કાંદા, પ્યાજ, અન્યન અને અમારા કાઠિયાવાડીઓની ડુંગળી

25 December, 2022 05:42 PM IST  |  Mumbai | Sairam Dave

છાસ અને ડુંગળી વિના કાઠિયાવાડીનું ભાણું પડે નહીં. એકાદ રોટલી ઓછી હોય તો તેને ચાલે, દાળમાં મીઠું ઓછું હોય તોય તેને વાંધો નઈ; પણ ડુંગળી ને છાશ વિના ખાવાનું હોય તો કાઠિયાવાડીને કબજિયાત થઈ જાય

કાંદા, પ્યાજ, અન્યન અને અમારા કાઠિયાવાડીઓની ડુંગળી

અમારો ડાયરો છેલ્લા અઠવાડિયે મદ્રાસમાં હતો. મદ્રાસ એટલે ઓ’લું ચેન્નઈ. દુનિયાઆખી હવે આ નામથી પરિચિત થઈ ગઈ છે, પણ અમને કાઠિયાવાડીને મન તો હજીયે મદ્રાસ ઈ મદ્રાસ જ છે. 
મદ્રાસના કચ્છી પટેલોએ આયોજન કરેલું. હિમાદાદા મારી પાસે આવ્યા અને નમાલા મોઢે બાજુમાં બેસીને મને ક્યે... 
‘સાંઈ, આ તારી કાકી ડાન્સ-બારના ડખામાં મને ઘરની બાર જાવા નથી દેતી. મુંબઈ નહીં તો મને મદ્રાસ તો લઈ જા.’ 
મેં વળી વિચાર્યું કે હિમાદાદા ગલઢા માણસ. કેટલું જીવવાના? ક્યાંક આની ઇચ્છા બાકી રહી જાય તો હિમાદાદા મને જીવતા તો નડ્યા છે, પણ મર્યા પછીયે નડે જ! જોકે એક અંગત ખુલાસો કરી દઉં. કોઈને કહેતા નહીં. ત્રણ વ૨સ પહેલાં દાદાને છાતીમાં દુખાવો ઊપડ્યો’તો. એ વખતે ડૉક્ટરે કહ્યું’તું, ‘દાદા વરસ માંડ કાઢશે.’

ઈ ડૉક્ટર ગુજરી ગ્યો, દાદા હજી અખંડ અણનમ અબ્રાહમ લિંકનની જેમ હાલ્યા આવે છે.
ટૂંકમાં, અમે હિમાદાદાને લઈને મદ્રાસ પહોંચ્યા. શાંતિકાકીને દેશના નેતાઓની જેમ ખોટેખોટું આશ્વાસન આપ્યું કે દાદા બિયર પણ નહીં ચાખે. મદ્રાસના રેલવે-સ્ટેશન ૫૨ ઊતરતાંવેંત દાદા તાડૂક્યા, ‘આ ક્યાં મદ્રાસ છે? આ સ્ટેશનનું નામ તો ચેન્નઈ છે.’ 
મેં વાળ્યું, ‘દાદા, અહીં બધા લુંગી પહેરે છે ને લુંગીમાં ચેન ન હોય. એટલે મદ્રાસનું નામ હવે ચેન નહીં ઉર્ફે ‘ચેન્નઈ’ છે.’ 
દાદા કહે, ‘વાહ સાંઈ, તારો નૉલેજિયનનો પાવર ગજબનો છે હોં!’ 
ચેન્નઈમાં લોકોનો કલર સાવ કંપની-ફિટિંગ છે. તમામમાં એમડી (મૅન્યુફૅક્ચરિંગ ડિફેક્ટ) જોવા મળે. અંધારામાં કો’ક હસે તો જ ખબર પડે કે અહીં માણસ ઊભો છે. ભેંહુના વાંહા જેવા કલરવાળા લોકો ને એય હોલસેલ મોઢે અમે પે’લા નહોતા જોયા. આયોજકે એક સરસ હોટેલમાં ઉતારો આપ્યો હતો. બાથરૂમ મોટા, પણ મોટી હોટેલોમાં દાદાને એક જ દુઃખ હોય. સાબુ સાવ બોરના ઠળિયા જેવડા આપે.

હોટેલમાં ઊતરતાંવેંત દાદા રસોડા જેવડું બાથરૂમ જોઈને સ્નાન માટે પ્રેરાયા. બોરના ઠળિયા જેવો સાબુ હિમાદાદાના મસ્તકથી ‘ફીણયાત્રા’ કરતો-કરતો બગલ માર્ગેથી નાભિ સુધી પહોંચ્યો અને હાથીના મદનિયા જેવી દાદાની ફાંદમાં ભેદી રીતે ગુમ થઈ ગયો. ભારતના સત્યની જેમ એ સાબુ દાદાની વિશાળકાય નાભિમાં જ ઓગળી ગયો અને ગરકાવ થઈ ગયો.

અર્ધસ્નાને દાદાએ બાથરૂમમાંથી ‘સાબુ-સાબુ’ના બરાડા પાડ્યા. એ સાંભળી હું હોટેલની નીચેની દુકાને સાબુ લેવા ઊતર્યો. લોટામાં પથરા ખખડે એવી મદ્રાસી ભાષામાં એક લુંગીધારી દુકાનદાર મારી હિન્દી સાંભળીને મારા ૫૨ દેશદ્રોહીની નજરે તાકી રહ્યો. મેં ભાવ પૂછ્યો એટલે ઈ બોલ્યો, ‘લાઇફબૉય થર્ટી રૂપીઝ, લક્સ થર્ટી રૂપીઝ, નિરમા થર્ટી રૂપીઝ!’
મારા મગજની નસો ખેંચાણી કે ભાઈ, સબ કે થર્ટી રૂપીઝ? તંઈ તેણે સસ્પેન્સ ખોલ્યું કે કોઈ ભી કંપની કા સાબુન લે જાઓ, કલર મેં કોઈ ફરક પડનેવાલા નહીં હૈ જી! 
આ સનાતન સત્યને સ્વીકારીને હું લાઇફબૉય ખરીદી રૂમમાં પહોંચ્યો ત્યાં તો હિમાદાદા ધૂંઆપૂંઆ થઈને ટુવાલ પહેરીને બેઠા હતા.
મેં તરત વિષયને ટર્ન આપ્યો, ‘દાદા, હું નાહી લઉં એટલે આપણે મદ્રાસ કૅફેમાં ઢોસો ખાવા જવાનું છે.’ 
દાદા ક્યે, ‘ઈ તો આપણા ગોંડલમાંય છે.’
હિમાદાદાને સમજાવવામાં કલાક નીકળી ગ્યો કે ઈ બધાય ડુપ્લિકેટ, આંયાવાળાના મદ્રાસ કૅફે સાચાં. કલાક સમજાવવામાં ગ્યો ને અડધો કલાક મદ્રાસ કૅફે પહોંચાવામાં થ્યો.
મદ્રાસ કૅફેમાં જઈ ફૅમિલી ઢોસાનો ઑર્ડર દીધો. નગરપાલિકાની પાઇપ જેવડો લાંબો ટઈડ જેવો ઢોસો અમારા ટેબલ ૫૨ મૂકી ગયો, જે છેક બીજા ટેબલના છેડે પૂરો થાય એવડો હતો. ઓ’લા બીજા ટેબલવાળાએ તો અમારા ફૅમિલી ઢોસામાંથી ખાવાનું પણ ચાલુ કરી દીધું. હુંય મૂંગો રયો, મને એમ કે ભલે ચાખે.
ખાવાનું ચાલુ કરતાં પે’લા ફૅમિલી ઢોસાની પપૂડી આ બાજુના છેડેથી મેં વળી એમાં નજર કરી તો સામે સીધો રૂપિયા ગણતો મૅનેજર દેખાણો! તેણેય નીચે જોયું ને પછી મારી સામે જોઈને ઘુરકિયાં કર્યાં. બીકના માર્યા મેં બધાયને કીધું કે હાલો, જલ્દી ખાવાનું પતાવી.
ડાયરામાં મારી સાથે કાયમ મારો સંચાલક ને લેખકમિત્ર અતુલ હોય. તેને ડુંગળી વગર માત્ર કોરોમોરો ઢોસો ન ભાવ્યો. મને કહે, ‘સાંઈ, ડુંગળી મગાવો!’
મેં વળી વેઇટરને ઇંગ્લિશમાં કીધું, ‘હૅવ યુ અન્યન પ્લીઝ?’

ઈ સજ્જડબમ વદને સામો ઊભો રહ્યો. પછી મેં ઑનલાઇન હિન્દી કર્યું અને પૂછ્યું કે પ્યાજ હૈ? તોય મારો વાલિડો મનમોહન મોડમાં સાઇલન્ટ જ ઊભો રહ્યો. મને ખાતરી થઈ કે કોઈ પ્યૉર મદ્રાસીબંધુ છે જે હિન્દી-અંગ્રેજી સમજતો નથી. એટલે હું મારી રીતે કિચનમાંથી બે ડુંગળી ગોતી હરખભેર પાછો ફર્યો. મેં વળી ઓ’લા વેઇટરને દેખાડીને સામે કીધું, ‘ઇટ કૉલ અન્યન! સીખ લે, ઇસે પ્યાજ કહતે હૈં!’

વેઇટર ઘૂરક્યો. મને કહે, ‘ડુંગળી જોઈએ છે એમ ફટાયને!’ 
તેનું ગુજરાતી સાંભળી મને ચક્કર આવી ગયાં. અતુલ કહે, ‘એ’લા તને ગુજરાતી આવડે છે?’ 
‘સાહેબ, હું સુરતનો છું. એમ્બ્રૉઇડરીની મંદીમાં સુરતથી ભાગીને અહીં આવી ગ્યો.’
હિમાદાદા બોલ્યા, ‘તો હવે આખો દી’ અમારી ભેગો રહેજે. તારા ગામમાં કોઈ હિન્દી સમજતું નથી ને તામિલ સમજવામાં અમારા ઝભ્ભા પલળી જાય છે.’ 
પછી તો દાદાએ હટી-હટીને ડુંગળી ખાધી. ડુંગળી ખાતા જાય ને ડુંગળીની વાતુ કરતાં જાય. 
‘સાંઈ, સદીઓથી આ જૈન લોકો પૈસાદાર શું કામ હોય છે ખબર છે તને?’ હું કંઈ જવાબ આપું એ પહેલાં તો દાદાએ જ જવાબ આપી દીધો, ‘કારણ કે એ ડુંગળી નથી ખાતા... ડુંગળી વરહમાં બે વાર સો રૂપિયે પોંચેને તોય જૈનોને ફરક નો પડે. દેવું નઈ ને દાઝવું નઈ...’

હિમાદાદાએ સવારે ડુંગળી ઉપર ઝપટ બોલાવી ને રાત્રે ડાયરો કરીને અમે એક જ રૂમમાં ઊંઘ્યા. અડધી રાતે એ ડુંગળીની આડઅસર શરૂ થઈ! મદ્રાસની ડુંગળી ગુજરાતીમાં ધૂણી અને ધણધણી! મેં એની આખી બૉટલ રૂમની દીવાલોમાં છાંટી તોય ડુંગળીના એ તીવ્રધ્વનિની અસર તૂટી નહીં! હિમાદાદાએ તો મજેથી ઊંઘ કરી ને હું આખી રાત જાગતો બેઠો રયો. વાચકમિત્રો, એક જ વિનંતી તમને કરવાની. પ્લીઝ, રાતે ડુંગળી ન ખાતા. સામેવાળા પર જુલમ કરવાની પણ કોઈ હદ હોય છે!

columnists