આગે સુખ તો પીછે દુઃખ હૈ: હવે જો ચારથી પાંચ જાળવી ગયા તો ન્યાલ થઈ જવાના

30 November, 2020 08:34 AM IST  |  Mumbai | Manoj Joshi

આગે સુખ તો પીછે દુઃખ હૈ: હવે જો ચારથી પાંચ જાળવી ગયા તો ન્યાલ થઈ જવાના

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં કહ્યું હતું કે વૅક્સિન અને કોવિડ બન્ને હવે રેસમાં છે. ભારતમાં વૅક્સિનની ટ્રાયલ ત્રીજા સ્ટેજ પર પહોંચી છે અને આ તબક્કે દેશમાં જ નહીં, દુનિયાભરમાં કોવિડ પણ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. મોત જ્યારે આંખ સામે હોય ત્યારે તાકાત બમણી થાય. કહે છેને કે બુઝતા દિયા જ્યાદા જલે. આ વાત અત્યારે કોવિડને લાગુ પડે છે. વૅક્સિનની ટ્રાયલ જેમ-જેમ આગળ વધતી જાય છે એમ-એમ એનું સંક્રમણ પણ વધારે તાકાત સાથે નવા રંગમાં આવતું જાય છે.

દેશની વાત તો કરીએ છીએ. આજે પહેલાં વિશ્વની વાત કરીએ. અમેરિકામાં માત્ર એક જ મહિનામાં કોવિડ પેશન્ટ્સની સંખ્યા બમણી થઈ ગઈ. યુરોપમાં પણ છેલ્લા એક મહિનામાં આઠ લાખ નવા કેસ જોડાયા. ગણ્યાગાંઠ્યા દેશો છે જે આ કોવિડ સામે પણ દેશને કાબૂમાં રાખી શક્યા છે. એ જે દેશો છે એ દેશોએ જબરદસ્ત ડિસિપ્લિન દેખાડી છે એટલે આપણે પણ કરવાનું તો એ જ આવે છે. શિસ્તબદ્ધતા જ અત્યારના તબક્કાને ક્ષેમકુશળ રીતે પાર કરાવી શકે એમ છે. જો શિસ્ત ગુમાવ્યું તો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે માટે જીવ બચાવવાનો છે અને એ બચાવવા માટે શિસ્ત પણ અકબંધ રાખવાનું છે. ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ એવા દેશો છે જેણે શિસ્તબદ્ધતાના આધારે દેશમાં કોવિડનું સંક્રમણ ઓછું કર્યું છે, પણ આપણે એ દેશોની સરખામણીએ પાછળ પડીએ છીએ. કહો કે આ બાબતમાં આપણે અમેરિકા બની રહ્યા છીએ, પણ એક ફરક છે અમેરિકા અને આપણી વચ્ચે. અમેરિકાએ લૉકડાઉનનો વિરોધ કરીને કોવિડનું સંક્રમણ વધાર્યું, જ્યારે આપણે લૉકડાઉનનું પાલન કરીને પણ સંક્રમણ વધારવાનું કામ કર્યું.

હા, આ સત્ય છે અને આ સત્ય પાછળ આપણી પોતાની સિવિક સેન્સ પણ જવાબદાર છે. સિવિક સેન્સની બાબતમાં આપણે હંમેશાં કંગાળ રહ્યા છીએ અને આ ગરીબી જ આપણને હવે નડતર બનવાની છે. દેશનો એક મોટો વર્ગ એવો છે જે અનેક બાબતમાં પછાત છે. આર્થિક રીતે પાછળ છે એ તો સમજાય, પણ આર્થિક રીતે પાછળ હોવાને કારણે શૈક્ષણિક રીતે પણ પાછળ છે. એ વર્ગમાંથી પાછો ૭૦ ટકા વર્ગ એવો છે જે હજી પણ નાનાં ગામોમાં છે અને એ નાનાં ગામોને તે લોકોએ સલામત રાખ્યાં છે, પણ જે ૩૦ ટકા વર્ગ બહાર આવ્યો છે અને શહેરોમાં સ્થાયી થયો છે એ વર્ગ જોખમી બન્યો છે. પહેલાં પણ અને અત્યારે પણ. કહેવાનો ભાવાર્થ એ કે તમારા એકલાની સિવિક સેન્સ કામ નથી લાગવાની. સામેની સિવિક સેન્સ પણ કોવિડના સંક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે ભૂલથી પણ ધ્યાન નહીં આપો કે ભૂલથી પણ ભૂલ કરી બેઠા તો એની ભૂલના નડતર પણ તમે બનવાના છો. એવું ન બને એને માટે જ કહેવામાં આવે છે કે જરૂર ન હોય તો બહાર ન નીકળો. હમણાં થોડું ઓછું શૉપિંગ થાય તો ચાલશે અને હમણાં કંટાળો આવે તો પણ સહન કરવાનો છે. તમે કોઈની મૂર્ખામીના ભોગ બનો અને તમારી મૂર્ખામીનો ભોગ તમારો પરિવાર બને એ બિલકુલ ગેરવાજબી અને અર્થહીન છે. બસ, નજર આગળ રાખવાની છે અને આગળ માટે તો સૌથી પહેલાં જ કહ્યું તમને, આગે સુખ હૈ... 

columnists manoj joshi