ઍગ્રી કૉમોડિટી વાયદાબજારમાં અલ નીનો અને ચૂંટણીની અસરે જામતી તેજી

15 April, 2019 02:24 PM IST  |  | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

ઍગ્રી કૉમોડિટી વાયદાબજારમાં અલ નીનો અને ચૂંટણીની અસરે જામતી તેજી

પાક

ઍગ્રી કૉમોડિટી વાયદા બજારમાં હાલ તેજીનો માહોલ જામી રહ્યો છે. એરંડા, ચણા, ધાણા, જીરુ, રાયડો, સોયાબીન, સોયાતેલ, ગવાર-ગમ વગેરે ઍગ્રી કૉમોડિટીમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી એકધારા ભાવ વધી રહ્યા છે. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા દેશમાં અલ નીનોની અસરે ચોમાસું નબળું જવાની શક્યતા ૮૦ ટકા બતાવતાં ખરીફ સીઝનમાં કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનને અસર થશે. સરકારના હવામાન વિભાગે શરૂઆતમાં અલ નીનોની કોઈ અસર નહીં થાય તેવું જાહેર કર્યા બાદ થોડા દિવસમાં અલ નીનોને કારણે ચોમાસું નબળું જવાની વાતને પુષ્ટિ આપી હતી. વિદેશની અનેક હવામાન એજન્સીએ અગાઉથી અલ નીનોની અસરે ભારતમાં ચોમાસું નબળું જવાની આગાહી કરી દીધી છે.

નબળા ચોમાસાના કારણે સાથે દેશમાં ચૂંટણી પૂર્વ ઇઝી મની ફલો વધતાં સટોડિયા માટે અનુકૂળતા વધી છે. લોકસભાની ચૂંટણીમાં બીજેપી, કૉંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો વચ્ચે આ વર્ષે કસોકસની ટક્કર હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા મતદાતાઓને લોભાવવા નાણાંની કોથળીઓ છૂટી મૂકવામાં આવી છે, જેને કારણે માર્કેટમાં ઇઝી મની ફલો વધ્યો છે. વળી ચૂંટણીને કારણે જીવનજરૂરી ચીજોના ભાવને દબાવવા કોઈ કડક પગલાં લેવાની શક્યતા ઓછી રહેતી હોવાથી સટોડિયા વર્ગ હાલના સમયમાં કમાઈ લેવા એડીચૌટીનું જોર લગાવી રહ્યો છે. આમ, તમામ કારણો એકસાથે ભળતાં ઍગ્રી કૉમોડિટી વાયદામાં બજારમાં ભાવ ઝડપથી આકાશી ઊંચાઈ તરફ જઈ રહ્યા છે.

ફેવરિટ કૉમોડિટી પર ધ્યાન

ઍગ્રી કૉમોડિટી માર્કેટમાં સટ્ટા માટેની ફેવરિટ કૉમોડિટી તરફ હાલ બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. એરંડા, ગવાર-ગમ, ચણા, ધાણા, જીરુ અને રાયડો, આ ઍગ્રી કૉમોડિટીમાં અગાઉ પણ તેજી અને મંદીના મોટા સટ્ટા રમાઈ ચૂક્યા છે. આ કૉમોડિટી પર સટોડિયાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. હાલ એરંડા, રૂ, કપાસ અને ધાણાનાં ફંડામેન્ટસ સૌથી વધારે તેજીમય હોવાથી આ તમામ ઍગ્રી કૉમોડિટીના ભાવ છેલ્લા અઠવાડિયામાં સૌથી વધારે વધ્યા છે.

એરંડા

એરંડા વાયદાના ભાવ છેલ્લા એક સપ્તાહમાં ૮૧૪ રૂપિયા એટલે સાત ટકા ઊછYયા હતા. બે સપ્તાહ અગાઉ એરંડા વાયદો ૫૨૬૨ રૂપિયા હતો જે સપ્તાહના અંતે ૬૦૭૬ રૂપિયા બંધ રહ્યો હતો. એરંડાનું ઉત્પાદન ગત વર્ષથી ૩૦ ટકા ઓછું થયું છે. ક્રૂડતેલના ભાવ પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા છે અને રૂપિયો પણ નબળો પડી રહ્યો હોવાથી એરંડિયા તેલની એક્સપોર્ટ માટેના ચાન્સીસ વધ્યા છે. હાલ એરંડાની આવકની પિક સીઝન ચાલુ છે અને ખેડૂતોને ૨૦૧૧ પછીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો એરંડાનો સ્ટૉક કરવાને બદલે વેચી રહ્યા છે, આથી આગળ જતાં એરંડાની આવક બહુ જ ઓછી રહેવાની ધારણા છે. વળી સટ્ટાકીય રીતે વાયદામાં તગડા બદલા મળી રહ્યા હોવાથી નવી આવકનો ૩૦થી ૪૦ ટકા જથ્થો બદલામાં જતો હોવાથી પ્રોસેસર્સ (શિપર્સો)ને એરંડા પૂરતા પ્રમાણમાં મળતાં ન હોવાથી એરંડામાં તેજીનાં ફંડામેન્ટ્સ પણ મજબૂત છે, જેને સહારે સટોડિયાઓ બમણા જોરથી એરંડામાં નાણાં રોકીને બજારને ઊંચકાવી રહ્યા છે. એરંડામાં હજુ વધુ તેજી થવાના ચાન્સીસ દેખાય છે, કારણ કે ગત વર્ષે એરંડાનું ઉત્પાદન ૧૪.૫૦ લાખ ટનની આસપાસ હતું, જે ઘટીને ચાલુ વર્ષે ૧૧.૫૦ લાખ ટન થતાં ઉત્પાદનમાં મોટો ખાંચરો પડ્યો છે, વળી જૂનો સ્ટૉક પણ ગત વર્ષની સરખામણીમાં ઘણો જ ઓછો છે.

કપાસ-રૂ

સ્પૉટ માર્કેટમાં કપાસના ભાવ ગુજરાત-મહારાષ્ટ્રની ઉત્પાદક મંડીમાં વીતેલા સપ્તાહ દરમ્યાન મણદીઠ ૨૦૦ રૂપિયા વધ્યા હતા, તે જ રીતે રૂના ભાવ સ્પૉટ માર્કેટમાં બે સપ્તાહ અગાઉ ખાંડી દીઠ ૨૦૦૦ રૂપિયા વધ્યા બાદ નફાબુકિંગથી ૧૦૦૦ રૂપિયા ઘટ્યા હતા, પણ ઓવરઑલ બે સપ્તાહમાં ૧૦૦૦ રૂપિયા વધ્યા હતા. દેશમાં રૂનું ઉત્પાદન ચાલુ વર્ષે ઘટીને ૩.૨૧ કરોડ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩.૬૫ કરોડ ગાંસડી થયું હતું. રૂના ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો અને વપરાશમાં બેથી ત્રણ ટકાનો વધારો થતાં રૂના ભાવ ઝડપથી ઊછળી રહ્યા છે. રૂના ભાવમાં સટોડિયાઓ સક્રિય હોવાથી આવતાં બેથી ત્રણ સપ્તાહમાં ભાવ વધીને ૫૦ હજાર રૂપિયા થવાની આગાહીઓ થઈ રહી છે.

ધાણા

ધાણા વાયદામાં પણ છેલ્લાં સાત સેશનમાં સવાઆઠ ટકા તેજી જોવા મળી હતી. ધાણા વાયદો બે સપ્તાહ અગાઉ ૬૬૫૬ રૂપિયા હતો તે વીતેલા સપ્તાહના અંતે વધીને ૭૧૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ધાણાનાં ફંડામેન્ટ્સ પણ અત્યંત તેજીમય છે. ધાણાનું ઉત્પાદન ગત વર્ષે ૧ કરોડ ગૂણી ઉપર થયું હતું તે ઘટીને ચાલુ વર્ષે ૬૦થી ૭૦ લાખ ગૂણી થવાના અંદાજ મુકાઈ રહ્યા હોવાથી ધાણામાં હાલ લેવાલી મોટા પાયે વધી રહી છે. વળી એપ્રિલ-મે મસાલાની પિક સીઝન ગણાતી હોવાથી હાલ ડિમાન્ડ પણ સારી હોય છે. ધાણાનું ઉત્પાદન ઓછું હોવાથી સટોડિયાઓને ધાણામાં તેજી કરવાની હાલ અનુકૂળતા વધારે છે. ઇઝી મની અને અલ નીનોની અસરે હાલ સ્ટૉકિસ્ટો પણ ધાણાના સ્ટૉક પર કબજો જમાવીને બેઠા હોવાથી માર્કેટમાં આવક ઘણી જ ઓછી છે.

ચણા

ચણા વાયદો બે સપ્તાહ અગાઉ ૪૩૦૮ રૂપિયા હતો જે વધીને ૪૪૯૫ રૂપિયા થયો હતો. બે સપ્તાહમાં ચણામાં ૧૮૭ રૂપિયાની તેજી થઈ હતી. ચણામાં સરકારી ગોડાઉનોમાં જંગી સ્ટૉક પડ્યો છે અને હાલ ચૂંટણીને કારણે ચણાનું વેચાણ બંધ હોવાથી અને ભારતને ચણા પૂરા પાડતાં ઑસ્ટ્રેલિયામાં ચણાનું ઉત્પાદન ૮૦ ટકા ઘટતાં ચણા વાયદા પણ એકધારા વધી રહ્યા છે.

સટ્ટાકીય કૉમોડિટીમાં તેજી

એરંડા વાયદામાં બે સપ્તાહમાં ૮૧૪ રૂપિયા, ૧૫.૪૬ ટકાની તેજી નોંધાઈ

ધાણા વાયદો બે સપ્તાહમાં ૫૨૯ રૂપિયા, આઠ ટકાની તેજી નોંધાઈ

આ પણ વાંચો : શું થશે જેટ એરનું? 1500 કરોડ નહીં મળે તો થઈ શકે છે બંધ

રૂના ભાવ બે સપ્તાહમાં ખાંડીએ ૧૦૦૦ રૂપિયા વધ્યા

ચણા વાયદો બે સપ્તાહમાં ૧૮૭ રૂપિયા, ૪.૩૪ ટકા વધ્યો

columnists