મહારાષ્ટ્રની સરકારે 44 શુગર મિલોને નોટિસ ફટકારી

16 April, 2019 12:19 PM IST  |  | કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

મહારાષ્ટ્રની સરકારે 44 શુગર મિલોને નોટિસ ફટકારી

સુગર

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં રાજ્યની જે શુગર મિલોએ ખેડૂતોના ૮૦ ટકાથી પણ વધુ પૈસા ચૂકવ્યા નથી, એવી 44 શુગર મિલોને નોટિસ ફટકારી છે. રાજ્યના શુગર કમિશનર શેખર ગાયકવાડનું કહેવું છે કે શુગર પ્રાઇઝ ઑર્ડર ૨૦૧૮ના કાયદા પ્રમાણે જે શુગર મિલોએ સરકારે નક્કી કરેલા શેરડીના ભાવની સરખામણીમાં ૮૦ ટકા કે તેનાથી વધુ પૈસા ચૂકવ્યા નથી, તેને નોટિસ ફટકારી છે.

ગાયકવાડે વધુમાં કહ્યું કે શુગર મિલો દ્વારા જો બાકીનાં નાણાંની રકમ ચૂકવવામાં નહીં આવે તો એમની સામે વધુ કડક પગલાંઓ પણ લેવામાં આવી શકે છે. શુગર મિલોએ પોતાની પાસે પડેલી ખાંડનો સ્થાનિક બજારમાં, નિકાસમાં કે ગમે ત્યાં નિકાલ કરીને પૈસા ચૂકવવા પડશે.

શુગર મિલો દ્વારા જો બાકીના પૈસા ચૂકવવામાં ન આવે તો સરકાર દ્વારા રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે છે અને મિલો પાસે પડેલો ખાડંનો સ્ટૉક જપ્ત કરવામાં આવે છે. આ ખાંડનું વેચાણ કરીને સરકાર ખેડૂતોના પૈસા ચૂકવી શકે છે.

આ પણ વાંચો : શૅર બજારની ઝડપી શરૂઆત, નિફ્ટી 11730ની પાર

મહારાષ્ટ્રમાં કુલ ૨૦૦ શુગર મિલો આવેલી છે અને ૧૫૬ શુગર મિલોએ ૮૦ ટકા અથવા તો એનાથી વધારે પૈસા ખેડૂતોને ચૂકવી આપ્યા છે. શુગર મિલોની નાણાકીય સ્થિતિ હાલ બગડેલી હોવાથી મિલો સમયસર પૈસા ચૂકવી શકતી નથી, જેને પગલે સરકાર દ્વારા શુગર સેક્ટરને અનેક સહાય કરવામાં આવી છે, પરંતુ એ સહાય અપૂરતી હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

columnists