મૈં શાયર તો નહીં...

10 August, 2022 03:51 PM IST  |  Mumbai | Rashmin Shah

પપ્પા આનંદ બક્ષીની ડાયરી, તેમની સાથે થયેલી અને પોતે ઑબ્ઝર્વ કરેલી વાતો સાથે રાકેશ આનંદ બક્ષીએ લખેલી ‘નગ્મેં કિસ્સે બાતેં યાદેં’માં આ મહાન ગીતકારની એવી-એવી વાતો છે કે એ વાંચતી વખતે એવું જ લાગે જાણે કે તમે બક્ષીસાહેબની બાયોપિક જુઓ છો.

મૈં શાયર તો નહીં...

આ માણસે માને ક્યારેય જોઈ નહોતી અને એ પછી પણ તેમણે મા ઉપર વીસથી વધુ એવાં સૉન્ગ્સ આપ્યાં જે સાંભળતી વખતે તમારી આંખમાં આંસુ આવ્યા વિના રહે નહીં. સક્સેસફુલ ગીતકાર બન્યા એ પહેલાં જ મૅરેજ કરી લીધાં એટલે ક્યારેય ટીનએજ કે યંગએજનો પ્રેમ જોયો જ નહીં અને એ પછી પણ તેમણે બે હજારથી વધારે રોમૅન્ટિક સૉન્ગ્સ લખ્યાં. ક્યારેય કોઈએ તેમના કૅરૅક્ટર માટે એક હરફ સુધ્ધાં નબળો ઉચ્ચાર્યો નથી અને એ પછી પણ તેમણે લખેલું ‘બૉબી’નું ગીત ‘હમ તુમ એક કમરે મેં બંધ હો, ઔર ચાબી ખો જાએ...’ ગીત છોકરીઓને છેડવા માટે ઑલમોસ્ટ બે દશક સુધી ગવાતું રહ્યું. આનંદ બક્ષી. ચાર હજારથી વધારે ગીતોના રચયિતા અને એ પછી પણ પોતે જ કહે, મૈં શાયર તો નહીં... 

આનંદ બક્ષીની ‘નગ્મે કિસ્સે બાતેં યાદેં’ બુકના ઑફિશ્યલ ઑથર તેમના જ દીકરા રાકેશ આનંદ બક્ષી છે પણ તેમણે કહ્યું છે કે આ બુકમાં મને પપ્પાએ કહેલા કિસ્સાઓથી માંડીને શરૂઆતના તબક્કે તેમણે લખેલી ડાયરી અને બીજા લોકોની સાથે થયેલી વાતો ખૂબ કામ લાગી છે, જેને મેં મહદ્ અંશે એમ ને એમ જ રહેવા દીધી છે. રાકેશ બક્ષી પોતે પપ્પાને એક તબક્કે બાયોગ્રાફી લખવા માટે બહુ કહેતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર સાડાત્રણ દશક સુધી એકલા હાથે રાજ કરીને બૉલીવુડનાં ગીતોની આખી વ્યાખ્યા બદલી નાખનારા આનંદ બક્ષી પોતે બહુ શરમાળ સ્વભાવના હતા, જેને લીધે તેમની પર્સનલ લાઇફ વિશે ભાગ્યે જ લોકોને ખબર હતી. ‘નગ્મે કિસ્સે બાતેં યાદેં’ આનંદ બક્ષીની લાઇફમાં ડોકિયું કરાવે છે અને એક સર્જકનું જીવન કેવું હોય છે એ એકદમ સહજ રીતે કહી જાય છે. જાવેદ અખ્તરે આનંદ બક્ષી માટે કહ્યું હતું, ‘બક્ષીના શબ્દોમાં સાદગી હતી અને તેમનાં ઇમોશન્સમાં ઊંડાઈ હતી. આ સાદગી અને ઊંડાઈ આજે કોઈ ગીતકાર પાસે રહ્યાં નથી.’
વાંચો બધા દિલથી... | સામાન્ય રીતે એવું બનતું હોય છે કે હાર્ડ કૉપીની સરખામણીએ સૉફ્ટ કૉપીની કિંમત થોડી ઓછી હોય, પણ રાકેશ આનંદ બક્ષીએ ‘નગ્મે કિસ્સે બાતેં યાદેં’ની સૉફ્ટ કૉપી પોતે જ ઇન્ટરનેટ પર ફ્રીમાં મૂકી દીધી. હેતુ તેમનો માત્ર એક હતો કે જેમ બક્ષીસાહેબનાં ગીતો કરોડો લોકો સુધી પહોંચ્યાં એવી જ રીતે તેમના જીવનની વાતો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકો એ માણે.

૨૦૦૨માં હાર્ટ સર્જરી પછી બૉડીમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતાં મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરના કારણે આનંદ બક્ષીનો દેહાંત થયો. બક્ષીસાહેબના અવસાન પછી ‘મેહબૂબા’ અને ‘મુઝસે દોસ્તી કરોગે!’નાં ગીતો રિલીઝ થયાં.

બક્ષીસાહેબના દેહાંત પછી રાકેશ બક્ષીના મનમાં રહેલો પપ્પાની બાયોગ્રાફીનો વિચાર બળવત્તર બન્યો અને તેમણે એના પર કામ શરૂ કર્યું.

સ્ટોરી શૉર્ટકટ

‘નગ્મે કિસ્સે બાતેં યાદેં’માં આનંદ બક્ષીના એ જીવનની વાત કરવામાં આવી છે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું. રાવલપિંડીમાં જન્મેલા આનંદ બક્ષી ત્રણેક મહિનાના હતા ત્યારે જ તેમનાં મમ્મીનું અવસાન થયું અને એ પછી બક્ષીસાહેબનાં દાદા-દાદીએ જ તેમને મોટા કર્યા. બક્ષીસાહેબને નાનપણથી ફિલ્મોનો જબરદસ્ત શોખ હતો. દાદા અને પપ્પા બન્ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલે ફૅમિલીમાં જ નહીં, બહાર પણ તેમના નામનો રોફ જબરદસ્ત હતો, જેને લીધે આનંદ બક્ષી નાનપણમાં માને બહુ મિસ કરતા.

ફૅમિલીના પ્રેશર વચ્ચે આનંદ બક્ષીએ બ્રિટિશરો હસ્તકની ઇન્ડિયન નેવી જૉઇન કરી અને નેવીમાં થયેલા બળવામાં સક્રિય ભાગ પણ ભજવ્યો. જો દાદા અને પપ્પાની શાખ બ્રિટિશ ગવર્નમેન્ટમાં વગદાર ન હોત તો ચોક્કસ બક્ષી સામે આકરાં પગલાં લેવાયાં હોત, પણ એવું થયું નહીં અને સામાન્ય કાર્યવાહી કરી તેમને છોડી મૂકવામાં આવ્યા.

આ તમામ સમયગાળા દરમ્યાન તેમને ગીતો લખવાનો જબરદસ્ત શોખ હતો. તે ગીતો લખતા અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પણ મોકલતા. પોતાનું આખું નામ બક્ષી આનંદપ્રકાશ વૈદ લખવાને બદલે તેઓ પોતાની કવિતા સાથે આનંદ બક્ષી જ લખતા, જે તેમણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ કન્ટિન્યુ કર્યું. આઝાદી પછી પાકિસ્તાનથી દિલ્હી આવ્યા અને દિલ્હીથી મુંબઈ આવી તેમણે ગીતકાર તરીકે સ્ટ્રગલ શરૂ કરી, જે સ્ટ્રગલના અંતે તે બૉલીવુડના સૌથી પૉપ્યુલર ગીતકાર તરીકે ઊભરી આવ્યા. આનંદ બક્ષીએ માત્ર સાત જ મિનિટમાં કોઈ ગીત લખ્યું હોય તો એ સૉન્ગ હતું ફિલ્મ ‘અમરપ્રેમ’નું ‘ચિંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે...’

columnists Rashmin Shah