શામ કા વક્ત હો ઔર શરાબ ના હો ઇન્સાન કા વક્ત ઇતના ભી ખરાબ ના હો!

08 June, 2022 09:11 PM IST  |  Mumbai | Pravin Solanki

ખિસ્સામાં પૈસા ન હોય, ખાવા માટે ધાન ન હોય, રહેવા  માટે મકાન ન હોય કે પહેરવા માટે વસ્ત્રો ન હોય તો ચાલશે, પણ હાથમાં એક શરાબની  બૉટલ તો હોવી જ જોઈએ. 

શામ કા વક્ત હો ઔર શરાબ ના હો ઇન્સાન કા વક્ત ઇતના ભી ખરાબ ના હો!

એક તાજા સમાચાર પ્રમાણે પતિની દારૂની લતને કારણે પત્નીએ પોતાનાં ૬ સંતાનોને મોતના  કૂવામાં ધકેલી દઈને પોતે આત્મહત્યા કરવામાં નિષ્ફળ રહી એ બનાવના પડઘારૂપે આ લેખ છે. શીર્ષકની પંક્તિઓ શું સૂચવે છે? ખિસ્સામાં પૈસા ન હોય, ખાવા માટે ધાન ન હોય, રહેવા  માટે મકાન ન હોય કે પહેરવા માટે વસ્ત્રો ન હોય તો ચાલશે, પણ હાથમાં એક શરાબની  બૉટલ તો હોવી જ જોઈએ. 
આ સૂચવે છે કે સમાજમાં શરાબની કેટલી અહેમિયત વધી ગઈ છે. કોઈ પણ અવસર હોય, ઉત્સવ હોય, પ્રસંગ હોય, સગાઈ કે લગ્ન હોય, લગ્નતિથિ કે જન્મદિન હોય, શરાબની પાર્ટી  વગર અધૂરાં ગણાય.
શરાબ એ માત્ર ફૅશન નહીં, સ્ટેટસ સિમ્બૉલ પણ બની ગયો છે. મતલબ સિદ્ધ કરવાનું એક અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. ધંધાની ડીલ હોય કે વ્યવહારની વાત હોય, બધી ડ્રિન્ક-ટેબલ  પર જ થાય છે. કસ્ટમરને રીઝવવા હોય, સરકારી ઑફિસરને પીગળાવવા હોય, રાજનીતિમાં  કોઈને ફસાવવા હોય, નેતાઓ પાસે કોઈ કામ કઢાવવું હોય, સંબંધ બાંધવા હોય કે તોડવા  હોય ત્યારે શરાબનો સહારો મોટા ભાગે લેવાતો હોય છે. 
શું તમે ઉચ્ચ શિક્ષણ પામેલી વ્યક્તિ છો? વગદાર અને દમદાર છો? ઊંચી પદવી ધરાવો છો?  પ્રતિષ્ઠિત છો? બાહોશ વકીલ, ડૉક્ટર કે એન્જિનિયર છો? નામાંકિત કલાકાર-કસબી છો? આ બધાનો જવાબ ‘હા’માં હોય, પણ ફક્ત એક જ મહત્ત્વના સવાલનો જવાબ ‘ના’માં આવે તો તમારી કિંમત કોડીની થઈ જાય છે. આ સવાલ છે, ‘તમે ડ્રિન્ક લો છો?’ 
આજકાલ દારૂ ન પીતો માણસ દેશી, ગમાર, વેદિયો ગણાય છે. દારૂ પીતી મહેફિલમાં તે એકલો પડી જાય છે, તેની મજાક-મશ્કરી થાય છે. 
એક વાર ટેસ્ટ માટે શરાબનું સેવન કરો એટલે પછી આદત બની જાય અને પછી એ આદતનું  રૂપાંતર લત થઈ જાય છે અને કોઈ પણ વાતની લત ઘરમાં લક્ષ્મીની અછત ઊભી કરે છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. 
શરાબ માણસને શારીરિક અને માનસિક બન્ને રીતે ખુવાર કરે છે. શરાબ હાથમાં હોય ત્યાં  સુધી તમે એના માલિક હો છો. એક વાર પેટમાં ગયા પછી એ તમારો માલિક બની જાય છે અને તમે એના ગુલામ. 
શરાબી વ્યક્તિ ખૂબ સહેલાઈથી પોતાની નૈતિકતા ગુમાવી દે છે. શરીર સાથે પોતાનું ચારિત્ર્ય પણ બરબાદ કરે છે. ખુશી વ્યક્ત કરવા કે દુઃખ ભૂલવા પીતા લોકો અંતે તો દુખી જ થાય છે. ભલે લોકો માનતા હોય કે પોતે શરાબ પીએ છે, પણ હકીકતમાં તો શરાબ જ લોકોને પીતો હોય છે. 
આપણે સૌએ એવા અસંખ્ય દાખલા જોયા છે, વાર્તાઓ વાંચી છે કે સાંભળી છે કે દારૂની લતમાં કોઈની નોકરી ગઈ, કોઈનાં ઘરબાર વેચાઈ ગયાં, કોઈનાં ઘરેણાં-ઘર-જણસ વેચાયાં, તો કોઈએ પોતાનું ઈમાન પણ વેચ્યું છે. દારૂ માટે કોઈએ ચોરી કરી છે, તો કોઈકે મા-બાપ, પત્ની અને સંતાનોની મારઝૂડ પણ કરી છે. 
‘શરાબની આદત સારી છે કે ખરાબ’ એ ચર્ચા અસ્થાને છે. પીનારાઓ પાસે શરાબ પીવાનાં  અનેક બહાનાં હોય છે. ‘પીનેવાલોં કો પીને કા બહાના ચાહિએ, ન પીનેવાલોં કો ઠંડે પાની સે નહાના ચાહિએ.’ કેટલાક શરાબીઓની દલીલ છે કે ‘ભેગા મળીને જે પીએ છે એ સ્વર્ગલોકમાં  જાય છે, એકલા-એકલા પીએ તે નર્કલોકમાં જાય છે અને જે નથી પીતા એ બધા જશલોકમાં જાય છે.’ 
કેટલાક પીનારાઓની કેફિયત હોય છે કે ‘અમે તો માત્ર લિમિટમાં જ પીએ છીએ.’ પણ એ લિમિટ નક્કી કોણ કરે? પીધા પછી લિમિટનું ભાન રહે ખરું? કેટલાક દલીલ કરે છે કે ‘દેવો પણ સોમરસ પીતા હતા તો અમે શું ગુનો કર્યો?’ કેટલાક બચાવમાં કહે છે કે ‘અમે શરાબ ઘરમાં નહીં, બહાર જ પીએ છીએ.’ શું બહાર પીવાથી શરાબ શરબત બની જાય છે? 
હકીકત એ છે કે શરાબની આદત સારી નથી. શરાબ પીવાના લાભ થોડા છે, નુકસાન અપાર. 
મર્યાદિત પ્રમાણમાં શરાબનું સેવન કરવાથી લોહીમાં એચડીએલ કૉલેસ્ટરોલ વધે છે, ફાઇબ્રિનોજન ઘટક કામ કરતું થઈ જાય છે અને લોહી પાતળું બનાવે છે તથા હાર્ટ-અટૅકને  અટકાવે છે કે મર્યાદિત પ્રમાણમાં આલ્કોહૉલ લેવાથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને પિત્તનું તથા પથરીનું જોખમ ઓછું કરે છે વગેરે લાભ ગણાવાયા છે, પરંતુ એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી મળતું. જ્યારે શરાબથી નુકસાન થાય છે. એનાં પ્રમાણ અને પરિણામ હર પળે આપણી નજર  સામે આવે છે. 
મહાત્મા ગાંધીએ પહેલેથી શરાબના દુર્ગુણ પારખીને સરકારને દારૂબંધીની હિમાયત કરેલી, ગુજરાતે એમાં પહેલ કરેલી અને પછીથી અનેક રાજ્યોમાં દારૂબંધીનો કાયદો ઘડાયો, પરંતુ કાયદો કાગળ પર જ રહ્યો. એનો અમલ ન અસરકાર રીતે કે ન પ્રામાણિકપણે થયો કે થતો  પણ નથી. જ્યાં દારૂબંધી નથી એના કરતાં જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂ વધારે પીવાય છે. 
માનવસ્વભાવ છે કે જે વસ્તુની બંધી હોય એ કરવા વધારે લલચાય છે.
રાજ્યની આવકમાં શરાબ મોટો ભાગ ભજવતો હોવાથી કેટલાંક રાજ્યો દારૂબંધી કરતાં નથી.
બીજી ઑક્ટોબર  - ગાંધીજીનો જન્મદિવસ ‘નશા મુક્તિ દિન’ તરીકે  ઊજવાય છે તો ૨૬ જૂન  આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિન તરીકે ઊજવાય છે, પણ હાલત ‘દીન’ જ રહી છે. ઉજવણીની  પ્રવૃત્તિ તો માત્ર દેખાડો, એક વધારાની પ્રવૃત્તિનો આંકડો જ હોય છે. 
સરકાર કે સેવકો જળ સુધી ગયાની જાહેરાતમાં ખુશ રહે છે, તળ સુધી જવાની તકલીફ ક્યારેય  લેતા નથી. 
ટૂંકમાં... વ્યક્તિએ પોતે જ વિચારવાનું છે કે શ્રેય શું છે, પ્રેય શું છે - બાકી આપઘાત કરવો એ ગુનો છે એ જાણ્યા છતાં લોકો આપઘાત કરે જ છે. તમાકુનું સેવન હાનિકારક છે એ ગાઈવગાડીને, અરે લખીને સુધ્ધાં ચેતવ્યા છતાં લોકો એનું સેવન કરે જ છે. 
‘સબ કો સન્મતિ દો ભગવાન...’ અને શરૂઆત મારાથી કરજો, કારણ કે મને પણ પાન  ખાવાની આદત છે. 

columnists Pravin Solanki