સુનતે નહીં પર સમજતે સબ હૈ

26 September, 2019 03:02 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

સુનતે નહીં પર સમજતે સબ હૈ

માતા-પુત્રી

પાંચ ઇન્દ્રિયમાંથી જ્યારે શ્રવણેન્દ્રિય ન કામ કરતી હોય અથવા ઓછી કામ કરતી હોય ત્યારે ક્યારેય સમાપ્ત ન થનારો સન્નાટો જીવવું દુષ્કર કરી દે છે. કમ્યુનિકેશનના અભાવે વ્યવહારિક દુનિયા સાથેનો નાતો કટ થઈ જાય એ સ્વીકારવું સહેલું નથી. જોકે પડકારને પગદંડી બનાવનારા અને કુદરતે આપેલી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરનારાઓની કમી ક્યાં છે? આજે દુનિયાભરમાં ડેફ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રવણશક્તિમાં ક્ષતિ ધરાવતા અને એ દિશામાં કામ કરતા લોકો સાથે વાત કરીએ

તમે સાંભળી ન શકો એટલે તમે બોલી ન શકો અને જો સાંભળી ન શકો તેમ જ બોલી ન શકો તો બીજું તમે શું કરી શકો? આ જગત સાથે વાતચીત કરવાનું માધ્યમ જ જાણે સમાપ્ત થઈ જાય. ઇશારાથી સમજાવી શકાય એટલું જ. સાંભળવું કેટલું મહત્ત્વનું છે અને શ્રવણેન્દ્રિયની કમી કેવો સૂનકાર લાવી શકે છે એ આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઈ રહેલા અથવા જેમના સ્વજનોએ આ ગંભીર સ્થિતિનો અનુભવ કર્યો છે તેના સિવાય કોઈ નહીં કહી શકે. આજે વિશ્વભરમાં વર્લ્ડ ડેફ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે સાંભળવાની ક્ષતિ સાથે જન્મેલા કેટલાક દિવ્યાંગો અને તેમની માતા સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનના કેટલાક પડકારોની દાસ્તાન.

માતાએ કરેલી મહેનત રંગ લાવી

૧૫ વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાનારી અને બે બાળકોની મમ્મી માનસી ચિરાગ કોઠારીને જોનારી વ્યક્તિ કહી ન શકે કે તે હિયરિંગ ઇમ્પેર્ડ ચાઇલ્ડ છે. ક્રેડિટ જાય છે તેની મમ્મી નીતા શાહને. પોતાના જીવનનાં પંદરેક વર્ષ તેમણે માનસીની ઇર્દગિર્દ જ વિતાવ્યા છે. માનસી સિવાયનાં સંતાનોમાં તે ક્યાંય અળખામણી ન પડે એનું બરાબર ધ્યાન રાખનારાં નીતાબહેન કહે છે, ‘અમે તેને નૉર્મલ સ્કૂલમાં ભણાવી, નૉર્મલ બાળકો સાથે રાખી અને તેની સાથે એકદમ સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરતાં-કરતાં તેને ટ્રેઇન કરી છે જેનું આજે પરિણામ છે. મને યાદ છે જ્યારે તે ખૂબ નાની હતી ત્યારથી અમે પાર્લામાં આ બાળકો માટે ચાલતી એક સ્કૂલમાં જતાં જ્યાં ડૉ. પ્રભા ઉનડકટના માર્ગદર્શન હેઠળ જે-જે જરૂરી હતું એ બધું જ મેં દિવસરાત કર્યું છે. તેની સાથે વાતો કરવા ઉપરાંત તેને ડે ટુ ડે ઍક્ટિવિટીમાં સંપૂર્ણ સામેલ કરીને ક્યારેક જબરદસ્તીથી પણ તેને શીખવવાની કોશિશ કરી છે. મને યાદ છે કે અમે જ્યારે બધાં સાથે મળીને ફિલ્મ જોતાં તો પહેલાં તેને સ્ટોરી કહેતાં અને તે સમજે એ રીતે વચ્ચે-વચ્ચે તેને બ્રીફ કરતાં. હિયરિંગ એઇડ તેને વર્ષોથી પહેરાવ્યું હતું અને તેને બોલતાં શીખવ્યું. જોકે પહેલાં તે નાકમાંથી બોલતી. પછી એક ડૉક્ટરે તેનું હિયરિંગ એઇડ બદલાવીને તેની જરૂરિયાત મુજબનું નવું મશીન લગાવ્યું. પછી તેની વાણી પાછી ચેન્જ થઈ. અમે બળજબરીપૂર્વક તેને બોલાવતાં. તે ઇશારા કરીને પાણી માગે તો પણ તે બોલે પછી જ તેને પાણી આપતાં. આ ટ્રેઇનિંગ ખૂબ કામ લાગી. ફોટાે દેખાડીને, ફિલ્મો દેખાડીને એમ જાત જાતની રીતે તેને ટ્રેઇન કરી છે. આજે તો તે ઇશારાથી, લિપ-રીડિંગથી અને પાછળથી બોલાવો તોય બરાબર સાંભળીને વાતો કરી શકે છે. તેના બન્ને દીકરાઓએ હવે તેને સાચવી લીધી છે.’

માનસી અકાઉન્ટિંગમાં જૉબ કરે છે. તેનાં હસબન્ડ, દિયર અને ભાભીને પણ સાંભળવામાં તકલીફ થાય છે. માનસીની મમ્મીની ટ્રેઇનિંગને કારણે તે એકદમ નૉર્મલ લાઇફ જીવે છે. ક્રિકેટ અને ફિલ્મોની તે શોખીન છે. નીતાબહેન કહે છે, ‘પ્રૉપર ટ્રેઇનિંગથી જાદુઈ પરિણામ મળી શકે છે. જોકે ટ્રેઇનિંગ બાળપણમાં જ શરૂ થવી જોઈએ. સાથે બાળકમાં પણ ધગશ જન્માવવી પડે છે.’

ઇલેક્ટ્રિકલ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર તરીકે ઇન્ફોસિસમાં કામ કરે છે આ યુવક

મુંબઈથી બે મહિના પહેલાં જ પુણે શિફ્ટ થયેલા વિરાજ ઓઝા ઇલેક્ટ્રિકલ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર તરીકે પુણેમાં જૉબ કરે છે. જીવનમાં ઘણા તડકા અને છાયા વિરાજે જોયા છે. હિયરિંગ એઇડને કારણે તે ૭૫ ટકા સાંભળી શકે છે. જોકે બોલવામાં સામાન્ય લોકો કરતાં સહેજ જુદો પડે છે. જોકે એનાથી તેને કોઈ ફરક નથી પડતો. જે છે એમાંથી પોતાનો રસ્તો બનાવીને આગળ વધતા રહેવા માટે તે કટિબદ્ધ છે. વિરાજ કહે છે, ‘લગભગ ચાર વર્ષનો હતો ત્યારથી હિયરિંગ એઇડ પહેરું છું એટલે ત્યારથી સાંભળતો આવ્યો છું. મારા પેરન્ટ્સે નાનપણમાં મારી પાછળ ખૂબ જ ભોગ આપ્યો છે અને એટલે જ આટલો બધો અભ્યાસ હું કરી શક્યો છું. જોકે સમાજમાં આજે પણ અમારા જેવા લોકોને હૂંફભેર સ્વીકારવામાં નથી આવતા. એન્જિનિયરિંગ પછી જૉબ શોધવામાં મને ખૂબ તકલીફ પડી હતી. લોકો મારા ઍકૅડેમિક પર્ફોર્મન્સથી ખુશ હતા, પરંતુ જ્યારે હું વાત કરતો અને મારી સ્પીચની નબળાઈઓ તેમની સામે આવતી એટલે મને જાકારો આપવામાં આવતો. તેમની દલીલ હતી કે તું ક્લાયન્ટ સાથે કમ્યુનિકેટ નહીં કરી શકે. હું દર વખતે શીખવાની તૈયારી દેખાડતો, પરંતુ બોલવામાં પડતી તકલીફ દર વખતે આડે આવી જતી.

નાની-નાની કંપનીઓમાં અઢીથી ત્રણ વર્ષના અનુભવ પછી હવે ઇન્ફોસિસમાં જૉબ મળી છે. ખરેખર ખૂબ ખુશ છું, પરંતુ હજી તો ઘણું અચીવ કરવું છે. ખૂબ પૈસા કમાવા છે, નામ બનાવવું છે. નબળાઈ મારી ઓળખ નથી એ સાબિત કરવું છે.’

વિરાજમાં જોશ અને પૉઝિટિવ થિન્કિંગ તમને અંજાવી નાખે એવાં છે. જોકે થોડાક સમય પહેલાં થયેલા માતાના નિધનને કારણે તે દુઃખી હતો. બેશક, જીવનસફરમાં સાથ આપવા માટે જીવનસંગીનીનો સાથ તેને મળી ગયો છે.

તમે કહો એ કરી આપે એટલો ટૅલન્ટેડ છે આ યુવક

હૅપી રહેવા માટે કાર ચલાવું, બાઇક ચલાવું, મિત્રોને મળું, ફૅમિલી બિઝનેસ સંભાળું.

૧૯૮૧માં જન્મેલા અને પ્રાર્થના સમાજમાં રહેતા મેહુલ ચોલેરાના આ શબ્દો છે. બધી જ રીતે ટૅલન્ટેડ મેહુલ હિયરિંગ એઇડ પછીયે સાંભળવામાં સહેજ તકલીફ ભોગવે છે. જોકે એ તકલીફ તેના જોમ, જુસ્સા અને સક્રિયતાને નડતી નથી. લિપ-રીડિંગમાં માસ્ટર થઈ ગયો હોવાને કારણે કમ્યુનિકેશન તે સરસ રીતે કરી શકે છે. મેહુલનાં મમ્મી બીનાબહેન કહે છે, ‘દિવાળીમાં મેહુલનો જન્મ થયેલો. એ સમયે ફટાકડાના અવાજથી તે પ્રભાવિત નહોતો થતો ત્યારે જ અમને સમજાઈ ગયું કે તેને સાંભળવામાં તકલીફ છે. મેહુલ પ્રોફાઉન્ડ ડેફ છે. બહેરાશની ત્રણ કૅટેગરીમાંથી સૌથી વધુ સિવિયર અવસ્થા કહી શકાય એને. શરૂઆતની ટ્રેઇનિંગને કારણે સ્પીચ થેરપી અને લિપ-રીડિંગમાં તે પારંગત થઈ ગયો. જોકે એ પછીયે હિયરિંગ એઇડની ધારી અસર તેને નથી મળી. જોકે તેના ઉછેરમાં અમે કોઈ કસર નથી છોડી અને ડેડિકેશનમાં પણ ચડિયાતો છે. તેના દુનિયાભરના ફ્રેન્ડ્સ છે. ગ્રૅજ્યુએટ થયો છે. કમ્યુટર, ડ્રાઇવિંગ, સ્વિમિંગ એમ બધું જ તેને આવડે છે. અમારા બિઝનેસમાં તે ઍક્ટિવલી ભાગ લે છે. બૅન્કિંગનાં કામો જાતે કરે છે. તે ખૂબ સેન્સિટિવ છે. આપણા કરતાં દિવ્યાંગ બાળકોની સેન્સિટિવિટીનું લેવલ ખૂબ વધારે હોય છે. તેઓ લાગણીશીલ હોવાને કારણે તેમની સાથેના વ્યવહારમાં સમાજના લોકોએ વધુ સભાન રહેવું જોઈએ એવું મને લાગે છે.’

નિષ્ણાત શું કહે છે?

બહેરાશને દૂર કરવામાં હવે ટેક્નૉલૉજી ખૂબ આગળ નીકળી ગઈ છે એ વિશે વાત કરતાં ઑડિયોલૉજિસ્ટ દેવાંગી દલાલ કહે છે, ‘સૌથી પહેલાં તો હું મારા ૨૮ વર્ષના અનુભવ પરથી કહું છું કે કોઈ પણ બાળક ઓછામાં ઓછું પાંચથી દસ ટકા તો સાંભળી જ શકતું હોય. સંપૂર્ણ ડેફ ભાગ્યે જ કોઈ હોય છે. જોકે સાંભળવાની કૅપેસિટી અને ક્વૉલિટી જુદી-જુદી હોય છે. અત્યારે સૌથી સારી બાબત એ છે કે આ હિયરિંગ એઇડ હવે ડિજિટલ અને વધુ ઍક્યુરેટ થયાં છે. બાળકની નીડ મુજબનું હિયરિંગ એઇડ અપાય તો તે ઘણા અંશે સાંભળી શકે છે. જોકે સાંભળીને બોલતાં શીખાય અને નાનપણથી જ સાંભળ્યું ન હોવાને કારણે આ બાળકોને બોલવામાં પ્રૉબ્લેમ થતો હોય છે. એટલે જ પહેલેથી ચેતીને તેમને સાંભળવાનાં મશીન અપાય તો તેઓ ગ્રોઇંગ સમયમાં સામાન્ય બાળકની જેમ જ આગળ વધી શકે છે. આ બાબતે પેરન્ટ્સમાં અવેરનેસ લાવવાની ખાસ્સી જરૂરિયાત છે.’

columnists