શિયાળુ પાકનું સેવન કરવાથી જાતીય બાબતોમાં કોઈ ફાયદો થાય?

05 January, 2021 07:48 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

શિયાળુ પાકનું સેવન કરવાથી જાતીય બાબતોમાં કોઈ ફાયદો થાય?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૪૩ વર્ષ છે અને મૂળ ગુજરાતનો રહેવાસી છું. જ્યારે પણ મુંબઈ આવું ત્યારે તમારી કૉલમ અચૂક વાંચું છું. મારે જાણવું છે કે શિયાળામાં ખવાતા પાકોથી જાતીય બાબતોમાં કોઈ ફાયદો થાય? શિયાળાને સેહતની ઋતુ કહેવામાં આવે છે એટલે જો આ મોસમમાં ખાવા-પીવામાં કાળજી રાખી હોય તો શરીરબળ વધે છે. જાતીય બળ વધારવા માટે કેવાં ઔષધો કે પાકોનું સેવન કરવું જોઈએ? ઉંમર વધતી જવાથી હવે મને કામેચ્છામાં ઘટાડો, ઉત્તેજનાની તીવ્રતામાં ઘટાડો અને વીર્યની ક્વૉન્ટિટીમાં ઘટાડો થઈ રહ્યો છે. શિયાળુ પાક કે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરવાથી આમાં કોઈ ફરક પડે?

જવાબ: મુંબઈમાં એટલી ઠંડી નથી પડતી એટલે મુંબઈગરાઓ માટે શિયાળુ પાકોનું વધુ સેવન ઠીક નથી, પરંતુ ગુજરાતમાં ઠંડક સારીએવી હોય છે. ઠંડકની સાથે જો તમારી પાચનશક્તિ પણ સારી રહેતી હોય તો શિયાળુ પાકો વાપરી શકાય. જૂના જમાનામાં તો વસાણાં નાખીને જાતજાતના પાકો તૈયાર થતા હતા. સાલમપાક, આદુંપાક, ખજૂરપાક, ગુંદરપાક જેવી ચીજો એમાં કૉમન છે. જોકે એ પાક પચાવવાની તાકાત જો તમારા શરીરમાં ન હોય તો એ કોઈ ફાયદો કરી શકતા નથી. પાચનશક્તિ પ્રબળ હોય તો જ આ પાક કામના છે. જનરલ ફિટનેસ વધારવા માટે આમળાનું ચાટણ કે ચ્યવનપ્રાશ જેવી ચીજોનું નિયમિત સેવન વધુ લાભદાયી રહે છે.

જાતીય જીવનને વધુ સારું બનાવવા માટે ઉપરોક્ત પાકો કરતાં થોડાંક આયુર્વેદિક ઔષધોનું સેવન કરવામાં આવે તો એ વધુ ફળદાયી છે. અશ્વગંધા, શતાવરી, વિદારીકંદ, કૌંચાબીજ, સફેદ મૂસળી, ગોખરું જેવાં દ્રવ્યો સરખા ભાગે લઈને એનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. રોજ એક-એક ચમચી ચૂર્ણને સવાર-સાંજ ચોખ્ખા ગાયના ઘી સાથે મેળવીને ચાટી જવું. આ પચવામાં સહેજ ભારે છે એટલે જો એનાથી પાચનલક્ષી તકલીફો થતી હોય તો એની માત્રા ઘટાડીને અડધી-અડધી ચમચી જ લેવું.

શરીરબળ અને પાચનશક્તિ સુધારવા માટે શિયાળામાં નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરત શરૂ કરશો તો ચયાપચય સુધરશે.

ઉપરોક્ત ચૂર્ણ કામજીવનને લગતી તમામ પ્રકારની નબળાઈઓમાં ફાયદાકારક છે. એનાથી પુરુષ હૉર્મોન ટેસ્ટોસ્ટેરોન વધે છે તથા કામેચ્છા, ઉત્તેજના અને વીર્યની ક્વૉન્ટિટી ત્રણેયમાં ફરક પડે છે.

columnists dr ravi kothari sex and relationships