કોરોના કેરઃ સંયમ જરૂરી છે અને સંયમ જ તમને ટકાવી રાખવાનું કામ કરે એમ છે

29 March, 2020 08:27 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના કેરઃ સંયમ જરૂરી છે અને સંયમ જ તમને ટકાવી રાખવાનું કામ કરે એમ છે

પ્રતીકાત્મક તસવીર

એક મહિના પહેલાંનો સમયગાળો યાદ કરો. કોરોનાની વાતો હતી, ચર્ચા હતી અને ન્યુઝમાં પણ એની વાતો હતી, પણ ક્યાંય ભય નહોતો. કોરોનાનો કોઈ ડર નહોતો. પ્લાનિંગ થઈ રહ્યાં હતાં અને પ્લાનિંગ મુજબ ચાલવાનો વિચાર પણ ચાલી રહ્યો હતો. અઢળક લોકો એવા હતા જેમણે આ સમર વેકેશન માટે પણ આયોજન કરી લીધું હતું. ટિકિટો બુક કરાવી લેનારાઓ પણ આપણામાં જ હતા. અનેક ફિલ્મો રિલીઝ થવાનું શેડ્યુલ બની ગયું હતું અને એ બધું રાતોરાત અટકી ગયું. આ કુદરત છે અને કુદરત સામે જ્યારે જંગ શરૂ થાય ત્યારે સંયમ જ સૌથી મહત્ત્વનો બને છે. સંયમ જરૂરી છે. સંયમ જ ટકાવી રાખવાનું કામ કરે એમ છે અને એટલે જ સંયમને અકબંધ રાખીને રહેવાનું છે.

સંયમ તૂટશે તો માત્ર આંતરિક જ નહીં, બાહ્ય સંબંધોમાં પણ હાનિ પહોંચશે. લૉકડાઉનની આ સિચુએશન વચ્ચે સૌકોઈએ મગજ શાંત રાખવાનું છે. ઘરમાં રહેવાની આદત નહોતી. આઠ કલાકથી વધારે પરિવાર સાથે રહેવાનો સ્વભાવ નહોતો અને એવામાં આવી ગયું લૉકડાઉન. આ લૉકડાઉન પણ અનેક રીતે તકલીફ આપવાનું કામ કરી શકે એમ છે. માત્ર ભાઈઓને જ નહીં, બહેનોને પણ નહીં ગમે કે તેનો પતિ આખો દિવસ ઘરમાં પડ્યો રહે અને તે પોતાની અલાયદી દુનિયામાં ખોવાયેલો રહે. પતિને પણ નથી ગમવાની વાઇફની કચકચ અને મચમચ સાંભળવી, પણ એ આવશે અને એ સાંભળવી પણ પડશે પણ સંયમ, સંયમ રાખવો અનિવાર્ય છે. જો એ તોડ્યો તો લૉકડાઉન જ નહીં, બીજી પણ અનેક બાબતોમાં તાંડવ સર્જાશે અને સર્જાનારો એ તાંડવ તમને તમારા જંગના અંતિમ ચરણ સુધી નહીં પહોંચવા દે.

મળેલા આ સમયને લૉટરી ગણીને વાપરો. મળેલા આ સમયને જીવનમાં આવેલી એક અનોખી ક્ષણ તરીકે ઊજવો. જો એવું કરી શક્યા તો ખરેખર સંબંધો માટે પણ ઉપયોગી પુરવાર થશે. માનો આ લૉકડાઉન એ તમારા સંબંધો માટેનો બૂસ્ટર ડોઝ છે. જે સંબંધો પાછળ મૂકીને ભાગી રહ્યા હતા એ સંબંધોને નવેસરથી સિંચન કરવાનો સમય મળી ગયો છે તો એનો પૂરતો લાભ લેજો અને સંબંધોમાં નવેસરથી પ્રેમ અને લાગણી ઉમેરવાની તક ઝડપી લેજો. કોરોના ખરેખર ઘણું બધું બદલવાનો છે. ખરેખર અને ઘણુંબધું. સોશ્યલ લાઇફસ્ટાઇલથી લઈને ઇકૉનૉમી પર પણ એની અસર દેખાવાની છે અને સોશ્યોલૉજીમાં પણ તમને એનો ચેન્જ જોવા મળવાનો છે. નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતુંને કે જો એક ભૂલ કરી તો દેશ ૨૧ વરસ પાછળ ચાલ્યો જશે. ભૂલ કરી તો તો થશે જ થશે, પણ અંગત રીતે લાગે છે કે એ સિવાય પણ એક મોટો ચેન્જ આવવાનો છે અને આ ચેન્જ અત્યારે વાતાવરણમાં છે. સંતાનો સાથે રહેવાની તક મળી છે એનો પણ લાભ લેજો અને વાઇફ સાથેના સંબંધોમાં આવી ગયેલી નીરસતાને પણ દૂર કરવાની જહેમત ઉઠાવજો અને આ બધું કરતી વખતે, સંયમ અકબંધ રાખવાનો છે. સંયમ હશે તો અને તો જ આ સમય પાર કરી શકાશે.

columnists manoj joshi coronavirus covid19