કહો જોઈએ, કાચા કાનના બનીને કેટલા નિર્દોષને વગરવાંકે દંડી નાખ્યા તમે?

26 February, 2020 05:10 PM IST  |  Mumbai | Manoj Joshi

કહો જોઈએ, કાચા કાનના બનીને કેટલા નિર્દોષને વગરવાંકે દંડી નાખ્યા તમે?

ઇતિહાસ સાક્ષી છે કે અઢળક વાર વગરવાંકે વ્યક્તિ ભૂતકાળમાં દંડાઈ છે. ભારતમાં જ્યારે દેશી રજવાડાં હતાં ત્યારે પણ કાચા કાનના રાજાઓએ અનેક નિદોર્ષોને સજા ફટકારી છે અને આજે પણ આ ઘાટ અકબંધ છે. અનેક વાર એવું બની શકે છે તમારી સાથે પણ અને તમારી આજુબાજુ પણ. જ્યાં સામી વ્યક્તિનો કદાચ એટલો મોટો વાંક હોય પણ નહીં, પરંતુ તમારી સામે જે ચિત્ર ખડું કરવામાં આવ્યું હોય તેમાં તમે પૂરેપૂરા એ વ્યક્તિને વાંકમાં ગણી લેતા હો. અનેક વાર આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોઈ શકે છે એવું આપણે જાણતા હોઈએ તો પણ આપણે પોતે જ આંખે જોયેલી અને કાને સાંભળેલી વાતને કોઈ પણ ઊલટ તપાસ કર્યા વિના સ્વીકારી લેતા હોઈએ છીએ. હકીકતમાં સહુને જસ્ટિસ ચૌધરી બનવાનો શોખ હોય છે. એમાં પોતાનો અહમ્ સંતોષાતો હોય છે અને એ જ કારણે કોઈકના કૃત્ય પર શંકા કરીને તેને ગુનેગાર ગણવામાં એક ઘડીનો વિલંબ પણ આપણે કરતા નથી.

ઇતિહાસની ઘટનાઓ યાદ કરો, જ્યારે આઝાદીના દિવસો ગણાઈ રહ્યા હતા અને હિન્દુ અને મુસલમાનો હિજરત કરીને ભારત અને પાકિસ્તાન તરફ ગતિમાન બન્યા હતા. કોમી રમખાણો જેવી સ્થિતિમાં ગાંધીજી સામે સરદાર વિરુદ્ધ મુસ્લિમ લીગના નેતાઓ વાસ્તવિકતાને મોટી કરીને, થોડું મરચું-મીઠું ભભરાવીને કહેતા, જેથી ગાંધી-સરદાર વચ્ચેનું અંતર વધવામાં પેટ્રોલ તો પુરાણું જ હતું. જેણે ઇતિહાસના મહત્ત્વના નિર્ણયોને અસર કરી હતી. મોટેભાગે જ્યારે આપણને સહેજ શંકા હોય એવી બાબતમાં જો બહારની વ્યક્તિ આવીને મીઠું-મરચું ભભરાવીને વાત કરે ત્યારે આપણે તેને વધુ સાચી માનતા હોઈએ છીએ, કારણ કે એમાં બે બાબતો ઘટે છે એક સાથે. પહેલી, તમે સાચા છો એ વાતને પુષ્ટિ મળવાથી પ્રારંભિક ઇગો સંતોષાય અને બીજી, વધારવાની માહિતીને આપણે એસેટ ગણવા માંડીએ. ભલે પછી એ સાચી હોય કે કોઈકના કરપ્ટ મગજની ઊપજ હોય એની તપાસ કર્યા વિના.

આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ દરેક વખતે ક્યારેક ને ક્યારેક આપણે કાચા કાનના બની જ જતા હોઈએ છીએ, જેમાં સામા પાત્રએ તમારા વિશે કહેલી વાત કોઈ અન્ય પાસેથી સાંભળીને પણ આપણા અહ‍મને એવી ચોટ પહોંચે છે કે તેની સચ્ચાઈ વિશે કોઈ ચોકસાઈ કર્યા વિના આપણે એ સ્વીકારી લઈએ છીએ. આ જ આદતે ઘણા અંગત સંબંધોને હાંસિયાબહાર મૂકવાનું કામ કર્યું છે, આ જ આદતે જેના પર પરમ વિશ્વાસ હોય અને પ્રામાણિકતાની ચરમસીમા પર રહેલા સંબંધોમાં પણ ગાબડાં પાડવાનું કામ કર્યું છે. આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે એ હકીકત હોવા છતાં આપણે જ્યારે વાત આપણને સ્પર્શતી હોય ત્યારે એમાં કોઈ સેકન્ડ થોટ આપવા તૈયાર નથી હોતા. સંબંધોમાં જ નહીં, પણ જીવનના દરેક તબક્કે ઝેરનું કામ કરી શકનારી આ આદતને બદલવામાં શાણપણ છે. આપણી કોઈ વ્યક્તિ વિશે ત્રીજી વ્યક્તિ પાસેથી સાંભળેલી વાતને સાંભળવાનું અવોઇડ કરો, એ ન થાય તો એના પર વિશ્વાસ મૂકીને ઝેર તો ઉત્પન્ન ન જ કરો. કદાચ કોઈ દ્વારા તમારા કાનમાં રેડવામાં આવી રહેલું ઝેર વ્યાવહારિક દૃષ્ટિએ તમે નજરોનજર જોઈ પણ રહ્યા હો, પણ એ પછીયે એ સાચું છે એની પૂરતી તપાસ અનિવાર્ય છે, કારણ કે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે.

columnists manoj joshi manoj joshi columnists