ઝિંદગી કે સફર મેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો

13 January, 2021 11:41 AM IST  |  Mumbai | Pankaj Udhas

ઝિંદગી કે સફર મેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો

પંકજ ઉધાસ

મેં બીએસસી પૂરું કર્યું એ પછી જીવનમાં એક એવા ચૌરાહા પર આવીને ઊભો રહ્યો, ખબર નહીં કે હવે આગળ કઈ દિશામાં જવું. કંઈ જ ખબર પડે નહીં. એ સમયે મનમાં એક વિચાર એવો પણ હતો કે હું અમેરિકા જાઉં અને વધારે ભણું, પણ પછી એ પણ વિચાર પડી ભાંગ્યો અને મેં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડ્મિશન લીધું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજ આજે પણ ખૂબ પ્રખ્યાત છે અને એ સમયની તો વાત જ જુદી છે. આજે એ કૉલેજ ૧૫૦ વર્ષ જૂની છે. એમએસસી (બોટની)માં ખૂબ મુશ્કેલીથી મને ઍડ્મિશન મળ્યું અને મારા કૉલેજના દિવસો શરૂ થયા. આજે પણ જ્યારે મને એ દિવસો યાદ આવે ત્યારે કૉલેજ, કૉલેજનો કૅમ્પસ, કૅન્ટીન, કૅન્ટીનની બહારનું મોટું ઝાડ, એની નીચે સ્ટુલ પર બેસી રહેતા મારા મિત્રો યાદ આવી જાય છે. આ કૉલેજમાં મને એવા-એવા મિત્ર મળ્યા જેઓ આજે ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યા છે અને ખૂબબધી પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે. હું તો કહીશ કે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પાણીમાં જ એવું હીર હતું કે ત્યાં ભણનારાઓ મોટી નામના કમાનારા જ બને. આ કૉલેજમાં ભણ્યા હોય અને જેમણે દેશનું નામ રોશન કર્યું હોય એવા નામમાં સોલી સોરાબજી, નાની પાલખીવાલા, સોલી નરીમાન, આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા, પેઇન્ટર એફ. એમ. સુઝરનો સમાવેશ અચૂક અને ભૂલ્યા વિના કરવો પડે. આ જ કારણસર જ્યારે મને ઍડ્મિશન મળ્યું ત્યારે ઓહોહો, જિંદગી બની ગઈ.

કૉલેજ શરૂ થઈ એ સમયે કૅન્ટીનના નામે માત્ર એક છાપરુ હતું. આ છાપરા પાસે મોટું ઝાડ. બધા સ્ટુડન્ટ આવે, આ ઝાડ નીચે ખુરસીઓ અને સ્ટુલ્સ પડ્યાં હોય અને બધા અહીં ઝાડની નીચે બેસે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજ પહેલેથી જ બધી બાબતોમાં આગળ પડતી. નવી ડિઝાઇનનાં કપડાંથી માંડીને ફૅશન, ભાતભાતની ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓ અહીં જોવા મળે. પહેલાં વાત કરી હતી એમ, યુનિવર્સિટીની જેમ જ અહીં પણ એક સોસાયટી સંગીત મંડળ હતું. નાટ્યમંડળ અને નૃત્યમંડળ પણ હતાં. આ બધાં મંડળોમાં ઍક્ટિવિટી પણ ખૂબ થાય. મને તો સંગીતનો શોખ હતો એટલે મેં તો પહેલેથી જ સંગીત મંડળમાં રસ લેવાનું વિચારી રાખ્યું હતું. સંગીત મંડળ પણ ખૂબ જ આગળ પડતું. જબરદસ્ત અને કમાલના કાર્યક્રમો કરે. દરરોજ બપોરે કૉલેજના હૉલમાં સભ્યો ભેગા થાય અને સંગીતનું કામ થાય.

હું કહીશ કે ઝેવિયર્સ કૉલેજનો હૉલ જોવા જેવો છે. એ ઑડિટોરિયમ આજે પણ એવું ને એવું જ છે. એક અલગ વાતાવરણ, એનો જાદુ, એની ગરિમા અને એક વિશિષ્ટ પ્રતિભા છે એની. બપોરના સમયે હું તો ગયો ત્યાં. પ્રજ્ઞાચક્ષુ અરુણ પટેલ હતા. તેમને સંગીતની ખૂબ જ સમજ. શાસ્ત્રીય સંગીતના માહેર તથા હાર્મોનિયમ અને પિયાનો વગાડે. બધા કાર્યક્રમોનું સંચાલન તેમની પાસે હોય. મેં તેમને મોટા ભાઈ મનહરભાઈની ઓળખ આપીને કહ્યું, ‘આપ કો હમસે બિછડે હુએ, એક ઝમાના બીત ગયા...’ ગાયું છે એ મનહર ઉધાસનો હું ભાઈ છું, પંકજ મારું નામ છે. મારે પણ જોડાવું છે. તેમણે રાજી થઈને આવકાર આપ્યો અને કહ્યું કે ‘પૂછવાની જરૂર જ ન હોય.’

એ વખતે મેં હામોર્નિયમ પર ગીત ગાયાં. બધાએ તાળીઓ પાડી અને મને આવકાર્યો અને આમ મારી ભરતી થઈ ગઈ. ધીમે-ધીમે અમારું એક ગ્રુપ બની ગયું અને પછી તો રૂટીન પણ બની ગયું કે બપોર પછી બધાના ક્લાસ પૂરા થાય એટલે અમે કૅન્ટીનમાં જઈને બેસીએ. દુનિયાભરની વાતો અને વિચારો ચાલે. આપણે તો મ્યુઝિશ્યન-ગાયક. જાતજાતનાં ને ભાતભાતનાં સપના જોઈએ. લગભગ ભુલાઈ જ ગયું કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું અને એને લીધે પ્રૅક્ટિકલ પણ છૂટી જાય. મને પાક્કું યાદ છે કે મારો ક્લાસ કૅન્ટીનની બિલકુલ સામે. ક્લાસની વિન્ડોમાંથી અમારુ પેલું કૅન્ટીનવાળું ઝાડ દેખાય. ક્લાસ શરૂ થાય એટલે બોટની ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર મને બોલાવવા માટે પ્યુનને મોકલે. કહેવડાવે કે ગપાટા મારવાનું બંધ કર અને ક્લાસમાં આવ.

હું કચવાતા મને મારી આ બધી કંપનીઓ છોડીને ક્લાસમાં જઈને બેસું, પણ સાચું કહું તો જીવ તો બહાર પેલા બધા મિત્રો પાસે જ હોય. ઝેવિયર્સમાં મને અનેક ગાયકો-મિત્રો મળ્યા અને તેમની સાથે ખૂબ સારી ઓળખાણ થઈ. અલકા નાડકર્ણી, નીતિન મુકેશ, શારદા ક્રિષ્નમૂર્તિ, પ્રીતિ મોતીસાગર. આ બધા સાથે ઘનિષ્ઠ સંબંધો અને મિત્રતા પણ રચાઈ. નાટ્ય-મંડળના કલાકારો પણ આવ્યા અને તેમની સાથે પણ ભાઈબંધી થઈ. ધીરે-ધીરે રિહર્સલ શરૂ થયાં અને એની વચ્ચે જ અમારા કૉલેજના ઍન્યુઅલ ડેની તૈયારી પણ શરૂ થઈ. તમને એક રસપ્રદ વાત કહું...

ઝેવિયર્સ કૉલેજના ઍન્યુઅલ ડેમાં એવી પ્રથા કે ઍન્યુઅલ ડેમાં એ સમયના ટોચના મ્યુઝિશ્યન આવે. અમે બધા ખૂલીને રિહર્સલ કરીએ અને ખૂબ આનંદ કરીએ. એવો આનંદ કે આજે પણ એ દિવસો જો પાછા મળતા હોય તો બધું છોડીને ફરી એ જ સમયમાં પાછા ચાલ્યા જઈએ. આ જ કૉલેજના દિવસોમાં મને પહેલી વખત પ્લેબૅકની ઑફર મળી હતી, જેની વાત મેં આ અગાઉ આ જ કૉલમમાં મેં કહી છે. મને એ તક પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર ઉષા ખન્નાએ આપી હતી.
ફરી ઝેવિયર્સની વાત પર આવીએ.

ઍન્યુઅલ ડે માટે અમારું રિહર્સલ થાય અને રિહર્સલ થયા પછી અમે પર્ફોર્મ કરીએ. કૉલેજમાં એક દૂબળી-પાતળી અને ગોરી એવી અલકા નાડકર્ણી હતી, તે ખૂબ જ સરસ ગાય. શારદા ક્રિષ્નમૂર્તિ પણ સુંદર ગાય. રાનુ મુખરજી હતી, જે આશાજીનાં ગીતો ગાય. કમ્પેર તરીકે થોડી શ્યામળી એવી છોકરી જોડાઈ, જે એ સમયે દૂરદર્શન પર મરાઠી ન્યુઝ વાંચતી એટલે ઑલરેડી સ્ટાર થઈ ગઈ હતી. સમય જતાં તો સાંજે ૭ વાગ્યા પછી હિન્દી ન્યુઝમાં પણ વાંચતી. બધા સાથે મળીને ખૂબ જ કામ કરતાં અને એ કામનો જરા પણ ભાર નહોતો લાગતો. બધું કામ પૂરુ થયું અને ઍન્યુઅલ ડે આવ્યો. એ ઍન્યુઅલ ડેમાં મેં ‘આનંદ’નું ‘કહીં દૂર જબ દિન ઢલ જાએ...’ ગીત ગાયું. ફિલ્મ ‘જવાની દિવાની’નું ગીત પણ ગાયું. વન્સ-મોર પર વન્સ-મોર અને ધમાલધમાલ થઈ ગઈ. એ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અમે બધા આગળ જઈને શું કરીશું અને ક્યાં પહોંચીશું જીવનમાં, પણ સાચું કહું તો અમે બધા સપનાં જોનારાઓએ એ સપનાને સાકાર કરવા માટે પૂરતી મહેનત પણ કરી. તમને હું કહીશ કે નસીબ-કિસ્મત સારાં કે લોકોને એકસાથે જોડવાનું કામ કરતું હોય છે. મારી સાથે એ કૉલેજમાં ભણતી પેલી છોકરી અલકા નાડકર્ણી આજે અનુરાધા પૌડવાલના નામે ઓળખાય છે. તેમણે હજારો ગીતો ગાયાં છે અને પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. શારદા ક્રિષ્નમૂર્તિ જે ખૂબ જ ઓછું બોલતી, તેને દુનિયા આજે કવિતા કૃષ્ણમૂર્તિ તરીકે ઓળખે છે. હેમંતકુમારની દીકરી રાનુ મુખરજીએ પણ પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું તો પ્રીતિ મોતીસાગર જેના ‘જુલી’ ફિલ્મના પહેલા જ ગીત ‘માય હાર્ટ ઇઝ બીટિંગ...’એ દેકારો બોલાવી દીધો. ઍન્યુઅલ ડેના ફંક્શનમાં કમ્પેરિંગ માટે જે પેલી શ્યામવર્ણી છોકરી જોડાઈ હતી તેને આજે દુનિયા સ્મિતા પાટીલના નામે ઓળખે છે. અમારા સિનિયરોની નામની વાત કરું તો સુનીલ ગાવસકર, શબાના આઝમી અને મુકેશજીના દીકરા નીતિન મુકેશ. બોની કપૂર અને અનિલ કપૂર પણ અમારી આ જ કૉલેજના વિદ્યાર્થીઓ. બધા આ બન્ને કપૂરભાઈઓને પણ ઓળખે જ છે. નાટ્યમંડળમાં પણ અમારી સાથે જ હતા એ સૌ ખૂબ ગુણી અને નામનાપાત્ર સ્થાને પહોંચ્યા. એ મિત્રોમાં પ્રતિભાશાળી કલાકાર ફારુક શેખ આવે. અમારા ગ્રુપમાં એક ભાઈબંધ હતો, એ બધી વાતમાં કૉમેડી જ કર્યા કરે અને દરેક વાતમાં અમને હસાવી-હસાવીને પાગલ કરી દે. અમે એવું કહેતા કે આ આગળ જતાં શું કરશે. કોઈ વાતની ગંભીરતા દેખાય જ નહીં, પણ તેની એ ખાસિયતે જ તેને આજે ટીવી અને ફિલ્મનો ખૂબ જ જાણીતો કલાકાર બનાવી દીધો. નામ એનું સતીશ શાહ.
હમણાં જ હું અને સતીશ શાહ મળી ગયા. સતીશને મેં કહ્યું કે ચાલો બધા એક વાર ફરી ભેગા થઈએ અને કૉલેજની કૅન્ટીનની બહાર બેસીએ. કહી તો દીધું અને એવું કરવાનો પ્રયાસ પણ કરીશ, પણ આજે બધા બહુ બિઝી છે, અટવાયેલા છે. બધા કલાકારો પણ ખરું કહું તો ઇચ્છા છે કે ફરી એક વખત એ જ જગ્યાએ જવું અને ત્યાં જ બેસીને એ જ બધી વાતો કરવી જે ૭૦ના દસકાની શરૂઆતમાં અમે કરતા હતા. ગાડી-બંગલા અને રૂપિયા અમારી પાસે નહોતાં, પણ એ સમયે અમારી પાસે સપનાં હતાં અને સપનાં પૂરાં કરવાની ક્ષમતા હતી. એ ક્ષમતા વચ્ચે આજે બધું બદલાઈ ગયું છે. હવે ત્યાં કૅન્ટીન છે, પણ પેલું અમારું ફેવરિટ ઝાડ નથી રહ્યું અને તો પણ, ત્યાં જવાની ઇચ્છા છે. બહાર ખુરસીઓ મૂકીને જ બેસવું છે અને બેઠા પછી ઈશ્વરને એ જ કહેવું છે ઃ ‘યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો, ભલે છીન લો મુઝ સે મેરી જવાની, મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન, વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની...’

મિલતે હૈં એક ઇન્ટરવલ કે બાદ

વાચકમિત્રો, ‘દિલ સે દિલ તક’ની આ સફર આપણે આજે, અહીં અટકાવીએ છીએ. અટકાવીએ છીએ, બંધ નથી કરતા. તમારી સાથેની આ સફર રોમાંચક રહી, ભૂતકાળમાં ડોકિયું કરવાની તક મળી. આ જ તક ભવિષ્યમાં ફરી વખત મળે એવી અપેક્ષા રાખીને અત્યારે અહીં ઇન્ટરવલ પાડીએ છીએ. બહુ ઝડપથી ફરી મળીશું એવી આશા સાથે. આપ સૌ સાથે આ સીધો સંવાદ કરવાની તક મળી એ બદલ આપનો, ‘મિડ-ડે’ મૅનેજમેન્ટનો અને ‘મિડ-ડે’ ટીમનો ખૂબ-ખૂબ આભાર. મળીશું હવે નાનકડા વિરામ પછી.
આપનો
પંકજ.

columnists pankaj udhas