કોરોના કેર : જો ચાઇના જેવો છુટકારો જોઈતો હોય તો શું કરવાની જરૂર પડશે?

03 April, 2020 08:25 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના કેર : જો ચાઇના જેવો છુટકારો જોઈતો હોય તો શું કરવાની જરૂર પડશે?

કોરોનાની અસર ઓસરવાનું નામ નથી લઈ રહી, એ સતત વકરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય ધારણા મુજબ જે દિવસે નવા કેસ ઉમેરાવાના બંધ થાય એ દિવસથી કોરોના કાબૂમાં આવવાનું શરૂ થયું એવું ધારી શકાય અને એવો દિવસ છેલ્લા ૨૦ દિવસમાં એક પણ વાર નથી આવ્યો એ પણ હકીકત છે. કોરોનાથી બચવું હશે તો સાચે જ સાવચેત રહેવું પડશે અને કોરોનાની સામે ઝઝૂમી લેવું હશે તો પણ સાવચેતી રાખવી પડશે. સાવધાની અને સાવચેતી જ માત્ર ને માત્ર કોરોના સામે રક્ષણ છે. ચાઇનાએ એવી જ રીતે આખો દેશ કોરોનાની ચુંગાલમાંથી છોડાવી લીધો. આજે એવી પરિસ્થિતિ છે કે ચાઇનામાં એક પણ નવો કોરોના-કેસ જોવા નથી મળતો, એટલું જ નહીં, ચાઇનાએ તમામ પ્રકારનાં બંધનો પણ હટાવી દીધાં છે અને ચાઇના આજે ૯૯.૯૯ ટકા કોરોના-ફ્રી થઈ ગયું છે એવું પણ કહી શકાય. જો તમારે પણ થવું હશે કોરોના-ફ્રી, જો તમે પણ ઇચ્છતા હશો કે તમારો દેશ કોરોના-મુક્ત થાય તો તમારે પણ ચાઇનાનો માર્ગ અપનાવવો પડશે. ગમે કે ન ગમે, ચાઇના પ્રત્યે ઘૃણા હોય તો પણ અને ચાઇના માટે ખુન્નસ હોય તો પણ, એ વાત તો માનવી જ રહી કે ચાઇનાના રસ્તે એક વખત તો ચાલવું જ પડશે. જો એ રસ્તો વાપરીશું તો અને તો જ કોરોનામાંથી બહાર નીકળીશું.

ચાઇનાના જૂના દિવસો યાદ કરી લો. ચાઇના જ પહેલો એવો દેશ હતો જ્યાં કોરોના સૌથી પહેલાં જોવા મળ્યો અને ચાઇના જ પહેલો એવો દેશ હતો જેણે કોરોનાની ગંભીરતા પારખી લીધી. ચાઇના જ એવો પહેલો દેશ બન્યો જેણે લૉકડાઉનનો અમલ કર્યો અને લૉકડાઉન શબ્દ પણ એણે જ દુનિયાને આપ્યો. ધારો કે તમે બહુ ઝડપથી ચાઇનાની જેમ કોરોનામાંથી બહાર આવવા માગતા હો તો તમારે પણ આ જ વાતનો અમલ કરવો પડશે અને તમારે પણ ચાઇનાની જેમ સરમુખત્યારશાહી સાથેનું લૉકડાઉન સ્વીકારવું પડશે. ભૂખે મરવું એ કોરોનાથી મરવા કરતાં તો હજાર દરજ્જે સારું છે. કોરોના સામે લડનારા ચાઇનાની એકેક વાતને આપણે ઑબ્ઝર્વ કરવાની જરૂર છે. ચાઇનાએ લૉકડાઉન દરમ્યાન સૌથી મોટી ચીવટ એ વાતની રાખી કે તેમણે એક એજ-ગ્રુપ ઘોષિત કરી દીધું, જેમાં સામેલ થતા હોય એ જ ઘરની બહાર નીકળી શકે. પોતાના આઇડી-પ્રૂફ સાથે. જો નક્કી કરેલા નિયમ મુજબની વ્યક્તિ બહાર ન નીકળી હોય તો અરેસ્ટ થાય. બીજી વાત, લૉકડાઉન દરમ્યાન ચાઇના-પોલીસ ઘરમાં ચેકિંગ કરતી હતી. ચેકિંગ દરમ્યાન ઘરના સભ્યો સિવાયનું પણ કોઈ જોવા મળે તો તેની પણ અરેસ્ટ થતી હતી અને આ અરેસ્ટ પણ બિનજામીનપાત્ર હતી. જ્યાં સુધી સરકાર ન ઇચ્છે ત્યાં સુધી તમને છોડે નહીં. તમને નવાઈ લાગશે, પણ લોકોએ આવી ભૂલ કરી પણ નહોતી. કારણ કે એ ચાઇના છે. નિયમોનું પાલન તેમને લોહીમાં આપી દેવામાં આવે છે. આપણે આ જ વાતને લોહીમાં લઈ આવવાની છે. ગલીમાં નીકળવાની મનાઈ હતી અને ઘરની ગૅલરીમાં રમવાની પણ મનાઈ હતી, જ્યારે આપણે, આપણે ત્યાં ટોળાં ભેગાં થાય છે. બાળકો ફળિયામાં અને સોસાયટીના ગ્રાઉન્ડમાં રમતાં હોય છે. પપ્પાઓ વૉકિંગ માટે નીકળે છે અને મમ્મીઓ શાકભાજીના નામે લૉકડાઉન જોવા નીકળે છે.

નહીં છુટકારો થાય કોરોનાથી, જો આવી માનસિકતા રાખી તો. ચાઇના જેવી માનસિકતા ઊભી કરવી પડશે અને એ એક જ રસ્તો છે કોરોના વાઇરસથી બચવાનો.

manoj joshi columnists coronavirus covid19