અતશ્રી કોવિડ કથા: વધી રહેલા આંકડા બેદરકારીની ચરમસીમાને ઉજાગર કરે છે

17 February, 2021 03:13 PM IST  |  Mumbai | Manoj Joshi

અતશ્રી કોવિડ કથા: વધી રહેલા આંકડા બેદરકારીની ચરમસીમાને ઉજાગર કરે છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા સમયથી, સ્પેસિફિક કહીએ તો, છેલ્લા એક વીકથી મહારાષ્ટ્રમાં કોવિડ પેશન્ટ્સના આંકડા વધવાનું શરૂ થયું છે; મહારાષ્ટ્રમાં પણ અને મુંબઈમાં પણ. ગુજરાતમાં તો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જ કોવિડે અડફેટમાં લીધા છે તો બીજેપીના બીજા અનેક નેતાઓ કોવિડની અડફેટે ચડ્યા છે. વધી રહેલા આ આંકડા કોવિડનું અસ્તિત્વ દર્શાવી રહ્યા છે તો સાથોસાથ વધી રહેલા આ આંકડા કોવિડ પ્રત્યે વધી રહેલી બેદરકારીને પણ ઉજાગર કરવાનું કામ કરે છે. કોવિડ છે, છે અને છે જ એવું ગાઈવગાડીને કહ્યા પછી પણ કોવિડને ભૂલનારાઓની મોટી સંખ્યા અત્યારે રસ્તા પર છે.

કોવિડને લીધે હવે મૃત્યુઆંક નીચો આવ્યો છે એ સાચું છે. કોવિડને લીધે હવે પહેલાં જેટલા લોકો આઇસીયુમાં નથી પહોંચતા એ વાત પણ ૧૦૦ ટકા સાચી, પણ એનો અર્થ એવો નથી થઈ જતો કે દુનિયા મહામારીમાંથી બહાર આવી ગઈ છે. ભારતીય સમાજ-વ્યવસ્થા છેલ્લા એક વર્ષમાં એવી તૈયાર થઈ ગઈ, જેણે કોવિડની મહામારી સામે બળ પૂરું પાડી દીધું, ઇમ્યુનિટીની બાબતમાં વધારે સજ્જ કરી દીધા અને અમુક અંશે કોવિડ-પ્રૂફ કરી દીધા, પણ એનો અર્થ એવો નથી નીકળતો કે બેદરકારીની ચરમસીમા પર પહોંચીએ અને કાળજી રાખવાનું પણ ભૂલી જઈએ. સાચું કે કોવિડને લીધે મરણાંક ઘટ્યો છે છતાં કહેવું પડે છે કે આજે પણ કોવિડને કારણે મૃત્યુ તો થઈ જ રહ્યાં છે અને એવી-એવી વ્યક્તિઓને કોવિડ ભરખી રહ્યો છે જેનું મોત તમે કલ્પી પણ ન શકો.

હા, વાત ચાલી રહી છે વિકાસ શર્માની. રિપબ્લિક ચૅનલના ઍન્કર વિકાસને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ મળી શકે અને એમાં કોઈ મીનમેખ નથી, એ મળતી જ હતી અને એ પછી પણ વિકાસ શર્માએ કોવિડને લીધે જીવ ગુમાવવો પડ્યો. પાંચમી ફેબ્રુઆરીએ જ વિકાસ શર્માએ જીવ ગુમાવ્યો અને એ પછી કોવિડ વધતો નજરે આવવા માંડ્યો. કહેવાનો ભાવાર્થ એ છે કે જે સમયે સાધનસંપન્ન અને સંપર્કની દૃષ્ટિએ પહોંચતી વ્યક્તિ પણ આ મહામારીની અડફેટમાં ચડી જાય એવા સમયે સૌથી પહેલી સજાગતા આપણે, કૉમનમૅને લાવવી જોઈએ. એવા કૉમનમૅનની વાત કરું છું જેની પાસે પીઠબળ નથી. એવા કૉમનમૅનની વાત કરું છું, જે સંપર્કો અને ઓળખાણોની બાબતમાં વિકાસ શર્મા જેવા દિગ્ગજોથી ઓછા ઊતરતા છે. બધું હાજર થઈ શકે એવી અવસ્થામાં રહેલી વ્યક્તિએ પણ જો કોવિડને લીધે હેરાન થવું પડતું હોય તો સામાન્ય અવામની તો વાત જ શું કરવી. વારંવાર કહેવાનું મન થાય છે, હાથ જોડીને વિનંતી કરવાનું મન થાય છે કે પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ, બેદરકારી ન દાખવો. ઘરમાં રહો. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને કોવિડને તમારાથી દૂર રાખો. વૅક્સિન હજી એકેએક વ્યક્તિ સુધી પહોંચી નથી ત્યારે તો આ કાળજી રાખવી અનિવાર્ય થઈ જાય છે. જો એમાં કોઈ ભૂલ કરી તો દુખી થવાનો વારો આવશે અને એવા સમયે બધી બાબતમાં આંખો ખૂલી જશે તો પણ રાંડ્યા પછીનું એ ડહાપણ સહેજ પણ કામ નથી લાગવાનું. અનિવાર્ય હોય તો જ બહાર આવજો. બહાર કશું ખૂલ્યું નથી અને જે ખૂલ્યું છે એ અનિવાર્ય છે એટલે ખોલવામાં આવ્યું છે. કોવિડ બહાર છે અને એ સ્વાભિમાની છે. લેવા જશો તો જ સાથે આવશે. નક્કી હવે તમારે કરવાનું છે. બહાર નીકળીને એને ઘરમાં લઈ આવવો છે કે પછી ઘરમાં રહીને એને જાકારો આપવો છે?

columnists manoj joshi coronavirus covid19