કોરોના કેર:એકવીસ દિવસની મહેતલ શરૂ થાય છે આજથી એટલે હવે તૈયાર રહેજો તમે

26 March, 2020 08:12 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેર:એકવીસ દિવસની મહેતલ શરૂ થાય છે આજથી એટલે હવે તૈયાર રહેજો તમે

પ્રતીકાત્મક તસવીર

કોરોના હવે એના અંતિમ ચરણ પર પહોંચવાના મૂડમાં આવી ગયું છે અને એને જ લીધે મંગળવારે વડા પ્રધાને દેશ આખાને લૉકડાઉનમાં મૂકી દીધો. એકવીસ દિવસની આ મહેતલ છે અને આ મહેતલ દરમ્યાન માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ જ મળશે, પણ તમારે ભૂલવાનું નથી આ એક પ્રકારનો કરફ્યુ પણ છે. વડા પ્રધાને પોતાની વાતમાં ચોખવટ કરતાં કહ્યું પણ ખરું કે આ જનતા કરફ્યુ કરતાં મોટી વાત છે અને કરફ્યુ કરતાં સહેજ ઓછી કહેવાય એવી વાત છે. આ કહેવા પાછળનો હેતુ સમજાય છે તમને? ન સમજાતો હોય તો એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની આખી સ્પીચ સાંભળી લેજો તમે. નાનામાં નાની ચોખવટ કરવામાં આવી છે અને વારંવાર કરવામાં આવી છે. પ્રાર્થના કરતાં, હાથ જોડીને કહેવામાં આવે છે કે મહેરબાની કરીને તમે બહાર નહીં આવો. કોઈ હિસાબે વાતને હસીમજાકમાં નહીં લો. બહુ ગંભીર બાબત છે આ અને આ ગંભીર બાબતને વધારે ગંભીરતા સાથે સમજવાની છે. આ એકવીસ દિવસને તમે નહીં સમજો તો તમારે આવનારા સમયમાં આવનારી તકલીફોને ભોગવવાની તૈયારી રાખવી પડશે. નરેન્દ્ર મોદીની આ વખતની જે કોરોના સ્પીચ છે એમાં તેમની બેચેની પણ દેખાતી હતી અને અંદર રહેલો ઉશ્કેરાટ પણ બહાર આવવા મથી રહ્યો હતો. દેશ અત્યારે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. એક તરફ તબાહી છે અને બીજી તરફ દેશનો વિકાસ છે. જો દેશને વિકાસના રસ્તે અકબંધ રાખવો હોય તો આજે જાતને અટકાવવી પડશે. બહાર જતાં કે નીકળતાં પણ જાતને રોકી રાખવી પડશે. જો આજે જાતને રોકશો નહીં તો આવતી કાલે કોરોનાને અંદર આવતા અટકાવી નહીં શકો તમે.

લક્ષ્મણ રેખાને પણ ભૂલવાની નથી. જો તમે તમારી લક્ષ્મણ રેખા ભૂલ્યા, ઘરની લક્ષ્મણ રેખા ભૂલ્યા તો એ ભૂલ માત્ર તમને એકને નહીં, પણ આખા ઘરને, પરિવારને અને તમારા એકેક સભ્યોને નડી જશે. જો નડવું હોય વહાલાને તો તમારી હોંશિયારી દેખાડજો. જો પરેશાની આપવી હોય ભેટમાં તો તમારા વહાલાઓના ભોગે હોંશિયારી દેખાડજો અને અન્યથા, પ્રેમપૂર્વક કોરોનાના ડરને મનમાં અકબંધ રાખજો.

સાહેબ, ડરવું પડે. ડરવું જોઈએ. જો ડરશો નહીં તો કોરોના તમને ડરાવવામાં જીતી જશે. જો ડરશો તો કોરોના ઇચ્છતું હશે તો પણ કશું કરી નહીં શકે. એણે આવવું છે તમારી પાસે, પણ આવવા માટે એ તમારા ડરની રાહ જોશે. એણે તમારી સાથે રહેવું છે, પણ રહેવા આવવા માટે તમારે ઘરની બહાર નીકળીને એને લઈ આવવાનું કામ કરવું પડશે. જો તમે લેવા જશો તો જ એ તમારી પાસે આવશે, પણ જો તમે લેવા નહીં જાવ તો એ જરા પણ અહમ્ છોડીને ઘરમાં નહીં આવે. પહેલી વખત તમારે એના અહમને સાચવી રાખવાનો છે. એને અંદર આવવા દેવાનો નથી અને એને આવવા દેવો નથી એટલે તમારે બહાર જવાનું નથી. પ્લીઝ પાળજો. બહુ જરૂરી છે. તમારી આગામી જિંદગી માટે પણ એ જરૂરી છે અને તમારી આવતી પેઢી માટે પણ એ આવશ્યક છે. શાંતિથી પરિવાર સાથે રહેવાનું છે અને રહેજો. શાંતિથી અને એકદમ સ્વસ્થ ચિતે.

manoj joshi coronavirus covid19 columnists manoj joshi columnists coronavirus