કોરોના કેરઃ ઇન્ડિયાને મહાસત્તા બનાવી દે એ ક્ષણ સંભવિતપણે આ હોઈ શકે છે

28 March, 2020 05:19 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેરઃ ઇન્ડિયાને મહાસત્તા બનાવી દે એ ક્ષણ સંભવિતપણે આ હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને સંકટ તરીકે અત્યારે આપણે સૌકોઈ જોઈ રહ્યા છીએ, પણ જો તમે નિરાંતની ક્ષણોમાં વિચાર કરો તો તમને સમજાઈ શકે કે કોરોના કેરની આ જે પરિસ્થિતિ છે એ જ કદાચ ઇન્ડિયાને મહાસત્તા બનાવી શકે એમ છે. તમે જરા શાંતિથી વિચારો અને જરા શાંતિથી કોરોનાગ્રસ્ત દુનિયાઆખીના આંકડાઓ ચેક કરો. ચેક કરશો તો તમને પણ લાગશે કે આ હકીકત છે. કોરોનાથી દેશ જ નહીં દુનિયા આખી સંકટ વચ્ચે છે, પણ એ સંકટ વચ્ચે જો તમે સરખામણી માંડશો તો તમને દેખાશે કે દુનિયા આખીમાં ઇન્ડિયા એકમાત્ર એવો દેશ છે જે ખરેખર હજુ પણ કન્ટ્રોલમાં છે.

૩૦ જાન્યુઆરીએ પહેલી વખત કોરોનાનો કેર દેશમાં દેખાયો અને એ પછી આજે આપણે માર્ચ મહિનાની ૨૮મી તારીખ પર છીએ. ઓલમોસ્ટ બે મહિના પૂરા કર્યા છે. આ જ આંકડાઓ જો તમે ચાઇના અને ઈટલી સાથે સરખાવીને જોશો તો તમને ખબર પડશે કે બે મહિનામાં કોરોનાએ ત્યાં બરાબરનો કાળો કેર વર્તાવી દીધો હતો. બેકાબૂ બનેલા કોરોનાને કેવી રીતે અટકાવવો એ સમજવામાં ઈટલી જ નહીં, અમેરિકા અને બ્રિટન પણ ફેલ ગયું અને એ બન્ને મહાસત્તાઓએ જે ભૂલ કરી એ ભૂલને ઇન્ડિયાએ સુધારી લીધી. આ જ કારણ છે કે આજે પણ ભારતમાં કોરોનાગ્રસ્ત પેશન્ટના કેસ હજુ પણ કાબૂમાં રહ્યા છે. તમે જુઓ આપણો દેશ, આ દેશનું પૉપ્યુલેશન અને આ દેશની સિવિક સેન્સ કે પછી દેશવાસીઓના એટિકેટ્સ. ખરેખર તો આ દેશમાં કોરોના આગની જેમ ફેલાય તો પણ કોઈનો વાંક ન નીકળી શકે, પણ એવું નથી થયું એ આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આજે પણ એ જે રીતે વધી રહ્યો છે એ દેખાડે છે કે કોરોના પર બરાબરની નજર રાખવામાં આવી રહી છે.

કોરોનાને કાબૂમાં રાખવાની પ્રક્રિયા જો સર્વોચ્ચ રીતે થશે તો એની દુનિયા આખી નોંધ લેશે એ હકીકત છે અને આ હકીકત જ દેશને મહાસત્તા તરફ આગળ ધપાવશે. ભારત પાસે અત્યારે પોતાની સર્વોચ્ચ બૌદ્ધિકતા પુરવાર કરવાની તક છે અને એ જ અત્યારે દેશ કરી રહ્યું છે. આપણે તો એમાં માત્ર થોડો સાથ આપવાનો છે અને એ સાથ થકી જ આપણે દેશને મહાસત્તા સાબિત કરવાની છે.

એક વાત યાદ રાખજો, મહાસત્તાનો અર્થ જરા પણ એવો નથી કે તમે આર્થિક રીતે ખમતીધર હોવ. જરા પણ એવું પણ નથી કે મહાસત્તા એટલે તમે હથિયારોની નજરે પણ સક્ષમ હો. ના, જરા પણ નહીં. મહાસત્તાનો અર્થ એવો પણ છે કે વિપદા સમયે તમે કેવી રીતે દેશ અને દેશવાસીઓને એમાંથી બહાર કાઢો છો અને કેવી રીતે દેશનું અર્થતંત્ર સાચવી રાખો છો. મહાસત્તાનો અર્થ એવો થાય છે કે દેશવાસીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે અને દેશવાસીઓને સર્વોત્તમ સુવિધાઓ મળતી રહે. અત્યારે એ જ થઈ રહ્યું છે. કોરોના જેવી હાલાકી વચ્ચે પણ આપણે સૌ કોઈ સુખાકારી સાથે જીવી રહ્યા છીએ. કોઈ ચીજવસ્તુની અછતનો અનુભવ નથી કરતાં અને આ જ અનુભવ એકવીસ દિવસ સુધી અકબંધ રહેવાનો છે એ પણ એટલું જ સાચું છે. બસ, માત્ર તમારે સાથ આપવાનો છે. પ્લીઝ, સાથ આપજો.

columnists manoj joshi coronavirus covid19