આમ કાટ કે ખા રહા હૂઁ મૈં કત્લેઆમ મચા રહા હૂઁ મૈં!

25 May, 2022 07:56 PM IST  |  Mumbai | Pravin Solanki

કેરી સંસ્કૃત ભાષામાં આમ્રફળ તરીકે ઓળખાય

આમ કાટ કે ખા રહા હૂઁ મૈં કત્લેઆમ મચા રહા હૂઁ મૈં!

જમવા બાબત મારી ખૂબ કચ-કચ છે એવું મારા ઘરના લોકોનું માનવું છે. રોજ-રોજ દાળ-ભાત-શાક-રોટલી ખાવાનું મને બિલકુલ પસંદ નથી અને ખાતો પણ નથી. વાનગી ભલે ઓછી હોય, પણ રોજ જુદી-જુદી હોવી જોઈએ. એમાં પણ એક મિષ્ટાન્ન તો હોવું જ જોઈએ, બન્ને ટાઇમ (ડાયાબિટીઝ કી ઐસી-તૈસી). 
માર્ચ મહિનો આવે એટલે ઘરમાં પરમ શાંતિ સ્થપાય. માર્ચથી જૂન ચાર મહિના નંદ ઘેર આનંદ ભયો નહીં, પ્રવીણ ઘેર આનંદ ભયો. ચાર મહિના ‘રસોઈ શું બનાવવી’ના સવાલનો કકળાટ ટળી જાય. કારણ? કારણ કે કેરી મારું પ્રિય ફળ. મારું જ શું કામ, આપણું રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રપ્રિય ફળ. માર્ચ મહિનાથી કેરીની સીઝન શરૂ થાય પછી પૂરી થવાની મારા માટે કોઈ તારીખ નહીં. બજારમાં જ્યાં સુધી મળતી રહે ત્યાં સુધી મારું મન પ્રસન્ન રહે. નાત-જાતનો કોઈ વર્ણભેદ નહીં. આફૂસ મળે ત્યાં સુધી આફૂસ, પછી કેસર, રાજાપૂરી પછી દશહરી, પછી લંગડો, પછી તોતાપુરી, ચૌસા, બદામી... જે ભાવે જે મળે એ ખાવાની. સિવાય કે મિયાઝાકી. વિદેશમાં કેરીની આ જાત બે લાખ રૂપિયે કિલો મળે! મારું એ ગજું નહીં. સ્વાદ માટે સંસાર હોડમાં ન મુકાય. મિયાઝાકીનો પાક મધ્ય પ્રદેશ - જબલપુરમાં થાય છે. 
કેરી સંસ્કૃત ભાષામાં આમ્રફળ તરીકે ઓળખાય. હિન્દી, મરાઠી અને બંગાળી ઇત્યાદિ ભાષામાં ‘આમ’ તરીકે ઓળખાય. અંગ્રેજીમાં મૅન્ગો અને મલયાલમમાં ઔપાન તરીકે આળખાય. આપણે ગુજરાતીમાં કેરી જ્યાં પાકે એને આંબાવાડિયું તરીકે ઓળખીએ છીએ. 
હમણાં-હમણાં તો ભારતના જુદા-જુદા પ્રાંતમાં જુદી-જુદી જાતની કેરીનું વાવેતર થઈ રહ્યું છે અને એનાં પણ કાવ્યાત્મક નામ જોવા મળે છે. મલ્લિકા, આમ્રપાલી, રત્ના, અર્ક અરુણ, આમપુનિત, સુવર્ણરેખા, વનરાજ વગેરે... વગેરે....
કેરીની પ્રજાતિને મૅન્ગીફેરા કહેવાય છે. આ ફળની પ્રજાતિ પહેલાં ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં જ મળતી હતી. પછી સમયાંતરે અન્ય દેશોમાં ફેલાવા લાગી. બંગલાદેશે તો કેરીના વૃક્ષને રાષ્ટ્રીય વૃક્ષનો દરજ્જો આપ્યો છે. 
આમ્રફળ અત્યંત ઉપયોગી, દીર્ઘજીવી, સઘન, હિતકારી અને વિજ્ઞાનવૃક્ષ છે જેનું ભારતના દક્ષિણમાં કન્યાકુમારીથી માંડીને ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી (૩૦૦૦ ફુટની ઊંચાઈ) અને પશ્ચિમમાં પંજાબથી માંડીને પૂર્વમાં છેક આસામ સુધી વાવેતર થાય છે. 
આમ વૃક્ષનો ઇતિહાસ બહુ પ્રાચીન છે. આમ્રફળ કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખાય છે. કલ્પવૃક્ષ એટલે મનોવાંછિત ફળ આપે એ. આમ્રફળને અને ભારતીય અર્થશાસ્ત્રને બહુ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. દુનિયાના કેરીના ઉત્પાદનના ૪૧ ટકા ભારત કરે છે અને ૫૦ દેશમાં એની નિકાસ થાય છે. ઉત્તર પ્રદેશમાં કેરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. ઉત્તર પ્રદેશના મલિહાબાદની ૩૦ હજાર હેક્ટર જમીનમાં કેરીનો પાક લેવાય છે. બીજો નંબર આંધ્રનો અને ત્રીજો મહારાષ્ટ્રનો આવે છે. ગુજરાતનો કેટલામો નંબર આવે છે એ ખબર નથી, પણ ગુજરાતની કેસર કેરી મને નંબર વન લાગે છે એ હકીકત છે.
તમે માનશો? આજે કેરીની કૃષિ બીજા નંબરે ચીન કરે છે. એ પણ કેરી શું ચીજ છે એ છેક ૧૯૬૮માં જાણ્યા પછી. કહેવાય છે કે ૧૯૬૮માં પાકિસ્તાનના વિદેશમંત્રી સૈયદ સૈફુદ્દીન ચીનના પ્રવાસે ગયા ત્યારે ભેટરૂપે કેરીની ૪૦ પેટી લઈ ગયા હતા. ત્યાં સુધી ચીનની પ્રજાને કેરીના સ્વાદની ખબર નહોતી. કૉમરેડ માઓ પર કેરીના સ્વાદે જાદુ કર્યો. તેમણે બીજિંગની દરેક ફૅક્ટરીમાં કેરી મોકલીને એના ગુણધર્મોનો અભ્યાસ કરવા કહ્યું. ફળસ્વરૂપે આજે ચીન કેરીના પાકમાં બીજા સ્થાને છે. 
કહેવાય છે કે વૈદિક કાળમાં આમ્રફળની પ્રશંસા શતપથ બ્રાહ્મણોએ પણ કરી હતી અને બુદ્ધકાળમાં અમરકોશે પણ. મોગલ બાદશાહ અકબરે દરભંગા પાસે આવેલા પોતાના ઉદ્યાન લાલબાગમાં એક લાખ આમવૃક્ષની વાવણી કરાવી હતી. 
ભારતમાં આમ્રફળ વિશે અનેક કથા-દંતકથા પ્રચલિત છે. લોકકથા અને લોકગીતોમાં પણ એનો મહિમા ગવાયો છે. હવન, પૂજા વગેરે ધાર્મિક કાર્યોમાં પણ એનો ઉપયોગ થાય છે. કવિ કાલિદાસે પણ એનાં ગુણગાન ગાયાં છે તો સિકંદર એનો સ્વાદ ચાખીને મંત્રમુગ્ધ બન્યો હતો. કવિઓએ એના પર કવિતા કરી છે, ચિત્રકારોએ ચિત્રો દોર્યાં છે.
કેરી અને કેરીના રસમાં અનેક ગુણો રહ્યા છે. આયુર્વેદના કહેવા પ્રમાણે એ પંચાંગ ગણાય છે. કેરીનાં પાંચેય અંગો કેરી, એની છાલ, એનાં પાંદડાં, એની ગોટલી, એનો રસ ચિકિત્સાના કામમાં આવે છે. કેરીમાં વિટામિન ‘સી’ ભરપૂર હોય છે. 
કેરીનો આપણે કેટકેટલો ઉપયોગ કરીએ છીએ. કાચી કેરીનું અથાણું બનાવીએ, કેરીનો પન્નો બનાવીએ, આઇસક્રીમ બનાવીએ. ગોળકેરી અને મુરબ્બો કયાં અભાગી ગુજરાતી ઘરોમાં નહીં બનતો હોય? અરે, કાચી કેરીની કતરી કરીને ભેળ કે સેવપૂરીમાં ભભરાવીને ખાવાની મજા કોણે નહીં લીધી હોય?
કેરીની સીઝનમાં બચપણમાં ચૂસેલી પાયરીની યાદ આવે જ આવે. પાયરી ચૂસવામાં અને એને ઘોળવામાં જે આનંદ આવતો એનું વર્ણન જ ન થઈ શકે. કેરી ચૂસ્યા પછી એની છાલ ઉખેડીને આજુબાજુ બાકી રહેલા રસને ચાટી-ચાટી પૂરો કરીએ ત્યારે જ જંપ વળતો. કાશ! જીવનના આનંદરસને આપણે આટલી જ ઉત્કંઠાથી ચૂસી-ચૂસી અને ઘોળી-ઘોળી માણતાં આવડતું હોત તો? 
આમ્રવૃક્ષને ફળ આવતાં બહુ વાર લાગે છે. એટલે જ કહેવાયું છે કે બાપ આંબો વાવશે તો એનાં ફળ પૌત્રને ચાખવા મળશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki