કોરોના: ચાઇના પર આધારિત રહેવાનું કેવું ભારે પડી શકે છે એ જરા વિચારજો

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના: ચાઇના પર આધારિત રહેવાનું કેવું ભારે પડી શકે છે એ જરા વિચારજો

પ્રતીકાત્મક તસવીર

આ કોરોના-કાળ દરમ્યાન ઘણી વાતો આંખો ખોલવાનું કામ કરશે અને ઘણી બાબતોમાં સજાગતા પણ આવી શકે છે. જરા વિચારો કે ચાઇના આજે કોરોનાથી ઑલમોસ્ટ મુક્ત થઈ ગયું છે. ચાઇનામાં મૉલ પણ શરૂ થઈ ગયા છે અને મલ્ટિપ્લેક્સ પણ ફરીથી કાર્યરત થઈ ગયા છે. જો તમે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હો તો તમને ખબર હશે કે લોકોના મનમાંથી ડર કાઢવા માટે ચાઇનાએ ઑલરેડી ત્રણ દિવસ માટે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો પણ ફ્રી દેખાડી, જે ફિલ્મોમાં બે ઇન્ડિયન મૂવી પણ હતી. વાત અત્યારે એ મૂવી કે મલ્ટિપ્લેક્સની નથી, વાત અત્યારે ચાઇનાની છે.

ચાઇનાથી કોરોનાનો ઉદ્ભવ થયો અને ચાઇના જ સૌથી પહેલું આ બધામાંથી બહાર આવ્યું. આજે ચાઇના સિવાયની આખી દુનિયા કોરોનાના કેર સામે લડી રહી છે પણ ચાઇના એકલું એવું છે જે સ્વસ્થ થઈને ફરી રહ્યું છે. અહીં વાત એક પણ પ્રકારની સત્તાકીય રાજકારણની નથી કરવાની. વાત કરવાની પ્રૅક્ટિકલિટી અને વાજબીપણાની. ચાઇનામાં કોરોના આતંકની માફક ફેલાયા પછી ચાઇના બહુ ઝડપથી હરકતમાં આવી ગયું અને દેખીતી રીતે એ જ હરકત ચાઇનાને લાભ કરાવી ગઈ. રાતોરાત હાસ્પિટલ ઊભી થઈ. વેન્ટિલેટર્સનો ઢગલો કરી દેવામાં આવ્યો. ઍન્ટિબાયોટિક્સ પણ આવી ગઈ અને માસ્કના ગંજ ખડકી દેવામાં આવ્યા.

ચાઇનાએ જેકંઈ કર્યું એ યુદ્ધની ઝડપે કર્યું, જ્યારે કોરોના બીજા દેશમાં પહોંચ્યો ત્યારે એ દેશ પાસે સ્તબ્ધ થવા સિવાય બીજો કોઈ આરો નહોતો. હા, એવી જ અવસ્થા હતી અને એ અવસ્થા વચ્ચે તમામ પ્રકારની અસુવિધા સામે આવવી શરૂ થઈ. અમેરિકા જેવા અમેરિકામાં પણ વેન્ટિલેટર્સની કમી ઊભી થઈ અને કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરવા માટે જોઈતાં બીજાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સની પણ અછત દેખાવા લાગી. માસ્કનું રીતસર બ્લૅકમાર્કેટ શરૂ થયું. આપણે ત્યાં પણ એ જ પરિસ્થિતિ આવી. જરા પાછળ ફરીને જુઓ તો ખબર પડે કે આવી જ અવસ્થા ચાઇનામાં ઊભી થવી જોઈતી હતી, પણ ન થઈ એ પણ હકીકત છે. આ હકીકત પાછળનું કારણ સમજતાં પહેલાં વધુ એક વાત પણ જાણી લો. કોરોના સામે લડવાનો સમય આવ્યો ત્યારે ચાઇનામાં માસ્ક નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા અને એ પણ દિવસમાં બે વખત.

કઈ રીતે શક્ય બન્યું એ જોવાની કોશિશ કરશો તો ખબર પડશે કે દુનિયાઆખી આજે ચાઇનાને આધારિત થઈ ગઈ છે. મોટા ભાગના દેશોની પ્રોડક્ટ કે પછી પ્રોડક્ટમાં ઉપયોગી બને એવી ચીજવસ્તુઓ ચાઇનામાં બને છે. માસ્ક જેવી નાની ચીજ પણ ચાઇનાથી આવતી હોય એવા સમયે સમજી શકાય કે વેન્ટિલેટર્સમાં વપરાતાં અમુક ઇક્વિપમેન્ટ્સ અને પાર્ટ્સ સુધ્ધાં ચાઇનાથી આવતા હોય.

પોસતું એ મારતું.

આ જ કહેવત લાગુ પડે છે ચાઇનાને અને એ પણ આ સમયે. જો તમે ચાઇના પર આધારિત રહેશો, તમે શું દુનિયાનો કોઈ પણ દેશ જો આ રીતે બીજા દેશ પર પરાવલંબી થઈ જાય તો હાલત ખરેખર કફોડી બની જાય. અત્યારે આપણે એ જ કફોડી હાલત ભોગવી રહ્યા છીએ. મેડ ઇન ઇન્ડિયાનો સિદ્ધાંત હવે સરળતાથી સમજાશે અને ઇન્ડિયન પ્રોડક્ટ વાપરવાની માનસિકતા પણ હવે ડેવલપ થશે એવી અપેક્ષા રાખીએ.

manoj joshi columnists coronavirus covid19