કોરોના કેર : જરા વિચારો તો ખરા, હવે હેલ્થ કેવી લાલ ટમેટાં જેવી બની હશે

22 April, 2020 04:57 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના કેર : જરા વિચારો તો ખરા, હવે હેલ્થ કેવી લાલ ટમેટાં જેવી બની હશે

પ્રતીકાત્મક તસવીર

હા, કોરોના સામે લડવા માટે વાપરવામાં આવેલા લૉકડાઉનને કારણે આજે સરેરાશ ગુજરાતીઓ ગલગોટા જેવા થઈ ગયા છે. હેલ્થ લાલ ટમેટાં જેવી થઈ ગઈ છે અને ચહેરાની લાલી બદલાવા માંડી છે. કોરોનાના પાપને નાથવા જતાં શરીર અને સ્વાસ્થ્ય ખરેખર સુધરવા માંડ્યાં છે. હા, માન્યું કે માનસિક અવદશાઓ સહન કરવાની આવતી હોઈ શકે છે અને મનમાં ઉદ્વેગનો ત્રાસ પણ અકબંધ હોય એવું પણ બની શકે, પણ એમ છતાં સ્વાસ્થ્યની બાબતમાં સજાગતા આવી છે અને પહેલી વખત એવું પણ બન્યું છે કે બહારથી પણ વાતાવરણમાં સુધારો આવ્યો છે. ઑક્સિજનની શુદ્ધતાની સાથોસાથ વાતાવરણમાં રહેલું પૉલ્યુશન પણ કાબૂમાં આવ્યું છે. પૉલ્યુશનને કારણે છાતીમાં ભરાતી કાળીભમ્મર હવા હવે ચોખ્ખી થઈ ગઈ છે અને લૉકડાઉન જો લાંબો સમય રહ્યો તો હજી પણ વધારે હવા ચોખ્ખી થશે. પાણીમાં પ્રદૂષણ ઘટ્યું છે. મીઠી નદીનાં પાણી દાયકાઓ પછી ચોખ્ખાં થયાં છે અને એની સીધી અસર ચહેરા પર આવેલી ચમકમાં દેખાઈ રહી છે.
સ્વાસ્થ્ય માટે લોકોએ ગાઈવગાડીને સૌકોઈને કહ્યું, પણ કોઈ એ માનવા તૈયાર નહોતું. ઘરે રહો, સારું ફૂડ જમો, રોગપ્રતિકારક શક્તિ વધારો. આવાં અને આ પ્રકારનાં અઢળક સૂચન કરવામાં આવતાં પણ એ કોઈ ગણકારવા રાજી નહોતું અને કોરોનાએ આ કામ કરી બતાવ્યું. કોરોનાની આ હકારાત્મક અસર છે. આવી અનેક પૉઝિટિવ અસર કોરોનાએ આપણને, આ શહેરને, આ દેશને આપી છે અને એની વાતો આપણે કરતા રહેવાના છીએ, પણ આજે વાત કરીએ લાલચટાક ટમેટાં જેવા થઈ ગયેલા સ્વાસ્થ્યની.
કોરોનાએ સમજાવી દીધું કે સૅન્ડવિચ નહીં હોય તો ચાલશે, પીત્ઝા ખાવા નહીં મળે તો જીવ નીકળી નથી જવાનો. કોરોનાએ વ્યસનમાં પણ પાબંદી લગાવી દીધી અને કોરોનાએ સિગારેટ કાં તો ઓછી કરાવી દીધી અને કાં તો એ બંધ કરાવી દીધી. કોરોનાએ વાઇફને ખુશ કરી દીધી. બિચારી કહી-કહીને થાકી ગઈ હતી, પણ પતિદેવ તેની વાત માનવા કે સાંભળવા રાજી નહોતા, પણ કોરોનાએ આ કામ કરી દીધું અને બેસ્ટ રીતે કરી દીધું. કોરોનાએ આના કરતાં પણ અનેકગણી બીજી પણ સુખાકારી ઊભી કરી દીધી છે.
કોલ્ડ ડ્રિન્ક વિના જીવતાં શીખવી દીધું અને મીઠાઈ વિના શ્વસતા શીખવી દીધું. જે બધું છોડવા જેવું હતું એ છોડવાનું પણ કોરોનાએ શીખવ્યું અને કોરોનાએ જ શીખવ્યું કે ઓછામાં ઓછી જરૂરિયાત સાથે કઈ રીતે રહી શકાય. ડિઓડ્રન્ટ વિના ઘરની બહાર પગ નહીં મૂકનારો બબ્બે દિવસ સુધી નાહતો નથી અને એમ ચાલી પણ શકે એવી સભાનતા તેને આવી ગઈ છે. ત્વચા પર કેમિકલનું લેયર ચડાવીને મઘમઘતા રહેવાની માનસિકતા હવે નીકળી ગઈ છે. લટાર મારવા જવું પડે એ અનિવાર્યતા પણ નીકળી ગઈ છે અને હેર-કલર વિના પગ બહાર નહીં મૂકવાનો વણલખ્યો નિયમ પણ કોરોનાએ તોડી નાખ્યો છે. કોરોનાએ વાસ્તવવાદી બનાવવાનું કામ કર્યું અને વાસ્તવવાદી બનીને રહેવાના ફાયદા પણ એણે સમજાવી દીધા. હવે દીકરો કૅચઅપ વિના જમી લે છે અને દીકરી ચીઝ વિના ખાતી થઈ ગઈ છે. મારો સમાજ સુધરી રહ્યો છે સાહેબ. મારા સમાજમાં સમજણ આવી ગઈ છે અને એટલે જ તેનું સ્વાસ્થ્ય પણ સુધરી રહ્યું છે. ઍટ લીસ્ટ આને માટે તો કહેવું પડે, થૅન્ક યુ કોરોના.

manoj joshi columnists