રાજ્યસભાના બે સંસદસભ્ય અને કોરોના

03 December, 2020 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભાના બે સંસદસભ્ય અને કોરોના

પ્રતીકાત્મક તસવીર

અહેમદ પટેલ અને બે દિવસ પહેલાં અભય ભારદ્વાજ. બન્ને ગુજરાતના રાજ્યસભાના પ્રતિનિધિ અને બન્નેને કોવિડની મહામારી નડી ગઈ. બન્ને પ્રચંડ લોકચાહના ધરાવતાં વ્યક્તિત્વ અને બન્ને ભારોભાર સક્ષમ. સામાજિક રીતે પણ અને આર્થિક રીતે પણ. એમ છતાં, એ પછી પણ કોવિડના સંક્રમણમાંથી તેઓ બહાર આવ્યા નહીં અને આ જ દેખાડે છે કે તમે ગમે એટલા શક્તિશાળી હોવ, આર્થિક રીત સંપન્ન હો પણ આ કોવિડ ક્યાંય કોઈની પણ લાજશરમ રાખતો નથી. અભય ભારદ્વાજને તો હું મિત્રતાની યાદીમાં પણ મૂકી શકું. મળવાનું થયું છે તેમને અને સાથે બેઠાં પણ છીએ અમે. અનેક વિષય પર ચર્ચા કરી છે અને એ ચર્ચાઓ પણ એવી કે આજે દશકાઓ પછી પણ અક્ષરસઃ તમને યાદ આવ્યા કરે.

પ્રોફેશનથી વકીલ અને એ પણ એવા વકીલ કે દેશના સો અૅડ્વોકેટમાં તેમનું નામ તમારે મૂકવું જ પડે. બીજેપી સાથે જોડાયેલા એવું કહેવાને બદલે હું કહીશ કે સંઘ સાથેના તેમના સંબંધો અને એ જ સંસ્કાર નાનપણથી તેમને મળ્યા હતા. મળેલા એ સંસ્કાર અંતિમ ઘડી સુધી તેમની સાથે રહ્યા. વચ્ચે એક તબક્કો હતો કે જ્યારે નાના અમસ્તા મતભેદો થયા હતા અને એ મતભેદ વચ્ચે તેમણે બીજેપીનો સાથ છોડી પણ દીધો હતો. એ સમયે બીજી પાર્ટીના અનેક સભ્યો તેમની પાસે પહોંચ્યા હતા. બીજી પાર્ટીના સુપ્રીમોએ ફોન કરીને પણ મળવાની ઇચ્છા દર્શાવી, પણ અભયભાઈને એવી કોઈ વાતમાં રસ નહોતો, એ ન તો ક્યારેય મળવા ગયા કે ન તો ક્યારેય એણે બીજી પાર્ટી વિશે વિચાર સુધ્ધાં કર્યો. કારણ બહુ સ્પષ્ટ છે. ઘરનો ઝઘડો હોય, પિતા સાથે મતભેદ હોય એનો અર્થ એવો નથી થતો કે પિતા બદલાવી નખાય. ના, ક્યારેય નહીં. એવો વિચાર સુધ્ધાં ન આવે અને આવવો પણ ન જોઈએ.

અભય ભારદ્વાજ અને અહેમદ પટેલ વિશે ઘણું લખી શકાય એમ છે પણ એમ છતાં આજે તો કહેવાનું મન એ જ થાય છે કે આ બન્ને મહાનુભાવોનો જીવ કોવિડે લીધો. ભારોભાર સુરક્ષિત વાતાવરણ વચ્ચે રહેનારા અને બૌદ્ધિકતાની ચરમસીમા પરથી જેમની સમજણનો આરંભ થાય એવા આ મહાનુભાવો મહામારી સામે જંગ હાર્યા એ જ પુરવાર કરે છે કે કોવિડને નબળો માનવાની કે પછી કોવિડની અવગણના કરવાની કોઈ જરૂર નથી. આ બન્ને મહાનુભાવોના સ્નેહીજનોએ સારવારમાં ક્યાંય કચાસ નહોતી રાખી. ક્યાંય સહેજ અમસ્તી પણ બેદરકારી પણ નહોતી રાખી અને દેશની શ્રેષ્ઠ સારવાર મળતી રહે એનું સતત ધ્યાન રાખ્યું હતું એ પછી પણ કોવિડ સામે મહાનુભાવો હાર્યા છે. હવે તમે જ વિચારો, આનાથી મોટું દૃષ્ટાંત હજી તમને કયું જોઈએ કે કોવિડ જોખમી છે. કોવિડ ખરાબ છે અને કોવિડ જીવલેણ છે. કબૂલ, નિયતિ પણ પોતાનું કામ કરે છે. નવાણું વર્ષના માજી ક્ષેમકુશળ હૉસ્પિટલમાં કોવિડને હરાવીને બહાર આવી જાય છે જ્યારે આવા સક્ષમોને આપણે ગુમાવવા પડે છે, પણ નિયતિના નામે કે એની છટકબારીના નામે બેદરકારી ન દાખવવી જોઈએ એ સૌ કોઈએ સમજવાની જરૂર છે.

columnists manoj joshi