કોરોના વેકેશન:પરિવાર સાથે રહેવાનું આનાથી બેસ્ટ બીજું કયું કારણ હોઈ શકે?

16 March, 2020 02:52 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના વેકેશન:પરિવાર સાથે રહેવાનું આનાથી બેસ્ટ બીજું કયું કારણ હોઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

હા, વાત જ્યારે તમારા હાથમાં ન રહે અને જ્યારે તમે કશું કરી શકતા ન હો ત્યારે તમારે એ વાતનો સૌથી સકારાત્મક મુદ્દો પકડીને આગળ ધરી દેવો જોઈએ. કોરોનાને કારણે આવી ગયેલા વેકેશનનો આ જ બેસ્ટ પૉઇન્ટ છે. પરિવાર સાથે હવે રહેવા મળશે, પરિવાર સાથે વાતો કરવા મળશે અને પરિવારના એકેક સદસ્યો સાથે લાગણીઓની આપ-લે થઈ શકશે. પહેલાં પણ આ થતું હતું એવી દલીલ કરનારાઓ ખોટા નથી. વીક-એન્ડમાં ફૅમિલી સાથે રહેનારાઓ આપણે ત્યાં છે અને આ નિયમને જળોની જેમ ચુસ્તી સાથે વળગી રહેનારાઓ પણ આપણે ત્યાં છે. સારી વાત જ છે એ, કશું ખરાબ નથી એમાં. વીક-એન્ડમાં મોડેથી જાગવું, બપોરે સાથે જમવું અને એ પછી મૉલમાં શૉપિંગ માટે જવું કે પછી ફિલ્મ માટે જવું. આવો નિયમ ધરાવનારાઓ અઢળક છે આપણે ત્યાં અને બીજા દિવસે પણ આ જ પ્રક્રિયા કરનારાઓનો પણ તોટો નથી, પણ કોરોનાએ તેમની લાઇફમાંથી મૉલ અને મલ્ટિપ્લેક્સ છીનવીને એક રીતે સારું જ કામ કર્યું છે. સાથે રહેવું અને સાથે હોવું એ બન્ને વચ્ચે મસમોટો તફાવત છે અને આ તફાવતને લીધે જ હવે કોરોના વાઇરસ એકમેકને નજીક લાવવાનું કામ કરશે.
સાથે ફિલ્મ જોવા જવાનું કામ મશીનની જેમ થતું હોય છે. પાંચ-સાત મિનિટની વાતચીત થાય છે અને બે કલાક ફિલ્મ જોવામાં આવે છે, પણ હવે ફિલ્મ નથી, હવે શૉપિંગ પણ નથી રહ્યું ત્યારે સમય સંપૂર્ણ સાથે પસાર થવાનો છે. સાથે બેસીને ટીવી પણ તમે કેટલી વખત જોઈ શકો અને સાથે બેસીને તમે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ કેટલો વખત પડ્યા રહી શકો? કોરોનાએ વેકેશન પાડીને ખરેખર પરિવારને જોડવાનું કામ કર્યું છે અને પરિવાર જોડાશે એટલે એકમેક માટે આત્મીયતા પણ વધવાની છે.
કોરોનાને લીધે પરિવારના સૌ સભ્યો બેઠકખંડમાં સાથે બેસશે, દીકરાને તેની તકલીફો પૂછવામાં આવશે અને પોતાનામાં ખોવાયેલી રહેતી દીકરીને પણ સાથે બેસવા માટે મજબૂર કરવામાં આવશે. સોશ્યલ મીડિયાના રવાડે ચડી ગયેલી નવી જનરેશન અને તેમને અટકાવવાનું કે રોકવાનું વીસરી ગયેલી આધેડ વયની જનરેશન વચ્ચે કોરોનાએ બ્રિજ બનાવવાનું કામ કર્યું એ ખરેખર વાજબી કામ થયું છે. જરૂરી હતું આ, આવશ્યક હતું આ પગલું. કોરોના ન હોત તો આ પગલું કોઈ લેવાનું નહોતું અને ક્યાંયથી પણ એની પહેલ થવાની નહોતી. કહેવાનો ભાવાર્થ એ જ કે હવે નાછૂટકે બધા ઘરમાં રહેશે, એક છત નીચે રહેશે અને એકબીજા સાથે રહેશે. પબ બંધ થઈ ગયાં છે, મૉલ બંધ થઈ ગયા છે, મલ્ટિપ્લેક્સ રહ્યાં નથી, જિમ અને ગાર્ડનની બહાર પણ તાળાં લાગી ગયાં છે. હસવા માટે પણ પરિવાર છે અને રડવા માટે પણ પરિવાર જ રહ્યો છે.
આનંદ એ વાતનો હતો કે પરિવાર સાથે હવે બેસવામાં આવી રહ્યું છે, પરિવારને સમજવાનો, એને સાંભળવાનો અવસર સાંપડ્યો છે.

manoj joshi columnists coronavirus