આ વાત શું કામ દેશના વડા પ્રધાને પણ સૌ કોઈને કહી?

23 October, 2020 08:22 PM IST  |  Mumbai | Manoj Joshi

આ વાત શું કામ દેશના વડા પ્રધાને પણ સૌ કોઈને કહી?

ફાઇલ તસવીર

અઠવાડિયા પહેલાં આપણે પણ આ જ વાત કરતા હતા અને આ જ વાત બે દિવસ પહેલાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દોહરાવી. કહ્યું કે લૉકડાઉન ખૂલી રહ્યું છે, પણ એનો અર્થ એવો નથી કે કોરોનાએ દેશમાંથી વિદાય લીધી છે, કોરોનાની મહામારીમાંથી દેશનો છુટકારો થઈ ગયો છે. ના, જરા પણ નહીં, કોરોના હજી અકબંધ છે અને એટલે જ કોઈ પ્રકારની ઢીલ કોઈએ રાખવાની થતી નથી. આ જ વાત અઠવાડિયા પહેલાં આપણે કરી અને હવે આ જ વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે. ઢીલ રાખવાની થતી નથી.
ખબર છે, શું કામ વડા પ્રધાને પોતાનો કીમતી સમય કાઢીને આ વાત કહેવા ટીવી પર આવવું પડ્યું? ખબર છે તમને, નરેન્દ્ર મોદીએ શું કામ ઠેરવી-ઠેરવીને, વજન દઈને આ જ વાત સૌકોઈને કહી છે? સાહેબ, એટલા માટે કે હવે જે નામો કોરોનાગ્રસ્તની યાદીમાં આવી રહ્યાં છે અને હવે જે લોકોને કોરોના થઈ રહ્યો છે એ એવાં નામો છે જેની કલ્પના કરવી પણ અઘરી છે અને જેમને ગુમાવવા પણ પોસાય એમ નથી. લૉકડાઉન દરમ્યાન એવાં નામો આવતાં હતાં જેમને કોરોના તેમની ભૂલને કારણે સંક્રમિત કરતો હતો, પણ હવેનાં નામો એવાં છે જેમાં તેમની ભૂલ નથી, તેમની કોઈ બેદરકારી નથી. તે તો પોતાના કામસર બહાર નીકળી રહ્યા છે, ચીવટ પણ રાખી રહ્યા છે અને એ પછી પણ તેમને કોરોનાએ હડફેટમાં લીધા છે. સાહેબ, હવે જ સાચું ધ્યાન રાખવાનું છે. અત્યારે જેટલું અનલૉક અનાઉન્સ થયું છે એનાથી વધારે અનાઉન્સમેન્ટ આવતા સમયમાં આવશે. એનાથી વધારે હજી સવલતો ખોલવામાં આવશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો હજી ત્રીસેક ટકા જગ્યાઓને લૉકડાઉનમાં જ રાખવામાં આવી છે, પણ આવનારા સમયમાં એ પણ કરવામાં આવશે અને એ કરવામાં આવશે ત્યારે એક ચોક્કસ પ્રકારની ભીડ બહાર આવશે. બહાર આવનારી ભીડ જ કોરોના ઘરે લઈ જવા માટે જવાબદાર બનશે. કોરોનાને આજ સુધીમાં કાબૂમાં રાખ્યો છે એટલે હવે એને કાબૂમાં રાખ્યા સિવાય છૂટકો નથી.
કોરોના અનેક રાજ્યોમાં કન્ટ્રોલમાં આવ્યો છે. એક સમય હતો કે ગુજરાતમાં કોરોનાની મહામારીએ અજગર-ભરડો લીધો હતો, દિલ્હી પણ એવું રાજ્ય હતું. સાઉથનાં અમુક રાજ્યોમાં પણ એવી જ પરિસ્થિતિ હતી અને એ પછી પણ એ રાજ્યોએ પોતાને ત્યાં કોવિડને કન્ટ્રોલમાં લીધો છે, જેને માટે માત્ર સરકાર કે આરોગ્ય વિભાગને જ જશ આપવો ગેરવાજબી કહેવાશે, ત્યાંની સ્થાનિક જનતાએ પણ એટલું જ જવાબદારીપૂર્વકનું વર્તન દાખવ્યું છે. બહેતર છે કે એ જવાબદારી હવે સૌકોઈ દેખાડે. મુંબઈએ મહામારીને નજીકથી જોઈ લીધી અને ધારાવી જેવા એરિયામાંથી પણ કોરોનાને ભગાડી દેખાડી, પણ સાહેબ, હજી લોકલ ટ્રેન બાકી છે. લોકલ ટ્રેન એક વખત શરૂ થશે એ પછીની પરિસ્થિતિ પણ વિપરીત હશે, એ પણ ધારી શકાય છે. સાવચેતીથી શ્રેષ્ઠ આજના સમયમાં બીજું કશું જ નથી, નથી અને નથી જ.

manoj joshi columnists