.

સોશ્યલ ડિસ્ટન્સનું કોઈ નામોનિશાન નથી રહ્યું. માસ્ક મોઢા પર પહેરવાને બદલે ગળામાં લટકતો હોય છે અને જેવું કૉર્પોરેશનનું કોઈ માણસ દેખાય કે માસ્ક તરત મોઢા પર ફરી આવી જાય. કહો જોઈએ, આમાં બીમારીનો ડર કારણભૂત ગણવાનો કે પછી ૨૦૦ રૂપિયાનો દંડ જવાબદાર માનવાનો? ૨૦૦ રૂપિયાનો દંડ. બાકી કોરોનાની તો હવે કોઈને બીક રહી નથી. એવું જ માને છે દરેક કે કોરોના તો ગયો. હવે કોઈને કશું થવાનું નથી. જરા વિચાર તો કરો સાહેબ, જે કોરોનાને કાબૂમાં રાખવા આપણે તન-મન-ધનથી મહેનત કરી. રોજીરોટી ભૂલીને ઘરમાં બેસી રહ્યા એ જ કોરોનાને હવે આપણે યાદ પણ નથી રાખી રહ્યા.

શરમ આવવી જોઈએ આપણને ભણેલાગણેલા તરીકે કોરોનાને ઓળખાવામાં. અનિવાર્ય નથી એવી વ્યક્તિઓ પણ બહાર નીકળે છે અને અનિવાર્ય નથી તો પણ લોકો બહાર આવે છે. દેવસ્થાનનાં દર્શનની ઇચ્છા હવે પ્રબળ બનવા માંડી છે. લટાર મારવાનું મન પણ લોકોને થવા માંડ્યું છે. પ્રસંગોમાં જવાની ઇચ્છા હવે જોર કરે છે અને એમ જ, સાવ એમ જ કોઈને ત્યાં બેસવા જવાનું પણ શરૂ થઈ ગયું છે. કોરોનાની જરાય બીક રહી નથી. બીક રાખવાની નહોતી, પણ કોરોનાને ભૂલવાની પણ જરૂર નથી.

લૉકડાઉન આવે એવું ન ઇચ્છતા હો તો મહેરબાની કરીને સંયમ સાથે રહેવાનું શરૂ કરો. જે ઘરમાં જ હોય છે તે ફરી એક વખત લૉકડાઉન જેવો જ નિયમ કરીને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે અને ઘરમાં જ ગોંધાયેલા રહે. બહાર જે ચાલી રહ્યું છે એની સાથે તેને કોઈ નિસબત ન હોવી જોઈએ અને નિસબત રાખીને કોઈ લાભ પણ થવાનો નથી. જો તમને બહાર નીકળનારાઓની ઈર્ષ્યા આવતી હોય તો કહેવાનું કે તે મજબૂરીના માર્યા બહાર નીકળ્યા છે. રોજીરોટીની ચિંતા છે, બાળકોના ભવિષ્યની ચિંતા છે અને પરિવારના ભરણપોષણની ચિંતા છે એટલે તેઓ બહાર આવ્યા છે. તમારે કશું નથી કરવાનું તો પ્લીઝ, પરિવારના મોભીની ચિંતામાં વધારો કરવાનું કાર્ય નહીં કરો. પ્લીઝ, નહીં કરો અને ઘરમાં જ રહો.

columnists manoj joshi