માણસ એક રંગ અનેક: લોકોની નાદાનિયત, નેતાની મર્યાદા

20 April, 2020 07:31 PM IST  |  Mumbai | Pravin Solanki

માણસ એક રંગ અનેક: લોકોની નાદાનિયત, નેતાની મર્યાદા

રાજકીય નેતાઓ માટે અનેક લક્ષ્મણરેખાઓ હોય છે. લોકશાહી દેશમાં તો ખાસ.

માનનીય વડા પ્રધાનનો રાષ્ટ્રને અપાયેલો સંદેશ પૂરો થઈ ગયો. તા : ૧૪ -૪-૨૦૨૦, સવારના ૧૦:૧૫ મિનિટનો સમય. લૉકડાઉન ચાલુ રાખવાનું એલાન થઈ ચૂક્યું છે. મોદીજીએ બહુ સ્વસ્થતાપૂર્વક, શાલીનતાપૂર્વક, વિવેકપૂર્વક રાષ્ટ્રને સંબોધિત કર્યું. એમાં ચેતવણી હતી, રાષ્ટ્રની ગંભીર પરિસ્થિતિનું બયાન હતું, આશા હતી તો સાવધાનીનો સૂર પણ હતો. હોદ્દાની ગરિમા જાળવી તેમણે પ્રજાને સહકાર આપવાની
વિનંતી કરી. મોદીજીનું વક્તવ્ય સાંભળી મારા મનમાં અનેક વિચારોનાં વમળ ઊમટ્યાં. કબૂલ કે રાષ્ટ્રના વડાને કેટલીક મર્યાદા હોય છે. સામાન્ય વ્યક્તિ જે રીતે ‘તડ અને ફ્ડ’ કરે એ રીતે ન જ કરી શકે. વળી મોદીજીએ જે અને જેટલું કહ્યું એમાં ગર્ભિત ચેતવણી તો હતી જ છતાં મને વ્યક્તિગત રીતે લાગ્યું કે અત્યારના માહોલમાં કેટલાક અસુરો અને અણસમજુઓ માટે ચેતવણી નહીં, ધમકીની જરૂર હતી. આ તે કેવી કરુણા! કરુણા શબ્દ યોગ્ય નથી, કેવી ટ્રૅજેડી. સવાલ આપણા પોતાના જીવન-મરણનો હોય ને એને માટે કોઈ બીજું ચિંતા વ્યક્ત કરે? અને એ પણ આપણને રુચે નહીં? માની લઈએ કે રાષ્ટ્રના સુકાનીની આપણી સુખાકારીની ચિંતા કરવાની ફરજ છે, પણ આપણી સુખાકારીની ચિંતા કરવાની આપણી ફરજ નથી?
એક બીજો પણ વિચાર આવ્યો. ભૂતકાળમાં રાષ્ટ્રના હિત માટે મોદીજી ઘણા અણગમતા નિર્ણયો લઈ અળખામણા થયા છે તો આ વિષમ સમયમાં ઊણા કેમ ઊતર્યા? શાલીનતાને બદલે શૂરવીરતા કેમ ન દેખાડી? જે લોકો શાલીનતાને લાયક નથી એવા લોકો સામે નમ્ર થવાથી શું ફાયદો? જેને પોતાના જીવની પરવા નથી, જેને બીજાના જીવની ચિંતા નથી એવા નગુણાઓને સાનમાં શું કામ સમજાવવાના? આવા લોકોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી સખત પગલાં ભરી સીધાદોર કરવાની ધમકી કોઈને અજુગતી ન લાગત બલકે મોદીના મૂળભૂત સ્વભાવ ‘દિલબર કે લિએ દિલદાર હૈં હમ, દુશ્મન કે લિએ તલવાર હૈં હમ’ની ઝાંખી થાત. કેટલાક અનાડી લોકો હજી પણ હમ નહીં સુધરેંગેના સૂત્રમાં છાકટા થઈને ફરે છે. આવા ભૂત બાતોં સે નહીં લાતોંસે હી ઠીક હોતે હૈં. સમાજમાં ભલમનસાઈને નબળાઈ માનનારાઓનો તોટો નથી .
‘દર્દ તો મુકદ્દર થા, તુમ ફક્ત ઝરિયા થે’.
દુઃખ ભલે નસીબમાં હોય પણ એનું કારણ, નિમિત્ત બનવાનું લોકોને કેમ સૂઝતું હશે? મને આવા લોકોની માનસિકતા સમજાતી નથી. સ્કૂટર- બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કેમ કરવું પડે? કાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરવાનો કાયદો ઘડવો પડે? બીડી-સિગારેટ પીવાથી કૅન્સર થાય છે એવી જાહેરાત કરવી પડે એ કેવી અવદશા? લોકોને કમોતે મરવાની ઇચ્છા હોય તો એ ઇચ્છા શું સરકારે પૂરી કરવાની? આપઘાત કરવો એ અપરાધ છે એવો કાયદો ઘડવો પડે ત્યારે લોકોના માનસનો આપણને અંદાજ આવે છે. આપણી માનસિકતા જ પહેલેથી એ રહી છે કે આપણી ચિંતા કોઈ બીજા કરે. આપણને કોઈ દોરે, આપણને કોઈ હાંકે, ઘેટાં-બકરાંની માફક આપણી કોઈ આગેવાની કરે.
મને સૌથી વધારે ગુસ્સો તો ત્યારે આવ્યો જ્યારે પોલીસો પર પથરાવ થયો, ડૉક્ટરો પર હુમલો થયો. અરે મૂરખના સરદારો, તમને જે જિવાડવા-બચાવવા આવ્યા છે તેમને જ તમે ભગાડો છો? આશીર્વાદ આપવા જે હાથ ઊંચા થાય એ હાથ જ કાપી નાખવાની ભૂલ તમે કરો છો? જે ડાળ પર બેસો છો એ ડાળ કાપી નાખવાની મતિ તમને સૂઝે છે જ કેમ? હું એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો કે આવા લોકોને દેશદ્રોહી ગણી આતંકવાદી ગણી, આપઘાત કરવાનો પ્રયાસ ગણી મામલો દર્જ કરવો જોઈએ ને આકરામાં આકરી સજા કરવી જોઈએ. કોઈ દયાળુ- લાગણીશીલ કહેશે કે એ લોકો શું કરી રહ્યા છે એની એ લોકોને જાણ નથી એટલે એ લોકોને માફ કરી દેવા જોઈએ. ઈસુનું વાક્ય છેને ‘ઓહ ફાધર! ફરગિવ ધેમ ફૉર ધે ડૂ નૉટ નો વૉટ ધે ડૂ.’ હે ઈશ્વર, તું તેમને માફ કરજે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુનું આ સૂત્ર આવાં પશુઓ માટે નથી જ નથી.
કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ એવી પણ દલીલ કરશે કે પ્રવીણભાઈ, આવા લોકો આવી રીતે શું કામ વર્ત્યા પહેલાં એ કારણ શોધો. દુઃખના માર્યા, ભૂખના માર્યા, વખાના માર્યા, મજબૂર થઈને ઝનૂની બન્યા હશે. જેને કોણીએ વાગે તેને કળ ચડે. મંજૂર. પણ શું આવા લોકોની જમાતને જ કોણીએ લાગ્યું છે? આ કોઈ કોમ, જમાત, સમાજગત આફત નથી; રાષ્ટ્રીય આફત છે, વૈશ્વિક આફત છે. સમસ્ત વિશ્વની કોણીએ વાગ્યું છે ને એવું વાગ્યું છે કે એનો કોઈ ઇલાજ પણ નથી. આખું વિશ્વ અત્યારે અંધારામાં તીર મારી રહ્યું છે. ગરીબ, તવંગર, નેતા, મજૂર બધા એકસરખી પીડા ભોગવી રહ્યા છે. કોઈ વધારે, કોઈ ઓછી પણ આ પીડા માટે સરકાર તો જવાબદાર છે જ નહીં તો ગુસ્સો કોના ઉપર? ને આવો ગુસ્સો કરવાથી સમસ્યાનું સમાધાન થઈ જવાનું છે? રાષ્ટ્રીય આફત વખતે કોઈ ને કોઈ સમુદાયે થોડુંક વધારે સહન તો કરવું જ પડે છે. કુદરતના મહા કોપ સામે સમાજગત કે રાજકીય રીતે થોડી અવ્યવસ્થા તો સર્જાવાની જ! આવા સમયે સહનશીલતા અને થોડી સમજદારી એ જ એક રામબાણ ઉપાય છે. વળી એવું કરવાના કેવા પ્રત્યાઘાતો હોઈ શકે એનો અંદાજ છે? હું એક વાર્તારૂપે એક ઉદાહરણ રૂપે એ દર્શાવું છું.
એક સૈનિક રજા પર હતો. ૧૫ દિવસની રજાનો આજે ત્રીજો દિવસ હતો. મા-બાપ, પત્ની, બાળકો સાથે ગેલગમ્મત કરતો હતો ત્યાં તેને મેસેજ આવે છે, સરહદ પર વિદેશી આક્રમણ થયું છે અને રજા કૅન્સલ થઈ છે. તાત્કાલિક ફરજ પર હાજર થવાનું ફરમાન હતું. ક્ષણભરનો વિલંબ કર્યા વગર જવાન તૈયાર થઈ રેલવે-સ્ટેશન પહોંચે છે. યાર્ડમાંથી ટ્રેન હજી હમણાં જ આવી હતી ને ઊપડવાને એક કલાકની વાર હતી. જવાન એક ડબ્બામાં એક ખૂણે ગોઠવાય છે. વિચાર કરે છે કે આ વખતે સરહદ પર કેવું પરાક્રમ કરી બતાવવું. ડબ્બામાં એક પછી એક મુસાફરો આવવા લાગ્યા. ગાડી ઊપડવાને હજી પાંચ મિનિટની વાર હતી ત્યાં તો આખો ડબ્બો છલોછલ થઈ ગયો, ક્યાંય પગ મૂકવાની જગ્યા ન રહી. દરમ્યાન સાતઆઠ માણસોનું એક જૂથ ડબ્બામાં ચડ્યું. જૂથમાં એક નવી પરણેતર દુલ્હન પણ હતી. દુલ્હાએ સૈનિકને બારી પાસે બેઠેલો જોયો. દુલ્હનને પોતાનું શૂરાતન બતાવવાની તક મળી છે એવું મનમાં વિચારી ખુશ થતાં તેણે સૈનિકને પડકાર્યો, ‘એય જવાન, આ નાગરિકોનો ડબ્બો (કમ્પાર્ટમેન્ટ) છે. તું ઊઠ, મારી વાઇફને બેસવા દે.’ સૈનિકે નમ્રતાથી પોતાની સ્થિતિ સમજાવી કહ્યું કે સવારે મારે મોરચે લડવા જવાનું છે. મને બે-ત્રણ કલાક આરામ કરવા દો તો સારું. વળી આ ટ્રેનમાં ફૌજીભાઈઓ માટેનો કોઈ ખાસ ડબ્બો પણ નથી. પેલા દુલ્હાને તો ચાનક ચડી હતી, પોતાનો પોં પાડવાની. તે કંઈ એલફેલ બોલ્યો. ઘડીભરમાં સંવાદની જગ્યા વિવાદે લીધી. ટોળું ભેગું થઈ ગયું. ટોળાએ રૂપાળી દુલહનની સાઇડ લઈ વિવાદ વધાર્યો. જોતજોતામાં વાત મારામારી પર આવી ગઈ. ટોળાએ સૈનિકની બંદૂક છીનવી લીધી. ખૂબ ઠમઠોર્યો. સૈનિક જોરાવર હતો, પણ કાયદેસર કંઈ કરી શકે એમ નહોતો. સિવિલિયન પર હુમલો કરવા માટે ફરમાન તેની પાસે નહોતું. ચૂપચાપ એ ડબ્બામાંથી બહાર નીકળી બીજા ડબ્બામાં ગયો અને એક ખૂણામાં ઊભાં-ઊભાં મુસાફરી કરી.
જવાન ફરજ પર હાજર થયો. તેની ડ્યુટી યુદ્ધના ક્ષેત્રમાં આવી. ઘમાસાણ યુદ્ધ થયું. અચાનક પેલા જવાનની દિશામાં તોપમારો શરૂ થયો. જવાન સાવધાન થઈ ગયો, પણ તેના મનમાં રાતની ઘટના યાદ આવી ગઈ. મન બંડ પોકારવા માંડ્યું, ‘હું કોના માટે લડું? કોને માટે હું મારો જાન હોડમાં મૂકું? એવા લોકો માટે જે લોકોને દેશના જવાનો પર જરા સરખું પણ માન નથી, અભિમાન નથી? મારા જાનની કિંમત કરતાં જેને રેલવેની એક બારીવાળી બેઠકની કિંમત વધારે લાગે છે એવા નાચીઝ માટે હું મારો જીવ આપું? મારાં મા-બાપ, પત્ની, બાળકો કરતાં જે પોતાની પરણેતરની સુખાકારી ઇચ્છે છે એવા નાદાન માટે?’
અર્જુનની જેમ તે વિષાદયોગમાં સરી ગયો. પણ કોઈ ગેબી સંકેતે તે સાવધાન થઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ અવળો વિષાદયોગ છે. ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ. એક ઉકરડાના કારણે દેશના ગુલિસ્તાનને બરબાદ ન કરી શકાય. ને તે યુદ્ધમાં પ્રવૃત્ત થયો. ઝનૂનપૂર્વક લડ્યો. એવું લડ્યો કે પરમવીર ચક્ર પામ્યો.
તેના ગામમાં તેના સન્માન સમારંભમાં આ વાત કરતાં તેણે કહ્યું, ‘મારા જવાન બંધુઓ, એટલું યાદ રાખજો કે દેશ કરતાં કોઈ મહાન નથી. માદરે વતન, માતા અને માતૃભાષાની સેવા જેવી બીજી કોઈ સેવા નથી. જે પોતાના જ માટે જીવે છે એ માણસ રોજ-રોજ મરે છે પણ જે દેશ માટે મરે છે તે સદાકાળ જીવે છે.’
અને છેલ્લે...
તેણે જે વિધાન કર્યું એ સાંભળીને સાત-આઠ માણસોનું ટોળું માથું નીચું કરીને સરકી ગયું. વિધાન હતું, એક ટોપલામાં બે‍ત્રણ કેરી સડેલી નીકળે તો આખા ટોપલાને દોષ ન દેવાય, સડેલી કેરીને બહાર ફેંકી ટોપલાની હિફાજત કરવી એ જ આપણી ફરજ.
અને છેલ્લે : એટલું તો સમજાઈ ગયું હશે કે આ લખાણના ઉશ્કેરાટનું કારણ મોદીજીનું વક્તવ્ય નહીં, નાદાન લોકોની નાદાનિયત છે. વળી લખાણની આગલી રાત્રે એક ટીવી ચૅનલ પર એક ચર્ચા સાંભળી હતી કે ઉત્તર કોરિયામાં એક પણ કોરોનાનો કેસ કેમ નથી? આ સત્ય છે કે છલના? આ ચર્ચા અમે સપરિવાર જોઈ હતી. ચર્ચામાં કહેવાયું કે થોડા સમય પહેલાં એક સરકારી અધિકારી કોરોનાનો ભોગ બનેલા જેને ઉત્તર કોરિયાના સરમુખ્ત્યારે ત્યાં ને ત્યાં ગોળી મારીને ઢાળી દીધા હતા. આ બનાવથી લોકોમાં એવી ધાક બેસી ગઈ કે લોકો આપોઆપ સાવચેતી રાખવા લાગ્યા. ‍એ જ વખતે મારી પુત્રી હેમાલીએ અને પુત્ર દર્શને કહ્યું કે આવતી કાલે મોદીજીએ આવી જ કંઈક ‘ધાક’ બેસાડવી જોઈએ. બીજા દિવસે મોદીજીનું ભાષણ સાંભળી મને કહ્યું, ‘પપ્પા, તમને નથી લાગતું કે મોદીજી વધારે પડતા સૌમ્ય દેખાયા?’
ત્યારે જ મેં તેમને સમજાવ્યું હતું કે તમારો આવેશ સ્વાભવિક છે, પરંતુ રાજકીય નેતાઓ માટે અનેક લક્ષ્મણરેખાઓ હોય છે. લોકશાહી દેશમાં તો ખાસ. એ લોકોએ અધીરાઈ કે ઉશ્કેરાટ માં નહીં, ધીરજ અને ઠાવકાઈથી નિર્ણય લેવાના હોય છે.

એટલું યાદ રાખજો કે દેશ કરતાં કોઈ મહાન નથી. માદરે વતન, માતા અને માતૃભાષાની સેવા જેવી બીજી કોઈ સેવા નથી. જે પોતાના જ માટે જીવે છે એ માણસ રોજ -રોજ મરે છે પણ જે દેશ માટે મરે છે એ સદાકાળ જીવે છે. ટોપલામાં બેત્રણ કેરી સડેલી નીકળે તો સડેલી કેરીને બહાર ફેંકીને ટોપલાની હિફાજત કરવી જોઈએ

સમાપન
વક્ત સબકો મિલતા હૈ
ઝિંદગી બદલને કે લિએ
પર ઝિંદગી દોબારા કહાં
મિલતી હૈ વક્ત બદલને કે લિએ
તા.ક. લેખ પૂરો કર્યો કે તરત જ મુંબઈ બાંદરા સ્ટેશન પાસે હજારો માણસોનું ટોળું ભેગું થયાના સમાચાર ફ્લૅશ થયા. તરત જ છોકરાંઓએ કહ્યું, ‘પપ્પા, હજી પણ લાગે છે કે સરકારે ઠાવકાઈથી વર્તવું જોઈએ?’

columnists Pravin Solanki narendra modi