શરત ફક્ત 1:બધું બંધ થઈ શકે છે જો જાતને કાબૂમાં રાખવાનું કામ ન કર્યું તો

02 March, 2021 10:23 AM IST  |  Mumbai | Manoj Joshi

શરત ફક્ત 1:બધું બંધ થઈ શકે છે જો જાતને કાબૂમાં રાખવાનું કામ ન કર્યું તો

શરત ફક્ત 1:બધું બંધ થઈ શકે છે જો જાતને કાબૂમાં રાખવાનું કામ ન કર્યું તો

શૂટિંગ બંધ થઈ શકે છે. જો એવું થયું તો જૂની સિરિયલો જોવાનો વારો આવી જશે. મલ્ટિપ્લેક્સ બંધ થઈ શકે છે. જો એવું થયું તો વધુ એક વખત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે. મૉલને તાળાં લાગી શકે છે. જો એવું થયું તો વધુ એક વાર દેશની ઇકૉનૉમીને બહુ મોટો ધક્કો લાગશે. આ બધું થશે અને જો ન થવા દેવું હોય તો એની એકમાત્ર શરત છે, જાતને કાબૂમાં રાખવાનું કામ કરવાનું છે.
ભટકતા આત્માની જેમ બહાર નીકળવાનું બંધ કરવાનું છે અને કારણ વિનાની રખડપટ્ટી પણ હવે છોડી દેવાની છે. ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૅક્સિન લીધી. આ વૅક્સિનના બન્ને ડોઝ જ્યાં સુધી બાવડે લાગે નહીં, જ્યાં સુધી ઍન્ડિ-ડૉટ બૉડીમાં જઈને બૉડીને કોરોના સામે સક્ષમ ન બનાવે ત્યાં સુધી બહારના વાતાવરણથી દૂર રહેવાનું છે. વૅક્સ‌િન મળે એને ધારો કે હજી ૪થી ૬ મહિના નીકળી જાય તો એટલો સમય ખેંચી લેવાનો છે. ધારો કે વૅક્સિન મળવામાં એનાથી પણ વધારે સમય લાગે તો પણ ભૂલવાનું નથી કે ‘જાન હૈ તો જહાન હૈ...’
જો જીવ બચેલો રહેશે તો જુહુ ચોપાટી પણ જવા મળશે અને જો સ્વાસ્થ્ય સારું રહેશે તો ટાઉન પણ જઈ શકાશે. જો કોવિડથી દૂર રહેશો તો દેરાસર પણ નજીક આવશે અને જો કોવિડથી અંતર જાળવશો તો હવેલી પણ હાથવેંતમાં રહેશે.
કોવિડથી ડરવાનું નથી, પણ એવી જ રીતે, કોવિડની બીક છોડવાની પણ નથી. આજે પણ કોવિડ એની ખતરનાક ચુંગાલમાં પકડવાનું કામ અવિરતપણે કરી રહ્યો છે. તમે જુઓ, ફ્રાન્સમાં ફરીથી કૂદકે ને ભૂસકે કેસ વધવા માંડ્યા છે અને ફ્રાન્સ અત્યારે લૉકડાઉન વિશે ગંભીરતાથી વિચારી રહ્યું છે. બને પણ ખરું કે બે-ચાર દિવસમાં ફ્રાન્સને લૉકડાઉનનાં અલીગઢી તાળાં લાગી જાય. હા, આખા દેશને. માત્ર ૪૮ કલાકમાં ફ્રાન્સમાં હજારોની સંખ્યામાં કેસમાં ઉછાળો આવ્યો છે. એ ઉછાળાની આફ્ટર શૉક ઇફેક્ટ તો હવે જોવા મળવાની છે.
કોવિડનો એક ખુલ્લો ફરતો પેશન્ટ ઓછામાં ઓછા ચાર જણને એ વાઇરસની ભેટ આપે છે. વાઇરસમાં આવેલી સૌથી મોટી ખરાબી જો કોઈ હોય તો એ છે કે હવે એની સાઇડ ઇફેક્ટ્સ દેખાવાની ઓછી થઈ ગઈ છે. પહેલાં જે રીતે વાઇરસ જીભનો સ્વાદ હણી લેતો હતો, કફ અને ખાંસીની શરૂઆત આપતો હતો, શરીરનું તાપમાન વધારતો હતો એ હવે જુદી રીતે જ વર્તી રહ્યો છે. હવે કશી ખબર હોતી નથી અને એ સીધેસીધો શરીરનું ઑક્સિજન-લેવલ ઘટાડવાનું કામ કરે છે. આ બાબતમાં વધારે સ્પષ્ટતા તો મેડિકલ એક્સપર્ટ્સ જ કરી શકેલ પણ એ જ એક્સપર્ટ્સનું કહેવું છે કે શરીરમાં ઑક્સિજન-લેવલ ઘટી ગયા પછી ખબર પડે કે કોવિડ પૉઝિટિવ છે તો પછીના તબક્કામાં સારવારની કારગત ઘટવા માંડે છે. બહેતર એ જ છે કે એ તબક્કામાં ઉમેરાવાને બદલે શ્રેષ્ઠ રીતે નિયમો પાળીએ અને ઘરની બહાર નીકળવું આવશ્યક ન હોય તો ઘરમાં જ રહીને લૉકડાઉન ચાલુ છે એવું ધારીએ.
લૉકડાઉન આવશે તો ઘરમાં જ રહેવાના છો તો પછી લૉકડાઉન વિના જ એનું પાલન કરીએ એમાં ખોટું પણ શું છે.

manoj joshi columnists