કોરોના: જીવનની આવશ્યકતા કેટલી ઓછી છે એનું ઉદાહરણ અત્યારે મળી રહ્યું છે

01 April, 2020 03:34 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના: જીવનની આવશ્યકતા કેટલી ઓછી છે એનું ઉદાહરણ અત્યારે મળી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

હા, કોરોના-વેકેશન દરમ્યાન આ વાત શ્રેષ્ઠ રીતે જાણવા અને અમુક અંશે નવેસરથી શીખવા મળી. જીવનની આવશ્યકતાઓ કેટલી ઓછી છે, કેટલું નહીં હોય તો ચાલી શકે એનું બેસ્ટ ઉદાહરણ અત્યારના આ દિવસો છે. જો આ દિવસોને તમારે યાદ રાખવા હોય તો આ જ નજરથી યાદ રાખજો. સવારે જાગ્યા પછી તમે શું કરો છો એ જ જુઓ તમે. હવે ક્યાંય ભાગવાની ઉતાવળ નથી અને હવે ક્યાંય તમારે પહોંચવાનું નથી. કોઈ તમારી રાહ નથી જોતું અને કોઈની તમે પણ રાહ નથી જોતા. જરા જુઓ તો ખરા, એક સમય હતો કે તમે કેવી રીતે ભાગતા અને કેવી રીતે દોડતા હતા? પૈસા પાછળ, નામ પાછળ, પ્રસિદ્ધિ પાછળ, શાખ પાછળ, શોહરત પાછળ અને સફળતા પાછળ. સફળતા મેળવી લીધા પછી પણ તમે એ માણવા માટે ઊભા નહોતા રહી શકતા. પહેલી દોટ સફળતાની અને બીજી દોટ સફળતાને અકબંધ રાખવાની, પણ હવે, અત્યારે?

અત્યારે કોઈ દોટ નથી. ક્યાંય ભાગવાનું નથી. મોબાઇલ શાંત રહેવા માંડ્યા છે અને ઉઘરાણીવાળાને ફોન કરવાની લાય નથી. હવે ઑર્ડર લેવા માટે દોડવાનું નથી અને પૉલિસી વેચવા માટે ભાગવાનું નથી. જીવન સહજ અને સરળ છે. જુઓ તો ખરા તમે કે કપડાં પણ ચેન્જ કરવાની ચિંતા નથી. તમે, સાચા અર્થમાં તમે છો. જમવાનાં કોઈ ટાઇમિંગ નથી અને રાતે કેટલા વાગ્યે સૂવું એનો પણ કોઈ પ્રશ્ન નથી. આ પ્રશ્ન નથી એટલે આપોઆપ સવારે જાગવાની પણ પળોજણમાં તમારે પડવાનું નથી. ૮.૧૦ વાગ્યાની લોકલ ટ્રેન નીકળી નથી જવાની અને રાતે ૯.૪૦ની લોકલ તમને મૂકીને ભાગી નથી જવાની. જીવન ત્યાં જ ઊભું છે અને લાઇફ પણ એ જ જગ્યાએ શાંતિથી તમને જોઈ રહી છે.

આ જીવન છે સાહેબ. ભાગી લીધું બધી દિશામાં અને દોડી લીધું બધા કૉર્નર પર અને એ પછી આજે સમજાઈ રહ્યું છે કે ઓછામાં ઓછી જરૂરિયાત સાથે પણ શાંતિથી જીવી શકાય છે. અપાર્ટમેન્ટની નીચે લાંગરેલી મોંઘીદાટ કાર ચાલુ કર્યાને કેટલા દિવસ થયા એ કોઈ યાદ કરાવે તો આંગળીના વેઢે ગણવા પડે એટલા દિવસ થઈ ગયા છે. બૉડી પર પર્ફ્યમ ક્યારે કર્યું હતું એ પણ હવે યાદ નથી અને છેલ્લે દાઢી પણ ક્યારે કરી હતી એ પણ કોઈને ખબર નથી. આ જ જીવન છે. એક ઝાટકો આપીને લાઇફે પોતાનું મહત્ત્વ સમજાવી દીધું છે. એક જ ધડાકો કરીને કુદરતે એનું મહત્ત્વ દેખાડી દીધું છે. હવે આ મહત્ત્વને અકબંધ રાખવાનું છે. કબૂલ, મંજૂર કે પૈસો આવશ્યક છે. બિલકુલ ના નથી, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે પૈસો આવશ્યક છે, અનિવાર્ય નહીં. અનિવાર્ય તો માત્ર તમે પોતે તમારા માટે છો, તમારા પરિવાર માટે છો અને તમારા જીવન માટે છો. જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે અત્યારના આ દિવસો સાવ વ્યર્થ જઈ રહ્યા છે તો માનજો કે તમને હજી એકાદ ઝાટકાની જરૂર છે. કરો, ઘરમાં બેસીને જ તમારાં કામ કરો. કોઈ ના નથી, પણ ઘરમાં બેસીને કરો. ઘરના સભ્યોની સામે કરો.

બને તમારી દુનિયા બહાર હોય, પણ ભૂલતા નહીં, તમારા પરિવાર માટે તો તમે જ તેમની દુનિયા છો.

manoj joshi columnists coronavirus covid19