કોરોના વેકેશન:આ દિવસોમાં કરવા જેવાં કામોની યાદી બનાવવાની શરૂ કરી દીધી?

15 March, 2020 10:39 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના વેકેશન:આ દિવસોમાં કરવા જેવાં કામોની યાદી બનાવવાની શરૂ કરી દીધી?

પ્રતીકાત્મક તસવીર

હવે મુંબઈમાં પણ આચારસંહિતા લાગુ થઈ ગઈ. કોરોનાને લીધે હવે મૉલથી માંડીને મલ્ટિપ્લેક્સ, થિયેટર અને બીજી પણ અનેક જાહેર જગ્યાએ પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી. કોરોનાએ ખરેખર કાળો કેર વર્તાવી દીધો છે. ભલભલા વિચારમાં પડી ગયા છે કે હવે કરવું શું? અગેઇન, ગઈ કાલે કહ્યું હતું એમ, આજે પણ કહું છું કે કેટલાકને એવું લાગી રહ્યું છે કે જેકંઈ થઈ રહ્યું છે એ વધારે પડતું છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો તો આંકડા પણ મૂકે છે અને આંકડા મૂકીને કહી રહ્યા છે કે મલેરિયા-ડાયાબિટીઝ જેવી બીમારીથી મરે છે એના કરતાં પાંચ ટકા પણ જાનહાનિ કોરોનાને લીધે થઈ નથી તો પછી આવો દેકારો શું કામ, શું કામ આ રીતે કાગારોળ મચાવવાની? ભલામાણસ, મલેરિયા અને ડાયાબિટ‌ીઝ કે પછી એવી બીજી કોઈ પણ બીમારી જીવલેણ નથી, કારણ કે એની સારવાર શોધવામાં આવી છે. કોરોનાની સારવારનો જ અભાવ છે. બીજી વાત, મલેરિયા કે પછી એવી બીજી કોઈ પણ બીમારી કોરોનાની જેમ સામાન્ય સ્પર્શથી ફેલાતી નથી, કોરોના ફેલાઈ રહ્યો છે અને એ જ એની તાકાત છે. આ તાકાતને નાબૂદ કરવા અને બીમારીનો ઇલાજ ન મળે ત્યાં સુધી એને કાબૂમાં રાખવા માટે જેકોઈ રસ્તા અપનાવવાના છે એ અપનાવવામાં આવી રહ્યા છે અને એ થવું જ જોઈએ. સાચું જ છે, કોરોના ભયાનક નથી, પણ કોરોના ભયાનક સ્વરૂપ ન લે, એ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એની પરેજીરૂપે જ આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મોતથી બચવા માટે તાવને સ્વીકારી લેવો પડે. અત્યારે એ જ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે.

બે અઠવાડિયાં ફિલ્મ નહીં જોઈ શકાય કે મૉલમાં શૉપિંગ નહીં થાય તો ચાલશે. બે નાટક જોવા જવાનું ટાળવું પડે તો એ પણ સમજી શકાય અને ટ્રાવેલિંગ માટે ક્યાંય જઈ ન શકો તો એ પણ સ્વીકારી શકાય, પણ ધારો કે કોરોનાના આઇસોલેશન વૉર્ડમાં રહેવાનો વારો આવી ગયો તો સાચા અર્થમાં મોતિયા મરી જશે અને મોતિયા ન મરે એને માટે જ આ બધી પાબંદી લગાવવામાં આવી છે. આ કોરોના વેકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે.

કોરોના વેકેશનનો સદુપયોગ કરવાનું વિચારો અને આ રજાના દિવસોમાં કશું નવું શીખવાની ભાવના રાખો. મારું કહેવું એ છે કે અચાનક આવી પડેલી આ રજાને સ્વાસ્થ્યવર્ધક બનાવવામાં આવે તો એ હિતાવહ છે. જિમ બંધ કરી દેવામાં આવ્યાં છે એટલે જિમનું રડવાને બદલે બહેતર છે કે યોગની દિશા પકડવી જોઈએ. યોગ માટે કોઈ દલીલ કે તર્ક કરવાની જરૂર નથી. યોગ કોરોના સામે તાકાત નથી આપવાનો, પણ એ શરીરને રોગપ્રતિકારક શક્ત‌િ આપવાનું કામ તો કરશે. જે કોરોના સામે નહીં તો અન્ય રોગો સામે તમને ટકાવી રાખવાનું કામ કરશે. આ રજામાં બીજું કશું ન કરી શકાય અને ક્યાંય જઈ પણ ન શકાય તો રામદેવબાબાના વિડિયો જોઈને પણ યોગ કરવાની આદત કેળવશો તો એ લાભમાં રહેશે.

રોગચાળાથી બચવા માટે આપવામાં આવેલા આ વેકેશનને રોગચાળા સામે જ સક્ષમ બનાવવામાં આવે તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે?

manoj joshi columnists mumbai mumbai news coronavirus