નામ ગુમ જાએગા, ચેહરા યે બદલ જાએગા, મેરી આવાઝ હી પેહચાન હૈ, ગર યાદ રહે

24 July, 2022 07:21 PM IST  |  Mumbai | Rajani Mehta

૨૦૦૭ની ૩ મેની સાંજે અમે સંગીતકાર આર. ડી. બર્મનની યાદમાં એક કાર્યક્રમ ‘યે શામ મસ્તાની’નું આયોજન કર્યું ત્યારે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા હું તેમના અંધેરીના નિવાસસ્થાને ગયો

નામ ગુમ જાએગા, ચેહરા યે બદલ જાએગા, મેરી આવાઝ હી પેહચાન હૈ, ગર યાદ રહે

ઘણા સમયથી ઉપયોગ કર્યો ન હોવાથી એક દિવસ સાફસફાઈ માટે કબાટમાંથી ટેપરેકૉર્ડર બહાર કાઢ્યું ત્યારે મેં જોયું કે ચારે તરફ કીડીઓની હારમાળા વીંટળાઈ ગઈ છે. મનમાં શક ગયો કે સંગીત સાંભળતાં મીઠાઈ ખાવાની મારી (કુ)ટેવને કારણે એકાદબે દાણા ટેપરેકૉર્ડરની અંદર ગયા હશે. કૅસેટ બહાર કાઢીને જોયું તો ભૂપિન્દર સિંહની ગઝલોની કૅસેટ હતી. આજુબાજુ ફરતી કીડીઓની હાજરીનું રહસ્ય હવે સમજાયું. તેમના અવાજની મીઠાશથી સૃષ્ટિનો કયો જીવ અલિપ્ત રહી શકે?
મખમલી સ્વરના માલિક ભૂપિન્દર સિંહની ગાયકીનું સાચું મૂલ્યાંકન કરવા માટે જ આ પંક્તિઓ લખાઈ હશે એમ લાગે છે... 
ઉન્હેં ગાને કા શૌક હૈ ઔર શૌક-એ-ઇબાદત ભી
નિકલતી હૈં ઉનકી ઝુબાં સે ગઝલેં દુવાંયે બનકર
સંગીતને પૂજા માનતા આ કલાકારના સ્વરમાં નીકળતી હરેક ગઝલ ઈશ્વરની આરાધના હતી. ૨૦૨૨ની ૧૮ જુલાઈએ તેઓ સ્વર્ગસ્થ નહીં, ગઝલસ્થ થયા એમ કહેવું યોગ્ય રહેશે. તલત મેહમૂદની સુરીલી વિરાસતનો અહેસાસ કરાવનાર ગઝલગાયક અને પ્લેબૅક સિંગરની વિદાય સંગીતપ્રેમીઓ માટે એટલા માટે વસમી છે કે તેમની પ્રતિભાની નજીક આવે એવો કલાકાર મળવો મુશ્કેલ છે. હું નસીબદાર છું કે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે અમે બે કાર્યક્રમોનું આયોજન કર્યું જેમાં તેઓ ઉપસ્થિત હતા. એ દરમ્યાન તેમની સાથે મુલાકાત થઈ અને એક મુલાયમ વ્યક્તિત્વનો પરિચય થયો. 
૨૦૦૭ની ૩ મેની સાંજે અમે સંગીતકાર આર. ડી. બર્મનની યાદમાં એક કાર્યક્રમ ‘યે શામ મસ્તાની’નું આયોજન કર્યું ત્યારે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા હું તેમના અંધેરીના નિવાસસ્થાને ગયો. તેમની ગાયકીનો હું કાયલ છું એટલે તેમની ઘણી લાઇવ કૉન્સર્ટ માણી છે. મિત્ર કિસન વ્યાસ સાથે વર્ષો પહેલાં તેમની સાથે બે-ત્રણ મુલાકાત થઈ હતી. સ્વભાવના એટલા સરળ કે જ્યારે ટેલિફોન પર સંસ્થાનો પરિચય આપીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી કે તરત તેમણે સંમતિ આપી દીધી (આ માટે ‘સંકેત’ના ઇતિહાસમાં મહેમાન તરીકે આવેલા સંગીતની દુનિયાના ધુરંધરોની યાદીનો મોટો ફાળો છે એ એકરાર કરવો જ પડે). એ દિવસે લગભગ બે કલાકનો સંગીતમય સત્સંગ થયો અને પંચમદા સાથેની તેમની આત્મીયતાના અનેક કિસ્સા જાણવા મળ્યા. 
કાર્યક્રમ માટે તેમણે ખાસ વિનંતી કરી કે હું મારી મેળે સમયસર આવી જઈશ, કોઈને મોકલવાની તકલીફ ન લેશો. કાર્યક્રમનાં ગીતોનું લિસ્ટ જોઈને તેમણે રાજીપો વ્યક્ત કર્યો કે મોટા ભાગના કાર્યક્રમમાં પંચમદાનાં ‘ફાસ્ટ સૉન્ગ્સ’ રજૂ થાય છે. અહીં તમે ‘સૉલફુલ સૉન્ગ્સ’ સામેલ કરીને સંગીતકારને પૂરતો ન્યાય આપ્યો છે. તેમનું અભિવાદન થયા બાદ પંચમદાને યાદ કરીને તેમણે અનેક કિસ્સા શૅર કર્યા. સૌથી રોમાંચક ઘડી ત્યારે આવી જ્યારે વિખ્યાત સેક્સોફોન કલાકાર મનોહરી સિંહની વિનંતીને માન આપીન તેમણે ‘બિતી ના બિતાઇ રૈના’ અને ‘દિલ ઢૂંઢતા હૈ’ની રજૂઆત કરી. અમે મળ્યા ત્યારે કહ્યું કે ગીત ગાવાનો આગ્રહ ન કરતા. લોકો ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે અને પછી ગીતો ગવડાવે છે એ યોગ્ય નથી. મેં કહ્યું એવું નહીં થાય. ગીત ગાયા બાદ મેં આભાર માન્યો તો કહે, ‘આપને ઇતના સુરીલા માહોલ ખડા કિયા હૈ કિ મૈં સોચતા થા કિ મુઝે કોઈ મૌકા મિલે.’ આવી નિખાલસતા બહુ ઓછા કલાકારોમાં હોય છે. 
 ઈશ્વરકૃપાથી ‘સંકેત’માં જેકોઈ કલાકારો આવે છે તેઓ એટલા પ્રસન્ન થાય છે કે એ ખુશીની પળે હું તેમની પાસે એક બીજા કાર્યક્રમનું પ્રૉમિસ લઈ લઉં છું (આને લોભ કહેવો કે સંગીતની વાસના; એ નક્કી કરવાનું કામ તમારા પર છોડું છું. પરિણામસ્વરૂપ અમને મન્ના ડે, શિવકુમાર શર્મા, અનુપ જલોટા, શંકર મહાદેવન, અમીન સાયાની અને બીજા અનેક કલાકારોના અલભ્ય કાર્યક્રમ એકથી વધુ વાર માણવા મળ્યા છે). ત્યાં જ મેં ભવિષ્યમાં એક કાર્યક્રમ માટે તેમની મંજૂરી મેળવી લીધી. મને કહે, ‘આપ ઔર ઑડિયન્સ, દોનોં સમઝદાર હૈ. જિસ તરહ સે આપને કમ્પેરિંગ કિયા, મૈં દાદ દેતા હૂં. આજકલ સ્ટેજ પર જોક્સ ઔર જુમલેબાજી સુનને મિલતી હૈ. અચ્છે ગાને બજાને કો સુનનેવાલા ઑડિયન્સ મિલના આજકલ મુશ્કિલ હો ગયા હૈ.’ કાર્યક્રમ બાદ તેમની સાથે સારો ‘રેપો’ બંધાયો. તેમના અમુક કાર્યક્રમમાં મને ખાસ આમંત્રણ આપ્યું.    
૨૦૧૦ની ૧૨ જૂને અમે ‘દિલ ઢૂંઢતા હૈ’ કાર્યક્રમનું આયોજન કર્યું. એ માટે અમારી મુલાકાત તેમના બાંદરાના ઘરે થઈ હતી. એ મુલાકાતમાં મને કહે, ‘તમારી પાસે દિગ્ગજ સંગીતકારોના અનેક કિસ્સા છે એની વાત કરો.’ એ દિવસે તેમની અનોખી ‘સેન્સ ઑફ હ્યુમર’નો પરિચય થયો. મને કહે, ‘ઝીણી આંખો અને સિંહ નામને કારણે લોકો મને નેપાલી સમજે છે. હું કહું છું કે આંખો ઝીણી હોય તો ઓછું ખરાબ જોવાય.’ (વાસ્તવમાં ભૂપિજી ‘મોના’ સરદાર છે, જેઓ દાઢી-મૂછ નથી રાખતા.) તેમના જેવા મહાન કલાકાર કેટલા ‘કૅરિંગ’ અને ‘ડાઉન ટુ અર્થ’ છે એનો અનુભવ એ દિવસોમાં થયો. બન્યું એવું કે કાર્યક્રમની નિમંત્રણપત્રિકા હાથોહાથ પહોંચાડવી એવો મારો આગ્રહ હતો. મને કહે એવી ફૉર્માલિટીની જરૂર નથી, પરંતુ હું માન્યો નહીં. સાંજે ૬ વાગ્યે તેમના ઘરે મળવાનું નક્કી કર્યું. એ દિવસે બપોરે ૪ વાગ્યે હું મલાડમાં પાર્થિવ ગોહિલના ઘરે હતો. મેં લૅન્ડલાઇન પરથી તેમના મોબાઇલ પર કહ્યું, ‘હું ૬ વાગ્યે ઘરે પહોંચું છું.’ એ દિવસોમાં મારી પાસે મોબાઇલ નહોતો (શબાના આઝમી મને ‘મૅન વિધાઉટ મોબાઇલ’ કહીને બોલાવે). મારા નીકળ્યા બાદ તેમનો પાર્થિવના ઘરે ફોન આવ્યો. એટલું કહેવા કે મારે બાંદરા નહીં, અંધેરી પહોંચવાનું છે. બાંદરા પહોંચીને પબ્લિક ફોનમાંથી તેમને ફોન કર્યો તો માફી માગતાં કહે, ‘સૉરી, આપકો કહના ભૂલ ગયા કિ મૈં અંધેરી મેં હૂં. આપકો તકલીફ હુઇ, મુઝે બહુત બૂરા લગતા હૈ.’    
તેમના અંધેરીના નિવાસસ્થાને રિહર્સલ થયું ત્યારે હું હાજર હતો. ખૂબ આત્મીયતાથી તેમણે મારી સરભરા કરી એ મારા જીવનનું અમૂલ્ય સંભારણું છે. એટલું જ નહીં, તેમણે મારા તરફથી ગુલઝારને ફોન કરીને કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાની વિનંતી કરી. સંજોગવશાત્ તેઓ બહારગામ જવાના હતા, એટલે એ શક્ય ન બન્યું. એ કાર્યક્રમમાં ભૂપિન્દર અને મિતાલી સિંહે તેમના સ્વરમાં અદ્ભુત ગઝલો રજૂ કરી. મારા સૂચનને માન આપીને મિતાલીએ પ્રશ્નોત્તરી સાથે સંચાલન કર્યું અને જવાબમાં ભૂપિજી તેમની જીવનકથની કહેતા ગયા. કાર્યક્રમના અંતમાં બન્નેએ પ્રેક્ષકોનો આભાર માનતાં, વંદન કરીને કહ્યું કે ‘આજનો આ કાર્યક્રમ અમારા જીવનના ઉત્તમ કાર્યક્રમોમાંનો એક છે. એ બદલ અમે તમારો ઋણસ્વીકાર કરીએ છીએ.’ 
ભૂપિન્દર સિંહ એક એવા કલાકાર હતા જેમણે કદી જાત સાથે સમાધાન નહોતું કર્યું. મને કહે, ‘છેલ્લાં થોડાં વર્ષોથી મેં પ્લેબૅક સિન્ગિંગ બંધ કર્યું એનો મને કોઈ અફસોસ નથી. લોકો કહે છે કે સમય સાથે બદલાવું જોઈએ, પરંતુ મને હાલની સંગીતની સ્ટાઇલ માફક નથી આવતી. સંગીતકાર કારણ વગર મુરકીઓ લેવાનું કહે, ખોટાં ‘વેરીએશન્સ’ બતાવે એ મને ફાવતું નથી. એમ કહી શકો કે આજના સંગીત માટે મારામાં યોગ્યતા નથી. ગીતોમાં કવિતા નથી, કેવળ જોડકણાં છે. જે કામ કરવાથી દિલને સુકૂન ન મળે એ શા માટે કરવું? મને પૈસાનો મોહ નથી. સમાધાન કરીને કહેવાતી સફળતા મેળવવી એ મારા સ્વભાવમાં નથી. હું એ અહેસાસ સાથે જીવવા માગું છું કે મારા અસ્તિત્વ સાથે મેં કોઈ બેઇમાની નથી કરી. મને લાઇવ શોઝ એટલા માટે ગમે છે, જ્યાં હું સંગીતપ્રેમીઓનાં સ્પંદનોને અનુભવી શકું છું. તેમનો પ્રતિભાવ મારી ચેતનાને જીવંત રાખે છે.’
ભૂપિજીની ગાયકીમાં દર્દની આહટની સુરીલી રજૂઆત કરવાની કાબેલિયત હતી. કોઈકે સાચું કહ્યું હતું, ‘His voice is everyone’s heartache.’ જે વ્યક્તિ પોતાના પ્રિય પાત્રને ચાતકની જેમ ઝંખતી હોય તેને જ આ ગીતોમાં સુકૂન મળે. તેમના સ્વરમાં તમે ‘Romance, Nostalgia, soothing, caressing, soulful sentiments એ દરેક સંવેદના એકસાથે અનુભવી શકો. અમેરિકામાં મોડી રાતે આ લખું છું ત્યારે અહીંની નીરવ શાંતિમાં તેમની વિદાયનો વિષાદ એક શાંત કોલાહલ બનીને મને બેચેન કરી નાખે છે. આ ક્ષણે જીવંત થાય છે વર્ષો પહેલાંની એક રાત, જ્યારે ચોપાટીના ભવન્સ ઑડિટોરિયમમાં તેમણે રાવજી પટેલની અમર રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ની રજૂઆત કરીને આવી જ અનુભૂતિ કરાવી હતી. આ લેખ લખતાં મારી હાલત તેમના ગીત જેવી જ છે; ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન, બૈઠે રહે તસ્સવૂર-એ-જાના કિયે હુએ.’ (મૌસમ). 
૧૯૪૦ની ૬ ફેબ્રુઆરીએ અમ્રિતસરમાં તેમનો જન્મ થયો. પિતા પ્રોફેસર નાથા સિંહ સંગીતના જાણકાર હતા. શરૂઆતમાં સંગીતથી દૂર ભાગતા ભૂપિન્દર સિંહ બાદમાં હાર્મોનિયમ શીખ્યા અને ધીરે-ધીરે ગાયકીમાં મહારત મેળવી. અમ્રિતસર ઑલ ઇન્ડિયા રેડિયો પર કામ મળ્યું. ત્યાર બાદ દિલ્હી દૂરદર્શન પર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. એ દરમ્યાન ગિટાર પણ શીખ્યા. દૂરદર્શનના ડાયરેક્ટર સતીશ ભાટિયાને (‘ગીત ગાયા પત્થરોંને’ના સંગીતકાર) ઘરે એક પાર્ટીમાં સંગીતકાર મદન મોહને તેમની ગાયકી સાંભળી અને મુંબઈ બોલાવ્યા. ૧૯૬૨માં ‘હકીકત’માં મોહમ્મદ રફી, તલત મેહમૂદ, મન્ના ડે સાથે ભૂપિન્દર સિંહે ‘હો કે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા’ કારકિર્દીનું પહેલું ફિલ્મ ગીત રેકૉર્ડ કર્યું. 
એ દિવસોમાં તેઓ એક ગિટાર-પ્લેયર તરીકે મ્યુઝિશ્યન બની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા. કિશોરકુમારના સ્ટેજ-શોમાં મેં તેમને ગિટારિસ્ટ તરીકે અનેક વાર માણ્યા છે. સમય જતાં તેમનું નામ થયું. સંગીતકાર નૌશાદે મને કહ્યું હતું કે ‘તેમના જેવો ગિટારિસ્ટ મળવો મુશ્કેલ છે. ફિલ્મ ‘કાદંબરી’ના (ઉસ્તાદ વિલાયત ખાનની સંગીતકાર તરીકેની પહેલી અને આખરી ફિલ્મ) ‘અંબર કી એક પાક સુરાહી’માં તેમનું અદ્ભુત ગિટારવાદન કોણ ભૂલી શકે?’
એક કાબેલ ગિટારિસ્ટ તરીકે તેમના હાથની કમાલ સાંભળવી હોય તો થોડાં ગીતો યાદ કરાવું...
‘દમ મારો દમ’ (હરે કૃષ્ણ હરે રામ - આર. ડી. બર્મન)
‘વાદિયાં મેરા દામન, રાસતે મેરી બાહેં’ (અભિલાષા - આર. ડી. બર્મન)
‘ચૂરા લિયા હૈ તુમને જો દિલ કો’ (યાદોં કિ બારાત - આર. ડી. બર્મન)
‘ચિનગારી કોઈ ભડકે’ (અમર પ્રેમ - આર. ડી. બર્મન)
‘મહેબૂબા, મહેબૂબા’ (શોલે - આર. ડી. બર્મન)
‘તુમ જો મિલ ગયે હો’ (હંસતે ઝખમ - મદન મોહન)
ફિલ્મ ‘હકીકત’ના ગીત બાદ સંગીતકાર ખૈયામે ‘આખરી ખત’માં એક ગીત ભૂપિન્દર સિંહના અવાજમાં રેકૉર્ડ કર્યું હતું, ‘ઋત જવાં જવાં, રાત મહેરબાં.’ આ ગીત ફિલ્મમાં ભૂપિન્દર સિંહ પર જ પિક્ચરાઇઝ થયું છે જેમાં તેઓ હોટેલમાં ગિટાર વગાડતાં ગીત ગાય છે (તેઓ મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતના થોડા દિવસ હોટેલમાં ગાતા હતા). 
એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા)માં સંગીતમાં માસ્ટર્સ કરતાં મિતાલી સિંહની એક કાર્યક્રમમાં ભૂપિન્દર સિંહ સાથે ઓળખાણ થઈ. પરિચય પ્રણયમાં પરિણમ્યો. બન્નેએ લગ્ન કર્યાં અને પંજાબના પ્રહરી અને બંગાળની બુલબુલનું સુમધુર મિલન થયું. આ સુરીલી જોડીને ‘મ્યુઝિકલ કપલ’ને બદલે ‘મ્યુઝિકલ કપલેટ’ કહેવું મને યોગ્ય લાગે છે. બન્નેએ એકમેકનાં પૂરક બનીને અગણિત મહેફિલોને સંગીતથી સજાવી છે. 
ભૂપિજીની યાદોનું લિસ્ટ કરવા બેસીએ તો ‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, ગુઝરતે વક્ત કી હર મૌજ ઠહર જાયેગી’ (બાઝાર) જેવી હાલત થાય. ઓછાબોલા અને એકાંતપ્રિય ભૂપિજી કોઈક વાર પોતાની એકલતાની ફરિયાદ કરતાં કહે, ‘એક અકેલા ઇસ શહર મેં, રાત મેં ઔર દોપહર મેં, આબોદાના ઢૂંઢતા હૈ, આશિયાના ઢૂંઢતા હૈ’ (ઘરોંદા) ત્યારે તેમનું જ બીજું એક ગીત ‘કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા’ આપણા હોંસલાને બુલંદ કરે છે. મૂળ તેમનો પિંડ પીડાનો. વિરહની વેદના સતાવે ત્યારે એને વ્યક્ત કરતાં કહે, ‘બીતી ના બિતાઇ રૈના, બિરહા કી જાઈ રૈના’ (પરિચય) પરંતુ સાથે આશાવાદી એટલા જ, એટલે જ જીવનને આવકરતાં કહે, ‘ઝિંદગી, ઝિંદગી, મેરે ઘર આના’ (દૂરિયાં). 
રવીન્દ્રનાથ ટાગોર કહેતા, ‘સારો ચહેરો એ ઈશ્વરનો ભલામણપત્ર છે.’ ભૂપિજી પાસે તો સુંદર ચહેરા સાથે સુરીલો અવાજ પણ હતો. કાળની કરચલીઓ ત્વચા પર પડે છે, સ્વર પર નહીં. ૮૨ વર્ષની આયુ સુધી તેમણે સતત સૂરમાં ગાયું. કોઈ ગમે તે કહે, આમ પણ ‘હૈ સબસે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સૂર મેં ગાતે હૈં’ (પતિતા – શૈલેન્દ્ર–તલત મેહમૂદ) એ માપદંડ અનુસાર ભૂપિન્દર સિંહનાં દર્દીલાં ગીતો સંગીતપ્રેમીઓ માટે ‘બોલિયે સુરીલી બોલિયાં’ (ગૃહપ્રવેશ) જેવાં મીઠાં-મધુરાં રહેવાનાં.

columnists rajani mehta