જબ લોગ અનપઢ થે તો પરિવાર એક હુઆ કરતે થે મૈંને ટૂટે પરિવારોં મેં અક્સર પઢે-લિખે લોગ હી દેખેં હૈં!

11 May, 2022 11:53 AM IST  |  Mumbai | Pravin Solanki

જબ લોગ અનપઢ થે તો પરિવાર એક હુઆ કરતે થે મૈંને ટૂટે પરિવારોં મેં અક્સર પઢે-લિખે લોગ હી દેખેં હૈં!

આજે પરિવાર કે સગાંસંબંધીઓ સાઇડલાઇન થઈ ગયાં છે. મિત્રો, ધંધાદારી સંબંધો, ક્લબ-કલ્ચરનું મહત્ત્વ વધી ગયું છે, સગાં વહાલાં નથી લાગતાં, જે વહાલાં છે એ સગાં નથી હોતાં.

શું આ સાચું છે? શિક્ષણે સમાજમાં આવી અરાજકતા ફેલાવી છે? ચર્ચા માટે આ બહુ મહત્ત્વનો વિષય છે. 
હકીકત તો એ જ છે કે આજે કુટુંબો વિભક્ત થઈ રહ્યાં છે. પરિવાર એટલે શું? જ્યાં એકબીજાની પરવા થાય એ પરિવાર. એકસાથે સુખ-દુઃખ સરખે ભાગે વહેંચાય એ પરિવાર. બધું જીતીને કે સર્વસ્વ હારીને જ્યાં જતાં મન ન અચકાય એનું નામ પરિવાર. 
 પરિવાર જેવું કોઈ ધન નથી, કુટુંબ જેવું કોઈ કલ્યાણકેન્દ્ર નથી, પિતા જેવો કોઈ રક્ષક નથી, માતા જેવી કોઈ મમતાની મુરત નથી, ભાઈથી વધારે સારો કોઈ જોડીદાર નથી, બહેનથી વિશેષ કોઈ શુભેચ્છક નથી. 
દાદા-દાદી ભૂતકાળની ઝાંખી કરાવી ભવિષ્યની કલ્પના કરતાં શીખવે છે. માતા પા-પા પગલી ભરતાં ને પિતા દોડતાં શીખવે છે. ભાઈ-બહેનો સાથે રમતાં-રમતાં જીવનના આટાપાટા શીખવા મળે છે. કાકા-કાકી, મામા-માસી, ફૈબા-ફુવા પાસેથી સંસારનું વ્યવહારુ જ્ઞાન મળે છે. મિત્રો થકી પ્રેમ અને વિશ્વાસની ભાવના કેળવાય છે. 
માણસ જન્મે છે ત્યારે કોરી પાટી જેવો હોય છે. પરિવાર અને આસપાસના સ્વજનો જ એમાં અક્ષર પાડે છે. 
સંસ્કાર બજારમાં વેચાતા નથી મળતા, પ્રેમ ખરીદી શકાતો નથી, લાગણીઓનાં લિલામ નથી થતાં, હમદર્દીની કોઈ હાટડી નથી મંડાતી. અનુભવ કોઈ મૉલમાંથી નથી મળતા, આ બધું પરિવારમાંથી જ મળે છે. 
શાળામાં ‘સંયુક્ત કુટુંબના લાભાલાભ’ વિષય પર નિબંધ લખતા ત્યારે આ અને આવાં વાક્યો લખતા અને શાબાશી મેળવતા. ત્યારે સમજ ઓછી અને ઉત્સાહ વધારે હતો. સમય જતાં દુન્યવી દુનિયાના વ્યવહારે સુવાક્યના શબ્દો અને વાસ્તવિકતાના સત્ય વચ્ચેના ફેરનું ભાન કરાવ્યું. 
આજે સંયુક્ત કુટુંબ સપનું બની રહ્યું છે. લગ્ન એક સાંસ્કૃતિક ઘટના છે એ ભુલાઈ ગયું છે. વડીલો પણ સાવચેત થઈ ગયા છે. દીકરાને પરણાવીને તરત જુદા કરી દેવાની જોગવાઈ અગાઉથી કરી પાણી પહેલાં પાળ બાંધતાં શીખી ગયા છે. 
વિભક્ત કુટુંબની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. વિભક્ત કુટુંબ એટલે પતિ-પત્ની અને બાળકો એવું નથી રહ્યું. સંતાન ન કરવાની ફૅશન શરૂ થઈ ગઈ છે. કરીઅર એ જ કુટુંબ, બાકી બધું મિથ્યા. વળી સૌથી મોટી સમસ્યા એ સામે આવી છે કે લગ્ન એ લીવ ઍન્ડ લાઇસન્સ જેવાં થઈ ગયાં છે. ૧૧ મહિના થાય એટલે બાજી ફોક!
 પરિવાર તૂટે છે એ હકીકત છે, પણ એની ચર્ચા નથી કરવી. વાત કરવી છે મારા એક અનન્ય અનુભવની. તૂટેલા પરિવારને સાંકળી રાખતા રખેવાળની. 
એક જમાનામાં વેકેશનમાં સંતાનો મામા, માસી, કાકા કે ફૈબાના ઘરે ૮-૧૦ દિવસ રહેવા જતાં. કુટુંબમાં નિયમિત રીતે સગાંવહાલાં, મહેમાનોની અવરજવર રહેતી. આજે મહેમાનો આવતા નથી અને આવે તો ગમતા નથી, છતાં આવે તો બારોબાર હોટેલમાં જમાડી દેવાય છે. કોઈ કોઈના ઘરે જતું નથી, સગાંવહાલાંનાં સંતાનો એકબીજાને ઓળખતાં નથી. 
મારો એક મિત્ર. બે બહેનો, ત્રણ ભાઈઓ. બધાં પરણેલાં, બધાં જુદાં રહે. બધાંને ત્યાં પુત્ર-પુત્રીઓ, પુત્રવધૂઓનો કાફલો. એક દિવસ હું એ મિત્રને ત્યાં જઈ ચડ્યો અને દંગ રહી ગયો. ઘરમાં મેળો ભરાયો હતો. ભાઈ-બહેનોનો સમસ્ત પરિવાર ભેગો થયો હતો. વાત એ મહત્ત્વની નથી, મારા મિત્રે જે વાત કરી એ વધારે અગત્યની છે. 
મિત્રએ મને કહ્યું, ‘લેખકમહારાજ, અમારો આ રિવાજ છે. દર બે મહિને અમે એકબીજાના ઘરે કુટુંબમેળો ભરીએ છીએ, જેથી કુટુંબનાં બાળકો એકબીજાને સારી રીતે ઓળખતાં થાય, એકબીજામાં ભળતાં થાય. એટલું જ નહીં, દર ચાર-છ મહિને કાકા-મામા કે માસી-ફૈબાના પરિવારો સાથે પણ આવો જ ‘જલસો’ ગોઠવીએ. 
એક જમાનામાં પરિવારના સંતાનનાં લગ્ન પછી વરઘોડિયાને કાકા-મામા-ફૈબાના ઘરે જમવા જવાનું આમંત્રણ અચૂક મળતું અને જવું પડતું, ન જઈએ તો ખોટું લાગતું અને આ વ્યવહાર સગાંસંબંધીઓમાં એકાદ મહિનો ચાલતો. ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયેલો પરિવાર સગાંવહાલાંઓ માટે ભૂલ્યા વગર પ્રસાદ લાવતો અને દરેક ઘરે પહોંચાડતો. આવી લેવડ-દેવડથી પરિવાર વચ્ચેનો સ્નેહ અને સંપર્ક જળવાઈ રહેતો. 
મારે મન આ એક વિશેષ વાત છે. આજે સૌ પોતપોતાના દાયરામાં કેદ છે, સ્વકેન્દ્રી બની ગયા છે. દરેક સંબંધ પાછળ એક એક્સપાયરી ડેટ લાગેલી હોય છે ત્યારે નિયમિત રીતે, વર્ષોથી ચાલતો આવો કુટુંબમેળો કૌતુક જ કહેવાય. 
આજે પરિવાર કે સગાંસંબંધીઓ સાઇડલાઇન થઈ ગયાં છે. મિત્રો, ધંધાદારી સંબંધો, ક્લબ-કલ્ચરનું મહત્ત્વ વધી ગયું છે, સગાં વહાલાં નથી લાગતાં, જે વહાલાં છે એ સગાં નથી હોતાં.
સંબંધો સંસારના જંક્શન પર ઊભેલી ગરજની ગાડીના મુસાફરો જેવા થઈ ગયા છે. ગરજ પૂરી થાય કે આગલા સ્ટેશને બાય-બાય કરીને ઊતરી જાય. 

મારા મિત્રના પરિવાર જેવા બીજા કેટલાક પણ અપવાદરૂપ પરિવાર હશે જ, પણ લઘુમતી બહુમતીમાં જો ફેરવાય એવા દિવસો આવે એવી પ્રાર્થના કરીએ. 

સમાપન
પરિવાર એ એક એવી માળા છે જે પ્રેમના દોરામાં પરોવાય છે અને પરિવારના દરેક સભ્યો આ માળાનાં મોતી છે. 
પરિવારમાં સૌથી અગત્યનું અને સૌથી ઉપેક્ષિત પાત્ર ‘માં’ હોય છે, જેની જરૂર ડગલે ને પગલે બધાને પડે છે, પણ એની નોંધ કોઈ લેતું નથી.
પણ એટલું ખાસ યાદ રાખજો કે જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવાવાળા પાંચ હોય ત્યારે સૌથી પહેલાં બોલે કે ‘મને ભૂખ નથી’ એ વ્યક્તિ એટલે ‘મા.’

columnists Pravin Solanki