હમ બુરે નહીં હૈ, બસ હમેં અચ્છા બનને કા નાટક નહીં આતા

18 May, 2022 11:54 AM IST  |  Mumbai | Pravin Solanki

કલાકાર કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે. તે પોતાની જ નહીં, બીજી અનેક જિંદગી જીવતો હોય છે. એક સાધારણ માણસ તેના સમસ્ત આયુષ્યકાળમાં એક જ દેહમાં કેદ થઈને જીવે છે. તેની પાસે પોતાનું જ વ્યક્તિત્વ છે, તમામ ખૂબીઓ અને ખામીઓથી ભરેલું.

હમ બુરે નહીં હૈ, બસ હમેં અચ્છા બનને કા નાટક નહીં આતા

નાટ્ય શિબિરની મોસમ ચાલે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ નાટ્ય શિબિર યોજાઈ, બે જાહેર એક ખાનગી. ત્રણેયમાં વક્તા તરીકે હું હતો. ત્રણેય શિબિરમાં વિદ્યાર્થી તરીકે જે જિજ્ઞાસુઓ હતા એ બધા નિયમિત નાટક જોનારા નાટ્યરસિકો હતા, પરંતુ નવાઈ એ હતી કે તેઓ ફક્ત નાટક જોનારાઓ હતા. નાટક કેમ બને છે, એની પાછળ કલાકાર-કસબીઓ કેટલી  મહેનત, કેટલો પરિશ્રમ કરે છે, નાટક બનાવવા પાછળ કઈ-કઈ પ્રક્રિયા થાય છે, પડદા પાછળ અને પડદા બહાર શું-શું ધ્યાન રાખવું પડે છે, નાટક જોયા પછી નાટક જાણવું પણ જરૂરી છે એની બહુ ઓછી ગતાગમ તેમનામાં હતી. 
શિબિરમાં વિદ્યાર્થીઓ તરફથી જાતજાતના કામના અને નકામા સવાલ પુછાય છે એ બધા સવાલોની ચર્ચા અહીં નથી કરવી. મને સ્પર્શતા અને ઉશ્કેરતા બે-ત્રણ સવાલોની વાત કરવી છે. 
એક વિદ્યાર્થીએ મને પૂછ્યું કે ‘મિડ-ડે’માં દર બુધવારે તમારી કૉલમ અમે સૌથી પહેલાં વાંચીએ છીએ અને શીર્ષકની શાયરીઓ ડાયરીમાં ટપકાવી લઈએ છીએ. સવાલનો આ પૂર્વાર્ધ હતો. આવું ઘણાના મોઢે મેં સાંભળ્યું છે. લોકો આપણને સારું લગાડવા, વિવેક ખાતર  આવું બોલતા હોય છે એ જાણતો હોવાથી હું જવાબમાં તેની સામે ફક્ત હસ્યો ત્યાં તે આગળ બોલ્યો, ‘મારી એક ફરિયાદ છે. અહીં તમે નાટક વિશે, તમારા અનુભવ અને તમારી લેખનપ્રવૃત્તિ વિશે બહુ રસપ્રદ વાતો કરી. આવી બધી વાતો તમે ‘મિડ-ડે’માં કેમ નથી લખતા?’ 
જવાબ ટાળવા મેં તેને એક વાર્તા કરી. સમ્રાટ સિકંદરે તેના વિશાળ બગીચામાં એક અદ્ભુત મ્યુઝિયમ બનાવ્યું હતું, જેમાં જગતના તમામ વીર પુરુષોનાં પૂતળાં-પ્રતિમા ગોઠવ્યાં હતાં. દેશ-વિદેશથી મોંઘેરા મહેમાનો જ્યારે સિકંદરને મળવા આવતા ત્યારે સમ્રાટ જાતે, પોતે મહેમાનોને  આ મ્યુઝિયમ દેખાડવા લઈ જતા.
એક દિવસ સિકંદર એક અતિપ્રખ્યાત વ્યક્તિને આ મ્યુઝિયમ બતાવવા લઈ ગયા. બહુ રસપૂર્વક આખું મ્યુઝિયમ મહેમાને જોયું. કોઈ પ્રતિક્રિયા ન આપી એથી સિકંદરે પૂછ્યું, ‘કેમ સાહેબ, મ્યુઝિયમમાં તમને કંઈ ખામી લાગે છે?’ મહેમાને કહ્યું, ‘ખામી તો નહીં, પણ મ્યુઝિયમ અધૂરું લાગે છે.’ સિકંદરે પૂછ્યું, ‘કઈ રીતે?’ મહેમાને કહ્યું, ‘વાત બહુ મામૂલી છે, પણ બહુ મહત્ત્વની છે. અહીં જગતના તમામ વીરોની પ્રતિમા છે, પણ તમારી પોતાની પ્રતિમા કેમ નથી?’ સિકંદરે હસતાં-હસતાં જવાબ આપ્યો કે ‘બસ આ જ સવાલ જોનારા પૂછે કે નહીં એ જાણવા માટે.’ આ જવાબથી તેને સંતોષ નથી થયો એ જાણતાં મેં કહ્યું, ‘દોસ્ત હું ‘મિડ-ડે’માં નાટકના અનુભવ જ લખું છું, પણ જીવન નાટકના. વ્યક્તિગત રીતે મારું માનવું છે કે નાટકના અનુભવો કરતાં જીવનના અનુભવોની વાત બહોળા વાચકવર્ગને સ્પર્શે છે.  
ઘણા સવાલ-જવાબ થયા, પણ જે સવાલે મને ઉશ્કેર્યો, રાતોપીળો કરી નાખ્યો, મારું ટેમ્પરેચર   આઉટ ઑફ થર્મોમીટર કરી નાખ્યું એની વાત મારે અહીં કરવી છે. સૌથી પ્રથમ તો મને એ જ  વિચાર આવ્યો કે સવાલ કેમ પૂછવા, કેવા પૂછવા, કઈ રીતે પૂછવા એની પણ એક શિબિર યોજવી જોઈએ.
સવાલ હતો, ‘સોલંકીસાહેબ, કલાકારો બધા કેમ ઘમંડી, અહંકારી, આડે-અવળે રસ્તે ચાલનારા હોય છે?’ ઘડીભર તો થયું કે પૂછનારને હૉલની બહાર કાઢી મૂકું, પરંતુ એમ કરવાથી તેણે પૂછેલા સવાલને અનુમોદન મળશે એ વિચારથી સ્વસ્થતા કેળવી લીધી. તેનું અજ્ઞાન દૂર કરવા  મેં શાંતિ ધારણ કરીને કહ્યું, ‘મારા દોસ્ત, આવું ભૂત તારામાં કેમ ભરાયું? કોણે ભેરવ્યું? કલાકારો ખ્યાતનામ છે એથી તેની ખરાબી બધાની નજરમાં જલદી આવી જાય છે, બાકી સમાજના કયા ક્ષેત્રમાં ખરાબી નથી? દોસ્ત, બે-ચાર ખરાબ વ્યક્તિને કારણે આખી કોમ, આખા ક્ષેત્રને વગોવવું બરાબર નથી.’
શિબિર પૂરી થયા પછી મેં તેને મારી બાજુમાં બેસાડીને કલાકારનું મહત્ત્વ સમજાવ્યું. કલાકાર એટલે શું? આવતી કાલને આકાર આપે તે કલાકાર. જેના પર ઈશ્વરદત્ત આશીર્વાદ હોય તે જ  કલાકાર બની શકે. સમાજમાં જે સ્થાન ધર્મગુરુનું છે, ડૉક્ટરનું છે, વકીલનું છે, એન્જિનિયરનું છે, ઉદ્યોગપતિઓનું છે એટલું જ નહીં, એનાથી એક મુઠ્ઠીઊંચેરું સ્થાન કલાકારનું છે. 
કલાકાર કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે. તે પોતાની જ નહીં, બીજી અનેક જિંદગી જીવતો હોય છે. એક સાધારણ માણસ તેના સમસ્ત આયુષ્યકાળમાં એક જ દેહમાં કેદ થઈને જીવે છે. તેની પાસે પોતાનું જ વ્યક્તિત્વ છે, તમામ ખૂબીઓ અને ખામીઓથી ભરેલું. તે ઇચ્છે તો પણ  કદી પોતાની જાતમાંથી બીજાઓથી અલગ પોતાના હોવાપણાની સભાનતામાંથી ક્યારેય છૂટી શકતો નથી. કલાકાર અવારનવાર કે રોજરોજ એક જ ભવમાં અનેક ભવ જીવવાનો લહાવો લેતો હોય છે. ક્યારેક તે રાજા બને છે, ક્યારેક ભિખારી તો ક્યારેક વીરપુરુષની ભૂમિકા ભજવે છે, તો ક્યારેક ગભરુ માણસની. ક્યારેક કાપુરુષ બને છે, ક્યારેક મહાપુરુષ. કલાકારની કાબેલિયત અકળ મનુષ્યના આંતરજગતમાં ડૂબકી મારી જીવનનાં અગણિત રહસ્યોને સમજે છે, સમજાવે છે (સ્વ. ભરત દવે, શબ્દસૃષ્ટિ).
કલાકાર અનાદિકાળથી કોઈ અભૂતપૂર્વ અને વિધાતા સાથે જૂગટુ રમતાં-રમતાં પોતાનું રાજપાટ હારી બેસતો હોય છે અને પોતાની તૃપ્તિ નામની રાજધાનીમાંથી દેશવટો ભોગવતો હોય છે. એ સદાકાળ અતૃપ્ત રહેવા છતાં તેને મળેલા સર્જકતાના અક્ષય પાત્રમાંથી પોતાની વેદના આનંદરસમાં ઘોળીને જગતને આપે છે અને એટલે જ તે મુઠ્ઠીઊંચેરો બની રહે છે. 
આ અને આવી વાતો સરળતાથી મેં પ્રશ્નકર્તાને સમજાવી એનો પૂર્વગ્રહ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ પથ્થર પર પાણીનો ધોધ. તે મને સૉરી કહીને નીકળી ગયો. એ સૉરીમાં દિલગીરી નહીં, મારાથી છુટકારાનો ભાવ હતો.

columnists Pravin Solanki