કોરોના કેરઃ કરો સૅલ્યુટ એ સૌ વીરોને, જેમની નોંધ કોઈ લઈ નથી રહ્યું

04 April, 2020 08:40 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોના કેરઃ કરો સૅલ્યુટ એ સૌ વીરોને, જેમની નોંધ કોઈ લઈ નથી રહ્યું

કોરોનાની જેકોઈ અસર અત્યારે વર્તાઈ રહી છે એ બધા વચ્ચે પણ કોરોના સામે લડનારા અને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરનારાઓનો તોટો નથી. ના, આપણે વાત એ દેખીતા રક્ષકોની નથી કરી રહ્યા જેને માટે આઠ દિવસ પહેલાં રવિવારે સાંજે આપણે થાળી અને તાળી વગાડી હતી. આપણે વાત કરવાની છે એવા વીરોની, જેની નોંધ કોઈ લઈ નથી રહ્યું અને એ પછી પણ તેઓ પોતાનું કામ પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરી રહ્યા છે. હા, પૂરેપૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી. આપણે વાત કરી રહ્યા છીએ એવા સમાજસેવકોની જેઓ પોતાનો ફોટો છપાશે કે નહીં એનો લેશમાત્ર વિચાર કર્યા વિના દોડીને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. અનેક છે એવા જેમણે પોતે શું મદદ કરે છે એના પર નહીં, પણ કોઈને મદદ પહોંચાડી રહ્યા છે એ વાત પર ફોકસ કરીને કામ કર્યું છે અને અત્યારે પણ કરી રહ્યા છે.
ઘરમાં બેસવાનું છે. હકીકત છે આ પણ, સાથોસાથ એ પણ હકીકત છે કે ઘરમાં બેસી રહેવાની સુખાકારી હજારો લોકો ભોગવી શકે એમ નથી. આવી બાદશાહી નહીં ભોગવી શકનારાઓ માટે ઘરમાંથી બહાર નીકળવાની હિંમત કરવી અને નજીકમાં જેકોઈ મળે તેને મદદ પહોંચાડવી એ કાર્ય વીરતાથી સહેજ પણ ઓછું નથી. ના, સહેજ પણ ઓછું નથી. જો માવતરના સંસ્કાર હોય તો એ લોકોનું સન્માન કરજો. જે રીતે થઈ શકે એ રીતે કરજો અને જે પ્રકારે સન્માનની ભાવના આપી શકાય એ રીતે આપજો પણ પ્લીઝ, એ કોઈને આંકડાઓથી ઉતારી નહીં પાડતા. મહત્ત્વ અહીં આંકડાનું નહીં, ભાવનાનું છે અને આ ભાવના નુકતેચીની કરનારાઓમાં નથી એ પણ પુરવાર થઈ ચૂક્યું છે અને એ પુરવાર થઈ ચૂક્યું છે એટલે જ તેઓ ઘરમાં બેઠા છે.
ઘરમાં બેસીને, ઓડકાર ખાઈને વાતાનુકૂલિન વાતાવરણ વચ્ચે પગ ફેલાવીને બેઠી રહેલા સૌકોઈએ સમજવું પડશે કે તમારે મદદ માટે બહાર આવનારાઓના ભાવને સમજવાનો છે અને એ ભાવ દેખાડનારાઓ કર્ણ સાથે બરાબરી કરી શકે એ સ્તર પર છે. આ દેશ માટે એક વાત કહેવાની હંમેશાં ઇચ્છા થઈ છે કે આ દેશ પ્રજાભરોસે ત્યારે જ રહી શક્યો છે જ્યારે એ રામભરોસે રહેવાને લાયક બન્યો છે. રામભરોસે ચાલતા તંત્ર પાસે આવા વીરલાઓની એક મોટી ફોજ છે. જેને કોઈ ખેવના નથી, જેને કોઈ માન-સન્માનની અપેક્ષા નથી અને એ પછી પણ તે પોતાનું કામ ત્યારે કરે છે જ્યારે સામેવાળાને એની જરૂર હોય છે. આ વીરલાઓને આધારે અત્યારે દેશની સરકારની ઘણી જવાબદારી ઓછી થઈ ગઈ છે એ કોઈએ ભૂલવું ન જોઈએ. સરકાર હંમેશાં આવા વીરોની આભારી રહી છે અને એનું કારણ પણ છે. તેમને પક્ષ સાથે, કોઈ ચહેરા સામે કે કોઈ વ્યક્તિ સાથે નિસ્બત નથી હોતી. તે તો પોતાનું કામ માત્ર નિજાનંદ માટે કરે છે અને એ તેમનો નિજાનંદ છે, અન્યની સુખાકારી. કોઈના સુખ માટે જાતને ઘસનારો નિઃસંદેહ ઈશ્વરનો રાજદૂત છે. જો માનવામાં ન આવતું હોય તો એક વખત આવા જ કોઈ વીરલાને મળીને જોઈ લેજો. આપતી વખતે તેના ચહેરા પર ઘમંડ કે ગર્વ નહીં, પણ પરમસુખની ઝલક વર્તાશે.

manoj joshi columnists coronavirus covid19