કોરોના કેર:પરિવર્તનની દિશામાં આગળ લઈ જવાનું કામ કરવાના દિવસો આવી ગયા છે

18 March, 2020 04:39 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેર:પરિવર્તનની દિશામાં આગળ લઈ જવાનું કામ કરવાના દિવસો આવી ગયા છે

પ્રતીકાત્મક તસવીર

ક્યાંય અટકવાનું નામ નથી લઈ રહ્યો કોરોના. ગઈ કાલે વધુ પેશન્ટ્સ પણ આવ્યા અને વધુ મોત પણ થયાં. દેશની રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી દીધી છે કોરોનાએ. કોરોનાનો આ જે કેર છે એ કેરને જરાપણ હળવાશથી લેવાનો નથી અને લઈ શકાય પણ નહીં. દિલ્હીમાં સરકારે કુતુબ મિનારથી માંડીને તાજ મહાલ જેવી ઇમારત જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તો મહારાષ્ટ્ર સરકારે પણ કડક પગલાંને વધારે આકરાં બનાવવાનું ચાલુ કરી દીધું છે. જે શૂટિંગ બુધવાર રાત સુધી ચાલુ રહેવાનું હતું એ શૂટિંગ મંગળવાર રાત સુધીમાં જ પૂરું કરી નાખવાની વિનંતી કરી દેવામાં આવી છે તો મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ લોકોને બહાર નીકળતા અટકાવવા માટે લોકલ ટ્રેન અને બસની સંખ્યા ઘટાડવા વિશે પણ વિચારી રહી છે. કશું ખોટું નથી એમાં, કરવું પડે એવી અવસ્થા જ છે અત્યારે.

તમને તિકડમ લાગતું હોય તો તિકડમ અને તમને માર્કેટિંગ ફન્ડા લાગતો હોય તો માર્કેટિંગ ફન્ડા. તમને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની ચાલ લાગે તો એમ અને તમને આંતરરાષ્ટ્રીય રાજકારણની એક ચાલ દેખાતી હોય તો ચાલ જ સહી, પણ જરૂરી પગલાંઓ લેવાઈ રહ્યાં છે. અમેરિકાનાં ત્રણ સ્ટેટમાં રાતના સમયે કરફ્યુ અનાઉન્સ કરવામાં આવ્યો છે. ભારતનાં પણ અમુક રાજ્યોએ આવાં જ પગલાં લગાડવાનું નક્કી કરી લીધું છે. મંદિરોની સાફસફાઈ શરૂ થઈ રહી છે અને અમુક મંદિરોએ તાળાબંધી સુધ્ધાં કરવાનું નક્કી કરવાની દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું છે. આ એક વૈશ્વિક મહામારી છે અને વાત જ્યારે મહામારીની હોય ત્યારે એને આ જ રીતે હેન્ડલ કરવી પડે, એની સામે આ જ રીતે લડવું પડે.

કોરોનાના કેર સામે લડવાનું છે. શૅરબજાર દરરોજ એની લડતનો અંદાજ આપી રહ્યું છે. ઘણા દિવસથી તૂટી રહેલો ઇન્ડેક્સ દર્શાવે છે કે દુનિયા આખી કોરોનાથી ભયભીત છે અને આ ભય વાજબી છે. લડવાનું શત્રુ સામે હોય, અજાણ્યા દુશ્મનની સામે ડરવાનું હોય. કોરોના એક એવો અજાણ્યો દુશ્મન છે જેની કોઈ દવા નથી, જેની કોઈ સારવાર નથી, જેનો કોઈ ઉપચાર નથી. જો ઉપચાર ન હોય તો સ્વાભાવિક રીતે તમારે એની સામે ઊભા રહેવાનું છે જે તમને સલામત રાખે અને કોરોનાથી સલામત રાખવાનું કામ માત્ર અને માત્ર પ્રિવેન્શન રાખી શકે એમ છે. સલામતી તમારે નક્કી કરવાની છે. આ દિવસોમાં જો તમે સલામતી નહીં રાખો તો બની શકે આવતી કાલે તમે સરકારને ભાંડવાનું કામ કરવા માંડો. બહેતર છે કે તમારી જવાબદારી તમે નિભાવો અને સરકારને એનું કામ કરવા દો.

કોરોના અત્યારે ૧૬૨ દેશોમાં ફેલાયેલો છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફટકો પડવાનો છે તો સાથોસાથ ઇમ્પોર્ટ-એક્સપોર્ટને પણ બહુ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવનારા દિવસોમાં કોરોના ઉપરાંતનો કેર પણ વરસી શકે છે અને એ સહન કરવાની ક્ષમતા પણ એકત્રિત કરીને રાખવાની છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે અત્યારની આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધીરજ અકબંધ રાખવાની છે. જો ધીરજ અકબંધ હશે તો લડાઈ પણ શાંતિપૂર્વક જીતી શકાશે અને લડાઈ, લડાઈ જીતવાની છે એ નક્કી છે.

manoj joshi columnists coronavirus