સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

28 November, 2021 02:01 PM IST  |  Mumbai | Rajani Mehta

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે પદ્‍મભૂષણ અવૉર્ડ સ્વીકારી રહેલા મન્ના ડે (જમણે) અને તેમના ઘરમાં ગોઠવેલા અવૉર્ડ્સની ટ્રૉફીઓ સાથે.

આત્મકથાના અંતિમ પડાવ પર મન્નાદા કહે છે, ‘જીવનભર હું મારી જાતને એક પ્રશ્ન પૂછતો આવ્યો છું કે ‘મારાં ગીતો દ્વારા ચાહકોના ચેતનાતંત્રને હું કઈ રીતે સ્પર્શી શક્યો? મારી કારકિર્દીની શરૂઆતમાં મેં કદી સપનામાંય વિચાર્યું નહોતું કે મારી ગાયકીને ચાહકો દિલોજાનથી પસંદ કરશે. અનેક શ્રોતાઓ કહે છે કે નાનપણથી તમારાં ગીતો સાંભળીને  અમારા જીવનનું ઘડતર થયું છે ત્યારે મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી જડતા. લોકો કહે છે કે મારાં ગીત તેમને માટે જીવનના પ્રેરણાસ્રોત છે ત્યારે હું ગદ્ગદ થઈ જાઉં છું.  મારા પ્રશંસકો જે કહે છે એમાંની એક ટકો વાત સાચી હોય તો પણ હું મારી જાતને નસીબદાર માનીશ. તેમની વાતોથી મને અહેસાસ થાય છે કે મારો જન્મારો સફળ થયો. સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ. 
અનેક કિસ્સા યાદ આવે છે. નાગપુરમાં દુર્ગાપૂજાનો એક કાર્યક્રમ હતો. હોટેલમાં હું બપોરની ચા પીતો હતો ત્યાં એક ભાઈ મને મળવા આવ્યા. કોઈ મલ્ટિનૅશનલ કંપનીમાં તેઓ મોટા હોદ્દા પર હતા. સંગીતની ઊંડી સમજ હતી. તેમની સાથે વાતો કરવાની મજા આવી. જતાં પહેલાં તેમણે બીજા દિવસે ચા-પાણી માટે આમંત્રણ આપ્યું. 
મારા આયોજકે મને જણાવ્યું કે એ ભાઈ છેલ્લાં ૧૫ વર્ષથી એકલા રહે છે. બીજા દિવસે તેમના ઘરે પહોંચ્યો. વિશાળ ઘર ખૂબ આર્ટિસ્ટિક રીતે સજાવેલું હતું. ડ્રૉઇંગરૂમમાં રેકૉર્ડ્સ અને કૅસેટ્સ સરસ રીતે વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. તેમણે પોતાની પત્નીનો વિશાળ ફોટો બતાવીને તેની  સાથે ગાળેલા લગ્નજીવનની વાતો શૅર કરી. પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે જ્યારથી તેમની પત્નીનો દેહાંત થયો છે ત્યારથી તેઓ ખૂબ એકલતા અનુભવે છે. આટલા વિશાળ ઘરમાં જો કોઈ સહારો હોય તો કેવળ પત્નીની યાદોનો છે. તેમને વિશ્વાસ હતો કે પત્નીનો આત્મા હજી ઘરમાં હાજર છે. એટલે રાતે મારાં ગીતો દ્વારા તેની સાથે તેઓ સંવાદ કરે છે. વહેલી સવાર સુધી તેઓ મારાં ગીતોની રેકૉર્ડ અને કૅસેટ્સ વગાડીને પત્નીની હાજરીનો અહેસાસ કરે છે. ખૂબ ભાવુક થઈને તેમણે મને કહ્યું, ‘દાદા, તમારાં ગીત ન હોત તો હું મારી પત્ની સાથે કઈ રીતે સંપર્કમાં રહી શકત? મારો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરી શકત?’ તેમની મારા સંગીત પ્રત્યેની ભક્તિ અને પત્ની પ્રત્યેનો પ્રેમ હું અનુભવી રહ્યો હતો. 
કલકત્તામાં ગાયત્રી રૉય નામની મારી એક પ્રશંસકની વાત ઓછી હૃદયસ્પર્શી નથી. નાનપણથી તે મારાં ગીતોને અનહદ ચાહતી હતી. આમ તો તેનો પૂરો પરિવાર મારાં ગીતોનો ચાહક છે. બૅન્ગલોર ગયા બાદ અમે ઘણી વાર ટેલિફોન પર વાત કરતાં. તેને એક એવી અસાધ્ય બીમારી  થઈ કે પતિના અવસાન બાદ એક મહિનામાં જ તેનું પણ મૃત્યુ થયું. છેલ્લા દિવસોમાં મારાં ગીતો તેનાં સાથી હતાં. અનહદ શારીરિક પીડા હોવા છતાં તે સતત મારાં ગીતો સાંભળતી. સમય એવો આવ્યો કે તેનો અવાજ ગયો. ઇશારાથી તે કહેતી કે ટેપરેકૉર્ડર પર મારું કયું ગીત સાંભળવું છે. એ દિવસોમાં તેણે સ્વજનો સાથે બિલકુલ નાતો તોડી નાખ્યો હતો. કેવળ મારાં ગીતો જ તેનું સર્વસ્વ હતાં. અંતિમ ઘડી સુધી તેણે મારાં ગીતોનો સાથ ન છોડ્યો. આટલું ડેડિકેશન અને ચાહત મેં આજ સુધી જોયાં નથી. હું તેનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
વર્ષો પહેલાં વેસ્ટ ઇન્ડીઝથી એક ચાહકનો ફોન આવ્યો, ‘દાદા, અમે તમારો જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું છે. અમારી ઇચ્છા છે કે તમે બન્ને અહીં આવો. પ્લીઝ, અમને નિરાશ ન કરશો.’ મેં ચોખ્ખી ના પાડી દીધી. સતત તેમના ફોન આવે અને હું ના પાડું. એક દિવસ તેમણે પ્લેનની બે ટિકિટ મોકલાવી. ચાહકોના આવા પ્રેમ આગળ અમે લાચાર હતાં. નાછૂટકે અમારે હા 
પાડવી પડી. ત્યાંના ભારતીય કુળના ચાહકોના પ્રેમ અને તેમની મહેમાનગતિથી અમે અભિભૂત થઈ ગયાં. તેમનું આમંત્રણ જો ન સ્વીકાર્યું હોત તો એ મોટી ભૂલ ગણાત.
૧૯૯૧માં મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં મારી બાયપાસની સર્જરી થઈ. વિખ્યાત કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્યની સારવાર હેઠળ હું હતો છતાં થોડો નર્વસ હતો. જ્યારે હું હૉસ્પિટલમાં ઍડ્‍મિટ થયો ત્યારે પૂરો સ્ટાફ ગેટ પર ફૂલ અને બુકે લઈને મારું સ્વાગત કરવાની રાહ જોતો હતો. મેં આવું ધાર્યું નહોતું. ત્યાંના ડૉક્ટર શેટ્ટીએ મને આવકાર આપતાં કહ્યું, ‘તમે અમારા માનવંતા મહેમાન છો. તમારાં ગીતો સાથે અમે મોટા થયા છીએ. હકીકત તો એ છે કે તમારાં ગીતોએ અમારા જીવનમાં ભારતનાં અણમોલ મૂલ્યોનું સિંચન કર્યું છે. તમે અહીં આવવાના હો તો પછી અમે અમારી ખુશી કેવી રીતે વ્યક્ત કરીએ? તમારા સંગીત થકી અમે જે પામ્યા છીએ એની સામે તો આ ભેટ કેવળ એક પ્રતીક છે.’
હૉસ્પિટલના સ્ટાફનો પ્રેમ મારા માટે મોરપીંછના સ્પર્શ જેવો હતો. ડૉક્ટર શેટ્ટી અને તેમના સાથીઓએ મને એમ ન લાગવા દીધું કે હું હૉસ્પિટલમાં છું. ઑપરેશન બાદ મેં કહ્યું, ‘તમે સૌએ કેવળ હૃદયની નહીં, બીજી અનેક બીમારીઓથી મને  મુક્તિ આપી છે.’ જ્યારે મને રજા આપી ત્યારે મેં બિલ માગ્યું. ડૉક્ટર શેટ્ટીએ બિલ મોકલાવ્યું એ જોઈને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મને જેટલી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી એ દરેકની સામે ઝીરો લખેલો હતો. ટોટલ બિલ ઝીરો હતું. એનો અર્થ એવો થયો કે તેમણે મારી સારવારનો એક પૈસો નહોતો લીધો. 
આજે મને વિચાર આવે છે કે ‘Do I deserve all the love and affection?’ હું કઈ રીતે સૌનું ઋણ ચૂકવી શકું? મારી પાસે તો કેવળ મારાં ગીત છે. શું એ પૂરતાં છે?’ મને જવાબ નથી મળતો. હું ઈશ્વરનો આભારી છું કે તેની મારા પર અસીમ કૃપા છે. આવા તો અનેક કિસ્સા છે. જો દરેક યાદ કરીને લખવા બેસું તો એક મહાગ્રંથ બને.’ 
મન્નાદાએ મુંબઈ છોડીને બૅન્ગલોરમાં વસવાટ કર્યો, પણ તેમનો જીવ મુંબઈમાં હતો. જે અપેક્ષાઓ સાથે કર્મભૂમિ મુંબઈ છોડી એ પૂરી ન થઈ એનો વસવસો તેમને હતો. અધૂરામાં પૂરું હોય એમ તેમની તબિયત પણ સાથ નહોતી આપતી. અમુક ઘટના એવી બની જેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી લાગતો. આમ પણ કલાકાર વધુપડતા સંવેદનશીલ હોય છે. કર્મનો સિદ્ધાંત માનીએ કે ન માનીએ, તટસ્થભાવે જોઈએ તો જે પીડા ભોગવવાની હોય એ સહન કરવી જ પડે છે. સેલિબ્રિટીના જીવનની અંગત ઘટનાઓ ન્યુઝપેપરની હેડલાઇન બનતી હોય છે. મને એ વાતોનો ઉલ્લેખ કરવાનું ગમતું નથી. મન્નાદાએ આ ગીત રેકૉર્ડ કર્યું હશે ત્યારે વિચાર્યું નહીં હોય કે પાછલી જિંદગીમાં શબ્દશઃ એવી અનુભૂતિ કરવી પડશે.  
જીવન સે લંબે હૈ બંધુ
યે જીવન કે રસ્તે 
ઇક પલ થમ કે રોના હોગા
ઇક પલ ચલના હસ કે 
(આશીર્વાદ – વસંત દેસાઈ – ગુલઝાર)
મન્નાદા સાથેની મારી મુલાકાત અને તેમની સાથેની આત્મીયતા એક એવો સંયોગ અને સંકેત હતો જેને મારું સદ્ભાગ્ય ગણું છું. તમે કેટલું મળો છો એ અગત્યનું નથી, તમે કેવી રીતે મળો છ એ મહત્ત્વનું છે. જ્યારે-જ્યારે તેમને મળવાનો મોકો મળ્યો ત્યારે મને એવું નથી લાગવા દીધું કે હું એક મોટા કલાકારની સાથે છું. શીલા વર્મા મને કહેતાં, ‘આપને મન્નાદા પર ક્યા જાદુ ડાલા હૈ? વો હમેશા આપકી તારીફ કરતે હૈં.’ હું માનું છું કે ફિલ્મજગતની મહાન હસ્તી સાથે જે આત્મીયતા બંધાઈ છે એનું મુખ્ય કારણ એ હશે કે મને તેમની સંગીતયાત્રામાં રસ હતો, જીવનયાત્રામાં નહીં. મેં કદી તેમના જીવનમાં ડોકિયું કરવાનો પ્રયત્ન નથી કર્યો.  આત્મીય માનીને આ કલાકારોએ અનેક 
અંગત ઘટનાઓ વિસ્તારથી શૅર કરી છે, પરંતુ તેને કદી કૉલમની હેડલાઇન બનાવી નથી.
એક ભાવુક ક્ષણે મન્નાદાએ મનની વાત મારી સાથે શૅર કરી હતી. ‘મન્ના ડેની મધુશાલા’નું સમાપન તેમની આ વાતથી કરવું છે (આત્મકથાના અંતિમ પાના પર આ જ વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે), ‘અંતમાં મારે તમારી સાથે ખુલ્લા દિલે એક એકરાર કરવો છે. હું પુનર્જન્મમાં માનું છું. એક સમય હતો જ્યારે જે રીતે આપણી પરંપરા, સંસ્કાર અને મૂલ્યોનું પતન થતું હતું ત્યારે મનમાં વિચાર આવતો કે આવતા જન્મે મારે ભારતીય નથી બનવું. વર્ષોના અનુભવ અને થોડી પરિપક્વતા મળ્યા બાદ મને પ્રતીતિ થઈ કે કેવળ આગલા નહીં, પરંતુ દરેક જન્મમાં મને ભારતીય બનવાનું સૌભાગ્ય મળે. એટલું જ નહીં, મને એ જ માતા, એ જ બાબુકાકા, એ જ ગુરુ મળે. ફરી એક વાર મને સિંગર બનવાનો મોકો મળે જેથી હું ભારતીય સંગીતની વીસરાતી પરંપરાનું જતન કરીને લોકો સમક્ષ રજૂ કરી શકું, અને હા, મારા ચાહકો કેમ ભુલાય? મારે તેમનો મળ્યો છે એના કરતાં અનેકગણો પ્રેમ પામવો છે. ભારત મારી માતૃભૂમિ છે. વારંવાર  એની માટીમાં જન્મ લેવો છે અને એની માટીમાં જ વિલીન થવું છે.’
૨૦૧૩ની ૨૪ ઑક્ટોબરે મન્નાદાએ જીવનલીલા સંકેલી લીધી. અંગ્રેજ કવયિત્રી એન્જી ડિકન્સનની કબર પર જન્મતારીખ લખી હતી અને નીચે મૃત્યુ-તારીખ પહેલાં લખ્યું હતું, ‘Called Back’. મન્નાદાને ઈશ્વરે એક કામ સોંપ્યું હતું. એ પૂરું થતાં ઈશ્વરે તેમને બીજી કોઈ  બહેતર કામગીરી માટે પાછા બોલાવ્યા. પુનર્જન્મમાં માનતા મન્નાદા નક્કી બીજા કોઈ દેહમાં સ્થાન ગ્રહણ કરીને સંગીતની સાધના કરતા હશે. ‘તુમને આજ ઓરિજિનલ સે ભી અચ્છા ગાયા.’ રિયલિટી શોના જજ આવું બોલે ત્યારે અતિરેક લાગતો. લાગે છે તેઓ સાચું બોલતા હશે. 
કલાકાર સ્થૂળ દેહે વિદાય લે છે, પરંતુ તેની કૃતિઓ ચાહકોના હૃદયમાં ગુંજતી રહે છે. આજના જીવનની અતિવ્યસ્તતામાં ક્યારેક એવું લાગે કે કલાકાર ભુલાઈ ગયો છે ત્યારે હકીકત શું છે એ યાદ કરાવતાં તેઓ એટલું જ કહે છે, 
સબ અપની અપની 
મહેફિલોં મેં ગુમ થે 
ઔર મૈં અપને ચાહનેવાલોં 
મેં બિખર ગયા

મન્ના ડેને મળેલા અધધધ અવૉર્ડ્સ...
૧૯૬૫, ૧૯૬૭, ૧૯૬૮ અને ૧૯૭૩ બેંગાલ ફિલ્મ જર્નલિસ્ટ અવૉર્ડ.
૧૯૬૮, ૧૯૭૧, ૨૦૦૪ નૅશનલ ફિલ્મ અવૉર્ડ
૧૯૭૧ - પદ્‍મશ્રી 
૧૯૭૨ - ફિલ્મ ફેર અવૉર્ડ (એ ભાઈ ઝરા દેખ કે ચલો)
૧૯૮૫ - લતા મંગેશકર અવૉર્ડ (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)
૨૦૧૧ - ફિલ્મ ફેર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ 
૨૦૧૨ - પદ્‍મભૂષણ 

૨૦૧૬ની ૩૦ ડિસેમ્બરે ભારત સરકાર તરફથી મન્ના ડેની પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટૅમ્પ રિલીઝ થઈ હતી.

મન્ના ડેએ રેકૉર્ડ કરેલાં ગીતોની વિગતવાર યાદી
બંગાળી ગીતો - ૫૬૩
બંગાળી ફિલ્મનાં ગીતો – ૬૫૮
હિન્દી ગીતો – ૧૩૦
હિન્દી ફિલ્મનાં ગીતો – ૧૩૬૫
ગુજરાતી ગીતો - ૩૯
ગુજરાતી ફિલ્મનાં ગીતો - ૭૫ 
મરાઠી ગીતો - ૧૪
મરાઠી ફિલ્મનાં ગીતો - ૫૪
ભોજપુરી ફિલ્મનાં ગીતો - ૩૫
મગધી, પંજાબી, મૈથિલી, આસામી, ઉરિયા, કોંકણી, કન્નડ, મલયાલમ અને અન્ય ભાષાનાં ગીતો - ૪૦

columnists rajani mehta