કોરોના કેરઃ જો ફરી ઊભા થવું હોય તો આજે શાંતિથી બેસી રહેવું પડશે

20 March, 2020 03:05 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેરઃ જો ફરી ઊભા થવું હોય તો આજે શાંતિથી બેસી રહેવું પડશે

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે બપોરે ૮૦નો સમાવેશ કરી શકે એ ફર્સ્ટ ક્લાસના ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ૧૦૦થી પણ વધારે લોકો હતા. બસની વાત કરીએ તો ગઈ કાલે  બપોરે બે વાગ્યે ચાર બસ એવી જોઈ જેમાં એક પણ બેસવાની જગ્યા નહોતી અને ૧૦થી પણ વધારે લોકો ઊભા હતા. રસ્તા થોડા શાંત પડ્યા છે અને કૉર્પોરેટ્સ હવે ઘરેથી કામ કરી શકવાને સક્ષમ થવા માંડ્યાં છે પણ એમ છતાં એક વાત યાદ રાખવી પડશે કે જો ફરી ઊભા થવું હશે તો આજે નિરાંતે અને શાંતિથી બેસવાની તૈયારી રાખવી પડશે અને એ તૈયારી હશે તો જ આપણે ફરીથી ભાગી શકીશું.

કોરોનાને લીધે અત્યારે જેકોઈ વાતાવરણ ઊભું થયું છે એ વાતાવરણ ખરેખર ખૂબ કાબૂમાં છે અને એ માટે ભારતે જે સમયસૂચકતા વાપરી છે એ જવાબદાર છે. ચાઇના સાથે ભારતનો જે વાણિજ્ય-વ્યવહાર છે એ વ્યવહાર વચ્ચે જો ભૂલથી પણ બેદરકારી લંબાઈ ગઈ હોત તો હેરાનગતિનું સાઇક્લોન આવી ગયું હોત, પણ કોરોનાને પારખવાનું અને પારખી લીધા પછી કોરોનાની બાબતમાં સમયસૂચકતા દાખવવામાં આવી જેને લીધે આપણે હજી પણ આ સ્તરે એટલે કે સેફ રહી શક્યા છીએ. કોરોનાને જો સમજવામાં કે જાણવામાં બેદરકારી રાખી હોત તો ખરેખર અત્યારે અત્યંત ખરાબ વાતાવરણ ઊભું થઈ ગયું હોત, પણ એવું નથી થયું જેને માટે ભારત સરકારથી માંડીને ભારતના મેડિકલ એક્સપર્ટ્સ પણ ધન્યવાદને પાત્ર છે. કોરોનાની ગંભીરતાનું સાચું દૃશ્ય હવે સૌ1કોઈ સામે આવી ગયું હશે એવું ધારી શકાય. વગરકારણનું કે પછી નાહકનું ટ્રાવેલિંગ ટાળવું અનિવાર્ય છે અને એ જ કોરોનાથી બચવાનો માર્ગ છે. કોરોનાને જો આગળ વધતો અટકાવવો હશે તો એને પાસે આવવા દેવાની નીતિ પણ છોડવી પડશે.

જાં હૈ તો જહાં હૈ.

આ જ ઉક્ત‌િને અત્યારે જીવનમાં ઉતારીને રાખવાની છે. કોરોનાથી જો બચી શકીશું તો જ આગળનું કામ, આગળનાં સપનાંઓ અને મહત્વાકાંક્ષાઓ ફળીભૂત થશે, પણ જો એવું ન થઈ શક્યું તો કંઈ રહેવાનું નથી. બહેતર છે કે કોરોનાથી ડરીને ઘરમાં ધામા નાખીને પડ્યા રહો. જો એવું લાગતું હોય તો રજા લઈ લો. વાજબી રીતે પરિવાર સાથે ઘરે રહીને આનંદ માણી લો. વાઇફથી માંડીને બાળકો સુધ્ધાં ખુશ થઈ જશે. તેમની સાથે રહેવાની આવી તક તમને ફરી ક્યારેય મળવાની નથી અને આવી તક ભવ‌િષ્યમાં મળે એવી અપેક્ષા રાખવી એ પણ પાપ છે. તો આ જે તક મળી છે એ તકને માણી લેવામાં જ શાણપણ છે અને આ શાણપણ સાથે જ અત્યારનો સમય કાઢવાનો છે. જરા વિચારજો, તમે છો તો કામ છે, તમે નહીં હો તો કામની કોઈ વૅલ્યુ નથી, એનું કોઈ મૂલ્ય નથી. કામના નામે કે પછી કામના કારણે ઍટ લીસ્ટ હમણાંના સમયમાં ભાગવાની જરૂર નથી. અત્યારના સમયે આવતા સમય માટેની એનર્જી ભરવાનું કામ કરવાનું છે. ભવ‌િષ્યને સાબૂત રાખવા માટે વર્તમાનને સમજવાનો છે અને વર્તમાનને સમજવાની કોશિશ થશે તો અને તો જ, ભવ‌િષ્ય સાબૂત છે એ પણ સમજી લેવાનું છે.

manoj joshi columnists coronavirus covid19